દુ:ખ એટલે ખુમારી બતાવવાનું ચોઘડીયું – જીગ્નેશ અધ્યારૂ 9


સિવિલ – જીયોટેકનીકલ એંન્જીનીયરીંગમાઁ એક શબ્દ આવે છે, “Bearing capacity”, જમીન પર વજન વધારતા જાઓ અને જો તે કોઇક એક ક્ષણે જમીનમાં ઉતરવાનું શરૂ કરી દે તો એ વજનને કહેવાય એ જમીનની ધારણ ક્ષમતા. પહેલા કોઇ ચોક્કસ જમીનનો તેની ધારણ ક્ષમતા ચકાસવા માટે પ્રયોગ કરવામાં આવે અને જો તે સફળ થાય તો જ તેના પર કોઇ બાંધકામ થાય નહીંતો તેને એ વજન સહન કરી શકવા માટેની ક્ષમતા લઇ શકે તે માટે તેને જરૂરી સારવાર, કહો કે સહાયતા કે સાથ આપવામાં આવે અને પછીજ તેને જરૂરી વજન મૂકીને, તેના પર બાંધકામ કરીને ઉપયોગમાં લઈ શકાય.

આ વાત અહીં લખવાનું પ્રયોજન એટલું જ છે કારણકે મને લાગે છે કે ભગવાને માનવજીવન માટે પણ આવા જ કાંઇક માપદંડો બનાવ્યા હશે. દુ:ખના સમયમાં પ્રભુ આપણી ક્ષમતાની, આપણી હિંમતની અને તેના પરની શ્રધ્ધાની કસોટી કરતા હોય, જાણે તે ચકાસતા હોય કે આપણી દુ:ખ પચાવવાની કેપેસીટી કેટલી. માણસ દુ:ખના સમયમાજં તૂટી પડે છે, પ્રભુ કે ઇષ્ટ પરની તેની શ્રધ્ધા ડગી જાય છે, જીવન અકારૂ લાગે છે અને થોડુંક દુ:ખ, થોડીક તકલીફ પણ આપણને પહાડ જેટલી મોટી લાગે છે. હિંમત જવાબ આપી જાય છે, પણ આવા સમયે મારા મતે આપણો ટેસ્ટ થઇ રહ્યો હોય છે, પ્રભુ આપણને કોઇક મોટા કામ માટે, કોઇ મોટી જવાબદારી માટે ચકાસી રહ્યા હોય તેમ ન બને? જો પ્રયોગમાંજ આપણે નાપાસ થઇ જઇશું તો જવાબદારીનું વહન કેમ કરી શકીશું?

જીવનમાં દુ:ખ અને તકલીફો સહન કરવા ધીરજ જોઇએ, શ્રધ્ધા જોઇએ અને પોતાના પર વિશ્વાસ જોઇએ, મધ દરીયે તોફાન જોઇ નાવિકો હોડીને મૂકીને કૂદી પડતા નથી, કે હિંમત હારીને, હાથ જોડીને બેસી જતા નથી, પણ સઢને કઇ તરફ ફેરવવો, પવનની દિશા કેમ અનુકૂળ કરવી અને તોફાનમાંથી હેમખેમ કેમ બહાર નીકળવું એ જ વિચારતા હોય છે. “Settle” થતી નબળી જમીન માટેનો એક ઇલાજ છે Impact Loading , જેટલા તમે દુ:ખથી હાર્યા એટલા તે વધુ આવવાના, નાસીપાસ થયા તો તમને એક સાથે હજારો દુ:ખ દેખાવાના, જેમ  Compaction કરવાથી જમીનની ક્ષમતા વધે છે તેમ જીવનમાં દુ:ખોનો માર ઝીલીને, સંઘર્ષો કરીને, તકલીફો સામે લડીને માણસની પણ ક્ષમતા વધારવાનો પ્રબંધ પ્રભુ કરીજ આપે છે. એટલે જેવા દુ:ખ આવવાના શરૂ થાય કે સમજજો કોઇ નવીન શરૂઆતનો શંખનાદ ફૂંકાઇ રહ્યો છે. પ્રભુએ તમને કોઇક નવી જવાબદારી, કોઇક નવા કામ માટે પસંદ કર્યા છે.

કહે છે કે જે વધુ આશા કરે છે, જીવન પાસેથી જે વધુ માંગે છે તે વધુ સહન કરે છે. અપેક્ષાઓ જો ઓછી હોય તો તે પૂર્ણ ન થયાનું દુ:ખ ન હોય અને તે સમય, તે ક્ષણ જે તમને નાસીપાસ થવા કે તમારા ઇષ્ટ પર તમારી શ્રધ્ધા ડગાવવા પ્રેરે તે ક્ષણ આવે જ નહીં. દુ:ખ એ મનનો શિયાળો છે, શરીરને, મનને ખરાબ પરિસ્થિતિઓ માટે, વિપરીત અવસ્થાઓ માટે તૈયાર રાખ્યું હોય તો ખપ પડે વાંધો ન આવે, ખરાબ રસ્તે ચાલવાની આદત હોય તો સારા રસ્તે ચાલતા વાંધો ન આવે પણ જો તેથી ઉલટ પરિસ્થિતિ હોય તો કષ્ટ પડે. એટલે મનને, શ્રધ્ધાને અને હિંમતને કાયમ કસાયેલી રાખવી, અને પ્રભુ તરફથી આવનાર કોઈ પણ કસોટી માટે તૈયાર રહેવું જોઇએ. પ્રભુ કોઇના પર ક્ષમતા કરતા વધુ “વજન” મૂકતા નથી પણ એ એમને જોવાનું છે, આપણી ફરજ છે તેના પર શ્રધ્ધા રાખવાની અને આપણાં પર પોતાના પર વિશ્વાસ રાખવાની.

સ્વર્ગીય શ્રી ગની દહીંવાલા સાહેબનો એક જાણીતો શે’ર છે,

શ્રધ્ધા જ મારી લઇ ગઇ મંઝિલ ઉપર મને,

રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઇ.

દુ:ખ મારા મતે જીવનમાં ઉજવવા જેવો પ્રસંગ છે, વગર જોયે મળેલું મૂરત છે અને પ્રભુને, આપણને પોતાને અને આવનારા દુ:ખોને આપણી શ્રધ્ધા અને ખુમારી બતાવવાનું ચોઘડીયું છે.

( પીપાવાવ થી મહુવા આવતા ઉદભવેલા વિચાર બીજને આધારે …. લખ્યા તારીખ 24 – 03 – 2009 )

 – જીગ્નેશ અધ્યારૂ.


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “દુ:ખ એટલે ખુમારી બતાવવાનું ચોઘડીયું – જીગ્નેશ અધ્યારૂ

 • Govind Maru

  ‘જીવનમાં દુ:ખ અને તકલીફો સહન કરવા ધીરજ જોઇએ, શ્રધ્ધા જોઇએ અને પોતાના પર વિશ્વાસ જોઇએ, મધ દરીયે તોફાન જોઇ નાવિકો હોડીને મૂકીને કૂદી પડતા નથી, કે હિંમત હારીને, હાથ જોડીને બેસી જતા નથી, પણ સઢને કઇ તરફ ફેરવવો, પવનની દિશા કેમ અનુકૂળ કરવી અને તોફાનમાંથી હેમખેમ કેમ બહાર નીકળવું એ જ વિચારતા હોય છે.’
  સુખ અને દુખ સીક્કાની બે બાજુ જેવા છે. દુખમાં ખુમારી દાખવીએ તો પછી જે નથી તેના ઉપર શ્રધ્ધા રાખવાની શી જરુર છે ?????????

 • snehaakshat

  વાહ વાહ..એકદમ સાચું કહ્યુ અને ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે દુખ વિશે તમે..દુખ વગર સુખ ની કદર પણ નથી આપણ નગુણા માનવીઓને જો કે…
  સ્નેહા-અક્ષિતારક
  http://akshitarak.wordpress.com

 • Raj Adhyaru

  જો પ્રક્રુતિ પણ હમેશા બે વિભાગ મા હોય તો માનવી નુ જીવન કેમ નહિ?
  ૧. દિવસ – રાત
  ૨. વસન્ત – પાનખર્
  ૩. ઠન્ડુ – ગરમ

  આમ આ દરેક વિભાગ એક બીજા થી વિરુદ્ધ હોવા છતાં એક્દમ જરુરી અને એક બિજા ન પર્યાય છે અને એક ના અસ્તિત્વ થી જ બીજુ શક્ય બને… આમ દુઃખ હોય તો જ સુખ ની અનુભુતી શક્ય છે.