ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી – મનુભાઇ પંચોળી ‘દર્શક’ 3


કાલે હું ચોટીલા ગયો હતો. ચોટીલામાં ચામુંડાનો સુંદર મજાનો ડુંગર છે. ડુંગરના પેટાળની નીચે બહુ મોટી સભા ભરાઇ હતી. ચોટીલામાં આવડો મોટો સમુદાય કોઇ દિવસ એકઠો નહીં થયો હોય, પણ મેઘાણીનું એ જન્મસ્થળ, અને મેઘાણીને પોતાની અંજલિ આપવા બધા એકઠા થવાના, એવું સાંભળીને હજારો લોકો આવેલા. પોતાના જ કુટુંબમાં કોઇ મુરબ્બીની ગુણગાથા ગાવાની હોય, અને તેમાં હું રહી જાઉં તો કેટલી મોટી ખોટ જાય – તેવા તેમના ભાવો હતાં.

મેઘાણીભાઇના આ મણિમહોત્સવ અંગે જ્યાં જ્યાં જવાનું થાય છે ત્યાં લોકોની બહુ મોટી મેદની જામેલી હોય છે. ત્યાં જે બોલાય છે તે બધા સમજે છે એવું કાંઇ નથી. મારો વારો તો આવ્યો લગભગ બે કલાક પસાર થયા પછી. ત્યારે મેં લોકોને ધન્યવાદ આપ્યાં. : “તમે અમને સહન કરી લો છો એને માટે તમારો પાડ માનવો જોઇએ. પણ તમે સહન કર્યું તેની પાછળનું એક કારણ એ છે કે તમને એમ છે કે મેઘાણી અમારો માણસ હતો. અમારા માણસનું કાંઇક સારું સારું બોલાય છે; પછી અમે સમજીએ કે ન સમજીએ.

અજ્ઞજનોમાં એક ગુણ હોય છે, એક કદર હોય છે, એ લોકો કાંઇ શબ્દને નથી વળગતાં, ભાવને વળગે છે કે ભાઇ, આ લોકો મેઘાણીનું કાંઇક સારું સારું કહેવા આવ્યા છે – પછી બસ, વચમાં કાંઇક ન સમજાય તો પણ વાંધો નહીં. જેમ આપણે મૂર્તિની આરતી ઉતારતા હોઇએ છીએ ને બ્રાહ્મણ સંસ્કૃતમાં બોલતા હોય એ કાંઇ આપણે સમજતા થોડું હોઇએ ? પણ આપણે આરતી ઉતારીએ ત્યારે આપણા મનમાં હોય છે કે બહુ સારું ! બહુ સારું ! ભગવાનના ગુણ ગાય છે, બસ, આટલા ઉપરથી પૂજામાં આપણી સ્થિરતા આવે છે. મેં આ લોકોને કહ્યું, “મેઘાણી તમારો માણસ છે તેમ માનીને તમે બે ત્રણ કલાકથી બેઠા છો, પણ તમે બેઠા તેમ અમેય પણ ત્રણ કલાકથી બેઠા છીએ. – જે તમારા જેવા નથી, અમે તો પંડિતો મનાઇએ છીએ. અને છતાં અમે પણ ત્રણ કલાકથી બેઠા છીએ; તો અમારી ધીરજનું શું કારણ છે? એનું કારણ એ છે કે મેઘાણીએ તમને તમારો પરિચય કરાવ્યો, અને અમનેય તમારો પરિચય કરાવ્યો. તમને પણ ખબર નહોતી કે તમે કોણ છો અને અમને પણ ખબર નહોતી કે તમે કોણ છો. આ મોટું સેતુબંધનું કામ કર્યું. એક મોટો દરિયો હતો તમારી અને અમારી વચ્ચે, તે દરીયા પર તેમણે પાળ બાંધી દીધી. એટલા માટે અમે પણ મેઘાણીમય થઇ ગયા છીએ, તમે પણ મેઘાણીમય થઇ ગયા છો.”

મહાત્મા ગાંધી બહુ તોળી તોળીને શબ્દો વાપરતાં તે આપણે જાણીએ છીએ. અને એમનો તો એવો દાવો હતો કે ‘ એક પણ શબ્દ મારા મોંમાંથી અજાગૃતપણે નીકળશે નહીં! ‘ તેમણે મેઘાણીને રાષ્ટ્રીય શાયર કહ્યા તેનો અર્થ શો?

ગાંધીજીના મનમાં રાષ્ટ્રીય શાયરનો અર્થ એ હશે કે રાષ્ટ્રના જે બે વિભાગો પડી ગયા છે – ભણેલા ને અભણ – એ બે ને સાંકળી શકે તે રાષ્ટ્રીય શાયર. એ બે વચ્ચેની, જો મેઘાણીની ભાષામાં કહીએ તો –

“હે જી ભેદની ભીંત્યુ ને આજ મારે ભાંગવી,
મનડાની આખરી ઉમેદ”

આ જે એની ઉમેદ હતી તે ગાંધી પારખી ગયેલા. એ બેની વચ્ચે જે દીવાલ ઉભી છે, – ભણેલા ને અભણ વચ્ચે – તે દિવાલ તૂટે નહીં ત્યાં સુધી રાષ્ટ્ર એક થઇ શકે નહીં. નેતા વિનાનું લશ્કર ન હોય અને લશ્કર વિનાનો નેતા ન હોય. લશ્કર પડ્યું છે આમજનતાનું અને નેતા છે ભણેલા. નેતાને આમજનતા ગમતી નથી ને આમજનતાને નેતાનો કોઇ પરીચય છે નહીં.

અંગ્રેજોના પ્રતાપે અહીં આપણે ત્યાં એક એવો મધ્યમ વર્ગ પેદા થયો હતો કે જેને પોતાની જનમ-ભોમકા, પોતાની જનેતા તરફ લાજ આવવા માંડી. તેના પ્રત્યે એક તુચ્છ ભાવ આવવા માંડ્યો. તેનું જેટલું સારું તેટલું બધું આ લોકોને ખરાબ લાગે તેવી સ્થિતિ પેદા થઇ. કપડાં, બોલવાની રીતભાત, જીવનના ખ્યાલો એ બધામાં એક વિચ્છેદ ઉભો થયો. જેટલું તળભૂમીનું તળપદું, અસલ, તેના તરફ એક પ્રકારનો તુચ્છભાવ ભણેલા વર્ગમાં પેદા થયો.

મહાત્મા ગાંધીએ વિચારનું બહુ મોટું પરિવર્તન કર્યું અને તે યુગમાં જીવનારાઓ ધીમે ધીમે લોકો તરફ, લોકોની સેવા કરવા તરફ વળતા થયા. પણ જેઓ લોકોની સેવા તરફ વધતા જતા હતા તેમને પણ લોકોને ચાહતા કરવા એ જરૂરી વાત હતી. વિચાર આપવો એક વસ્તુ છે અને વિચારને રંગ, રૂપ, આકાર, દેહ આપવો અને તેને બોલતો કરવો એ જુદી વાત છે. મેઘાણીએ મહાત્મા ગાંધીનું કામ કર્યું હોય તો આ કર્યું છે. મહાત્મા ગાંધીએ ભણેલા લોકોને લોકાભિમુખ થવને પ્રેર્યા. પણ મેઘાણીએ કર્યું એ કે તમે જેને લોક કહો છો તે લોકો શું છે તેને સજીવ કરી બતાવ્યું.

આપણી એકબીજાને ન ઓળખવાની આળસ હતી તે મેઘાણીએ ખંખેરી નાંખી. આવડા મોટા સમાજમાં, રાખમાં જેમ અમૃત છંટે અને મડદાં બેઠાં થઇ જાય તેમ, રાખમાંથી માણસ થાય તેવી સ્થિતિ પેદા કરી. પાળિયા, દેરીઓ, જંગલ-પહાડ, પોતાનાં ગામ, બધાં તરફ ભણેલા જુવાનિયા આદરથી જોવા લાગ્યા. મેઘાણીની મોટામાં મોટી સેવા આ હતી. કારણ કે તમે જેની સાથે એકતા કરવા માગતા હો તેની સાથે પરિચય થવો જરૂરી છે. અને તેને ચાહો એવો પરિચય થવો જોઇએ. મેઘાણીએ લોકની એક વૈવિધ્યભરી, રંગરૂપભરી સૃષ્ટિ આપણી સમક્ષ ખડી કરી દીધી, અને તેના પ્રત્યે રુચિમોહિની પેદા કરી. મેઘાણીને વાંચ્યા પછી કોઇ માણસ સામાન્ય જનનો તિરસ્કાર કરી શકશે નહીં. ડોસાંડગરાં, ગામઠી વાણી બોલવાવાળાં, થીંગડાં દીધેલા, મેલા કપડા પહેરવાવાળા – ગમે તેવા હોય પણ તેના પ્રત્યે એક પ્રકારનો અહોભાવ પેદા કર્યો. મેઘાણીએ જેને આપણે વાતાવરણ કહીએ છીએ – જે વાતાવરણ વિના હું કે તમે જીવી શક્તા જ નથી – તે વાતાવરણ સરજી, વિચારને એ વાતાવરણ દ્વારા પ્રત્યક્ષ કર્યો કે લોક એટલે શું?

લોક એટલે શું? મેઘાણીએ જ્યારે લોકની વાત કરી છે ત્યારે તેમાં રાજાઓ પણ આવે છે, ખેડૂતો પણ આવે છે, વાણિયા પણ આવે છે, બહારવટીયા પણ આવે છે; સમાજનાં કાનૂનોનો ભંગ કરી, સમાજને વેરવિખેર કરવાને જે નીકળી પડ્યા છે, તેનો પણ તે લોકમાં સમાવેશ કરી નાખે છે. સાધુસંતો આવે જ છે, ખારવા આવે, હજામ આવે છે, હરિજન આવે છે, મુસલમાનો આવે છે, હિંદુઓ આવે છે, મકરાણી આવે છે, બલોચ આવે છે, વાઘેર આવે છે. આ બધાં જુદા જુદા લોકોએ તેમાં પ્રવેશ કર્યો છે.

( શ્રી મનુભાઇ પંચોળી ‘દર્શક’ દ્વારા લખાયેલું અને મહેન્દ્ર મેઘાણી દ્વારા ખિસ્સાપોથી તરીકે પ્રસિધ્ધ કરાયેલું પુસ્તક “ભેદની ભીંત્યુને આજ મારે ભાંગવી” ખૂબ સુંદર રીતે આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીને અંજલી અર્પતું સર્જન છે. ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયર કહ્યા તે સન્માનને બિરદાવતો આ લેખ ખૂબ ચોટદાર છે. આ સાથે આ સુંદર પુસ્તિકામાં કેટલાક પ્રસંગો આલેખાયા છે જે આપણા સોરઠી ગ્રામજીવનની, આપણે જેને લોક તરીકે ઓળખીએ છીએ તેવા સામાન્ય માણસોની આગવી પ્રતિભા અને ખુમારીનું દર્શન કરાવી જાય છે.)


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી – મનુભાઇ પંચોળી ‘દર્શક’