સંતત્વના બે સ્વરૂપો…. – ડો. નિરંજન રાજ્યગુરૂ 2


[1.] કોક કોક બાપુ છે દુનિયામાં એવાં

બાપુની વારતાયું જામી પણ કોક કોક
બાપુ છે દુનિયામાં એવા,

પંડપૂર ખાવાનું સાંપડે નહીં ને તોય,
અઢળકના પાડે પરસેવા …

આંસુડા લૂછે અભાગિયાના આંગણે,
ભૂખ્યા રહી પીરસી દ્યે ભાણું;

અગરબત્તીનો વેંત થાય નૈ તોય કરે,
બીડી બંધાણીને લ્હાણું ;
નળિયાં દ્યે, ઉઘાડે નેવાં … કોક કોક …

ગાયું ને ચારે ને લિયે બાધાયું દૂધની,
ફક્કડ ફકીરી એને શોભે ;

કાવડ ઉપાડી ઉઝેરે ઝાંઝાં ઝાડવાં,
લાલચ કશી ન કાંઈ લોભે ;

મારગે જાતા મુસાફરને જોયાં કે
મધમીઠાં ખવરાવે મેવા…. કોક કોક ….

[2.] એક બાપુએ ચેલાને કી’ધું…

એક બાપુએ ચેલાને કીધું ; ‘વર ગોત્ય…
હવે મોટી થઈ ગઈ છે મારી બેબી,’

હમણાં હમણાંના નથી બેહાણું પ્લેનમાં
કે જોઈ ના ન્યૂયોર્કની જલેબી….
– એક બાપુએ ચેલાને ….

અબજુંનો વારસ જિ એકલો જ હોય,
જેનો બાપ હોય મારો મૂંડેલો

જાડેરી જાન ભલે જોડે પણ દાનમાં
દેશે ડોલરનો થેલો,

માંડવિયા મારા મલકાશે મળતાં જ એક
ફળફળતી ચા ની રકેબી…
– એક બાપુએ ચેલાને ….

યાદ છે તને ! એક અડધે ચોમાસે
ભગતાણીને દીધું’તું જ્ઞાન ?

વીસ વીસ વરસુંના વ્હાણાં વાયાં ને
ફૂક્યાં લાખું કરોડું ના કાન !

કંઠેીના ભૂખ્યા કંગાળું નો થાક્યાં
નો ગમછો છલકાણૉ મારો ગેબી….
– એક બાપુએ ચેલાને …

– ડો. નિરંજન રાજ્યગુરૂ

ડો. નિરંજન રાજ્યગુરૂ ગુજરાતી સંત સાહિત્યના અલગારી સારથી છે, અને તેમની પાસેનો સંત સાહિત્યના જ્ઞાન અને સાહિત્યનો અદભુત ખજાનો એ ક્ષેત્રના રસિકો માટે તેમણે ખૂબ ભાવથી, ખૂબ જવાબદારીથી જાળવ્યો અને ઉછેર્યો છે. તેમની રચનાઓમાં એક અગાધ વાણી સહજતાથી કહેવાની અનોખી પધ્ધતિ છે. સાચા સાધુ વિશેની તેમની પ્રસ્તુત પ્રથમ રચના કદાચ ગીરના કોઈક અલગારી બાપુને ઉદેશીને લખાઈ હોય તો નવાઈ નહીઁ, તો બીજી રચના તો બનાવટી સાધુઓના દેખાવડાની વાતો સ્વયં ખૂબ સ્પષ્ટતાથી કહી જાય છે. ખૂબ સહજતાથી, સરળ રીતે આ રચનાઓ કેટલું સરસ કહી જાય છે.

તેમની હમણાં જ શરૂ થયેલી વેબસાઈટ આનંદ આશ્રમ પર પણ તેમના પરિચય અને પ્રવૃત્તિઓની જાણકારી સાથે તેમની ઘણી રચનાઓ માણી શકાય છે, હજી બની રહેલી આ વેબસાઈટ સંત સાહિત્યમાં સીમાચિહ્ન રૂપ બની રહે તે માટે તેમને ખૂબ શુભેચ્છાઓ…. અક્ષરનાદને આ અપ્રકાશિત રચનાઓ આપવા અને પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 thoughts on “સંતત્વના બે સ્વરૂપો…. – ડો. નિરંજન રાજ્યગુરૂ

  • Pancham Shukla

    વાહ…મૌલિક અને માતબર રચનાઓ. ચીલાચાલુ લીટા લપેડાઓને બદલે ઝીણી નજરનું નજરાણું એ અક્ષરનાદની ખૂબી છે. આવું ઓર્ગેનિક વાચન અહીં વારેવારે આવવા પ્રેરે છે.

  • Heena Parekh

    નિરંજનભાઈની બન્ને રચના ખૂબ સરસ છે. સાચા સંત અને બનાવટી સંતની યોગ્ય વ્યાખ્યા એમણે કરી છે. નિરંજનભાઈને સાંભળવાનો મોકો મને મળ્યો હતો જેનું આ સાથે સ્મરણ થયું.