ભોજન ટાણે યજમાન બિરદાવળ – ઝવેરચંદ મેઘાણી 3


મિષ્ટ ભોજન જમવા ટાણે જે અન્નદતા યજમાન બિરદાવળ બોલે છે. તે –

બા..પો…. હડુડુડુ ઘી ઘી
ન્યાં હોય લીલા દી’
દૂધૂંવાળો દડેડાટ,
ઘીયુંવાળો હડેડાટ

એમાં મળિયું આઈયું 
ને માઠિયા આપા
જાય તણાતા
જાવ દ્યો,
કોઈ આડા ફરતા નૈ
કોઈ રાવળ આવે હડવડે
કોઈ પડપડે

કોઈ મનમાં કચકચ થાય
કોઈ મળિયું ગોદડાં સંતાડે
આઈ દિયે ને આપો વારે
આઈ દિયે ને આઈ વારે
એને લઈ જાય જમને બારે
કોઈ જાતો કોઈ આવતો
કોઇ કાશી કોઈ કેદાર

અન્યનો ખદ્યાર્થી૨ હોય ઈ આવજો….
..ભાઈને ન્યાં કરો ભર્યો ગાજે
બા…પો ! હ ડુ ડુ ડુ
ઘી ઘી ઘી
ન્યાં હોય લીલા દી.
સોયલી વાર!
સત ને વ્રત મખૂટ !

ચડતી કળા, ને રાવળ  વળા!
ઝાઝે ધાને ધરાવ!
સોયલાં ને સખી રો!
આઈ માતા!
તમે ત્રેપખાંના તારણહાર
મા! તમે જનેતા!
છોરવા સમાનો લેખવણહાર!

દુહો

ધીડી કરિયાવર જે કરે, દીઠલ બાપ-ઘરે
હીરા હેમર દિયન્તી, તડ વિક્રમ તરે.

૧ મળિયું= ગાદલા,
૨ ખદ્યાર્થી= ક્ષુધાર્થી,
૩ સોયલીવાર સમૃદ્રવંત વેળા.
૪ મખૂટ= અખૂટ્
૫ રાવળ વળા= રાવળ અર્થાત વહીવંચો તમારે ઘેર આવે તેવી વેળા(સંતતિની છત).
૬ ત્રેપખાનાં=સ્ત્રીના ત્રણ પક્ષઃ પિયર, મોસાળ, સાસરું.
૭ છોરવાં=છોરું,
૮ સમાનો=સામાન.

(‘લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય, વ્યાખ્યાનો અને લેખો – શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા’ માંથી સાભાર.)

આપણે ત્યાં દરેક પ્રસંગને, દરેક નાનામાં નાની રોજીંદી ઘટનાને અનુલક્ષીને ગીતો રચાયાં છે. ચારણી સાહિત્યમાં ઘણાં એવા ગીતો મળી આવશે જે વિશે કલ્પના કરવી પણ મુશ્કેલ હોય. ઉપરોક્ત ગીત એવું જ એક ગીત છે. ઘરે આવેલા યજમાનોને જમવામાં ‘તાણ કરવી’ એટલે કે આગ્રહ કરીને જમાડવું એ સાથે તેઓ જમતાં હોય ત્યારે તેમને બિરદાવતું ગીત ચારણ ગાય એ આ ગીતની પધ્ધતિ છે. લોકબોલીમાં હોવાથી તેના અમુક શબ્દોના અર્થ રૂઢીગત શબ્દોથી અલગ પડે છે, તેની યાદી અલગથી આપી છે.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “ભોજન ટાણે યજમાન બિરદાવળ – ઝવેરચંદ મેઘાણી