ક્રૂર માશૂક – કલાપી 3


કપાવી માશૂકે ગરદન હમારી કોઈના હાથે !
વળી છે રિશ્વતે દૂરે રખાવ્યો મોતને હાથે !

ખુદાઈ મોત પણ તાબે ઈશારે માશૂકે કીધું !
જબાં આંખો વગર આવું હમોને લોટવું દીધું !

ખુદાએ પાથરી આપ્યું ફૂલોનું આ બિછાનું ત્યાં,
લઈને પાંખડી તોડી રખાવ્યા માશૂકે કાંટા !

નઝર એ શું નથી પહોંચી હજુએ આગની પાસે?
હજુ અજમાવવું એ જ છે રહ્યું બાકી ખુદા સામે !

જહાંને વખ્તના જેવી કરે છે વખ્ત વ્હેનારો !
સહી જાશે મ્હને એ આ સનમનો ખારનો ક્યારો !

અરે ! જો કોઈને હાથે હજુ ખ્વાહેશ બર લાવે !
સનમ રાજી, હમે રાજી, ખુદાની એ જ છે મરજી !

“સમાજે પોતાની સુરક્ષા માટે નિયમો બનાવ્યા, તો વ્યક્તિને પોતાના સુખ માટે પોતાના નિયમો પણ હોઈ શકે, હા, પેલા નિયમ સાથે મેળ ન બેસે, પણ વ્યક્તિનું દુઃખ તો દૂર થાય. વ્યક્તિ નહીં, તત્વનું મહત્વ છે. સંજોગોનો ઘડનાર પરમાત્મા છે અને તેનું કોઈ પણ સર્જન પૂજનીય હોય છે. ભાવનાની સચ્ચાઈ એ જ પ્રભુ પૂજા છે. લોકો શું કહેશે એ બધું વિચારીને આખી જીંદગી જીવતા રહીએ, પછી ઈશ્વર શું કહેશે ? એ પ્રશ્ન સાથે ગુનેગાર બનીને જીવવાનું ? આખી જીંદગી વેદના અને ગુનાહીત હ્રદય સાથે? ….. ”

રાજવી કવિ સૂરસિંહજી તખ્તસિહજી ગોહીલ, ‘કલાપી’ ના વિચારોનો એક આગવો સાગર એટલે તેમના ઉર્મિસભર કાવ્યો. લાઠીના આ કવિવર રાજવીનો પ્રેમ પણ અનોખો હતો, સમયના બંધનોથી ખૂબ આગળ અને આગવો. પ્રસ્તુત રચનામાં તેઓ માશૂકની હ્રદયવિહીનતાની વાત કરે છે. માશૂક એક ઈશારે ખુદાઈ મોતને પણ પોતાના કાબૂમાં કરી શકે છે, કોઈના હાથે ગરદન કપાવનાર માશૂક પ્રત્યે તેઓ શું કહે? તેણે ફૂલ હટાવીને કાંટાની સેજ પાથરી છે. સમયની સાથે સનમનો આ ભાવ પણ સહી શકાશે તેવી આશા તેમને છે. અને અંતે તેઓ એ વાતે રાજી થાય છે કે સનમ રાજી છે, પોતાના દુઃખમાં પણ જો સનમ રાજી હોય તો એને ખુદાની મરજી સ્વીકારી પોતે ખુશ થઈ શકે એવી એક પ્રેમીની ભાવના આટલી સુંદર રીતે કલાપી સિવાય કોણ વ્યક્ત કરી શકે?


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “ક્રૂર માશૂક – કલાપી