થાકી ગયો છું – હરજીવન દાફડા 7


ક્યારેય ક્યાં અકારણ થાકી ગયો છું હું.

પુષ્કળ ઉપાડી ભારણ થાકી ગયો છું હું.

પ્રગટે અહીં પળેપળ પ્રશ્નો નવા નવા,

શોધી નર્યા નિવારણ થાકી ગયો છું હું.

તોયે તમારાં પાવન પગલાં થયા નહીં,

કાયમ સજાવી આંગણ થાકી ગયો છું હું.

પીડાવિહોણો મારગ એકે મળ્યો નહીં,

વેઠી અકળ વિમાસણ થાકી ગયો છું હું.

જાણી શક્યો ન જીવના અસલી સ્વભાવને,

બેહદ કરી મથામણ થાકી ગયો છું હું.

 – હરજીવન દાફડા

જીવનની અનેક નિષ્ફળતાઓ અને તેના લીધે લાગેલા થાકનો અહીં ઉલ્લેખ કરતા કવિ સરસ રીતે તે થાકના વિવિધ કારણો સમજાવે છે. તેમના મતે તેઓ ક્યારેક અકારણ થાક્યા છે તો ક્યારેક પુષ્કળ ભારણથી થાકી ગયા છે. જીવનમાં માણસને વિવિધ અનુભવો થાય છે, ઘણાં દુખદ અને ઘણા સુખદ પરંતુ અહીં કવિને ક્યારેક કોઇ ખાસ કારણ વગર, અકારણ થાક લાગે એમ અનુભવાય છે. તો ક્યારેક જીવનના વિવિધ ક્ષેત્રોમાઁ આવતા તણાવ કે કાર્યબોજને લઇને પણ કવિ ખૂબ થાકી ગયા છે.

જીવનના દરેક દિવસે, દરેક પળે નિતનવા પ્રશ્નો ઉદ્ભવે છે અને એ પ્રશ્નોને નિવારવામાઁ, તેમના ઉકેલ શોધવામાઁય કવિ ખૂબ થાકી ગયા છે. કવિએ તેમના મહેમાનો માટે, પ્રેમ પામવા માટે આંગણ કાયમ સજાવી રાખ્યું છે, પણ કોઈ આવ્યું બહીં, તેથી આંગણું સજાવી રાખીને પણ કવિ થાકી ગયા છે. જીવનના કાર્યો માટે તેમને પીડા વગરનો કોઇ માર્ગ મળ્યો નથી, દરેક ક્ષેત્રમાઁ તેમણે વેઠવું પડ્યું છે એ કારણે પણ કવિ થાક અનુભવે છે.

જીવનનો મૂળ સ્વભાવ છે મથામણ, જીવનના અનેક ક્ષેત્રોમાં સફળતા માટે, ભલે તે કૌટુંબિક હોય કે વ્યાપારિક, દરેક સ્થળે મથામણ કરવી પડે છે. કાંઇ મહેનત કર્યા વગર મળતું નથી એ  કાર્યનો નિયમ છે. કવિ જીવનના આ અસલી સ્વભાવને ન જાણી શક્યા તે માટે પણ તેઓ જીવન જીવવા કરેલી મથામણથી થાક અનુભવે છે.

આજના સમયમાં માણસ ઘડીએ ઘડીએ થાકે છે, ઓફિસ હોય કે ઘર, ખાનગી હોય કે જાહેર, દરેક ક્ષેત્રમાં માણસ પોતાની જાતને હતાશ અને થાકેલી અનુભવે છે પરંતુ થાક્યા વગર કામ કરતું રહેવું જોઇએ કારણકે કર્મ વગર ફળ મળતું નથી એ અફર નિયમ છે, એ વાત કવિ અહીં ખૂબ સરળ રીતે થાકના માધ્યમથી વર્ણવે છે.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “થાકી ગયો છું – હરજીવન દાફડા