‘કમલ ભઈલા!તું હજી જાગે છે? કેમ રડે છે? ‘ દસવર્ષની નીના ડૂસકાં ભરી રહેલ નાના ભાઈને પૂછે છે.
‘દીદી, પપ્પા ક્યારે આવશે? એમની પાસે ચાલ ને!’
‘પપ્પા તો જેલમાં છે. એમની પાસે શી રીતે જવાય?’
‘દીદી, આપણે અહીં નથી રહેવું. આજે ગ્લાસ પ્રદીપે ફોડ્યો ને માસાએ માર્યો મને.’ હજી કમલનાં ડૂસકાં ચાલુ જ હતાં.
માસા માસી જાગી જશે એ બીકે એ ‘શિશુ-મા’ થાબડતી થાબડતી એની પાસે જ સૂઈ ગઈ.
‘દીદી, પપ્પાને જેલમાં કેમ પૂરી દીઘા છે? પ્રદીપ કહેતો હતો કે તારા પપ્પા ચોર છે.’
‘પ્રદીપ જુઠ્ઠો છે.’ પોતાની જાતને ઘોકો દઈ નીના એકદમ જોરથી બોલી તો ઊઠી, પછી થરથર થરથર ઘ્રૂજવા લાગી.
‘દીદી, કેમ ઘ્રૂજે છે? તને શું થયું? તાવ આવ્યો?’
‘ચૂપ રહે, માસી આવી રહી છે.’
‘કેમ નીના,શં છે? ઓહો! ભાઈને કાંઈ બહુ લાડ કરાવે છે ને! મારી શું વાતો કરતાં હતાં? બોલ! બળ્યું મારું નસીબ. બહેન પોતે તો સ્વર્ગમાં પહોંચી ગઈ, પણ મારે માથે આ વેંઢાર નાખતી ગઈ.’ માસીનો ક્રોધ ભભૂકી ઊઠ્યો.
‘કેમ શું થયું? માસા પણ આવી પહોંચ્યા.
‘મારું માથું ! ભાગવાની તૈયારી કરી રહ્યાં હતાં.’
‘કાંઈ લીધું તો નથી ને? પાંચસો રૂપિયા લાવીને મુક્યાં છે.’ માસાએ હાંફળા-હાંફળા રૂપિયા જોઈ લીધા.
‘એમનો બાપ તો આરામથી જેલમાં જઈને બઠો છે. વીસ રૂપિયાની લાંચ લેતાં પણ ન આવડી.’માસી હજી બળાપો કાઢ્યે રાખ્યાં હતાં.
‘એમાં હોશિયારી જોઈએ રાતે જ હું પાંચસો લઈ આવ્યો પણ કોઈ સાબિત તો કરી આપે!’
એટલી બુઘ્ઘી હોત તો પછી પૂછવું જ શું?’
‘અને મજાતો એ કે મેં કહ્યું, ત્રણસો-ચારસોની વ્યવસ્થા કરી દે,તો તને છોડાવવાની જવાબદારી મારી. ત્યારે સતવાદી બોલ્યા, હું લાંચ આપીશ નહીં. આપવી ન્’તી તો લીધી શા માટે?’
માસા-માસી બડબડાટ્ કરી ને સૂઈ ગયાં, પણ નીના-કમલ આંખમાંથી શ્રાવણ-ભાદરવો વરસાવતાં હજી જાગતાં જ પડ્યાં હતાં.
પપ્પા એમને કેટલા વહાલથી રાખતા! પડોશી કહેતા કે એમનો ખર્ચ વધારે હતો ને આવક ઓછી. પપ્પા એક વાર કહેતા હતા કે લાંચ લેવી એ પાપ છે. તો પછી એમને લાંચ શા માટે લીધી હશે? મોંધવારી એટલે શું? માસા કહેતા હતા કે એક ન્યાયાધીશે ત્રણ હજાર રૂપિયા લઈ એક ખૂનીને છોડી દીધો હતો. ત્રણ હજાર એટલે કેટલા? સો….બસો…..હજાર…….એ કેટલ થાય? કહે છે, એક પ્રોફેસરે એક છોકરીને એમ.એ. માં પહેલો નંબર આપ્યો હતો, કરણકે તે ખૂબસૂરત હતી. નીનાનું વિવ્હળ મન એકાએક આકાશગંગા ભણી વળ્યું. આ બધું કેટલું સુંદર છે! શું અહીં પણ લાંચ લેવાતી હશે?
પરોઢિયે માસાની બૂમ પડતાં જ બાળકો બેઠાં થઈ ગયાં. બંનેએ મળી પાણી ભર્યુ, વાસણો ચકચકિત માંજી કાઢ્યાં અને રસોડું ધોઈ નાખ્યું.
બે કલાક પછી માસી ઊઠીને આવ્યાં ત્યારે આ બધું જોઈ એમનાથી પૂછ્યા વિના રહેવાયું નહીં
‘કેમ નીના આજે શું છે?’
‘માસી, આજે મારા પપ્પા આવશે. ‘ કમલ બોલ્યો.
‘અચ્છા, બાપના સ્વાગત માટે! પણ મૂરખ, હજી તો એમને સાત મહિના બાકી છે’. માસી કટાક્ષમાં બોલ્યાં.
નીનાનું મોંઢું ફિક્કું પડી ગયું. કમલ પર એને બહુ ગુસ્સો આવ્યો. તે દીવસ સ્કૂલ જતી વખતે એણે કમલને એટલો ધમકાવ્યો કે તે રડી પડ્યો. એ પણ ખૂબ રડી.
એમની નિશાળને રસ્તે ન્યાયાધીશના બંગલાંમાં મુક્ત હાસ્ય ગુંજી રહ્યું હતું. એમની દીકરી મહિનીને સચિવશ્રીની ભલામણથી સરકારે સાંસ્કૃતિક વિભાગની અધ્યક્ષા તરીકે નિયુક્ત કરી હતી. એની મિજલસ ચાલુ હતી ત્યાં નોકરે આવી કહ્યું, ‘ હજૂર, બે ગરીબ બાળકો તમને મળવા આવ્યાં છે.’
‘તો પછી એમને કાંઈક આપી દેવું’તું ને!’
‘એમને કાંઈ જોતું નથી. તમને મળવું જ છે.’
અને શરમાતાં-સંકોચાતાં નીલ-કમલ અંદર આવ્યાં. એમનાં ગાલ પર સુકાયેલાં આસુંના ડાઘ હતા.
‘ક્યાંથી આવ્યાં છો? ‘ જજસાહેબે પૂછ્યું.
‘જી..જી… નીનાની ભયભીત જીભ થોથવાઈ ગઈ.
‘ કેટલાં પ્યારાં, કેટલાં સુંદર બાળકો !’ મોહિનીએ ઊઠીને વહાલથી એમને પાસે બસાડ્યાં. એથી એ બંધ તૂટી ગયો ને કંઠ ખૂલ્યોઃ
‘તમે અમારા પપ્પાને જેલમાં મોકલ્યાં છે ને? એમને છોડી દો ને!’ નીના બોલી.
‘અમારી પાસે પચાસ રૂપિયા છે. તમે ત્રણ હજાર લઈને એક મોટા ડાકુને છોડી દીધો હતો ને?’ કમલ બોલી ઊઠ્યો.
‘પણ અમારા પપ્પા ડાકુ નથી. મોંધવારીને લીધે એમણે ફક્ત ૨૦ રૂપિયાની લાંચ લીધી હતી.’ નીનાએ વકીલાત કરી.
‘રૂપિયા થોડા પડે તો…..’કમલ થોથવાયો.
‘…તો એક બે દિવસ તમારે ત્યાં રહીશ.’ નીનાએ વાક્ય પૂરું કર્યુ.
‘મારી દીદી ખૂબસૂરત છે. અમે સાંભળ્યું છે કે તમે ખૂબસૂરત છોકરીઓને લઈને પણ કામ કરી આપો છો.’ કમલ એકીશ્વાસે બોલી ગયો.
ઓરડામાં સન્નાટો છવાઈ ગયો. મિજલસની મદિરામાં જાણે માખી પડી.
(શ્રી વિષ્ણુ પ્રભાકરની હિંદી વાર્તા આધારે)
***********************************************
(પુસ્તક પ્રકાશક યજ્ઞ પ્રકાશન, હુજરાતપાગા, વડોદરા, ૩૯૦ ૦૦૧, મૂલ્ય ૩૦ રૂ.)
” ભૂમિપુત્રનો કયો વાચક “હરિશ્ચંદ્ર” બહેનોને નથી જાણતો? ભૂમિપુત્રનું છેલ્લુ પાનું પહેલું વાંચનારાઓમાં હું પણ એક છું. આ વાર્તાઓની સચોટતાએ ઘણી વાર ભૂમિપુત્રના ગંભીર લખાણો વિશેષ સ્ફ્રુટ કર્યા છે. સાહિત્યના આખરે બે જ મુખ્ય ગુણો છે. નિરર્થક શબ્દોનો અભાવ, દરેક નિરર્થક શબ્દ કે પ્રસ્તાવના સૌંદર્યને આઘાત આપે છે, અને સૂચકતા તો સાહિત્યનો પ્રાણ જ છે, તે બધા રસજ્ઞો કહે છે.
“હરિશ્ચંદ્ર” બહેનો વિનોબાજીની છાયામાં રહી હરતી ફરતી સાધિકાઓ છે. સાધના કરનારા કાંઈક રુક્ષ, સ્વકેન્દ્રી, અલ્લડ દેખાય છે – હોય છે તેવું નહીં, પણ તેમની તીવ્ર વૈરાગ્યવૃત્તિ અને ધૂની એકોપાસના એમનું આવું રૂપ પ્રગટ કરે, પરંતુ આ બહેનોનું જુદું છે, તેમનામાં છે આનંદ, માધુર્ય છતાં કરુણા મૂલક અનાસક્ત કર્મ પ્રવાહ. વિનોબાજીની કૃપા અને પોતાના નમ્ર પુરુષાર્થ થી આ આવ્યાં છે. કાકા સાહેબે ક્યાંક કહ્યું છે તેમ શીલ તેવી શૈલી. બે જણ લખે છે છતાં એક હાથે લખ્યું હોય તેમ લાગે છે, તે બન્નેના મનૈક્યની પ્રસાદી છે. ”
– મનુભાઈ પંચોળી ‘દર્શક’ ( વીણેલા ફૂલની પ્રસ્તાવના માંથી )
************************************************
ભૂમિપુત્રનું માત્ર એક જ પાનું, ૮૦ થી ૮૨ લીટી, સાતસો સાડા સાતસો શબ્દ, સચોટ મનોભાવ અને પ્રગટ સંવાદો દ્વારા એક સીધી સાદી વાત, ક્યાંય શીખવવાની, ઉપદેશની વાત નહીં, ક્યાંય એકેય શબ્દનો ખોટો ખર્ચ નહીં, ચુસ્ત માધ્યમ, નક્કર કદ રચનાને લીધે સચોટ વક્તવ્ય, ભૂમિપુત્ર માં હરિશ્ચંદ્ર બનેનોની આ વાર્તાઓ પ્રગટ થતી અને તેમને પુસ્તકાકારે વીણેલા ફૂલ તરીકે પ્રકાશિત કરવામાં આવી, જૂન ૧૯૭૨માં પ્રસિધ્ધ થયેલી પ્રથમ આવૃત્તિ. એક ભાગમાં ચાલીસ આવી વાર્તાઓ, અને આવા અનેકો ભાગ, ગુજરાતી સાહિત્યનું એક અણમોલ રત્ન એટલે ” વીણેલા ફૂલ “. આ પુસ્તકો મારા સુધી, કાંઈક અલગ વાંચવાની ભૂખ સંતોષવા પહોંચાડવા બદલ શ્રી ગોપાલભાઈ પારેખનો ( http://gopalparekh.wordpress.com ) ખૂબ ખૂબ આભાર
– જીગ્નેશ અધ્યારૂ
excellent story…
FOR MARRIAGE , BIRTH & OTHER OCCASION, ONE CAN CHOOSE ANY OF 1-16 PARTS OF VINELA FUL AS INVITATION [CARD] WHICH WILL BE KEPT WITH INVITEES FOR LONG PERIOD WITH THEM AND LASTLY GIVEN TO OTHER SOME ONE WHO LIKE TO READ GOOD THINGS. THIS WAYS WE CAN KEEP SMRUTI OF OUR PRASANG
અત્યાર સુધિનિ વાન્ચેલિ વાર્તા મા આ નંબર ૧ આપુ છુ.
Ekdum saras varta che. badako ni a dasha thi kharekhar hraday dravi uthe che……
bhubaj saras warta ,,,,,,,,,,,,pasand aavi.
Comment by :Chandra.
Very nice story…
Nice Story !!
Heart touching story.
એકદમ ચોટદાર વાર્તા.