નૂતન વર્ષના પ્રભાતે.. – સંપાદકીય 7


અક્ષરનાદ સર્વે સર્જકમિત્રોને, વાચકમિત્રો, સહયોગીઓ અને સર્વે સ્નેહીજનોને નવા વર્ષના સાલમુબારક.. વિક્રમ સંવત ૨૦૭૫નું આ નવું વર્ષ આપ સર્વેને જીવનમાં સંતોષપ્રદ, ઉલ્લાસસભર અને સફળ નીવડે એવી ઈશ્વરના શ્રીચરણોમાં પ્રાર્થના. ગત વર્ષે ઈશ્વરકૃપા અને મિત્રોના ઉત્સાહસભર સહકારથી અક્ષરનાદ સરસ ચાલી શક્યું, ધારણાથી વધુ સારી રીતે.. અશ્વિનભાઈ અનુદિત નવલકથા શિન્ડલર્સ લિસ્ટ અને ધ્રુવભાઈની તત્વમસિ અક્ષરનાદ પર ખૂબ વંચાઈ. એ સાથે અનેક કૃતિઓને વાચકમિત્રોનો અનન્ય સ્નેહ અને આવકાર મળ્યો. સર્જકમિત્રોનો અક્ષરનાદની ક્ષમતા અને પદ્ધતિમાં વિશ્વાસ અને સતત સહકાર મળતા રહ્યા. આવનારા વર્ષે એથીય વધુ સત્વશીલ વાંચન વાચકો સુધી પહોંચાડી શકીએ અને નવા સર્જકોનો ઉત્સાહ વધારતો આ મંચ સહજતાથી આપી શકીએ એ જ પ્રયાસ સતત રહેશે..

દિવાળી અંધકાર પર પ્રકાશના વિજયનો, હતાશા અને નિરાશાને હરાવતા ઉલ્લાસના વિજયનો ઉત્સવ છે. સાહિત્યની પરિભાષા જેમ ટેકનોલોજી અને જીવનના પ્રવાહ સાથે સતત બદલાતી રહે છે એ જ રીતે એ જીવનને પણ પ્રભાવિત કરે છે. સાહિત્યનું સ્તર, સર્જકોનું આગવું વિશ્વ અને એક વાચક તરીકે મનગમતા સર્જકને જાણવાની – નજીક જવાની આખી પ્રક્રિયા પણ સમય સાથે સતત બદલાઈ છે. હવે સર્જકો વધુ સુગમતાથી વાચકો સાથે સીધો સંવાદ કરી શકે છે, સોશિયલ મિડીયા જેવા માધ્યમે હવે પ્રકાશન માધ્યમો પરની તેમનું અવલંબન ઘટાડ્યું છે, એટલે પ્રકાશન માધ્યમોએ વધુ જવાબદારીપૂર્વક અને ગંભીરતાથી નિરપેક્ષભાવે ગુણવત્તાસભર અને જીવન ઉપયોગી સાહિત્ય પીરસવાની નેમ રાખવી જોઈએ એમ મને લાગે છે. દિવાળીની રંગોળીમાં જીવનના તમામ રંગો સાથે આવીને એક રંગોળીમાં પોતાના અસ્ત્તિત્વને ભેળવી દે છે એમ સાહિત્યના અનેકવિધ પ્રકારો જીવનને પ્રેરણા અને ઉત્સાહ આપવા જોઈએ. નવા વર્ષે એકબીજાને સાલમુબારક કહીએ ત્યાર નવા વર્ષમા વધુ વાચકલક્ષી થઈ, વધુ ઉપયોગી અને પ્રાયોગિક થઈ રહે એવા પ્રયત્ન અક્ષરનાદ માટે કરવા છે. વાચકને જીવનની સતત સરળ ગતિ અને તેના સાતત્યની વાત કહેવી જરૂરી છે, સાહિત્યનો હેતુ જીવનની અનેકવિધ વિટંબણાઓ અને સંઘર્ષોમાંથી પસાર થઈ રહેલા માણસને ફિક્શનની દુનિયામાં ખેંચી જઈ ક્ષણિક જીવનના રસનો આસ્વાદ કરાવવાનો, એને વિચારતો અને વધુ સંવેદનશીલ બનાવવાનો હોય છે, એ ચોમાસાની ભીની ભીની સાંજ વિશેનો નિબંધ વાંચીને એ અંગેની યાદોમાં ખોવાઈ જાય કે કોઈક અદ્રુત વાર્તાના પાત્ર સાથે પોતાનું તાદામ્ય સાધી બેસે, એ કોઈક ગઝલમાં પોતાના જીવનનો પ્રાસ શોધે કે પ્રવાસવર્ણન વાંચતા પોતાની જાતને ક્યાંક મૂકીને માઈલો દૂર લેખક સાથે પ્રવાસ કરી આવે.. સાહિત્ય વિચારના વૃંદાવનમાં મનના મોહનની મોરલીનો મધુર નાદ છે, એ જીવનની બારાખડીનો પહેલો અક્ષર છે..

સોશિયલ મિડીયાને અક્ષરનાદે આ વર્ષે અસરકારક રીતે સ્પર્શવાનો પ્રયત્ન કર્યો છે. અક્ષરનાદનું ફેસબુક પેજ આ વર્ષે અગાઉના વર્ષો કરતા ઘણું સદ્ધર થયું છે, અક્ષરપર્વ – ૨ નું સુંદર આયોજન અને એમાં ધ્રુવભાઈ ભટ્ટ, દિવાનભાઈ ઠાકોર, અરુણભાઈ ભટ્ટ, મીનાક્ષીબેન ચંદારાણા અને હર્ષદભાઈ દવે તથા અનેક સર્જનમિત્રોની નાટ્યપ્રસ્તુતિ હોય કે એકપાત્રિય અભિનય હોય – એ ઉત્સવ અને એ દિવસ યાદગાર હતો. આ વર્ષે અક્ષરનાદનું એ યાદગાર સંભારણું છે. આ વર્ષે એથીય વધુ સુનિયોજીત રીતે અક્ષરપર્વ -૩ નું આયોજન કરવું છે. ઉપરાંત હમણાં જ અશ્વિનભાઈ અનુદિત ‘શિન્ડલર્સ લિસ્ટ’નો અનુવાદ પૂર્ણ થયો છે એટલે હવે સ્વ. પ્રકાશભાઈ પંડ્યાની, એમણે છેલ્લા દિવસોમાં અક્ષરનાદ પર મૂકવા આપેલ નવલકથા આમ્રપાલી દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત કરીશું. સાથે લાંબા સમયથી ડાઊનલોડ વિભાગમાં ઉમેરવાના બાકી રહેલ ઈ-પુસ્તકોની પણ મોટી યાદી છે જે જાન્યુઆરી સુધીમાં સો ઈ-પુસ્તકોને પાર કરી જશે. અક્ષરનાદ કોઈ કોમર્શિયલ વેબસાઈટ નથી, અને ગયા વર્ષે થયેલ મોટા હેકિંગ પછી આખી વેબસાઈટને બેઠી કરતા, સર્વર અને બીજુ બધુંં બદલતા અને એને સુરક્ષિત કરવામાં ચાલીસેક હજારનો અણધાર્યો ખર્ચ થઈ ગયો. દર વર્ષે એને ચલાવવા માટે થતા ખર્ચમાં આ એક મોટો અને અણધાર્યો ઉમેરો હતો પણ અગિયાર વર્ષની મહેનતને વ્યર્થ જવા દેવાનો કોઈ પ્રશ્ન જ ઉદભવતો નથી. આ વર્ષે અક્ષરનાદ અને રીડગુજરાતીના લેખોને આવરી લેતી એક એપ્લિકેશન આપ સૌ વાચકમિત્રો સમક્ષ મૂકી શકીએ, નવો અને વધુ ઉપયોગી લે-આઉટ અને સગવડો ઉમેરી શકીએ એવી આશા છે.

આ નૂતન વર્ષમાં આપણે જીવન પ્રત્યે વધુ સંવેદનશીલ બનીએ, સાહિત્યને જીવન સાથે જોડીને વિચારપ્રેરક અને હકારાત્મક અભિગમ કેળવીએ એવી પ્રભુપ્રાર્થના. આ નવલું વર્ષ આપ સૌના આંતરિક વિકાસ સાથે જ્ઞાન સમૃદ્ધિમાં અને સંવેદનામાં વૃદ્ધિ આપે એવી શુભેચ્છાઓ. ફરી, અક્ષરનાદના તમામ વાચકમિત્રો અને સર્જકમિત્રોને ‘સાલમુબારક’. નવ વર્ષ નિમિત્તે રજાઓ પછી રવિવાર તા. ૧૧ નવેમ્બરથી આમ્રપાલીના પ્રથમ હપ્તા સાથે મળીશું. ત્યાં સુધી, આવજો…..

જીજ્ઞેશ અધ્યારૂ
સંપાદક


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “નૂતન વર્ષના પ્રભાતે.. – સંપાદકીય

  • Kalidas V.Patel { Vagosana }

    રીડગુજરાતી અને અક્ષરનાદના સૌ વાચકો, લેખકો, શુભેચ્છકો સહિત સમગ્ર પરિવારને નૂતન વર્ષાભિનંદન. આપણે બધા … હા! બધ્ધા ય બધી રીતે ફળીએ -ફૂલીએ અને સાહિત્ય સાગરમાં ખૂંપી જઈએ એ જ પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના !
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • Lina Joshi Chaniyara

    Aksharnaad parivar ne nava varsh ni khub khub shubhechchao…Saal Mubarak… aksharnaad khub khub pragati kare evi Jigneshbhai n team ne shubhechchao…
    Lina Joshi Chaniyara

  • ચિંતન આચાર્ય

    જિગ્નેશભાઈ,
    તમારી મહેનત અને પ્રયત્નોને વધુ જોશ મળે અને અક્ષરનાદ દુનિયાના દરેક ગુજરાતી વાંચનમા રસ ધરાવતા વાચક સુધી પહોંચે તેવી શુભકામના.

    સર્વેને સાલમુબારક!!!

    -ચિંતન આચાર્ય

  • જયેન્દ્ર પંડ્યા

    મુરબ્બી શ્રી જીગ્નેશભાઈ

    આપને અને આપની અક્ષર્નાદની ટુકડીને ‘નુતન વર્ષાભિનંદન’. નવા વર્ષમાં નવા સોપાન સર કરો એવી શુભેચ્છા.
    ગુજરાતી સાહિત્યનુ ભાતું આમજ અવિરત રીતે પીરસતા રહેજો અને વારે તહેવારે મિષ્ટાન પણ મોકલતા રહેજો.
    જયશ્રી કૃષ્ણ – શુભમ ભવતુ

  • હર્ષદ દવે

    તમારી ઝળહળતી શુભ ભાવના એટલી પ્રબળ છે કે સારી કાએનાત તેને મૂર્તિમંત કરવા તત્પર બની જશે…નવલા 2075 ની ઇલેક્ટ્રોનિક મીડિયાની ઝડપે છવાઈ જશે. સાલમુબારક…