વૃદ્ઘત્વની કેવી ભીની સુવાસ!
ધોવાઈને સ્વચ્છ ઘરા થઈ ગઈ;
તૃષ્ણાતણી કો હળુ લ્હેરખી શી
આછી રમે શરદને નભ વાદળીઓ.
મોજાં તણાં ઊછળતાં ફીણ શ્વેત જેવો
નિર્દોષ ચ્હેરે સ્મિત – છંટકાર
બે ઘ્રુજતા હાથ ઉકેલવા મથે
આયુષ્યની પોથીનું પાન પાન.
ને કંપતી તો ય સુઘીર ચાલે
જઈ રહ્યા પાય અગમ્ય દેશે.
રે કેશ કેશ મહિ દૃષ્ટિની શુભ્રતા શી
ડોકાય, મસ્તક બને અવ ભારમુક્ત.
આયુષ્યનાં વિષ- અમી સઘળાં પચાવી
આંખો વળી નિજમહિં અવ શી ઠરેલ.
જે કૌતુકે શિશુદૃગે નિરખ્યું’તું વિશ્વ
એ કૌતુકે અવ અલૌકિક શોધતી દૃગ
ઝંકાર આદ્ર કરતું ભવ – એક તારે
વૃદ્ઘત્વનું ભાવુક ભવ્ય ગાન.
– ગીતા પરીખ
ભવ્ય ગાન
આપણે બાળકોનો વિચાર કરીએ છીએ. યૌવનની ચિંતા કરીએ છીએ, વૃદ્ઘાવસ્થાનો વિચાર ભાગ્યે જ કરતા હોઈએ છીએ. સમાજમાં વૃદ્ઘો ઘીરે ઘીરે કેન્દ્રમાંથી ખસતા જાય છે. એક વેળા સંયુક્ત કુટુમ્બમાં વૃદ્ઘો ‘વડીલ’ તરીકે આદર પ્રાપ્ત કરતા; હવે કુટુમ્બો વિકેન્દ્રિત થવા લાગ્યા છે, ત્યારે વૃદ્ઘો જુવાનોના જીવનપ્રવાહમાં કૈકં અંતરાય જેવા મનાતા હોય એવો અનુભવ ઘણાને થાય છે.
આ પરિસ્થિતિમાં વૃદ્ઘત્વનું સૌન્દર્ય, વૃદ્ઘત્વનું કાવ્ય આપણે ગુમાવી બેસીએ છીએ. વૃદ્ઘત્વની ભીની સુવાસથી અપરિચિત રહી જઈએ છીએ. તમે નાના બાળક જોડે કિલ્લોલ કરો ત્યારે એક પ્રકારનો આન્ંદ મળે છે; વૃદ્ઘ સાથેનો કિલ્લોલ નવો જ સ્નિગ્ધ આનંદ આપે છે. બાળક અને વૃદ્ઘ – બન્નેની વિશેષતા એમના સ્મિતમાં રહી છે.
આયુષ્યની પોથીનાં બહુ જ ઓછાં પૃષ્ઠ બાકી હોય છે અને વૃદ્ઘો એ કંપતા હાથે ઉકેલવા મથે છે. જીવનના પુસ્તકની ખુબી જ ત્યાં છે; બાળકને મન એ પરીકથા જેવું લાગે છે; જુવાનને મન જીવનની કિતાબ કોઈ રોમાંચક સાહસકથા જેવી લાગે છે; એમાં કોઈક રહસ્ય રહ્યું છે અને એ ઉકેલવું જોઈએ એનો ખ્યાલ માત્ર વૃદ્ઘોને જ આવે છે. એટલે એ એનાં એક એક પૃષ્ઠને ઉકેલવાનો પ્રયત્ન કરે છે. આની પાછળ ભય નથી હોતો; એની ગતિમાં કંપ છે, પણ એ તો વૃદ્ઘાવસ્થાની શારીરિક અવસ્થાને કારણે છે. એની ગતિમાં ઘીરતા છે- અને એ સુઘીર ગતિએ કોઈ અગમ્ય દેશની યાત્રા માટે પોતાની જાતને સજ્જ કરે છે.
પ્રૌઢ વયમાં પ્રવેશતા માણસને કેટલીક વાર શ્વેત વાળ ચિંતાનું કારણ લાગે છે; એ ધવલતાને છુપાવવા પ્રયત્ન કરતો હોય છે – પણ વૃદ્ઘાવસ્થામાં શ્વેત વાળ શણગાર બની જાય છે. એક વાર એક લેખકને કોઈએ પૂછ્યું, ‘તમારા વાળ હવે સફેદ થવા લાગ્યા છે. તમે કોઈ ઉપાય કરતા નથી?’ લેખકે કહ્યું, ‘ શા માટે’? આ વાળને ધોળા કરતાં મને ૬૦ વરસ લાગ્યા છે.’ સફેદ વાળના આ ગૌરવની પ્રતીતિ જેમને થઈ છે એ આપોઆપ ભારમુક્તિ પણ અનુભવે છે.
એક ઉર્દૂ કવિએ કહ્યું હતું કે જુવાનો પોતાના જખમો ને બારીની માફક ખોલીને બતાવતા હોય છે; વૃદ્ઘો મૂગે મોંએ જખમ સહન કરી લેતા હોય છે અને હોઠ પર સ્મિત ઉપસાવતા હોય છે. આયુષ્યમાં સાંપડેલા વિષ અને અમૃતની કસોટી આ વય સુઘીમાં તેમને પ્રાપ્ત થઈ ચૂકી હોય છે.
બાળક અને વૃદ્ઘ બન્નેની આંખોમાં કૌતુક હોય છે; બાળક કૌતુકથી પોતાની આસપાસનું જગત જોતું હોય છે; એક વૃદ્ઘનું કૌતુક અલૌકિક માટેનું હોય છે.
વૃદ્ઘાવસ્થાના એક પ્રસન્ન શાંત ગીતને અહીં કવિયત્રીએ ઉપસાવ્યું છે. આ ગીતનું વરદાન બઘી જ વૃદ્ઘાવસ્થાને પ્રાપ્ત થયું નથી; ઘણા બઘા વૃદ્ઘોને આપણે ફરીયાદ કરતા, જીવનને શાપતા જોઈએ છીએ; પણ જે જીવનને એના ગૌરવ સાથે જીવ્યા હોય અને જેમણે સાથે પોતાના અંગત જીવનનું પ્રમાણ મેળવી લીઘું હોય તેઓની વૃદ્ઘાવસ્થા ‘ ભાવુક ભવ્યગાન’ જેવી બનતી હોય છે.
શિશુ જીવનના માર્ગ પર ભાખોડિયા ભરે છે; યુવાનીમાં માણસ જીવનના રસ્તા પર દોટ મૂકે છે, પણ જીવનના રસ્તા પર પ્રસન્ન્તાથી ટહેલવાનો અવકાશ જીવન પરિતૃપ્તિથી જીવી ગયેલા વૃદ્ઘોને જ સાંપડે છે.
– શ્રી હરિન્દ્ર દવે
(શ્રી હરિન્દ્ર દવે દ્વારા જન્મભૂમી પ્રવાસી સાપ્તાહિકના કવિ અને કવિતા વિભાગમાં લખાયેલા કાવ્ય આસ્વાદોના સંકલન પુસ્તક “માનસરોવરના હંસ” માંથી સાભાર, પુસ્તક પ્રકાશન – પ્રવીણ પ્રકાશન, લાભ ચેમ્બર્સ, ઢેબર રોડ, રાજકોટ, મૂલ્ય – ૫૨ રૂપિયા, કુલ પૃષ્ઠ – ૧૬૦)
વૃધ્ધત્વનું મધુર ગાન ગાતું ગીત ગમ્યું.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
સુંદર કાવ્ય !
સુંદર ને ભવ્ય ગાન !
અને એટલો જ સુંદર આસ્વાદ !
આભાર જીજ્ઞેશભાઈ !
વૃદ્ઘાવસ્થાના એક પ્રસન્ન શાંત ગીતને અહીં કવિયત્રીએ ઉપસાવ્યું છે. આ ગીતનું વરદાન બઘી જ વૃદ્ઘાવસ્થાને પ્રાપ્ત થયું નથી; ઘણા બઘા વૃદ્ઘોને આપણે ફરીયાદ કરતા, જીવનને શાપતા જોઈએ છીએ; પણ જે જીવનને એના ગૌરવ સાથે જીવ્યા હોય અને જેમણે સાથે પોતાના અંગત જીવનનું પ્રમાણ મેળવી લીઘું હોય તેઓની વૃદ્ઘાવસ્થા ‘ ભાવુક ભવ્યગાન’ જેવી બનતી હોય છે.
…. શ્રી હરિન્દ્ર દવેના આ તારણ સાથે સહમત થવાનું મન થાય છે. કાવ્ય ખૂબ જ ગમ્યું.