વીણેલા મોતી – ૧ 1


સખત તડકા માં પરસેવે રેબઝેબ થતાં કેટલાક મજૂરો પથ્થર તોડી રહ્યા હતા. એવામાં કોઈકે આવીને એક મજૂર ને પૂછ્યું “શું કરો છો?”

મજૂરે અકળાઈને તે માણસની સામે જોયું અને સખત ગુસ્સાથી તેને તતડાવી નાખતા કહ્યું

“જોતો નથી પથ્થર તોડું છું?”

પેલા માણસને તે મજૂરને પૂછ્યાનો અફ્સોસ થયો… તેને થયું આને વધારે પૂછવાથી કાંઈ ફાયદો નથી માટે તે આગળ ચાલ્યો..

તેણે બીજા એક મજૂરને પૂછ્યું “શું કરો છો?”

પેલાએ માથુ ઊંચુ કર્યા વગર જ જવાબ આપ્યો…”પેટીયું રળવા માટે પથ્થર તોડી રહ્યો છું ભાઈ”

પેલાને તેના જવાબ થી પન સંતોષ ના થયો…તેણે એક અન્ય મજૂર જોયો…તે ગીતો ગાતા ગાતા આનંદથી પથ્થર તોડતો હતો.

આ માણસે ત્યાં જઈને પૂછ્યું “ભાઈ શું કરો છો??”પેલાએ આકાશ તરફ બે હાથ ઊંચા કર્યા અને બોલ્યો “ભગવાન ના મંદીર માટે પથ્થર તોડું છું ભાઈ…..મજૂરી તો ગમે ત્યાં કરવાની જ છે પણ પ્રભુનું કામ કરવાની મજા આવે છે.”

ત્રણેય મજૂર એકજ પરીસ્થિતિમાં એક સરખુંજ કામ કરતા હતા પણ તે કામ પ્રત્યેનો તેમનો ભાવ સાવ અલગ અલગ હતો. પહેલો મજૂર જે કામ કરતો હતો તેને તે જરાય પસંદ ન હતુ….એટલે એણે અકળાઈને જવાબ આપ્યો. જે કામ ગમતુ નથી પણ કરવુ પડે છે તેને સ્વિકારતા મન પાછું પડે છે. કામ કર્યા વગર ચાલે તેમ નથી એટલે તે કરે છે, પણ જાણે કોઈ બળજબરીથી કરાવતુ હોય તેમ. એ જાણે કે ગુલામી અનુભવતો હતો, અને એના અંદરની આ ગુલામીએ આક્રમક રૂપ લઈ લીધુ એટલે એણે આવો જવાબ આપ્યો.જ્યારે બીજા મજૂરની મનોદશા પણ કાંઈ અલગ નથી પણ તેણે પરીસ્થિતિ સ્વિકારી લીધી છે, કારણ કે એ સમજે છે કે આ કર્યા વગર રોજીરોટી મળે એમ નથી, અને બીજુ કોઈ કામ પણ નથી. આ જ કામ કરવાનું છે, બીજો કોઈ ચારો નથી તો ગમે તેમ કામ પતાવે જ છૂટકો.પહેલો અકળાયેલો, ક્રોધમય છે જ્યારે બીજો મજબૂર અને અસહાય છે…બન્ને ની પરિસ્થિતિ સરખી છે…બન્ને ને કામ કરવામાં કોઈ જ આનંદ મળતો નથી.

જ્યારે ત્રીજો મજૂર આ બેય થી નોખી વિચારસરણી ધરાવે છે. એ જાણે છે કે જે કામ મળ્યુ છે એને પૂરી મહેનતથી, મનથી અને હસીને કરવાથી આપણું કામ તો સરસ થાય જ છે પણ આપણું મન પણ સ્વસ્થ રહે છે. હસતા હસતા કે રડીને, કામ તો કરવાનું જ છે. મજબૂરી થી કે આનંદથી, કમાયા વગર તો છૂટકો જ નથી, તો પછી કેમ હસીને કામ ના કરીએ? સામે આવેલુ કામ જેટલા ખંતથી કરીએ એના જેવું બીજું કાંઈ નથી…..કામ જ કામ અપાવે.

સ્વર્ગ અને નરક આપણેજ બનાવીએ છીએ. ઈશ્વર જે કામ આપે એને મહેનત અને ઈમાનદારીથી પૂરૂ કરીએ બસ એના થી વધારે આનંદ કયો હશે??


આપનો પ્રતિભાવ આપો....

One thought on “વીણેલા મોતી – ૧