તમે ટહૂક્યાં ને….. – ભીખુ કપોડિયા 4
શ્રી કૃષ્ણની વાંસળીના સૂર વહેતા થયા અને જાણે આખુંય આકાશ તેના સૂરમાં ગુલતાન થઈને ઝોલે ચઢ્યું એમ વર્ણવતું આ સુંદર ભાવગીત એક ગોપીની મનોભાવના પર આધારીત છે. લીલી કુંજમાંથી સારસની જોડ જેવા વેણ વહે અને આંખો કા’નને જોવા અધીર થઈ રહે છે. ઝરણાંને જોઈને જેમ તરસ્યું હરણું દોટ મૂકે તેમ વાંસળીના સૂર સાંભળી કૃષ્ણને જોવા મન દોટ મૂકે છે એમ ગોપીના મનોભાવ કહે છે. મોરના પીંછાની મધ્યે આલેખાયેલા ર્ંગોને આંખ તરીકે કલ્પીને કવિએ કમાલ કરી છે. તેઓ કહે છે કે એ આંખે આખુંય વન નીરખ્યા કરવાનું મન થાય છે. આમ કૃષ્ણની વાંસળીના એક જ ટહુકારે આખુંય આભ પણ પ્રેમભર્યા મનને ઉડવા માટે ઓછું પડે છે. “શાંત તોમાર છંદ” માંથી સાભાર લેવાયેલું આ ભાવગીત ખૂબ ઉર્મિસભર અને પ્રેમભર્યું છે.