એક આંસુ – ભાનુશંકર આચાર્ય 2
હું ઈશ્વરનો પરમ ઉપાસક, અનન્યાશ્રયી ભક્ત કે દ્રઢશ્રધ્ધ પૂજક ન હતો અને નથી. માણસ ઈશ્વર પ્રત્યે દરકારી કે બેદરકારી ગમે તે બતાવી રહે છતાં ઈશ્વર કલ્યાણમૂર્તિ છે, તે સર્વનો રક્ષક અને સહાયક છે તેમ તો હું એક અનુભવ પછી માનતો થયો છું. પ્રત્યેક વ્યક્તિને જીવનની કોઈ એક ક્ષણ ધન્ય બની હોય તેવો અનુભવ મળે છે જ. એક ક્ષણની તેવી સ્મૃતિ વારંવાર યાદ કરવામાં આવે તો નાસ્તિક મનુષ્ય આસ્તિક બની જાય છે. પાપી જન પુણ્યાત્મિકા ભાગીરથીથી પણ વધુ પવિત્ર બની જાય છે. ઈશ્વર સમદ્રષ્ટિવાળો છે; તે પાપી કે પુણ્યવાન, આસ્તિક કે નાસ્તિક, ભક્ત કે અભક્ત, દરેકને કોઈવાર પ્રત્યક્ષ થઈને અગર પરોક્ષ રીતે સાન્નિધ્યનું ભાન કરાવે છે. દર્શન દે છે. માત્ર ઈશ્વરનું દર્શન થયા પછી તેનું સ્મરણ જ, પછીથી મનુષ્ય જાગૃત રહે તો, તેના ઉધ્ધાર માટે સ્વતંત્ર અવલંબન બની શકે છે. બલ્કે મનુષ્ય તે દર્શનને ન વિસ્મરે તો તે ક્ષણ તેના જીવનની ધન્ય પળ બની જાય છે. આખું જગત સ્વાર્થી છે. હું કેમ સ્વાર્થી ન હોઉં? પરંતુ આસ્તિક અને શ્રધ્ધાળુ માતાપિતા પાસેથી ઈશ્વરનું સ્મરણ ગમે તે મુશ્કેલ પળમાંથી પણ ઉગારી લે છે તેવો ઉપદેશ મળેલો. નાનપણમાં જ મળેલો આ ઉપદેશ મને હજી યાદ છે. સંકટમાં ઈશ્વર સ્મરણ હું કદી ચૂકતો નથી. હું વિદ્યાર્થી હતો. ઈશ્વર સ્મરણ માત્ર સ્વાર્થ પૂરતું જ મારો આધાર હતું. પણ મુશ્કેલીમાં પાર ઉતારવા ઈષ્ટનું સ્મરણ અમોઘ શસ્ત્ર છે તેમ તો સ્વાર્થ ભાવનાની સાથે જ હું અત્યંત વિશ્વાસપૂર્વક માનતો. ઈષ્ટદેવનું સ્મરણ કર્યા સિવાય નિશાળે ન જવું કે ઘર બહાર પગ ન મૂકવો તે ટેવ માતાપિતાના ઉપદેશથી નાનપણથી જ પડી હતી. ઈચ્છાએ કે અનિચ્છાએ, શ્રધ્ધાથી કે અંધશ્રધ્ધાથી ઈરાદાપૂર્વક કે નિન ઈરાદે […]