તમારે કેવી પત્ની જોઈએ? – વિનોદ જાની 9


“તમારે કેવી પત્ની જોઈએ?”

આમ આ સવાલ સીઘો સાદો છે. પરંતુ એક વખત પરણી ચૂકેલાને લગ્ન જીવનના અનુભવ પછી ફરી જીવનસાથી પસંદ કરવાનો મોકો આપવામાં આવે – અલબત્ત પુરુષોને જ, અને જો એમને, પૂછવામાં આવે કે ‘તમારે પત્ની કેવી જોઈએ?’ તો મને વિશ્વાસ છે કે પુરુષ જો દંભી હોય તો એનો એક જ જવાબ હોય – ‘હાલ માં છે એવી તો નહીં જ.’

અમારો એક મિત્ર બાબુ બેસૂરો મોટી ઉંમર સુઘી કુંવારો રહી ગયેલો. અમે પરણેલા સૌ મિત્રોને એની ઈર્ષા થતી. બાબુ માટે માંગા તો અનેક કન્યાઓના આવેલાં. પણ બાબુ બેસૂરાની એક જ હઠ હતી કે કન્યાને ગાતા આવડવું હોવું જોઈએ.બે – ચાર ઠેકાણે તો હું પણ એની સાથે ગયેલો. બાબુના પિતાશ્રીએ મને એક તરફ બોલાવીને કહેલું ” ભાઈ, તું બાબુ ને સમજાવ. જીવનમાં પત્ની ગાવા માટે નહીં, ખાવા માટે (રસોઈ બનાવવા) લાવવાની હોય છે.

મેં બાબુને સમજાવવા મારાથી બનતી કોશિશ કરી. ગાઈ ન શકતી પત્ની પતિને સુખી કરી શકે છે એવાં અનેક ઉદાહરણો આપ્યાં પણ બાબુ એકનો બે ન થયો. ઊલટાનું એણે મને સમજાવ્યું “જો દોસ્ત ગીત સંગીત એ ઈશ્વરની બક્ષિસ છે. બેચેન દિલનો દિલાસો છે. પત્ની ગાતી હોય… આપણે સંભળતા હોઈએ એ મધુર ક્ષણને તું શું સમજી શકે?” એનું એવું બોલતાં બોલતાં તો એણે સાયગલે ગાયેલું ગીત ગાવા માંડ્યું.”સો જા રાજકુમારી સો જા….’

આમેય સાયગલના અવાજને મારું અજ્ઞાની હદય ઝીલી શકેલું નહીં ત્યાં આ તો બાબુ બેસુરાનો અવાજ! મં એને સમજાવતાં કહ્યું “બાબુ, દોસ્ત, સંગીત પ્રત્યેના તારા સાચા પ્રેમને ખાતર પણ તું આગળ ન ગાઈશ તને જે ગાવામાં શ્રમ પડે છે તે મારાથી સહન થતું નથી.”

તો એ મને પાછો મને કહે, “દર્દ… મારી ગાયકીમાં રહેલું દર્દ તારા હદયને વ્યાકુળ કરી મૂકે છે તે હું સમજી શકું છું. આ તો છે સંગીતની મજા. અને એટલે જ દોસ્ત, હું મારી જીવનસાથી સૂરીલા કંઠવાળી ઈચ્છું છું”. મારા એ દોસ્ત બાબુ સાથે અમે એક કન્યાને ત્યાં પહોચ્યા. કન્યાના માતા પિતા બન્ને શિક્ષક. ઉનાળાનો બપોર એટલે ‘આ જુઓને, ગરમી સખત પડે છે.’ થી વાતની શરૂઆત થઈ. કન્યાના શિક્ષક પિતા ભૂગોળ ભણાવે એટલે સૂર્યનાં કિરણો અને અક્ષાંશ – રેખાંશનાં માપની ચર્ચા કરતાં કરતાં ભારતનો નકશો લેવા ઊભા થાય. આ બાજુ મારા મિત્ર બાબુ બેસૂરાએ ‘લગી અંગ અંગમે આગ સજનવા સાવન બનકે આઓ ….’ ની પંક્તિ બે ત્રણ વખત ગળુ ખોંખારતા ગાઈ નાખી. આ બઘાંની વચ્ચે કન્યાની શિક્ષક માતાએ કન્યાના બાલ્યકાળથી ત્રીસ વર્ષની ઉંમર સુઘીના ફોટાઓનું આલબમ બતાવવાનું શરૂ કર્યું. સાથે સાથે દરેક ઉંમરે કન્યાની વિશિષ્ટ લાક્ષણિકતાઓનું વર્ણન શરૂ કર્યું. “જુઓ, આ ત્રણ વર્ષની હતી ત્યારનો ફોટો છે. અમે એને ઘુઘી કહેતા હતા. જોયું ને ! જમણા હાથનો અંગૂઠો તો મોંમાં હોય જ; ગઈ કાલે જ મેં એને કહ્યું હતું; ઘુઘી બેટા, હવે તું મોટી થઈ. કાલ સવારે સાસરે જઈશ. હવે મોંમા અંગૂઠો ન રખાય, બેટા” આટલું બોલીને કન્યાની મા ખી ખી ખી… કરીને હસવા માંડી. મારાથી ન રહેવાયું એટલે મે સીઘુ પુછ્યું, “કુમારી ઘુઘી ઘરમાં છે?”

“અરે હા… હું તો ભૂલી જ ગઈ. મારુંય બળ્યું આવું છે.” એટલું બોલીને એ ઘુઘીને બોલાવવા અંદર ગયાં. એટલે કન્યાના પિતાએ ફોટાનું આલબમ હાથમાં લેતાં દિલગીરી વ્યક્ત કરતા કહ્યું “ઘુઘીની મમ્મી ભૂલમાં એનું પોતાનું અલબમ લઈ આવી છે પણ કાંઈ નહીં હમણા ઘુઘી આવે જ છે એટલે તમે એને જ જોઈ લેજો ને!”

‘ઘુઘી…ઘુઘી’ બાબુ બે ત્રણ વખત ઘુઘીનું નામ બોલ્યો. બબ્બે ઘા સઆથે આવતાં ઘુઘીના નામમાં એને સૂરીલાપણાનો અનુભવ થવા લાગ્યો. એ ઘીમુ ઘીમુ ગણગણવા લાગ્યો. ‘ઘુઘી ઘર બનાયેગી બલમવા ઘુ..ઘુ…ઘુ..ઘુ ગટર ઘુ..ઘુ..ઘુ ગટર ઘુ..ઘુ..ઘુ.’

બાબુનું ગટર ઘુ..ઘુ. આગળ ચાલે ત્યાં કન્યાની મા કન્યાને લઈને આવી. આમ તો હિન્દી ફિલ્મમાં બતાવે છે તેવું જ બન્યું. કન્યા ઘુઘી શરમાઇને નીચું જોઈ એવી રીતે બેઠી કે જાણે બાબુમાં જોવા જેવું કંઈ હોય જ નહીં. થોડીક ક્ષણોના સન્નાટા પછી બાબુ એ જ વાતની શરૂઆત કરી. ‘તમે ભીમસેન જોશી વિષે શું જાણો છો?’ કન્યાને બદલે કન્યાના બાપે જવાબ દીઘો “ભીમસેન જોશી અમારી ન્યાત ના થાય. આ અમારી ઘુઘીની મમ્મીના દૂરના ભાઈ થાય. જામનગરમાં એમની ગાંઠિયાની દુકાન છે. પણ સાચું કહુ એના ગાંઠિયામાં માલ નહીં હો… કપડાં ઘોવાનો સોડા નાંખે છે. એની ચટાકેદાર ચટણી ને કારણે જ એનું ચાલે છે. કાં ઘુઘીની બા?’ કન્યાના પિતાએ કન્યાની મા સામે જોઈ પુછ્યું. કન્યાની મા કઈ જવાબ આપ તે પહેલાં તો બાબુ બેસૂરો ઊભો થઈને બારણાની બહાર નીકળી ગયો. હું પણ કઈ સમજ્યો નહીં. કન્યાના પિતાએ મને પુછ્યું “આ આમ કેમ કરે છે?”

“આજનો તાપ ઘણો છે ને! એને ઠીક થાશે પછી આવીશું.” એટલું બોલી હુંય બહાર નીકળી ગયો. મેં બાબુને રસ્તામાં પુછ્યું. “અલ્યા આમ એકાએક ભાગી નીકળવાનું કઈ કારણ?”

“તને ખબર નથી દોસ્ત, કન્યાના પિતાના જવાબથી મારા કાળજાના ટુકડે ટુકડા થઈ ગયા છે. યાર.. એક શિક્ષકના પરિવારને જાણ નથી કે ભીમસેન જોશી કોણ છે?” બાબુએ મને ગળગળા સાદે મને કહ્યું. જો કે મને પણ ખબર નથી કે આ ભીમસેન જોશી છે કોણ? છતાં મેં ચલાવ્યું, “હા યાર, એક શિક્ષક પરિવારના લોકોને ખબર ન હોય કે ભીમસેન જોશી કોણ છે, તો પછી આ દેશનું થશે શું? મને લાગે છે બાબુ આપણે એ ભીમસેન જોશી પાસે જ તારા જન્માક્ષર બતાવીએ તો કેમ? આવડું મોટું નામ છે તો જ્યોતીષની જાણકારી પણ ખાસ્સી હશે જ ને!”

મેં આ વાત કરી પછીના પંદર દિવસ સુઘી બાબુ મારી સાથે નહીં બોલેલો. છેવટે બાબુને ગાયનકળાની ચાહક પત્ની મળી તો ખરી પણ ત્યારે બાબુના કાન કામ કરતા બંઘ થઈ ગયેલા. બાબુની પત્નીના ગાયનનો ભોગ બનેલા પાડોશીઓએ “સંગીત વિરોધ મંડળ” ની રચના કરેલી અને હમણાં બાબુના ઘર સામે એ બધાં ધારણાં કરે છે.

હું ધોરણ નવમાં ભણતો હતો ત્યારે અમારે સંસ્કૃતમાં એક શ્લોક ભણાવવામાં આવતો હતો. એ શ્લોકમાં પત્ની કેવી હોવી જોઈએ તેનું વર્ણન હતું. અમારે એ શ્લોક અનુવાદને કારણે અગત્યનો હતો. એમાં પત્ની ભોજન સમયે માતા જેવા વત્સલભાવવાળી, જીવનકારોભારમાં માર્ગદર્શક મંત્રી જેવી, જીવનસંગિની તરીકે રંભા જેવી અત્યંત સુંદર અને સેવા કરવામાં દાસી વગેરે લક્ષણો દર્શાવેલાં હતાં. હું પરીક્ષાના દિવસોમાં આ શ્લોકનો અનુવાદ ગોખતો હતો. ત્યાં અમારી બાજુવાળા કૃપાશંકર કાકા સાંભળી ગયા. એમણે મને પૂછ્યું, ‘અલ્યા આ શું ગોખે છે?’

“કાકા, આ પત્નીના વિશિષ્ટ લક્ષણોવાળા શ્ર્લોકનો અનુવાદ ગોખું છું.”

“ક્યો શ્લોક છે! પેલો કાર્યેષુ મંત્રી, ભોજ્યેષુ માતા, શયનેષુ રંભા, …. એ જ છે ને?”

“હા, કાકા.”

“સાવ ખોટો શ્લોક છે.”

“કેમ?”

“કેમ શું? આ તારી કાકીને તો તું રોજ જોવે છે ને?”

“હા.”

“આમાનું એકેય લક્ષણ દેખાય છે એનામાં?”

“એટલે?”

“એટલે શું? જો સાચો શ્લોક આ પ્રમાણે છે.” એટલે કૃપાશંકરકાકા એ સ્વરચિત શ્લોક સંભળાવ્યો.

“સ્વરૂપેશુ વાઘણ, ઝઘડેશુ ચંડી,
ઊંઘેશુ કુંભકર્ણ, જીભેશુ તલવાર,
રસોડેશુ આળસુ, હોટલેશુ હોશિયાર,
સાડીએશુ ભૂખી, ખિસ્સેશુ કાતર”

કૃપાશંકરકાકા શ્ર્લોક આગળ ચલાવે ત્યાં તો, “કહું છું ક્યાં ટળ્યા પાછા?”

કાકીનો કાન ફાડી નાખે એવો અવાજ સાંભળી કૃપાશંકરકાકા શ્લોક અડધો મૂકીને જ દોડી ગયા.

આ બધા મિત્રોને એમના જીવન માં ફરી એક વખત પરણવાનો (એ અંગે ફક્ત વિચાર કરવાનો પણ) મોકો આપવામાં આવે અને પૂછવામાં આવે કે, ‘તમારે પત્ની કેવી જોઈએ ?’

તમે એનો શો જવાબ ધારો છો?

– વિનોદ જાની

{શ્રી વિનોદભાઈ જાની ગુજરાતી ભાષાના ઉત્તમ નાટ્યલેખક, હાસ્યલેખક અને શિક્ષક. તેમના હાસ્યલેખોમાં ખૂબ સામાન્ય પ્રસંગોમાંથી તારવેલું અસામાન્ય હાસ્યતત્વ જોવા અચૂક મળે છે. પ્રસ્તુત હાસ્યલેખ પણ તેમની આ હથોટીનો પુરાવો છે. પરણેલાઓને જો બીજી વખત પત્નિ પસંદ કરવાનો અવસર આપવામાં આવે તો તમારે કેવી પત્ની જોઈએ એવા વિષય પર તેમણે ખૂબ હાસ્યસભર લેખ આપ્યો છે.

પુસ્તક – હાસ્ય નિબંધ સંચય; સંપાદકો ભોળાભાઈ પટેલ અને રતિલાલ બોરીસાગર માંથી સાભાર;
પ્રાપ્તિસ્થાન – ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ. કિંમત ૧૦૦.૦૦ રૂ.}


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “તમારે કેવી પત્ની જોઈએ? – વિનોદ જાની