આ ભૂંગળાનું શું કરીશું? – સ્વાતિ મેઢ 2


આમ તો સુનયનાબહેનના સાસુએ એમની બધી વહુઓ કુલ નંગ પાંચને બધી વાતો સમજાવેલી. બધી વહુઓએ એ માન્યું કે ન માન્યું કોને ખબર? સુનયનાબહેને માન્યું. કોઈ પણ પ્રસંગમાં જાય. વહેવાર કેટલો કરેલો એ એકદમ પાક્કું યાદ રાખે.

સુનયનાબહેને મોબાઈલ કરીને પસ્તીવાળા કમલેશને બોલાવી જ લીધો. એમ તો કમલેશ દર મહિને પહેલા રવિવારે સવારે સાડા નવ વાગે પસ્તી લેવા આવી જ જાય પણ આ વખતે હોળી હતી ને એટલે એ ઘેર ગયેલો. મહિનાનો પહેલો રવિવાર ચૂકાઈ જાય તો એ પછીના મહિનાના પહેલા રવિવારે વાત જાય. એ રવિવારે જો સુનયનાબહેનને કોઈ વહેવારમાં જવાનું થાય તો એ રવિવાર પણ ચૂકાઈ જાય. આ વખતે એવું જ થયેલું. શું વહેવાર હતો તે તો યાદ નથી. સંસાર લઈને બેઠાં હોઈએ તો સત્તરસોને સાઠ વહેવારોમાં જવાનું થતું હોય. બધું તો કેમ કરીને યાદ રાખવું? ‘વહેવાર’ શું કરેલો એ યાદ રહે એટલે બસ. સુનયનાબહેનને એમનાં સાસુ એ સમજાવી ગયેલા.

આમ તો સુનયનાબહેનના સાસુએ એમની બધી વહુઓ કુલ નંગ પાંચને બધી વાતો સમજાવેલી. બધી વહુઓએ એ માન્યું કે ન માન્યું કોને ખબર? સુનયનાબહેને માન્યું. કોઈ પણ પ્રસંગમાં જાય. વહેવાર કેટલો કરેલો એ એકદમ પાક્કું યાદ રાખે. આમ જોઈએ તો સુનયનાબહેન અને સુધીરભાઈ આવા વહેવારો પાછા મેળવી શકે એ ઉંમરથી ઉપર ચડી ગયેલા તો ય આ સિસ્ટમ ચાલુ રાખેલી. ‘સારી પરંપરાઓને ભૂલવી નહીં’ એવું કોઈક શાસ્ત્રમાં લખ્યું છે. સુનયનાબહેનને તો એ ક્યારની ખબર. આમ કોઈકને કોઈક કારણોસર પસ્તી વેચી શકાઈ ન હતી અને હવે સુનયનાબહેનને ઘરમાં પડી રહેલી પસ્તીથી કંટાળો આવતો હોવાથી નવા મહિનાના પહેલા રવિવારની સવારના સાડા નવ વાગે પસ્તીવાળો કમલેશ આવે એની રાહ જોવાને બદલે એક દિવસ બપોરે એમણે એને ફોન કરીને પસ્તી લેવા બોલાવી જ દીધો. બપોરે એટલે બપોરે ચાર વાગે ઊંઘી ઊઠીને ચા પીવાનું પતાવીને પછી.

ચાર વાગ્યા. કમલેશ એનું ઈલેક્ટ્રીક ત્રાજવું લઈને આવી ગયો. પસ્તી તૈયાર હતી. થેલીમાં ભરી રાખેલી દૂધની કોથળીઓ પણ તૈયાર હતી. પ્લાસ્ટિકની તૂટેલી બાસ્કેટમાં ડબલા-બાટલીઓ પણ તૈયાર હતાં. એ સૌ કમલેશની લારીમાં જવા ઉતાવળા હતાં. કેટલે દિવસે બહારની હવા મળશે એ વિચારે રાજી હતાં, કમલેશના હાથમાં જવા ધક્કા-ધક્કી કરતાં હતાં. કમલેશ એક એક કરીને દરેક ડબલા-બાટલીઓને બાસ્કેટમાંથી ઉપાડીને ડાબે, જમણે, સામે એમના ક્લાસ મુજબ મૂકતો હતો. એટલામાં એના હાથમાં એક ભૂંગળું આવ્યું. આઠેક ઇંચ લાંબું ને અઢી ઇંચનો એનો વ્યાસ. રંગ પૂંઠાનો હોય એવો ખાખી. કમલેશે એ ભૂંગળું એકે ય ઢગલામાં ન મૂક્યું. જરા દૂર નાખી દીધું. ભૂંગળું થોડીવાર ડોલ્યું ને પછી સ્થિર થઈ ગયું. પછી છાપાં જોખાયાં, દૂધની થેલીઓ જોખાઈ, હિસાબો ગણાયા અને કમલેશ પૈસા આપીને બધાની ગાંસડીઓ બાંધી વિદાય થયો. પેલું ભૂંગળું એના બાસ્કેટમાંના સર્વસાથીઓથી વિખૂટું પડીને એક તરફ પડ્યું રહ્યું.

અત્યાર સુધી સર્વ સમજદાર પતિશ્રીઓની જેમ સુધીરભાઇ સોફામાં બેસીને છાપાના પાનાં ફેરવતા હતા. આમ તો સવારે છાપું જોવાઈ ગયેલું. તો ય સુધીરભાઈએ છાપું પકડી રાખેલું કારણ કે જો વજનમાં એકાદ છાપું ખૂટે તો આજનું છાપું પણ પસ્તીમાં આપી દેવાય. ‘આજનો દિવસ તો પૂરો થવા આવ્યો, હવે છાપાનું શું કામ?’ સુધીરભાઇને વર્તમાનકાળને આટલો જલ્દી ભૂતકાળ થવા દેવો ન ગમે. આજનો દિવસ આવતી કાલે ભૂતકાળ બનવાનો જ છે. એ શાશ્વત  સત્ય મારી તમારી જેમ સુધીરભાઈ પણ જાણે છે પણ યાર, સૂરજ આથમવાની તો રાહ જોવાની કે નહીં?  પણ પસ્તી વેચવા બેઠેલી ગૃહીણીની સાથે આવી દલીલ ન કરાય.

આમ તો ગૃહીણી સાથે કદિ કોઈ વાતે દલીલ ન કરાય એવું બધા પતિશ્રીઓ સમજે. નિવૃત્ત પતિશ્રીઓ તો ખાસ સમજે. એમ કરવામાં જો કશીક ગરબડ થઈ જાય તો આખોને આખો ઉનાળો વયો જાય એકે ય વાર ભરેલા ગુંદાનું શાક ખાવા ન મળે! એવું જોખમ લેવા કરતાં હાથમાં છાપું પકડીને શાંતિથી બેસી રહેવું ઓછું જોખમી. સુધીરભાઈ અનુભવે આ સમજેલા. અનુભવ જેવો બીજો કોઈ શિક્ષક નથી.

કમલેશ ગાંસડીઓ ઉઠાવીને વિદાય થયો. સુધીરભાઈનું ધ્યાન ગયું, ‘અરે આ ભૂંગળું તો રહી ગયું. કમલેશ કેમ ન લઈ ગયો? એનું શું કરવાનું છે?’ પૂરી પચીસ મિનિટ પછી સુધીરભાઈ પહેલું વાક્ય બોલ્યા. સુનયનાબહેન આફ્ટરપસ્તી ગોઠવણમાં બીઝી હતાં. જવાબ ન મળ્યો એટલે  સુધીરભાઈ એ સવાલ રિપીટ કર્યો, ‘આ ભૂંગળાનું શું કરવાનું છે?

‘રહેવા દો. કામનું છે.’ સુનયનાબહેને જવાબ આપ્યો. ‘એમ કરો એને આ ડાઈનિંગ ટેબલ પર મૂકી દો.’ સુધીરભાઈએ ડાઈનિંગ ટેબલ પર જગ્યા કરીને ભૂંગળું ત્યાં મૂકી દીધું. સુનયનાબહેનના ઘરના ડાઈનિંગ ટેબલ પર એ બે જણને જમવા બેસવાની જગ્યા સિવાય બાકીની જગ્યા પર અનેક ચીજો પડેલી હોય. જેમ કે ત્રણ-ચાર જોડી ચશ્મા, ઉનાળો હોય તો ગોગલ્સ પણ ખરા.  મોટરકારની ચાવીઓ, ઘરની ચાવીઓ, મુખવાસની બાટલીઓ, પ્લાસ્ટિકની ખાલી થેલીઓ ને એવું બધું. સુનયનાબહેનને એ ન ગમે. એ ઘણી વાર બબડે, ’બાજુવાળા ઉર્વશીબેનનું ઘર જોઈ આવો. ડાઈનિંગ ટેબલ કેવું ખાલીખમ હોય છે.’

સુધીરભાઈને ય મન તો થાય કે ઉદાહરણ રૂપે ઉર્વશીબેનના ઘરનું ડાઈનિંગ ટેબલ જોઈ આવે. પણ ઉર્વશીબેનના બિલ્ડર વર તો સવારના આઠ વાગ્યામાં બહાર જતા રહે. સાંજે ય બહુ મોડેથી આવે. ઉર્વશીબેન ઘરમાં એકલા હોય. સુધીરભાઈ રહ્યા સજ્જન માણસ એ કઈ રીતે ઉર્વશીબેનને ત્યાં ડાઈનિંગ ટેબલ કેવું ખાલીખમ રહે છે તે જોવા જાય? નમૂનો જોયો ન હોય એટલે સુધીરભાઈને ખબર કઈ રીતે પડે કે ડાઈનિંગ ટેબલ ખાલી કેવું દેખાય? એટલે સુનયનાબહેનને ગમે નહીં તો ય એમના ઘરનું ડાઈનિંગ ટેબલ આમ જ ચીજવસ્તુઓથી ભરેલું રહે. સુધીરભાઇએ પણ પસ્તીવાળા કમલેશે છોડી દીધેલું ખાખી રંગનું, પૂંઠાનું ભૂંગળું ડાઈનિંગ ટેબલ પર મૂકી દીધું. ફરી પૂછ્યું, ‘આ ભૂંગળાનું શું કરવાનું છે?’

‘કહ્યું ને, કામનું છે.’ જવાબ મળ્યો. સુધીરભાઈએ ભૂંગળું હાથમાં લઈને ફેરવી ફેરવીને જોયું. આવી વસ્તુનું શું કામ હોઈ શકે એ પોતાના મગજને કસીકસીને પૂછ્યું. મગજ તો કહે, ‘શી ખબર?’ ‘ક્યાંથી આવ્યું હશે આ ભૂંગળું?’ મગજને માટે સવાલ નંબર બે. સુધીરભાઈના મગજને આ સવાલનો  જવાબ પણ નહોતો આવડતો પણ મને આવડે છે આથી આપ સૌની જિજ્ઞાસા સંતોષવા હું જ કહી દઉં.

આ ભૂંગળું બિગ બજારમાંથી આવ્યું હતું. બિગ બજારમાં આવાં ભૂંગળા ય મળે? હા બિગ બજારમાં આવાં ભૂંગળા ય મળે. એની ઉપર લેડીઝરૂમાલની સાઈઝના ગુલાબી કે લીલા રંગની લહેરિયાની ડિઝાઇનવાળા રૂમાલ વીંટાળેલા હોય. એને અંગ્રેજીમાં વાઇપ્સ કહેવાય. અંગ્રેજીમાં એક જાતના ઝેરી સાપને વાઇપર કહેવાય અને આવા રૂમાલોને વાઇપ્સ કહેવાય. આ ભૂગળું ચેન્નાઈના કોઈ મોટા સ્ટોરમાંથી આવેલું. ત્રણચાર મહિના પહેલાં સુનયનાબેનની દીકરી ચેન્નાઈથી આવેલી એ લેતી આવેલી. અને કહેતી ગઈ’તી કે મમ્મી આ પેકેટ ખલાસ થાય તો બિગ બજારમાંથી નવું પેકેટ લઈ આવજો. રસોડામાં થોડું અમથું કશું ઢોળાય તો આ વાઇપથી લૂછી નાખવાનું . છે નાનું અમથું લેડીઝ હાથરૂમાલ જેવડું પણ લૂછાય બહુ મસ્ત હોં! દીકરીએ પ્રયોગ કરીને દેખાડેલું. એ વાઈપ અર્થાત ગુજરાતીમાં લૂછણિયા રૂમાલો જેના ઉપર વીંટાળેલા હતા તે આ ભૂંગળું. એક પછી એક રૂમાલો વપરાતા ગયા. છેલ્લા બે રૂમાલો સાથે સરકી પડ્યા અને હાથમાં રહ્યું આ ભૂંગળું.

સુનયનાબહેન ભૂંગળાને જોઈ રહ્યાં. થોડું ખરબચડું પણ ચોખ્ખું ચણાક. હજી એમાંથી તાજા પૂંઠાની સુગંધ આવતી હતી એવું ભૂંગળું. એ એમ ફેંકી ન દેવાય. એમને થયું આમાંથી શું બનાવાય? એમને તો ન સૂઝયું પણ એમને ઉમાબહેન યાદ આવ્યાં. દરેક સોસાયટીઓમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકતી કલાકાર ગૃહિણીઓ વસતી જ હોય છે. ઉમાબહેન એવાં કલાકાર હતાં અને સુનયનાબહેનના સારા નસીબે એમની સોસાયટીનાં એ વેસ્ટમાંથી બેસ્ટ બનાવનાર કલાકાર એમના જ બિલ્ડિંગમાં એમના ઉપરના માળના ફ્લેટમાં જ રહેતાં હતાં. આજકાલ તો એ અમેરિકા ગયેલાં એમના નણંદને ત્યાં. ‘ઉમાબહેન આવે એટલે એમને પૂછીને કશુંક કરીશું. આવું સરસ ભૂંગળું એમ સાવ ફેંકી દેવું તો ન ગમે. સુનયનાબહેને ભૂંગળું ખાલી ડબલા બાટલીઓની બાસ્કેટમાં મૂકી દીધેલું. એ જ આ ભૂંગળું જેને વિષે સુધીરભાઈએ પૂછેલું. ‘આ ભૂંગળાનું શું કરીશું?’ અને સુનયનાબહેને કહેલું, ‘રહેવા દો. કામનું છે’.

એક દિવસ ડાઈનિંગ ટેબલ પર રહીને ભૂંગળું આખા ઘરમાં ફરવા નીકળ્યું. ઉમાબહેન આવે, એને જુએ એના વેસ્ટ સ્વરુપમાંથી એને બેસ્ટ સ્વરૂપ આપે ત્યાં સુધી દિવસો પસાર કરવાના હતા. ડાઈનિંગ ટેબલ પરથી અંદરના રૂમના ઇસ્ત્રી માટેના ટેબલ પર, ડ્રેસિંગ ટેબલ પર સુગંધી દ્રવ્યોની બાટલીઓ ડબ્બીઓ પાસે, ત્યાંથી સુધીરભાઈના કામ કરવાના ટેબલ પર. આમ સુધીરભાઈ નિવૃત્ત પણ આમ એમને હિસાબોકિતાબો સાચવવાના હોય, બેન્કફેન્કના કામો કરવાના હોય એટલે એમનું એક ખૂણે એક ખાસ ટેબલ હતું. ભૂંગળાને ડ્રેસિંગ ટેબલ પરના સુગંધી દ્રવ્યો સાથે ન ગમે. સુધીરભાઈનું ટેબલ બહુ જ ગમે.

સુનયનાબહેને એને ઉમાબહેનના આવવા સુધી સાચવવાનું હતું. એમણે એને સાચવીને જ્યાં પણ મૂક્યું હોય ભૂંગળું શી ખબર કઈ રીતે સુધીરભાઈના ટેબલ પર પહોંચી જાય. સુધીરભાઈને પહેલાં તો ન ગમ્યું. પછી ગમવા માંડયું એ ભૂંગળું. એ ટેબલ પાસે જાય ભૂંગળું ત્યાં પડ્યું હોય એને હાય હલ્લો કરે પછી કામની ચોપડી ખોળે. એમાં કંટાળો આવે કે ગૂંચવણ થાય તો ભૂંગળાને હાથમાં લઈને જુએ. બે બાજુ ખુલ્લું, મોઢે મૂકીને સિસોટી વગાડાય એટલું સાંકડું નહીં. સુધીરભાઈ ફૂંક મારે તો એમાંથી તરત હવા બહાર નીકળી જાય જોરથી. પીપૂડું ય ન બનાવાય. હા કોઇ ઓછું સાંભળતું હોય એને કશું સંભળાવવું હોય તો એમના કાન પાસે આ ભૂંગળું રાખીને બોલીએ તો ફેર પડે. જે જમાનામાં કાનમાં ખોસી દઈએ તો બહેરા હોઈએ તો ય કોઈને ખબર ન પડે કે બહેરા છીએ એવાં છૂપાં સાધનો નહોતા મળતા ત્યારે સુનયનાબહેનના એક મામા આવું ભૂંગળું રાખતા એવું સુધીરભાઈને યાદ આવ્યું.

આવા ભૂંગળાથી વાતો સાંભળીને એ બહુ બબાલો કરતા. સુધીરભાઈને એનો બહુ કંટાળો આવતો પણ મામા મોટા હતા અને લગ્નમાં સૂટ અને અછોડો બે ય એમણે સારા  કર્યા’તા એટલે સુધીરભાઈ શું કરે? નભાવી લેતા. આવી વસ્તુઓ ઘરમાં રાખવી જ ન જોઈએ. અમથી જૂની વાતો યાદ આવી જાય. પણ આ ભૂંગળું તો રાખવાનું હતું કારણકે સુનયનાબહેન એને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માગતાં હતાં અને ઘરની સર્વ વસ્તુઓ વિષે નિર્ણય લેવાનો પહેલો હક સ્ત્રીનો જ હોય એવું એ મજબૂતપણે માનતાં. ઘણી નારીવાદી ગૃહિણીઓ એમ મને છે. એ સિદ્ધાંત અનુસાર સુધીરભાઈ ભૂંગળાને હાથમાં લઈ તો શકે પણ એનું શું કરવું એ તો સુનયનાબહેન જ નક્કી કરે અને એ જોતા’તા ઉમાબેનની વાટ.

સુધીરભાઈએ એક-બે આઈડિયા આપ્યા. એક તો એ કે ભૂંગળાને એમ જ રાખી મૂકવાનો જેથી કાલ ઊઠીને એ બેમાંથી કોઇની પણ હાલત સુનયનાબહેનના મામા જેવી થાય તો બજારમાં ભૂંગળું ખરીદવા જવું ન પડે.  સુનયનાબહેનને અલબત્ત એ આઇડિયા ન ગમ્યો. એમણે સુધીરભાઈના થર્ડ ક્લાસ ડૉક્ટર પાસે મોતિયો કઢાવવાને લીધે બરાબર જોઈ ન શકતા માશીની યાદ અપાવી. એ માશી વહેવારપ્રસંગે મળે ને સુનયનાબહેન એમને પગે લાગે તો દર વખતે એમની ચારમાંની કોઈ પણ એક જેઠાણી કે દેરાણીનું જ નામ લે, સુનયના નામ કદિ ન બોલે. ‘ એ એવું કરે તો મને ખોટું નહીં લાગતું હોય?’

આખરે લગ્ન થયાના સાડત્રીસ વર્ષ પછી સુનયનાબહેને કહી જ નાખ્યું. સુધીરભાઈ ચૂપ  થઈ ગયા. એમણે એટલું જ પૂછ્યું, ‘આ તમારા કલાકાર સખી ક્યારે આવવાના છે? ખબર પડી?’ સોશ્યલ મીડિયા દ્વારા વિશ્વવિહારી બની ચૂકેલા પડોશી ઉર્વશીબહેને આપેલી માહિતી અનુસાર ઉમાબહેન ત્યાંના સોમવાર અને અહીંના મંગળવારે આવવાના છે. આજે રવિવારની સાંજ હતી. હવે ભૂંગળું ઘરમાં ત્રણ ચાર દિવસનું રહેવાસી. સુધીરભાઈએ ભૂંગળાનું શું કરીશું એ સવાલનો હજી એક જવાબ વિચારી રાખેલો એ કહેવાનું માંડી વાળ્યું. કલાકારોના આઇડિયાઝ સામે આપણે કોણ હેં? ભૂંગળું એમના ટેબલને છોડતું ન હતું.

એ દિવસો ય વીતી ગયા. એક વહેલી સવારે મોટી મોટી બેગો દાદરે ચડાવતાં ઘોંઘાટ કરતાં ઉમાબહેન સ્વગૃહે પહોંચ્યાં. બે દિવસે સેટલ થયા અને સુનયનાબહેને એમને પેલા ભૂંગળાના વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા આઇડિયાઝ માગ્યા.  ‘આ ભૂંગળું? ત્યાં તો જેન્ટ્સ રૂમાલની સાઈઝના વાઇપ્સ મળે. હું તો મારી નણંદ પાસે માગીને લઈ આવી છું એના ભૂંગળા. એવા મસ્ત હોય! મેં તો આઇડિયા કરી જ રાખ્યો છે એનું કશું બનાવવાનો.’ જોયુંને? કલાકાર જીવો વિમાનમાં ચોવીસ કલાક ઊડતાં ઊડતાં ય આઇડિયાઝ કરે! ‘દેખાડો તો તમારું ભૂંગળું?’ હાથમાં ભૂંગળું પકડીને વ્યાખ્યાન આપતાં’તાં તો ય ઉમાબહેને પૂછ્યું. અતિવિનમ્રભાવે સુનયનાબહેને ઉમાબહેનના હાથમાં રહેલું એ ભૂંગળું એમને બતાવ્યું. ઉમાબહેને બે દિવસ પછી આઇડિયા કરીને કહેવાનું પ્રોમિસ આપ્યું.

ઉમાબેબહેને પોતે લઈ આવેલા અમેરિકન વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરવામાં વધરે રસ હતો. દેખીતી વાત છે. વળી એક વાર એમણે સુનયનાબહેનને જૂના માટલામાંથી કૉફીટેબલ બનાવી આપવાની ઓફર કરેલી એ સુનયનાબહેને ‘ઘરમાં જગ્યા નથી’ કહીને નકારી કાઢેલી એટલે ઉમાબહેનનો કલાકારજીવ દુભાયેલો! પણ આમ એવું કે કાંદા-બટાકા, લીલા મરચાં, ઘઉં-ચણાના લોટ, મેળવણ જેવી ચીજોનો એવરરેડી સ્ટોક આખા બ્લોકમાં એક સુનયનાબહેન જ રાખે એટલે બધા એમને સાચવે. આ વખતે ભૂંગળામાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં મદદ કરવાની સુનયનાબહેનની માગણીના જવાબમાં ઉમાબહેને આઇડિયાઝ આપ્યા એ આ જ કારણે. ‘ જુઓ આમાંથી તોરણ બનાવાય.’ કલાસલાહકાર બોલ્યાં.

‘ભૂંગળાનું તોરણ?’ ભૂંગળીઓનું તોરણ બને એ તો સુનયનાબહેનને ખબર હતી. ભૂંગળાનું તોરણ બને એ એમણે પહેલી વાર સાંભળ્યું. કળાક્ષેત્રના લેટેસ્ટ ટ્રેન્ડ વિષે સામાન્યજનો ક્યાંથી જાણે?

‘આ ભૂંગળાને ડેકોરેટ કરવું પડે. એનો સામાન લઈ આવો એ પછી હું તમને મદદ કરું.’ ઉમાબહેને બનાવેલી એક ડબ્બી પર લગાડેલો ગુંદર સૂકાય ત્યાં સુધી એ નવરા હતાં એટલે એમણે ભૂંગળાનું તોરણ બનાવવાની રીત અને જરૂરી માલસામાન લાવવા વિષે સુનયનાબહેનને સમજાવ્યું. સુનયનાબહેને આખું ભાષણ સાંભળ્યું ને એમના ફ્લેટમાં પાછા ગયાં.

આખી સાંજ અને અડધી રાત એમણે હેમલેટની જેમ ‘કરું? ના કરું?’ વિચારણામાં પસાર કર્યા કારણ કે એવું તોરણ બનાવવાના માલસામાનમાં પાંચ-છ તોરણો બની જાય. એમાં જેટલા પૈસા જાય એમાં તો આવા અડધો ડઝન વાઈપ્સના પેકેટો આવે ને એ બધાના ભૂંગળાના તોરણો બનાવીને લટકાવાય એટલા તો બારણાં ય એમના ઘરમાં નહોતાં! ને પાછી મહેનત છોગામાં. વધારાના તોરણો સુધીરભાઇ એમની કેનેડા રહેતી વહુને અપાવી દે એ તો સુનયનાબહેનને જરા ય ના પાલવે. રોજ ઊઠીને ઘર કારખાના જેવું લાગે તે સુધીરભાઈને ન ગમે ને એ મશ્કરીઓ કર્યા કરે એ વધારામાં. સુનયનાબહેનને ભૂંગળા માટે કાલ સુધી જેટલો પ્રેમ હતો એટલો જ આજે વૈરાગ આવી ગયો. સવારે ઊઠીને એમણે જાહેર કર્યું, ‘જવા દો. નથી બનાવવું કશું. તમારા ટેબલ પર જ પડ્યું છે ને? ફેંકી દેજો કચરામાં.’

સુનયનાહેન તો બોલી ગયાં પણ આટલા દિવસથી એ ભૂંગળું સુધીરભાઈના ટેબલ પર પડ્યું રહેલું. સુધીરભાઈને એ આઠ ઇંચ લાંબું અઢી ઈંચના વ્યાસવાળું પૂંઠાનું ભૂંગળું ગમવા માંડેલું. જરા માયા જેવું થઈ ગયેલું એની સાથે. એને ફેંકી દેવાનો આઇડિયા એમને બહુ ગમ્યો નહીં. હવે વાત એમ હતી કે આમ સુધીરભાઈએ હિસાબકિતાબ ને વહીવટના કામો જ કરેલાં આખી જિંદગી પણ એમનો માંહ્યલો કલાકારનો ખરો. એમને ય કારીગરીની વસ્તુઓ બનાવતાં આવડે. એમને ‘તૂ નહીં તો મૈં સહી’ કરીને નક્કી કરી લીધું આ ભૂંગળાનો ઉપયોગ કરવાનું. ના હોં એ કંઇ તોરણ ચાકળા નહોતા બનાવવાના. તો શું બનાવવાના હતા? ઉતાવળા ન થાઓ આગળ વાંચો. એ પછીના બેએક દિવસ એમના બહારના આંટાના રહ્યા. એ પછી એ એમના રૂમમાં બેસીને કામ કરતા રહ્યા. આમે ય તે સુનયનાબહેન સુધીરભાઈ કામ કરતા હોય તો એમની પંચાત ન કરે. પાંચ દિવસ નીકળી ગયા.

એક સવારે સુનયનાબહેન હજી દૂધ ગરમ કરતાં હતાં ત્યાં પાછળથી સુધીરભાઈનો અવાજ આવ્યો. ‘હલ્લો ડાર્લિંગ, આંખો બંધ કરો તો એક ગિફ્ટ આપું.’ સુધીરભાઈ રોમેન્ટીક મૂડમાં બોલતા હતા. થોડી આનાકાની કરીને સુનયનાબહેને આંખો બંધ કરીને હાથ લંબાવ્યા. એમના હાથમાં કશુંક મૂકાયું. એમણે આંખો ખોલી જુએ છે તો એક રમકડા જેવું કશુંક હતું. ‘અરે, આ શું છે?’

‘આ તમારા વહાલા ‘વેસ્ટ’માંથી બનેલું બેસ્ટ. પેલા ભૂંગળામાંથી મેં બનાવેલું કેલિડોસ્કોપ’. સુધીરભાઈ બોલ્યા.

‘પણ એ ભૂંગળું તો ફેંકી દેવાનું હતું ને?’

‘ફેંકવાનું શેનું? કામનું હતું.’

સુનયનાબહેનને યાદ આવી ગયું. વિવાહ થયો ને પહેલી વાર સાથે બહાર ગયાં ત્યારે એમણે ફુગ્ગાવાળા પાસેથી કેલિડોસ્કોપ ખરીદેલું. એમને એ બહુ જ ગમતું.

‘આમાં શું આ તો જાતે ય બનાવાય.’ સુધીરભાઈએ કહેલું ને સુનયનાબહેને પડકાર ફેંકેલો. ‘તો બનાવી આપજો કો’ક વાર.’ આજે એ પડકાર પૂરો થયો.

ખાલીખમ ભૂંગળામાંથી બનેલું કેલિડોસ્કોપ જાણે સાડત્રીસ વર્ષના સહજીવનની ગમતી અણગમતી, વિવિધરંગી, સતત બદલાતી રહેતી ડિઝાઈનો દેખાડી રહ્યું હતું. સુનયનાબહેન મલકતે મુખડે એ નિહાળી રહ્યાં હતાં. સુધીરભાઈએ રસોડામાં એક ખૂણે પડેલું વાઈપ્સનું હવે ખાલી થવા આવેલું પેકેટ જોયું. સહેજ હસીને પૂછ્યું, ‘આના ભૂંગળાનું શું કરીશું?’

સુનયનાબહેને મીઠો છણકો કર્યો, ‘જાઓ ને હવે!’

— સ્વાતિ મેઢ

મોબાઈલ: ૯૭૨૪૪૪૨૫૮૬ / ૮૯૮૦૦૦૧૯૦૪ email: swatejam@yahoo.co.in


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “આ ભૂંગળાનું શું કરીશું? – સ્વાતિ મેઢ