બાળક મૂળશંકર – ઝવેરચંદ મેઘાણી 2


સૌરાષ્ટ્રમાં મોરબી નામે દેશી રાજ્ય હતું. તેમાં ટંકારા નામે એક ગામ છે. આ ગામમાં એકસો ને સત્તર વર્ષ પહેલાં કરશનજીભાઈ નામના એક ઔદીચ્ય બ્રાહ્મણ રહેતા હતા. પોતે જમીનદાર હતા, લેણદેણનો ધંધો પણ કરતા . ભિક્ષાવૃત્તિ નહોતા કરતા. ચુસ્ત શિવભક્ત હતા.

તેમને ઘરે મૂળશંકર નામે દીકરો હતો. દીકરાને માતા પિતા કુળની રીતિ મુજબ શિક્ષણ દેતા હતાં. પાંચ વર્ષની વયે તો મૂળશંકરે દેવનાગરી કક્કો ભણવા માંડ્યો. મા-બાપ એને ધર્મશાસ્ત્રોના શ્ર્લોકો અને સુત્રો પણ મોઢે કરાવતાં હતાં.

મૂળશંકર આઠ વર્ષનો થયો, એને જનોઈ દીઘી. ગાયત્રી મંત્ર, સંધ્યા અને તેની ક્રિયા પણ શીખવવામાં આવ્યાં. યજુર્વેદની સંહિતાઓ પણ એને ભણાવવા લાગ્યા. ઉપરાંત પિતા એને માટીનું શિવલિંગ બનાવીને પૂજા કરવાનું પણ કહ્યા કરતાં.

દીકરાનો આવો કઠોર ઉછેર મૂળશંકરની બાને ગમતો નહિ. છોકરો માંદો પડશે, છોકરાને સવારે વહેલા જમવાની ટેવ છે, એ મોડે સુઘી ભુખ્યો ન રહી શકે, અને પૂજાપાઠ કરે તો તો વહેલાં જમાય નહિ, એવું કહીને બા વિરોધ કરતાં. બાપુ હઠ કરતા કે પૂજા તો કરવી જા જોઈએ, કારણ કે એ તો કુટુંબની રીતિ છે. એમ કરતાં કરતાં આ વિરોધ એટલો બધો વધ્યો કે બા અને બાપુ વચ્ચે કંકાસ પણ મચવા લાગ્યો. આ અરસામાં મૂળશંકરે તો કંઈક વ્યાકરણ, વેદ વગેરેનો અભ્યાસ કરી કાઢ્યો. બાપુ એને પોતાની સાથે મંદિરોમાં ને સંમેલનોમાં લઈ જતા તથા કહેતા કે શિવ ઉપાસના જ સર્વથી શ્રેષ્ઠ છે. ચૌદ વર્ષનો થતા સુઘીમાં તો મૂળશંકરે યજુર્વેદની સંહિતા પૂરી શીખી લીઘી, બીજા વેદોના પાઠ પણ ખતમ કર્યા, નાના નાના વ્યાકરણ ગ્રંથો પણ ભણી કાઢ્યા. પછી તો જ્યાં જ્યાં શિવપુરાણ વગેરેની કથા થતી હોય ત્યાં બાપુ એને બેસારતા હતા અને બાની ના છતાં માટીના શિવલિંગનું પૂજન પણ એની પાસે કરાવતા હતા.

એમા કરતાં શિવરાત્રી આવી. તેરશને દિવસે બાપુએ એને શિવરાત્રીની કથાનો મહિમા સંભળાવીને વ્રત કરવાનો પણ નિશ્ર્વય પણ લેવરાવ્યો. બા કહે કે એનાથી બાપાડા વ્રત નહિ રહેવાય, પણ વ્રત તો લેવાઈ ચૂક્યું હતું.

ચૌદશની રાત પડી. વસ્તીના મોટા મોટા શિવભક્તો પોતપોતાના પુત્રોને લઈ મંદિરમાં જાગરણ કરવા ગયા. મૂળશંકર પણ બાપુ સાથે ત્યાં ગયો. શિવરાત્રીના પહેલા પહોરની પૂજા કરીને બધા પૂજારીઓ તો બહાર નીકળી ઊંઘી ગયાં, પણ ન સૂતો એક મૂળશંકર. એણે સાંભળી રાખ્યું હતું કે સૂવાથી તો શિવરાત્રી નું ફળ ન મળે. આંખે પાણી છંટકોરી છંટકોરીને એ જાગતો રહ્યો. પછી તો બાપુ પણ સૂઈ ગયા.

“બાપુ, બાપુ ! જાગો ને !”

“કેમ મૂળશંકર ? શું છે?”

“બાપુ, આ મંદિરના જે મહાદેવ છે, તે પેલા શિવરાત્રીની કથાવાળા મહાદેવ, કે કોઈ બીજા ?”

“એમ કેમ પૂછે છે?”

“કથાના મહાદેવ તો પોઠિયાના વાહનવાળા, ફરતાહરતા, ખાતાપીતા, હાથમાં ત્રિશૂળ રાખતા, ડમરું બજાવતા, વર દેતા ને શાપ આપતા કૈલાસપતિ છે; તો આ મહાદેવ કેમ નિર્જીવ છે?”

“નિર્જીવ કેમ ?”

“આ મહાદેવના લિંગ પર તો ઊંદરડા ફરે એ ને ગંદકી કરે છે; મહાદેવજી એમ કેમ કરવા દે છે?”

“તેં ક્યારે જોયું?”

“અત્યારે જોયું. તમે બધા સૂઈ ગયા હતા. હું જાગતો હતો.”

“છોકરા, આ તો કળિયુગ છે. કૈલાસ મહાદેવ સાક્ષાત દર્શન દેતા બંધ પડ્યા છે, એટલે જ એમની મૂર્તિનું આવાહન કરવાનું છે, અહીં એમની મૂર્તિ પૂજીએ એટલે ત્યાં કૈલાશમાં તે પ્રસન્ન થાય.”

મૂળશંકર ચૂપ બની ગયો. મનમાં ને મનમાં એને થયું, નક્કી આ બાબતમાં કાંઈક ગોટાળો છે. રાત હજુ ઘણી બાકી હતી, પણ મૂળશંકરને કકડીને ભૂખ લાગી હતી. એણે બાપુને પૂછ્યું, “ઘેર જાઊં?”

“હા, પણ ખબરદાર, સવાર પહેલા ખાઈ ન લેતો.”

ઘેર પહોંચીને મૂળશંકરે બાને કહ્યું, “બા, બહુ ભૂખ લાગી છે, રહેવાતું નથી.” બાએ મીઠાઈ આપી એ ખાઈને રાતના એકાદ વાગ્યે મુળશંકર સૂઈ ગયો.

બાપુએ સવારે ઘેર આવીને જાણ્યું કે મૂળશંકરે શિવરાત્રી ભાંગી તો તે બહુ ગુસ્સે થયા, કહે કે તે મહાપાપ કર્યું.”

મૂળશંકરે જવાબ આપ્યો, “આ કથાવાળા મહાદેવ નથી, તો પછી હું એની પૂજા શીદને કરું? તમે કહો છો કે ભણ પણ મને આ પૂજાપાઠમાંથી વખત જ ક્યાં મળે છે?” એવું મનમાં તો નહોતું છતાં ઉપરથી કહીને પિતાને શાંત પાડ્યા. બાએ ને કાકાએ પણ બાપુનો રોષ ઓછો કરાવ્યો, બાપુ કહે, ભલે ભણે. નાનકડા મૂળશંકરે ભણવા માંડ્યું ! નિઘંટુ, નિરુક્ત અને પૂર્વમિમાંસા જેવા અઘરાં શાસ્ત્રો શીખવા – ગોખવા લાગ્યો અને કર્મકાંડ પણ શીખવા લાગ્યો.

**************

દયાનંદ સરસ્વતિ કહેતા, “પ્રભુને શોધવા જ હોય તો તમારી અંદર શોધો, ગરીબોમાં, અશક્તોમાં, વૃધ્ધોમાં, જરૂરતમંદોમાં શોધો, પણ તમને તેમાં રસ નથી, તમને રસ છે કર્મકાંડોમાં.” ફક્ત કોરી પૂજામાં વિધિઓમાં પ્રભુને શોધવાની આપણી વૃત્તિ સ્વાર્થી છે. પથ્થરમાં પ્રભુની પ્રતિષ્ઠા કરવા જીવતા જાગતા આસપાસના ગરીબો, અશક્તો, વૃધ્ધોને આપણે કોઈ મદદ કરતા નથી, પરંતુ મૂર્તિની પૂજા આપણે કલાકો કરી શકીએ છીએ, હજારો ખર્ચી શકીએ છીએ. પ્રભુની મૂર્તિની પૂજા થવી જોઈએ, આરાધના થવી જોઈએ, પરંતુ એ આરાધના જ્યાં સુધી તેના સાચા અર્થને, આપણામાંના સ્વને અને તેની મહત્તાને નહીં પામે ત્યાં સુધી બધી પૂજા, આરાધના વ્યર્થ છે. શિવરાત્રીનું પર્વ શિવ આરાધનાનું પર્વ છે, શિવ એટલે સદભાવ, શિવ એટલે સર્વનું કલ્યાણ, શિવરાત્રીના દિવસે પેલા પારધીને સાચાબોલા હરણાંએ આપેલું વચન અને એ વચન પાલન માટે આખી રાત જાગતા રહી બિલીના વૃક્ષ પર બેસી રહેલા પારધીની વાત કોને ખબર નહીં હોય? મૃત્યુના ભય વગર પણ વચનપાલન ખાતર પાછા આવેલા એ હરણાં અને તેમને છોડી મૂકનાર એ પારધી આમ શિવને પામે છે.

જો કે આપણામાં હવે ઉપવાસનો મતલબ પૂજા અને આરાધના થતો નથી. મનની એકાગ્રતા અને પૂજામાં ધ્યાન લાગી રહે તે માટે કરવામાં આવતા ઉપવાસ હવે દિવસમાં બે વખત, થાળીમાં સાત આઠ ફરાળી વાનગીઓના આહાર સાથે કરવામાં આવે છે. દિવસો બદલાય છે, વૃત્તિ નહીં, દિવસની પવિત્રતા વૃત્તિમાં, આચરણમાં ન આવે ત્યાં સુધી શિવ તત્વ કેમ મળે? પ્રયત્ન કરવો જોઈએ કે આ શિવરાત્રી ફક્ત એક કર્મકાંડ કે ઉપવાસનો વધુ એક દિવસ ન બની રહેતા શિવ તત્વની આરાધનાનો મહાઉત્સવ બની રહે.

આપ સૌ ને મહા શિવરાત્રીની શુભકામનાઓ.

અમે બે વર્ષ પહેલા મહાશિવરાત્રીએ કરેલા પરાક્રમની આપને ખબર છે? વાંચો આ આખોય હાસ્યની ધમાલનો પ્રસંગ અહીંથી.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “બાળક મૂળશંકર – ઝવેરચંદ મેઘાણી