સાલ મુબારક = છેલ્લી યાચના (ઉમાશંકર જોશી)
આ છેલ્લી યાચના આપ પાસે, મારા ઉંડા છેક અંતસ્થલેથી છેદી નાખો ક્ષીણતા સર્વ મારી પૂરા જોરે ખડગ ઝીંકી પ્રભુજી ! સુખોને ય જીરવી જાણવાની શક્તિ દેજો દુઃખમાં એહવી કે દુઃખો મારાં શાંત મોંએ હસીને પોતે પોતાની જ પામે ઉપેક્ષા. શક્તિ દેજો ભક્તિની નાથ એવી જેણે મારા કર્મ સાફલ્ય પામે જેણે મારાં દુન્યવી સ્નેહ પ્રેમ મ્હેંકી ઉઠે પુણ્યના પોયણાં શાં, કંગાલોને જ્ઞાનહીણાં કરું ના, જાલીમોને પાય ઝૂકી પડું ના, ઉંચે માથે ક્ષૂદ્રતાની વચાળે ચાલું એવી શક્તિ આપો, પ્રભુજી ! શક્તિ દેજો આપને પાય નામી પોતાને હું સ્થિર રાખું સદૈવ. – ઉમાશંકર જોષી કવિ શ્રી ઉમાશંકર જોષી જેમ આ કવિતામાં પ્રભુ પાસે પોતાના હ્રદયના ઉંડાણમાં રહેલી ક્ષીણતાને અને નબળાઈઓને પૂરી તાકાતથી ખડગ ઝીંકીને દૂર કરવાની યાચના કરે છે. કવિ સુખોથી છકી ન જવાની અને દુઃખને હસતા મોંએ સહન કરવાની ક્ષમતા માંગે છે, કવિ પ્રભુ પાસે ભક્તિની શક્તિ માંગે છે, જેનાથી ઉમદા જીવનકાર્યો સિધ્ધ કરી શકાય અને જગતના લોકો પ્રત્યેનો પ્રેમ મહેકી ઉઠે. કોઈ જ્ઞાનથી વંચિત ન રહે તો બીજી તરફ જાલીમોથી ડરીને તેમને તાબે ન થવુ પડે અને જગતમાં ખુમારી પૂર્વક જીવી શકાય તેવું જીવન પ્રભુ આપણને આપે. દિવાળીના પર્વે આ જ પ્રાર્થના પ્રભુને. સર્વે વાચક મિત્રોને શુભ દિપાવલી અને નવા વર્ષે પ્રભુની કૃપાના પાત્ર બનો એ જ ઈચ્છા સાથે સાલ મુબારક !