સાહિત્યકાર મુજબ સંગ્રહ... : પ્રફુલ્લ પંડ્યા


કિંમત – પ્રફુલ્લ પંડ્યા 4

ચિત્તા બળી રહી હતી. ઉપર ઉઠતી જ્વાળાઓને હું સમસમીને જોઈ રહ્યો હતો. મને ડર હતો કે મા ત્યાંથી ઉઠીને હજીયે મારી પાસે આવી શકે છે; અને મારો હાથ પકડીને ચૂપચાપ ઘર તરફ ચાલવા માંડે તેમ છે. ઘરે પહોંચીને તેને જે આઘાત લાગે તેમ હતો તેની તો હું કલ્પના પણ કરી શકું તેમ નથી. આ ડરને કારણે જ મને રડવું પણ આવતું નહોતું. હું ચૂપચાપ આગની જ્વાળાઓમાંથી ઉપર ઉઠતી ચિનગારીઓને અંધારામાં ડૂબતી જોઈ રહ્યો હતો.

અચાનક એક ફટાકડો ફૂટવા જેવો અવાજ આવ્યો. સળગતા લાક્ડાઓમાં થોડી હલચલ થઈ. હું સમજી ગયો કે કપાલક્રિયા થઈ ગઈ છે. હવે મા ત્યાંથી ઊઠીને અહીં નહીં આવી શકે. મને એક ક્રૂર તસલ્લીનો અહેસાસ થયો. વિડંબના પણ હતી જ કે હું દુઃખી થવાને બદલે આશ્વસ્ત થઈ રહ્યો હતો. મને વધુ સંતોષ તો એ વાતનો હતો કે અંતિમ સમયે માએ મારી જે જૂઠી વાતને સાચી માની લીધી હતી તે હવે સાચી જ બનીને રહી ગઈ. તે સમયે જો હું જૂઠું ન બોલ્યો હોત તો તેમનો આત્મા દુઃખી થઈ જાત. મારા જૂઠને કારણે તેમના અંતિમ શ્વાસ સુગમ બની રહ્યાં.