પ્રેમને તમે સુષુપ્ત જવાળામુખી સાથે સરખાવી શકો. સમય પ્રેમ ઉપર ગમે તેટલા માટીના થર ચડાવે, અંદરના ઊંડાણમાં રહેલો લાવા ગરમ જ રહે. પ્રેમ પદારથ એકવાર ચાખી લીધા પછી આજીવન એનો નશો રહે. ઊંડે ઊંડે સતત પ્રજ્વલિત એ આગ દુઃખ કારણ પણ હોય અને સુખનું પણ. પ્રેમની અનુભૂતિનું સુખ અને વિરહનું દુઃખ. પ્રેમ પામનાર સુખી અને ન પામનાર આ મીઠી આગમાં બળતા રહેતા આજીવન કેદીઓ. અસ્તિત્વને સતત બાળતી આ પ્રેમ અગન હંમેશા કશુંક આપતી જ રહે.
કોઈ પણ ચિત્રની શરૂઆત ખાલી કૅનવાસ પર લિટીઓ દોરવાથી થાય. ધીરે ધીરે એમાંથી આકાર ઉપસે. ઘાટ અને આકાર મળીને ચિત્ર બને. એમાં ભાવ લાવવા ફેરફાર થતા રહે. રેખાઓની ગોઠવણી અને વળાંકો કૅનવાસ પર એક આકૃતિ બનાવે. એ પછી એમાં રંગ પુરાય. એ રંગના કારણે સમગ્ર ચિત્ર પૂરું થાય.
આ સમગ્ર પ્રક્રિયા કોઈ ફિલ્મમાં થાય તો ?
Portrait of the lady on fire આવું જ એક સંપૂર્ણ ચિત્ર છે. ફ્રાન્સની આ ફીલ્મ Portrait de la jeune fille en feu ને તમે કોઈ સુવિખ્યાત ચિત્ર સાથે સરખાવી શકો. એક એવું ચિત્ર જે એટલું અસરકારક છે કે તમારું જીવન બદલી શકે એમ છે.
વધારે પડતું લાગ્યું ને ! મારા મતે આ સહેજેય અતિશયોક્તિ વગર કહેલી વાત છે. ઘણા પ્રેક્ષકોએ ફિલ્મને ‘જીવન બદલનાર’ અનુભવ તરીકે વર્ણવી છે.
ફિલ્મની અસરકારકતા એટલી છે કે દિવસો સુધી ફિલ્મ તમને એની પક્કડમાંથી છોડતી નથી. ક્યાંકને ક્યાંક સતત મનમાં કોઈને કોઈ દ્રશ્ય ઘોળાયા કરે.
ફિલ્મનું કોઈપણ દ્રશ્ય તમે pause કરીને જોશો તો પેઇન્ટિંગ જેવું જ લાગશે.
૧૭૭૦ નું ફ્રાન્સ. મેરીએન નામની એક પેઈન્ટરને હેલોઈસ નામની એક છોકરીનું લગ્ન માટેનું પેઇન્ટિંગ બનાવવાનું કામ મળે છે. ત્યારે ફ્રાન્સમાં લગ્ન પહેલા સ્ત્રીનું પેઇન્ટિંગ એના સાસરે મોકલવાની પ્રથા હતી. ફિલ્મની શરૂઆતમાં જ મેરીએન વિદ્યાર્થીનિઓને પેઇન્ટિંગ શીખવતી હોય ત્યારે એક વિદ્યાર્થીની કપડાંમાં આગ લાગી હોય એવી સ્ત્રીના, મેરીએને બનાવેલા, પેઇન્ટિંગ વિશે પૂછે છે અને આખી વાત ફ્લેશબેકમાં શરૂ થાય છે.
મેરીએન એક ટાપુ પર પરિવાર સાથે રહેતી હેલોઈસનું પેઇન્ટિંગ બનાવવા પહોંચે છે. હેલોઈસ કોન્વેન્ટમાંથી થોડા દિવસ પહેલા જ આવેલી છે. એક પેઈન્ટરને ઓલરેડી પેઇન્ટિંગ બનાવવાના ‘પોઝ’ માટે બેસવાની ના પાડી ચુકી છે. એ સિવાય એની મોટી બહેને આત્મહત્યા કરી છે. એની આત્મહત્યાના કારણે જ હેલોઈસને પરણાવવી એવું નક્કી થયું છે.
હેલોઈસની મા ઉર્ફે લેડી, મેરીએનને કહે છે કે ‘તારા પિતાએ મારું વેડિંગ પોટ્રેટ બનાવેલું એટલે હું ઈચ્છું કે તું મારી દીકરીનું બનાવ.’ એ સિવાય મેરીએનને એમ પણ કહે છે કે હેલોઈસ ‘પોઝ’ માટે બેસવા રાજી નથી એટલે તું એને કહ્યા વગર એનું નિરીક્ષણ કરીને પેઇન્ટિંગ બનાવ. હેલોઈસ અને મેરીએન બન્ને ટાપુ પર અલગ અલગ જગ્યાએ ફરતાં રહે છે. રોજ રાત્રે યાદશક્તિના આધારે મેરીએન હેલોઈસનું પેઇન્ટિંગ બનાવતી રહે છે. એક દિવસ એ હેલોઈસને કહી દે છે કે પોતે પેઈન્ટર છે. પેઇન્ટિંગ જોઈને જ હેલોઈસ રિજેક્ટ એને કરે છે. તેની દલીલ છે કે મેરીએન હજુ તેને ઓળખી નથી શકી. એની મા મેરીએનને અધૂરું કામ થયું હોવાના કારણે જવાનું કહે છે પણ હેલોઈસ ‘પોઝ’ આપવા રાજી થઈને મેરીએનનો રોકી લે છે. મા પાંચ દિવસ માટે બહારગામ જાય છે. મહેલ જેવા આખા ઘરમાં હેલોઈસ, મેરીએન અને એક નોકરાણી જ રહે છે.
મેરીએનને કુંવારી નોકરાણી પ્રેગ્નેન્ટ છે એવી ખબર પડતાં હેલોઈસ અને મેરીએન અઢારમી સદીના અલગ અલગ નુસખા અજમાવીને ગર્ભપાત કરવાના પ્રયત્નો કરે છે. એ સિવાય હેલોઇસ પેઇન્ટિંગ માટે પોઝ પણ આપતી રહે છે. એ કારણે બન્ને નજીક આવે છે. નોકરાણી સાથે બન્ને એક વખત બાજુના ગામમાં સ્ત્રીઓની મિજબાનીમાં પણ જાય છે. ત્યાં હેલોઈસના કપડામાં થોડી આગ લાગતા મેરિએનને એનું બીજું ચિત્ર બનાવવાની ઈચ્છા થાય છે. ફિલ્મનું શીર્ષક આ પેઇન્ટિંગના નામ પર આધારિત છે. એનો બીજો અર્થ પ્રેમની આગમાં બળતી સ્ત્રી પણ થાય.
એ સિવાય ત્યાં નોકરાણીને ખબર પડે છે કે એ હજુ પ્રેગ્નેન્ટ છે. એક દાયણ એને બીજે દિવસે ગર્ભપાત માટે ગામમાં આવવા કહે છે.
સ્ત્રીઓની મિજબાનીમાંથી પાછા આવ્યા પછી હેલોઈસ અને મેરીએન ફરવા જાય છે. જ્યાં બન્ને પહેલી કિસ કરે છે. હેલોઈસ ત્યાંથી ભાગી જાય છે. મેરીએન એને શોધતી ઘરે આવે છે. આમ તેમના પ્રેમની શરૂઆત થાય છે.
બીજા દિવસે બન્ને મળીને નોકરાણીને ગર્ભપાત માટે ગામમાં લઈ જાય છે. ત્યાં દાયણ નોકરાણીને પલંગ પર સુવરાવીને બે પગ વચ્ચે કોલસા મૂકે છે. એ વખતે દાયણના બે નવજાત બાળકો પીડા સહન કરતી નોકરાણીની સાથે રમતા હોય.
આ દ્રશ્ય મસ્ત વિરોધાભાસ લાવે. ગર્ભપાતની પ્રક્રિયા ચાલુ છે અને એક નવજાત શિશુનો હાથ સુતેલી નોકરાણીના ચહેરા પર ફરતો હોય. મસ્ત દ્રશ્ય.
એ પછી થાકેલી નોકરાણીને લઈને બન્ને ઘરે આવે છે અને ત્રણેય જાગે છે. એ પછી બીજા દિવસે મેરીએનને પહેલીવાર હેલોઈસના ચહેરા પર સ્મિત દેખાય છે. જે ધીરે ધીરે એ પોતાની પેઇન્ટિંગમાં ઉમેરે છે. એ રાત્રે હેલોઈસ, મેરીએન અને નોકરાણીને ઓરફીયસ અને યુરીડાયસની વાર્તા વાંચી સંભળાવે છે.
એ વાર્તામાં પોતાની મૃત પ્રેમિકા યુરીડાયસને પાછી લાવવા ઓરફીયસ પોતાના પિતા એપોલોને કહે છે. એપોલો એની સામે શરત મૂકે છે કે હું એને જીવતી કરું પણ તારે એ જીવે છે અને તારી પાછળ આવે છે કે નહીં એ જાણવા પાછળ ફરીને નહિ જોવાનું. છેક પૃથ્વી સુધી પહોંચવા આવેલો ઓરફીયસ પાછળ જુએ છે અને યુરીડાયસ એની સામે સ્મિત કરીને કાયમ માટે અદ્રશ્ય થઈ જાય છે. આ વાર્તા સાંભળીને ત્રણેય ચર્ચા કરે છે. મેરીએનના મતે ઓરફીયસે યુરીડાયસને બદલે એની સ્મૃતિઓ સાથે રહેવાનું પસંદ કર્યું. એ કારણે એણે પાછળ જોયું. હેલોઈસ એમ કહે છે કે યુરીડાયસને કદાચ વિદાય લેવી હતી એટલે એણે જ ઓરફીયસને પાછળ જોવા કહ્યું.
એ રાત્રે મેરીએનને હેલોઈસ યુરીડાઇસની જેમ હાથ લાંબો કરતી હોય એવો ભ્રમ થાય છે.
એ પછીના દિવસે સવારે મેરીએન હેલોઈસને લગ્ન ન કરવા સમજાવે છે. પણ હેલોઈસ એવું કરવાની ના પાડે છે. મેરીએન એને કાયર કહે છે. બન્ને ઝગડે છે પણ પછી બન્ને લેડીના આવવાનો સમય થતો હોવાના કારણે ભેગા થાય છે.
લેડીના આવવાની આગલી રાત્રે બન્ને છેલ્લીવાર મળે છે. હેલોઈસ એને કહે છે કે મને તારા પ્રેમમાં પડવાનું દુઃખ છે. ત્યારે મેરીએન મસ્ત વાત કહે છે.
‘અફસોસ ન કર પણ યાદ રાખ !’
Don’t regret, remember !
એ પછી હેલોઈસ એની પાસે કોઈ યાદગીરીની માંગણી કરે છે. મેરીએન તેને પેલી વાર્તાની ચોપડીમાં જ 28 માં પાને પોતાનું ચિત્ર દોરી આપે છે. સવારે લેડી આવતા બન્નેની છુટા પડવાની ઘડી આવે છે. મેરીએન પેઇન્ટિંગ લેડીને સોંપીને નીકળે છે. હેલોઈસ તેને પોતાનો વેડિંગ ડ્રેસ બતાવવા પાછળ આવે છે. એ દાદરા પર ઉભી હોય છે ત્યારે મેરીએન એને છેલ્લી વખત પાછળ ફરીને જુએ છે. એ પછી એ બહાર નીકળી જાય છે.
આ દ્રશ્ય પેલી વાર્તા જેવું જ.
આ ફિલ્મનો અંત નથી. આગળની કથા કહીશ તો ફિલ્મ જોવાનો કોઈ અર્થ નહિ રહે. અંત ફિલ્મને એક અલગ જ ઊંચાઈએ લઈ જાય છે, અને એ માણવા તમારે ફિલ્મ જોવી જ રહી. એટલે અત્યારે ફિલ્મની વાર્તા વિશે આટલું જ.
ફિલ્મ બનાવનાર ટિમમાં મોટાભાગની સ્ત્રીઓ છે. આખી ફિલ્મમાં સ્ક્રીન પર પણ બહુ ઓછા પુરુષો જોવા મળે છે. ફિલ્મને નવી ઊંચાઈએ લઈ જવામાં બન્ને મુખ્ય અભિનેત્રીઓનો સિંહફાળો છે. મેરીએનના પાત્રમાં જીવ પૂરતી નેઓમી મેરલાન્ટની આંખો એટલા બધા ભાવ દર્શાવે છે કે ફિલ્મ પૂરી થયા પછી પણ યાદ રહી જાય. હેલોઈસ તરીકે એડેલ હેનેલ પણ સામે એટલી જ મજબૂત ટક્કર આપે છે. બન્ને અભિનેત્રીઓની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ફિલ્મનું સૌથી મોટું જમા પાસું છે. નિર્દેશક સેલિન સિયામાની આ ચોથી ફિલ્મ હતી. આ પહેલા એમણે Water Lillies જેવી જાણીતી ફિલ્મ પણ બનાવી છે. ફિલ્મ સાથે સંકળાયેલી ચોથી મહત્વની સ્ત્રી સિનેમાટોગ્રાફર ક્લેઇર મેથોન છે. ફિલ્મમાં કેમેરાનો ઉપયોગ કોઈ પેઇન્ટબ્રશની જેમ થયો છે. લગભગ દરેક દ્રશ્યમાં પ્રકાશસંયોજનનો સરસ ઉપયોગ આંખે ઉડીને વળગે એવો છે.
ફિલ્મ 2019 ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રિલીઝ થયેલી અને ફેસ્ટિવલના પ્રખ્યાત એવોર્ડ ‘પાલ્મ ડી’ઑર’ માટે સિલેક્ટ પણ થયેલી. જો કે Parasite સામે આ ફિલ્મ હારી ગયેલી.
જેમણે જીવનમાં એકવાર પ્રેમ કર્યો હોય અને પ્રેમાગ્નિનો તાપ સહન કર્યો હોય એવા તમામ માટે આ ફિલ્મ એક યાદગાર અનુભવ બની રહેશે.
છેલ્લી રિલ :
‘એકાંતમાં મને, તું કહે છે એ, આઝાદીનો અનુભવ થાય છે પણ સાથે સાથે તારી ગેરહાજરી પણ અનુભવાય છે.’ (આ ફિલ્મનો સંવાદ.)
jabardast.. ur style is just awesome. waiting for many more articles from u.
પાલ્મ ડી’ ઑર માટે નોમીનેટ ન થઈ હોત તો જ નવાઈ લાગતી, બહુ જ રસાળ રીતે ફિલ્મ અંગે માહિતી આપી. એવું લાગ્યું કે હું ફિલ્મ જોઈ રહ્યો છું. એક વિનંતી છે કે ફિલ્મ જોવાના માધ્યમની પણ માહિતી આપશો તો ગમશે.
ખૂબ ખૂબ આભાર, વનરાજભાઈ!
story turn to movie. nice, continue to write. congratulation.
Thanks a lot.
વાંચતા સારી લાગી એવી મૂવી જોતાં પણ ગમશે જ.
હવે ક્યાં જોવી ઍ પ્રશ્ન છે.
અંત વિશે વાત ના કરી ઍ જરા ના ગમ્યું પણ મૂવી જોવાની મજા જતી રહશે એમ સમજી લીધુ.
સરસ લેખ.અભિનંદન…
ફ્રાન્સની આ ફિલ્મ વિશેનો તમારો રિવ્યુ વાંચીને તે જોવાની ઈચ્છા જાગી. આવી કલાત્મક ફિલ્મો વિશે ગુજરાતી ભાષામાં લખાવું જોઈએ. તમે તે કામ શરૂ કર્યું છે તે અભિનંદન ને પાત્ર છે.
ખૂબ સરસ આલેખન..ફિલ્મનાં દ્ગશ્યો નજર સામેથી પસાર થતાં અનુભવાયા…અભિનંદન..
Superb perfect presentation. Like a painting
ખૂબ સરસ રીતે મુવી માણી શકાઈ.
એકદમ સરસ! મજા આવી.