લાગ્યો કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી 2


લાગ્યો કસુંબીનો રંગ –
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ… રાજ..

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ… રાજ..

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ… રાજ..

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ… રાજ..

નવલી દુનિયા કેરા સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ… રાજ..

પીડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ
શહીદોના ધગઘગતા નિ:શ્વાસે નિ:શ્વાસે સળગ્યો કસુંબીનો રંગ … રાજ..

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ
બિસ્મિલ બેટાંઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ … રાજ ..

ઘોળી ઘોળી પ્યાલાં ભરિયા : રંગીલા હો! પીજો કસુંબીનો રંગ
દોરંગા દેખીને ડરિયાં : ટેકીલાં હો! લેજો કસુંબીનો રંગ … રાજ ..

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ –
લાગ્યો કસુંબીનો રંગ !

 – – – રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 thoughts on “લાગ્યો કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી