શિવલાલ માસ્તરનો દીકરો… – નીલમબેન દોશી 10
“‘હવે આ તારા ચિતરામણ બંધ કર. જિંદગી આખી કર્યા. હવે આમ પણ ઘરનું કામ શરૂ કરવાનું છે. તારી બધી મહેનત નકામી જશે. દેવુ દિવાળી પર આવે તે પહેલાં ઘર પાકું કરાવી લેવું પડશે ને ? હવે તારા આ ગાર માટીના ચિતરામણ તેને થોડા ગમવાના ? “ ” દેવુ નાનો હતો ત્યારે આ બધા રંગો તેને બહું ગમતા..તેથી મને થયું કે….એ આવે છે તો…” ” અરે જમાનો આખો બદલાયો છે. ત્યારે આપણે સમય પ્રમાણે ન રહીએ તો કયાંય ફેંકાઇ જઇએ.” રમેશભાઇએ અનુભવનું સત્ય ઉચ્ચાર્યું. “પાંચ વરસે અમેરિકાથી આવતો તારો દીકરો તારા આ ઘરમાં પાંચ દિવસ પણ નહીં ટકે. ભૂલી ગઇ ? આ બાજુવાળા શિવલાલ માસ્તરનો દીકરો અમેરિકાથી મહિના માટે આવ્યો હતો.. પણ બે દિવસમાં બહાનું કાઢી ને ભાગી ગયો હતો. ‘ આવા ઘરમાં તમે રહી કેમ શકો છો ? આમાં કેટલા જંતુઓ..બેકટેરીયા હોય કંઇ ખબર પડે છે ? ‘ યાદ છે ને આવું કેટલું ભાષણ કરીને રોકાયો નહોતો. ના,ના, હું એવું નહીં થવા દઉં. હું તો મારા દેવુને ગમશે એ જ કરીશ. આખી જિંદગી ભલે ન બદલાયા…હવે બદલાઇશું. “ ” એ તો એના દીકરાને એના સાસરે રહેવું હતું. તેથી બધા ઉધામા હતા..મારો દેવુ એવો થોડો છે ? “ “‘ બધી માને એવું જ લાગતું હોય છે. પણ સો વાતની એક વાત…. ! આપણે દેવુને એવું કંઇ બોલવાનો મોકો જ નથી આપવો ને ! કોઇ જોખમ મારે નથી લેવું. બધું તેને ગમે તેવું કરી નાખીશું. પછી તો રહેશે ને ? તું જોજે ને આખા ઘરની સિકલ બદલી નાખીશ. હું કંઇ શિવલાલ માસ્તરની જેમ જૂનાને વળગી રહું એવો નથી. “ […]