સગા કેટલા વહાલા? – જીગ્નેશ અધ્યારૂ 7


આપણે ત્યાં સગા વહાલા શબ્દ એક સાથે બોલાય છે. લોહીનો સંબંધ એટલે સગાં અને સગા વહાલા હોવા જોઇએ એવી જ કોઇ માન્યતાને લીધે સગા વહાલા શબ્દ સાથે બોલાતો હશે. સામાન્ય માન્યતા એવી છે કે માણસને સુખ દુ:ખ, સારા નરસાં પ્રસંગે સંબંધીઓની જરૂરત પડવાનીજ. સુખ વહેંચવાથી વધે અને દુ:ખ વહેંચવાથી ઘટે, એટલે એ વહેંચણી માટેના પાત્રો એટલે સગા વહાલા. નામના કેટલા છોગાં તેને લાગેલા છે? મામા, કાકા, ફુઆ, માસા, સસરા, ભાઇ, ભાભી અને આવા દૂરના તો અનેક સંબંધો. સંબંધોના અનેક ગૂંચળા અને એમાં કરોળીયાની જેમ આપણે. ફરક ફક્ત એટલો કે કરોળીયો જાળુ જાતે વણે અને આપણને સંબંધોનું જાળુ જન્મતાંવેંત ભેટમાં મળે.

જૂનાં સમયમાં સંયુક્ત કુટુંબની પ્રથા હતી, જો કે હજી પણ ઘણાં કુટુંબોમાં આ પ્રથા જળવાઇ રહી છે. પણ મોટાભાગે નોકરી માટે કે ધંધા રોજગાર માટે કુટુંબો વિસ્થાપિત થાય છે, વિભક્ત થાય છે, અલગ થાય છે. ઘણાં મનથી તો ઘણાં કમને, પણ આવું થાય છે એ હકીકત છે. કોઇક દાર્શનિકે કહ્યું છે કે સંબંધોની માણસને જરૂરત નથી એ વાત જો ખોટી હોત તો વૃધ્ધાશ્રમોનું અસ્તિત્વ ન હોત. માણસને જો મા-બાપની પણ જરૂરત ન અનુભવાતી હોય તો પછી બીજા દૂરના સંબંધોનું અસ્તિત્વ અને જરૂરત કેટલી? તો સામે પક્ષે આવા વૃધ્ધોની સંભાળ લેવા પોતાની ફરજ સમજીને તેમને પરિવારનો પ્રેમ અને સગવડો આપવા જતાં લોકોને કયા સંબંધના નામે બાંધવા? તેમની ફરજ નથી, પણ કર્તવ્ય સમજીને અન્યના કાર્યને કરતા આવા પનોતા પુત્રો સંબંધના કયા ત્રાજવે તોલવા?

અમારા એક મિત્રએ અનાથાશ્રમની મુલાકાત લીધેલી, એણે કહ્યું કે માં બાપ વગરના છોકરા જોવા એનાથી દુ:ખદાયી બીજું કોઇ દ્રશ્ય નથી. ઘણાં નસીબના લીધે કે અકસ્માતમાં માં-બાપને ગુમાવી બેસે છે,  પણ જેના માં બાપ તેને કચરાના ડબ્બામાં સડવા છોડી જાય છે, તેમને બીજા કયા સંબંધની જરૂરત હોય? અને જો માં-બાપની જરૂરત છોકરાને ન હોય અને છોકરાંવની જરૂરત માં-બાપને ન હોય તો સમાજ કયા સંબંધોના આધારે ટકી રહ્યો છે?  તો સામે પક્ષે એક અનાથને પોતાના ખોળે બેસાડી, પોતાનું લોહી ન હોવા છતાં તેમને ઉછેરનાર, મોટા કરનાર માળીને ફક્ત માં-બાપ ન કહી શકાય, એથી તેઓ ઘણાં વિશેષ છે.

થોડાક દિવસ પહેલા મેં “સંતોષ” વિશે લખ્યું હતું, પણ હૈયા પર હાથ રાખીને કહો કે કયા સબંધથી તમને પૂર્ણ સંતોષ છે? કયા સંબંધમાં કદી તમને મન દુ:ખ થયું નથી કે કડવાશ થઇ નથી. આંગળીને વેઢે ગણાય એટલા આવા વિશુધ્ધ સંબંધો મળે તો તમે ખરેખર નસીબદાર છો. આવા સંબંધો મળે છે, પણ એને શોધવાની દ્રષ્ટી અને તેને નિર્વાહ માટે ઘણાં ત્યાગ અને ઘણી બાંધછોડ કરવી પડે. અને આવા નાનામાં નાના ત્યાગ કે બાંધછોડમાંય જો તમને આનંદ આવતો હોય, જરાય ખચકટ વગર તમે એ કરી શકો તો એ વ્યક્તિ તમારી સાથે લોહીના સંબંધથી બંધાયેલી હોય કે નહીં, એ તમારા સગાવહાલામાં છે. એવો ત્યાગ જે કર્યા પછી તમે સામે વાળા પાસે પણ એવાજ ત્યાગ કે બાંધછોડની અપેક્ષા ન રાખો.

કહેવત છે કે જેનાં અન્ન નોખાં એનાં મન નોખાં. એટલે ક્યારેક સારા નરસાં પ્રસંગોએ અથવા સમયાંતરે થતાં મિલન મુલાકાતો સિવાય કુટુંબો નાના થતા જાય છે,  હૈયાઓ વચ્ચેના અંતરો તેમની વચ્ચેના સ્થૂળ અંતરો કરતાં પણ વધી જાય છે. અરસપરસની સમજણ ઘટતી જાય છે, વિશ્વાસ ઘટતો જાય છે, સન્માન ઘટતું જાય છે. આવા સંજોગોમાં એક બીજાને સમજવા નમાંગતા, એક બીજાથી દૂર ભાગતા સગાં કરતાં પડોશીઓ, સહકર્મચારીઓ અને મિત્રો ઘણી વખત પણ વધુ નજીક અને વધુ ઉપયોગી થાય છે, અને સગાં દૂર થતા જાય છે. લોહીના સંબંધો કરતા વિશ્વાસના સંબંધો વધુ નજીકના બની જાય છે.

હમણાં અમારા એક સંબંધીને ત્યાં તેમની દિકરીના લગ્નપ્રસંગે નાની નાની વાતોમાં સગાવહાલાંઓમાં ચણભણ અને મનદુ:ખ થતી જોવા મળી. જાણે ઉંબાડીયું મૂકવાનું નક્કી કરીને આવ્યા હોય તેમ છોકરીના દૂરના સગાઓ દૂર રહીને સગવડો બગાડવામાં લાગી રહ્યા અને એવા થોડાક સગાઓએ નજીવા કારણોસર એવડું મોટું મહાભારત સર્જ્યું કે છોકરીના માતા પિતા અને અન્ય ઘરવાળાઓનો લગ્નનો સઘળો આનંદ ઓગળી ગયો, એમનું મન કન્યાવિદાયની બદલે સગાવહાલાઓને ચા પીવડાવવાની યોજનાઓમાં વધુ લાગી રહ્યું. માન્યું કે બધાંની સગવડ સાચવનાની જવાબદારી યજમાનની છે, પણ મહેમાન ત્યારે જ શોભે જ્યારે તે યજમાનને આવા પ્રસંગોમાં મદદરૂપ થઇ રહે. તમે એક વખત કોઇકના પ્રસંગમાં અણધાર્યા અણબનાવો ઉભા કરો, લોકોનો આનંદ બગાડો ત્યારે તમને કોણ પોતાના પ્રસંગમાં બોલાવશે? એ મિત્રના પડોશીઓએ જે મદદ અને સંકલન કર્યું એ જોઇને એક વખત એવું બોલાઇ ગયું કે તમે ખરેખર નસીબદાર છો કે આવા સુંદર પડોશી મળ્યા છે, જે ફક્ત ત્રણ વર્ષની ઓળખાણે તમારો આખો પ્રસંગ ઉપાડી લે છે, અને તમે ખરેખર બદનસીબ છો કે તમને આવા નગુણા સબંધી મળ્યા જેમણે પોતાની નાનકડી સગવડો માટે દાયકાઓને ઓળખાણ છતાં જરાય શરમ વગર કન્યાવિદાયનો આખોય પ્રસંગ બગાડ્યો. હવે કહો આમાં સગા વહાલાં ક્યાંથી થાય?

સમાજની કેટલીક રૂઢીઓ હવે તદ્દન વાહીયાત થઇ ગઇ હોય એમ અનુભવાય છે. પોતાના ઘરે રોટલી અને શાક ચૂપચાપ ખાઇ લેતા લોકોને સગાંના ઘરે દાળભાત કચુંબર અથાણું પાપડ છાશ બધુંય જોઇએ છે. અને સામાન્ય રીતે જોવાયું છે કે ગમે તે પ્રસંગ હોય, યજમાન ગમે તેટલા મનથી જમણવાર રાખે, તોય “છાશ નથી રાખી?”, “ઇડલી સાંભાર તો કાંઇ જમવામાં હોય?”, “આ તે કાંઇ શાક છે?” કે પછી “આવી રોટલી તો અમારા કૂતરાંય ન ખાય” જેવા વાક્યો અચૂક સાંભળવા મળવાનાં. તો પછી આ બધો ખર્ચો શા માટે? એક મહાશયે લગ્નના જમણવાર વખતે લવિંગ અને મકોડામાં ભેદ ખબર ન પડતી હોવાના લીધે, “દાળમાં મકોડા છે” એવો શોર કર્યો હતો… જો કે અમારા સામાન્ય જ્ઞાનને લક્ષમાં રાખતાં મકોડાએ દાળના સ્વિમીંગપુલમાં તરવા શા મટે જવું જોઇએ એ વાત ઉતરતી નથી.

આપણા નજીકના મિત્રો સંબંધીઓમાં આવા લોકો હોય કે ન હોય શું ફરક પડે? જે દિકરીના લગ્ન માટે બાપ હોંશે હોંશે પોતાના જીવનની બધી મૂડી હસતા હસતા ખર્ચી નાખે છે એ બધુંય કર્યા પછી આવું સાંભળવા? આના કરતાં તો દિકરીને બે કપડા વધુ આપ્યા હોય ને તો લેખે લાગે. સમાજ માણસને સુખી કરવા બને છે કે દુ:ખી કરવા? અને આ બધાં બેશરમ લોકોની વચ્ચે ક્યાંક એવા દિવડા પણ છે જે પોતાનું યોગદાન આપીને કોઇ પણ વિશેષ પુરસ્કારની આશા રાખ્યા વગર જતા રહે છે. એ કોઇ સંબંધી પણ હોઇ શકે, મિત્ર પણ હોઇ શકે, પડોશી પણ હોઇ શકે, પણ એ “વહાલાં”ની કેટેગરીમાં અવશ્ય આવે. પોતાના પ્રસંગોમાં આવા લોકોને બોલાવવા બધાં તત્પર રહેવાના જ. મને કેટલાક એવા મિત્રો પર ખરેખર ગર્વ છે, એ મિત્રોનું મારા જીવનમાં કોઇ સગાં કરતાં સ્થાન ક્યાંય ઉંચુ છે, કારણકે એમણે મારા પર ત્યારે વિશ્વાશ કર્યો, જ્યારે કોઇને ન હતો. મારી જીત તેમણે ઉજવી છે અને તેમની હારમાં હું રડ્યો છું.

એકાકી જીવન જીવવું ખૂબ અઘરું છે, કોઇક વિરલા જ આવું કરી શકે, એ સિવાય સંસારીઓ માટે સમાજની વચ્ચે રહેવું, સામાજીક પ્રાણી થઇને રહેવું એ જરૂરી છે, પણ સમાજની સાથે રહેવામાં, તેની રૂઢીઓને દ્રઢપણે પાળવામાં જો ક્યારેક પોતાનો દ્રોહ કરવાનો થાય તો ન કરવો જોઇએ કારણકે અંતે આપણાથી વધું આપણું કોઇ નથી.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “સગા કેટલા વહાલા? – જીગ્નેશ અધ્યારૂ