કવિ શ્રી જિત ચુડાસમાની ગઝલ ‘જિંદગીના ઝેર’નો શ્રી જીતેન્દ્ર પ્રજાપતિએ તેમના પદ્ય આસ્વાદના આ સ્તંભ ‘રસ કિલ્લોલ’ અંતર્ગત આજે આસ્વાદ કરાવ્યો છે.
જિંદગીના ઝેર
જિંદગીનાં ઝેર જેને પ્રાણપ્યારા થઈ જશે,
કોઈ નરસિંહ, કોઈ તુલસી, કોઈ મીરાં થઈ જશે.
છે સમયની આ બધી ગૂંચો, પરંતુ થા ઊભો,
ડગ ભરીશું ત્યાં જ આપોઆપ રસ્તા થઇ જશે.
છે ખુશીના એક બે કિસ્સા હ્રદયમાં ક્યાંક તો,
વ્યક્ત કરજે ભાઈ, નહિતર એ ડૂમા થઈ જશે.
પ્હાડ જેવો પ્હાડ પણ ભાંગી પડયો છે સાંભળી,
મેં વહાવ્યાં જે ઝરણ મીઠાં, એ ખારાં થઈ જશે.
એટલું તો આવીને તું પૂછ, ‘બાપા કેમ છો’?
હાડકાં સૂતા હશે તો, એ ય બેઠાં થઈ જશે.
માત્ર એક જ વાર આ આંખો ઉલેચીને જુઓ,
‘જિત’ સઘળાં દૃશ્ય પળમાં સાવ ચોખ્ખાં થઈ જશે.
– જિત ચુડાસમા
વર્તમાન ગુજરાતી ભાષા સાહિત્યમાં ડોકિયું કરતા જણાય છે કે આજની આ સદી ગુજરાતી ગઝલ માટે નવોન્મેષ લઈને આવી છે. આજનો આ સમય ગઝલમય છે એમ કહેવું પણ કંઈ જ ખોટું નથી. યુવા કવિઓથી છલોછલ આજની ગુજરાતી ગઝલ અત્યારે પોતાની પરાકાષ્ઠાએ પહોંચેલી જોવા મળે છે. યુવા કવિઓની યાદીમાં જીત ચુડાસમા પ્રકાશમય સર્જકત્વ ધરાવતું આશાસ્પદ નામ છે. ગીત અને ગઝલ એમ બંને પ્રકારોમાં કામ કરતાં કવિ તળાજા પાસે આવેલા ઠાડચમાં રહે છે. ગામડામાં શ્વાસ લઇ રહેલા આ કવિ પાસે શબ્દોની તાજગી અને સાદગી બંને છે. પ્રસ્તુત ગઝલ એ કવિના આર્દ્ર હ્રદયની ઊર્મિની ઓળખ આપે છે.
જિંદગીનાં ઝેર જેને પ્રાણપ્યારા થઈ જશે,
કોઈ નરસિંહ, કોઈ તુલસી, કોઈ મીરાં થઈ જશે.
આપણા પુરોગામી સર્જકોની વાત કરીને કવિએ આપણને જીવનના પંથ તરફ આંગળી ચીંધી છે. જીવવાનું કોને વહાલું ન હોય ! દરેક તમન્ના રાખે છે કે પોતાનું જીવન સારી રીતે પસાર થાય, પણ જીવનની આ વ્યાખ્યા સેવતો માણસ ઘણી વખત જિંદગીના જંગમાં કડડભૂસ થઈ તૂટી પડે છે. જિંદગી ક્યારેક એવી પરિસ્થિતિ, એવા સંજોગો ઊભા કરી દે છે જ્યાં માણસને મરવું વધારે વહાલું લાગતું હોય છે. ભક્ત કવિ નરસિંહ મહેતા, સંત તુલસીદાસ અને મીરાંબાઈના સંવેદનનો સ્પર્શ કવિએ અહીં સાંકળ્યો છે. ઝેર સમાન થયેલું જીવતર જીવવું મુશ્કેલ થઈ પડે એવી પળોને કવિએ પોતાની કલમથી વાચા આપી છે.
છે સમયની આ બધી ગૂંચો, પરંતુ થા ઊભો,
ડગ ભરીશું ત્યાં જ આપોઆપ રસ્તા થઇ જશે.
સમયની રેત પર પથરાયેલા ક્ષણોના રણની વાત કવિએ આપણને કરી છે. સમયની ગૂંચો ઉકેલવાને કવિ પ્રયત્નરત થયા છે. એ વાત અહીં તાદ્દશ્ય થાય છે. ગૂંચો ભરેલા સમયને યત્ન થકી ઉકેલી શકાય છે. એ વાત દ્વારા કવિએ પરિશ્રમનો મહિમા કર્યો છે. કૃષ્ણ જન્મને સાંકળતું મનોજ ખંડેરિયાનું સંવેદન આ ક્ષણે યાદ આવે.
ટોપલીમાં તેજ લઈ નીકળી પડો,
પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે.
ઉપરોક્ત ગઝલના શેરને આ સંવેદન સાથે સાંકળીએ તો કહી શકાય કે ડગલું માંડવાની હિંમત કરવાથી કપરામાં કપરાં સંજોગ વચાળે પણ જિન્દગીના માર્ગને અજવાળી શકાય છે.
છે ખુશીના એક બે કિસ્સા હ્રદયમાં ક્યાંક તો,
વ્યક્ત કરજે ભાઈ, નહિતર એ ડૂમા થઈ જશે.
અતિશય આનંદ પછીથી અવસાદમાં પરિણમે છે. એ વાત કવિએ અહીં માર્મિક વિચાર સાથે રજુ કરી છે. નાનું બાળક વધારે પડતું હસે તો આપણે તરત જ કહીએ છીએ કે આ રડશે. મોટેરાઓ માટે કહેવું હોય તો ઘણાં કહે છે કે આ ખૂબ છકી ગયો છે, હવે એ પડશે. આ બધી જ બાબતોનો એક જ નિષ્કર્ષ કે ખુશીને વહેંચવાનું રાખો. તેને સંઘરી રાખવાથી તે ડૂમો બનીને મનને દુઃખ પહોંચાડશે. સુખ વહેંચવાથી વધે છે અને દુઃખ વહેંચવાથી ઘટે છે. એ સુવિચાર આ ક્ષણે કેટલો જીવંત લાગે છે.
પ્હાડ જેવો પ્હાડ પણ ભાંગી પડયો છે સાંભળી,
મેં વહાવ્યાં જે ઝરણ મીઠાં, એ ખારાં થઈ જશે.
પહાડોથી વહી ગયેલા મીઠાં ઝરણ આખરે ખારાં થઈ જશે. એ સંવેદના અહીં પહાડના શબ્દચિત્ર દ્વારા વ્યક્ત થઈ છે. પરંતુ સૂક્ષ્મ રીતે જોવા જઈએ તો અહીંયા કુટુંબના વડીલની વ્યથા પણ વ્યક્ત થઈ છે. પોતે લોહી સીંચીને ઉછેરેલા સબંધો અવળા રસ્તે જઈ રહ્યા છે એ વાતે પીડાઈ રહેલા વૃદ્ધની મનોદશા અહીં અંકિત થયેલી જોવા મળે છે. અથાક પરિશ્રમ કરીને એકઠી કરેલી પૂંજીને વારસદારો વેડફી રહ્યા છે એ વાત અને પોતાના કુટુંબની શાખ હતી, જે નામના હતી, એને આમ નામશેષ થતી જોઈને પીડા પામતા અંતઃકરણની વાત અહીં કરવામાં આવી છે.
એટલું તો આવીને તું પૂછ, ‘બાપા કેમ છો’?
હાડકાં સૂતાં હશે તો એય બેઠાં થઈ જશે.
દિલાસો આપવાની દિલદારી જેની પાસે હોય છે એ માણસ અનેકોના દુઃખ ઓછા કરી આપે છે. બાપ-દીકરાની વ્યથા વર્ણવતાં પ્રસ્તુત શેરનું સંવેદન આપણા હૃદયને તીવ્રતમ પીડા આપે છે. વર્તમાન સમયમાં વધી રહેલા વૃદ્ધાશ્રમો તરફ કવિએ અહીં માર્મિક કટાક્ષ કર્યો છે. જિંદગી આખી જેણે આશરો આપ્યો છે, છાયડો આપ્યો છે, એવા બાપને વૃદ્ધાવસ્થામાં તરછોડનાર દીકરાઓને કવિ કહે છે કે: બાપ! એક વખત તું આવીને પૂછ કે ” બાપા કેમ છો ? ” ગળી ગયેલાં હાડકાંવાળું જીર્ણ શરીર પણ તને હોંકારો આપશે. તરછોડાયેલા બાપની પીડાને કવિએ ભીની આંખે કંડારીને પ્રવર્તમાન સમાજની સંવેદનાને વાચા આપી છે.
માત્ર એક જ વાર આ આંખો ઉલેચીને જુઓ,
‘જિત’ સઘળાં દૃશ્ય પળમાં સાવ ચોખ્ખાં થઈ જશે.
આંસુ ભરેલી આંખોને ઉલેચીને સ્વચ્છ કરવાની વાત અહીં કરવામાં આવી છે. ઉભરાયેલી આંખો આછરી જશે ત્યારે સઘળાંય દૃશ્યો દૃશ્યમાન થશે. એક રીતે જોવા જઈએ તો ગઝલના ઉપરના પાંચ શે’ર દરમિયાન થયેલી પીડાથી કવિની આંખો અને ભાવકની આંખો ઊભરાય છે. ઊભરાયેલી એ આંખોને લૂછવાથી દૃશ્યોની સચ્ચાઈ સામે આવશે એ વાત કવિએ કરી છે.
આસ્વાદક : કવિશ્રી જિતેન્દ્ર પ્રજાપતિ
કવિ શ્રી જીતેન્દ્ર પ્રજાપતિના આ સ્તંભ ‘રસ કિલ્લોલ’ના બધા આસ્વાદ લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.
Thanks for very good Gazal and interesting interpretation. Becoming Greedy to hear and read more from Shri Jeet Bhai and Jitendra Bhai.
વાહ
ખૂબ સરસ ગઝલ
ખૂબ સરસ
ગઝલની ખુબીઓ સમજાવી છે બહું સરસ રીતે.આભાર જીતેન્દ્ર ભાઇ.
સુંદર આસ્વાદ. માર્મિક કાવ્ય. વર્તમાન સમયની વ્યથાને વાચા આપે છે.