એ તો એની સાથે હોય જ – દોલતભાઈ દેસાઈ 1


પારિસના ફૂટપાથ પરના રેસ્ટોરાંમાં બેસીને મધરાતે કોફી પીવાની મજા અનેરી હોય. તેમાંયે એફિલ ટાવરની પેલી કોરની રેસ્ટોરાંમાં બેસો તો જગતના ભાતીગળ લોક જોતા રહો ને ચિંતન કર્યા કરો. કોઈ અલગારી મજા મળે. બેઠો’તો ૧૯૭૪ ના માર્ચમાં ત્યાં. ઓર્ડર આપ્યો. વેઈટ્રેસને કોફીનો. પાસે ભાતીગળ લોકો હતા, બધાં જ ઓળખ્યા વિના વાત કરવા બેસી જાય. ન નામ, ન ઠામ, ન રંગ કે ન દેશ જુએ; માણસ છો એટલું પૂરતું. જેને જિદગીમાં પહેલી વખત જોયા અને પછી જોવાના નથી તે વાતો કરે, ગીતો ગાય, ઘડી બે ઘડી બેસે અને પછી અલવિદા ! વિચારું છું, ત્યાં કોફી આવી.

વેઈટ્રેસ અડધું અંગ્રેજી જાણે.

કોફી જોડે કેક ને વેફર પણ હતાં.

મધરાતે કેક ખાવાની ઈચ્છા નહીં.

મેં કહ્યું, “માત્ર કોફી જોઈએ, કેક ન જોઈએ.”

વેઈટ્રેસ જોતી રહી, કહે, “પણ એ તો એની સાથે જ હોય, કોફીની સાથે હંમેશા કેક લેવાય.”

ભારે વાત કહી ગઈ. પારિસનાં બહેન બેઠેલાં. સમજાવે મને કે એકલી કોફી પીવાથી અલ્સર થાય. કેક લેવાથી નુકસાન ન થાય. પારિસમાં – અરે, આખા ફ્રાન્સમાં – યુરોપમાં સામાન્ય રિવાજ કોફીનો ઓર્ડર આપો એટલે કોફી જોડે કશુંક ખાદ્ય આપવાનો.

તે રાતે વિચાર મનમાં ઘોળાયા. પ્રવાસની ડાયરીમાં નોંધ્યું, “એ તો એની સાથે જ હોય” હજી સુધી એ વાક્ય ‘ઉપનિષદ’ ની ઋચાની જેમ લાગે છે.

એક જણે ગુલાબ ચૂંટતા અસંતોષ વ્યક્ત કર્યો, “આ તો કેવું ! આટલું સારું ફૂલ, ને તે છોડને કાંટા કેમ કર્યા?” તો કો’કે ફરીયાદ કરી – “નાળિયેર આટલું સારું ફળ પણ છોતરાં કેવા કઠણ ?”

એના ઉત્તર રૂપે પડઘો પડે, “એ તો એની સાથે જ હોય.”

– દોલતભાઈ દેસાઈ

{કુદરતે ઘણી વસ્તુઓ અવશ્યંભાવી રીતે આપેલી છે, અમુક વસ્તુની સાથે તેના વિરોધાભાસી ગુણધર્મો પણ આવે જ છે. સખત નાળીયેર ના કોચલાની અંદર તેનું મીઠું પાણી અને નરમ મીઠું નાળીયેર મળી રહે છે. આવી જ કાંઈક વાત કહેતો આ નાનકડો પ્રસંગ  છે. અરધી સદીની વાંચનયાત્રા ભાગ ૨ માંથી સાભાર લેવાયેલો આ પ્રસંગ ખૂબ સુંદર અને મનનીય છે.

(પ્રબુધ્ધ જીવન પખવાડીક, ૧૯૭૭) અરધી સદીની વાંચનયાત્રા – ભાગ ૨ માંથી સાભાર. સંપાદન – મહેન્દ્ર મેઘાણી પ્રકાશન – લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર)}


આપનો પ્રતિભાવ આપો....

One thought on “એ તો એની સાથે હોય જ – દોલતભાઈ દેસાઈ

  • Lata Hirani

    બધુઁ પેકેજ્માં જ મળે. એક જોઇએ અને એક નહિ એ રીતે જીવનમાં ક્યાંય ચાલતું જ નથી. ફૂલ સાથે કાંટા અને નાળિયેર સાથે છોતરાં… સરસ પ્રસંગ