અંતરના અજવાળે લાગણીઓના ગુલ્લકનું ગ્રાન્ડ ઑપનિંગ! – આરઝૂ ભૂરાણી 27


સુખદુ:ખની જુગલબંધી છે જિંદગી 'ખલીલ'
મજા તાલ મેળવીને ચાલવાની છે.
- ખલીલ ધનતેજવી

માનવ!

કદાચ આપણે ક્યારેય એટલું ઊંડાણમાં નહીં વિચાર્યું હોય કે કેમ આપણે મનુષ્ય, હ્યુમન, ઇન્સાન કે માનવી કહેવાતાં આ સ્કેવર બોક્સમાં પેક છીએ. જો આપણે માનવ સહિત ઉપરનાં એકપણ શબ્દનું થોડું પોસ્ટમોર્ટમ કરીએ તો કદાચ એવાં તારણ પર અટકીશું કે એ એવું સજીવ છે જે તેની આસપાસનાં સમાજ સાથે અવિનાભાવે સંકળાયેલું છે; કે સમાજ એની પર અહર્નિશ અને ઉંડી અસર કરે છે.

કેવો સમાજ? કયો સમાજ? આપણી આસપાસનાં પ્રાણીઓ કે પક્ષીઓનાં કલબલાટ કે ઘોંઘાટવાળો સમાજ? આપણી આસપાસનાં સિમેન્ટ અને કપચીનાં બનેલાં મકાનો, ઓફિસો અને ગાર્ડનની દિવાલોનો સમાજ? અગણિત ટોળાંની ભીડથી અંજાઈ ગયેલો સમાજ? કે પછી આજનાં કોમ્પ્યુટર યુગનાં કોપી-પેસ્ટ કે કટ-પેસ્ટ કે છેવટે રિપ્લેસ કીનો ઉપયોગ કરતો સમાજ? 

દરેકની વ્યક્તિગત વ્યાખ્યા અને અનુભવ જુદાં હોઈ શકે અને હોવાં જ જોઈએ નહીં તો આપણે હ્યુમન નહીં પણ રેપ્લિકા કહેવાતાં હોત. (રેપ્લિકા એટલે તદ્દન સમાન ગુણધર્મો ધરાવતી બે વસ્તુઓ કે સજીવો.) વિજ્ઞાનનાં ચશ્માં પહેરીને જો કશુંક જોઈએ તો ડોપામાઈન અને સીરોટોનીનનાં હુકમથી ચાલતું એક સજીવ. આ બન્ને અને બીજા કેટલાંય અંત:સ્ત્રાવો કે હોર્મોન્સની ચાવી પડી છે આપણાં અંતરનાં પેટાળમાં. જ્યારે જરૂર પડે ત્યારે અથવા ઓટો-પાયલટ મોડમાં શરીરનાં કોઈ પણ તાળાં ખોલતી અને બંધ કરતી આ ચાવી આપણને સૌને જીવંત રાખે છે.

જીવંત હોવું એટલે ફક્ત શ્વાસ ચાલવા કે હ્ર્દય રક્તનું પરિભ્રમણ કરતું રહે એવું નહિ જ. જીવંત હોવું એટલે હસતાં રહેવું, રડતાં રહેવું, કોઈ કડક આર્મી ઓફિસરની માફક શિસ્તમાં રહેવું અને ક્યારેક નાના ભૂલકાં માફક એ જ શિસ્તને તોડી થોડીક અંચઈ પણ કરી લેવી. કોઈ વ્યક્તિની ઈર્ષા પણ કરવી ને પછી બધાં જ મતભેદો કે તકલીફો ભુલાવી દઈ આસમાની ચાદર ઓઢી તારાં ગણતી વખતે નિર્દોષ બાળકની જેમ એ જ વ્યક્તિને કચકચાવીને ગળે લગાડી એજ ક્ષણને જીવી લેવી. કોઈપણ સ્થળ, સમય કે ભાષાનાં બાધ વિના પણ શોધીએ તો છેલ્લે એક જ નિચોડ આવવાનો કે ઢગલાબંધ ઇમોશન્સ અને કરોડો વિચારોનાં સુમેળ સંયોજનથી બનતું સજીવ એટલે આપણે સૌ.

આજે કોઈ પણ વ્યક્તિને આપણે ઓળખીએ છીએ એનાં સર્ટિફિકેટ્સ, ટ્રોફીઓ, સિદ્ધિઓ, સુખ-સમૃદ્ધિ કે પછી બેંક બેલેંસથી. મોંઘી ગાડી કે બંગલા કે દરેક દેખીતી સાહ્યબી જેવાં નિર્જીવ માપદંડોથી આપણે એક સજીવને સમજવાની કોશિશ કરીએ છીએ અને છતાં પણ છેલ્લે તો નથી જ કળી શકતાં. કારણ? કારણ બહુ સામાન્ય છે! આપણે બહુ અન-પ્રેડીકટેબલ છીએ. ઘરમાં રહેલાં વ્હાલૂડાં ડોગી કે કેટ સાથે હંમેશા હસતાં-રડતાં ને તેની સાથે બધી જ વાતો કરતો વ્યક્તિ અચાનક એને તરછોડી દઈને ઘરની બહાર ફેંકી દેવા તત્પર બની જાય છે. અતિશય મોંઘા ઘર, ગાડી કે પછી સક્સેસ મેળવીને વિશ્વને બોધપાઠ આપનાર એ જ વ્યક્તિ આત્મહત્યા કરવા જેવું પગલું ભરે છે. કાલ સુધી કોમ્પ્યુટરમાં ફક્ત ડેટા સાથેના વ્યવહારો આજે આપણે વાસ્તવિક્તામાં, આસપાસનાં લોકો સાથે વાપરતાં થયાં છીએ. આપણે સૌ એક વેલીડિટી સાથે જીવતા થયાં છીએ. એક સમયે સર્વસ્વ લાગતી ‘વસ્તુ’ બીજા મહિને ઘરમાં ક્યાંય સાવ ખૂણામાં પડી રહે છે. ને કોઈક સાવ સામાન્ય લાગતી નાનકડી એવી ભેટ આપણો મૂડ સુધારીને ખુશખુશાલ બનાવી દે છે. કોઈની બર્થ ડેટ યાદ હોય કે ન હોય, મોબાઈલ રિચાર્જ ક્યારે પૂરું થાય છે કે ફલાણી વ્યક્તિનાં ઘરે કઈ તારીખે હાઉસ વોર્મિંગ પાર્ટી છે એ ચોક્કસ યાદ રહે છે. 

પહેલાની જેમ આજે હવે આપણને સૂર્યોદય, સૂર્યાસ્ત, કે ફૂલોની સુંગંધ, પવનનો સ્પર્શ અને દરિયાનો ઘૂઘવાટ નથી આકર્ષતો. પેલાં નાનાં બાળકની માફક રેતીની ઢગલીઓ કે રણકાર કરતું રમકડું નથી ગમતું. અને આ જ કારણથી આપણે મનથી, મગજથી ને શરીરથી પણ હારી જઈએ છીએ. એ ચાવીઓ કે જેને પહેલાં આપણે આપણાં ખિસ્સામાં સાચવતાં હવે એ આપણાં પર હાવી થઈ રહી છે. કેમ? મેં એવાં ઘણાં લોકોને જોયાં છે જે ડૉક્ટર્સ ને જ્યોતિષીઓ પાસે આ ‘કેમ’નો જવાબ શોધવા નીકળતાં હોય. 

એક વખત એક બાળક હતું. ધનવાન માતા-પિતાનું સંતાન હતું એટલે ખૂબ જિદ્દી અને સ્વચ્છતાનું અતિશય આગ્રહી – ક્લિનલીનેસ ફ્રિક હતું. જ્યાં પણ જાય ત્યાં એને એનું ડોગી અને સુપર હીરોનાં બેજ વાળી બેગ- આ બન્ને વસ્તુઓ સાથે જોઈએ જ. વેકેશન માણવા એ લોકો એક મહિના માટે ઘરથી દૂર આવેલા. બન્યું એવું કે એક દિવસ એની મમ્મીને શોપિંગમાં કોઈ ખલેલ નહોતી જોઈતી એટલે પરાણે બહાર નીકળેલાં પપ્પા સાથે એ બાળક પણ લટાર મારવાં નીકળેલું કે એને નીકળવું પડેલું. સવારે માળીનાં બાળકને રેતી સાથે રમતાં જોઈને થોડું કુતુહલ થયેલું અને એ રેતીને જોવી હતી એટલે કંઈ ખાસ જીદ કર્યા વિના એ માની પણ ગયું. હંમેશા વેકેશનમાં આવતાં ત્યારે તેમનાં સી ફેસીંગ એપાર્ટમેન્ટમાંથી જોયેલાં દરિયાને આજે એ પહેલી વાર અડવાનું થયું. પાણીનો સ્પર્શ કેવો લાગે, ઘરમાં શો પીસ તરીકે પડ્યાં રહેતાં છીપલાં કેવી રીતે મળે અને કેવાં દેખાય એ એણે આજે પ્રથમ વાર જ જોયું અને અનુભવ્યું. માળીનાં બાળક સાથે રમતાં રમતાં ભીની રેતીને કેટલીયે વાર સૂંઘી, એને હાથમાં પકડવાની કોશિશ કરેને રેતી સરકી જાય એટલે ફરી મુઠ્ઠી ભરીને એ બન્નેએ ખૂબ મજા કરી. આવું એ બાળકે લગભગ પંદરેક મિનિટ કર્યું. ને એક્દમથી ઉભા થઈને એણે એ ભીની રેતી એનાં ખિસ્સામાં ભરવાનું શરૂ કર્યું. એક ખિસ્સું ભરાઈ ગયું એટલે બીજા ખિસ્સામાં થોડાં છીપલાં પડેલા એ ભર્યા. ને પછી પપ્પાને કહે કે ચલો ઘરે જઈએ.

આ બધું જ શાંતિથી નોટિસ કરતાં એનાં પપ્પાને હવે અચરજ થયું. રમવા સુધી ઠીક હતું પણ આ બધું ઘરે લઈ જવું! આ બધો બદલાવ કેમ આવ્યો એ એમની સમજની બહારનો વિષય હતો. એમણે સમજાવ્યું પણ એ બાળક ટસનું મસ ના થયું. ઘરે ગયાં ને તરત જ પોતાની સૌથી વધુ ગમતી બેગ ખોલીને એમાં છીપ ગોઠવવાનું શરૂ કર્યું. પણ તેમાં રહેલાં મોંઘા રમકડાં ને એનાં ગમતીલા સ્ટીકર્સ બહુ જગ્યા રોકીને બેઠાં હતાં. એ બધું જ કાઢીને એણે છીપલાં એમાં ભર્યા. પેલી રેતીને એક સરસ કાચનાં કન્ટેનરમાં ભરી ને એ બેગમાં ગોઠવી.

આ જ સમયમાં એની મમ્મી પણ પાછી આવી ગઈ. બાળકનાં ચહેરા પર આજે  તેને કશોક અલગ આનંદ દેખાયો. બન્ને વિચારમાં પડી ગયાં કે આ અચાનક શું થયું? હંમેશા એકલું રહેતું અને કોઈ પણ ગંદી વસ્તુને ન સ્પર્શ કરનાર બાળક આજે કેમ આવું વર્તન કરે છે એ ન સમજાયું. અંતે જ્યારે એ બાળકને પૂછ્યું તો તેણે સ્મિતસહ બહુ સરસ જવાબ આપ્યો. તેણે કહ્યું કે મને આ રેતી અને છીપ સાથે રહીને કે એમની સુગંધ અને સ્પર્શથી સારું લાગ્યું, આનંદ મળ્યો! તો હું એમને સાથે રાખીશ! અને એમ પણ હવે મને આ બેગમાંની વસ્તુઓ નહોતી ગમતી. મારાં બધાં ફ્રેન્ડ્સ પાસે એજ સરખી સ્ટાઈલનાં રમકડાં અને સ્ટિકર્સ છે પણ આ કંઈક નવું છે! મારાં કોઈ ફ્રેન્ડ્સ પાસે નથી!

સાવ સીધી વાત છે. પહેલાં બેગની વસ્તુઓ ગમતી હતી કેમ કે એ બધાં પાસે નહોતી, હવે છે તો એનો ચાર્મ નથી, વજન લાગે છે. ભીની રેતી અને છીપલાં ગમ્યાં તો ત્યાં પછી ચોખ્ખાઈ કે સ્ટાન્ડર્સ ન રહ્યાં. આપણું પણ એવું જ છે. કેટલીયે એવી વસ્તુઓ ભરીને બેઠાં છીએ કે જે કામની નથી, છતાં પણ સ્ટાન્ડર્ડ માટે રાખીએ છીએ. એ બધી જ નિર્જીવ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક આપણાં ઘરમાં ને હૃદયમાં જગ્યાઓ રોકે છે. પણ જ્યારે અચાનક કોઈ ગમતીલી વ્યક્તિ કે વસ્તુ સામે આવે ત્યારે આ બધું જ કોઈક ખૂણે ધરાબાઈ જાય છે. એ ક્ષણ કે એ સેકન્ડ માટે મન, મગજ અને શરીરને તરોતાજા કરી દે છે અને એ આપણાં હાથમાંથી સરકી ના જાય એટલે આપણે એને કાચની બરણીમાં ભરી દઈએ છીએ. જ્યાંથી એને આપણે જોઈ પણ શકીએ અને એ આપણી પણ રહે. આપણો માલિકીભાવ છે અહીં. મારું તે મારું જ. વાપરવું પણ નથી ને વહેંચવું પણ નથી. આ બધાંમાં એવું યાદ નથી રહેતું કે આ એકઠી કરેલી વસ્તુ ક્યારેક તો કોહવાઇ જશે. એમ જ પડ્યાં પડ્યાં રેતીની પેલી સ્મેલ કે જેનો ચાર્મ હતો એ ફાઉલ સ્મેલ એટલે કે દુર્ગંધમાં તબદીલ થઈ જશે. ને પછી જ્યારે એ બરણી વર્ષો પછી ખોલશું ત્યારે કદાચ આપણે બેભાન પણ થઈ જઈએ!

એવું જ સંબંધોનું છે! લાગણીઓનું છે! આપણે સૌ સુખ-દુઃખ અને આપણાં મનમાં સતત ચાલતી રહેતી લાગણીઓને કોઈક ખૂણામાં સાચવીને મૂકી દઈએ છીએ. એવું વિચારીને કે એ પડી હશે તો ફરી વાપરીશું. વસ્તુઓને સાચવવામાં અને ભેગી કરવામાં આપણે એ ભૂલી ગયાં છીએ કે જે શો-કેસમાં આપણે ખૂબ બધાં સુંદર મગ ભેગાં કરીએ છીએ એ જ મગમાં ચા કે કોફી પીતી વખતે કોઈક ચિઅર્સ કરવાવાળી વ્યક્તિની પણ જરૂર પડશે! દરેક સમયે આપણે આજની જેમ મજબૂત કે અડીખમ નથી રહેવાનાં. આપણી લાગણીઓની આ ગુલ્લક, પીગી બેંકને કોઈક સાથે તો શેર કરવી જ રહી! હવે પછીનાં દરેક સફરમાં આપણે કોઈ એક લાગણી કે ભાવ ને આપણાં મનનાં આ ગુલ્લકમાંથી બહાર કાઢીને આ કૉલમના માધ્યમથી મમળાવીશું, પ્રયત્ન કરી એને ફરી જીવીશું! બેંગ ઓન લાઈફ!

– આરઝૂ ભૂરાણી

આરઝૂ ભૂરાણીના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘લાગણીઓનું ગુલ્લક’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

27 thoughts on “અંતરના અજવાળે લાગણીઓના ગુલ્લકનું ગ્રાન્ડ ઑપનિંગ! – આરઝૂ ભૂરાણી

  • gopal khetani

    મૂળે આપણે આનંદ કે સુખ પર ધ્યાન નથી આપતા, આપણે એ આનંદ કે સુખ ક્યા સાધન આપે તેની પર ધ્યાન વધુ આપીએ છીએ અને પાછળથી દુખી થઈએ છીએ. આજે હું અવલોકન કરતો હતો કે નીચે ત્રણ છોકરાઓ રમત રમતા હતાં લાકડા – ઝૂલમણી જેવી. એ બાળકો ખુશ હતાં. મારી નાનકડી દીકરી બાલ્કનીમાંથી એમની રમત જોઈ રહી હતી અને ખૂબ હસતી હતી. એને રમત જોવામાં પણ આનંદ આવતો હતો. જ્યારે અમૂક બાળકો પાસે પાસે બહુ બધી ગેમ્સ, રમકડાં કે કોઈ રમત માટૅ સ્પેશીયલ (ક્રીકેટ, ફૂટબોલ, બેડમીંટન) ક્લાસમાં જતાં હોવા છતાં પણ એટલા ખુશ નથી હોતા. ખુશી જે મળે એ અનમોલ છે. એ એંજોય કરવાની વૃત્તી માણસ સમજી લે તો ઘણી સમસ્યા ઓછી થઈ જાય. આરઝૂબેન, બહુ ગમતીલો લેખ. મજા પડી.

    • Arzoo Bhurani

      ખૂબ ખૂબ આભાર ભાઈ! ને તમારી આ મસ્ત મજાની કૉમેન્ટ વાંચીને મને મજા પડી ગઈ!☺️

  • DHIRAJLAL GULABBHAI PARMAR

    આજના બાળકો જેમનું વાંચન ઓછું છે, જો તેને આવું જીવંત અને વાસ્તવિક ચિત્રણ વાંચવાનું મળે તો યોગ્ય વિકાસની પૂરી તક મળે.
    હવે નવા લેખના ઇન્તજાર સાથે.ફરી મળીશું.

  • Hitesh Thakkar

    Thanks for describing true nature of human. Humans are made of 5 elements and they will always like to get connected despite those chocolate clad illusions.

  • ભરતકુમાર ઝાલા

    સરસ લખ્યું, આરઝૂ. લાગણીઓની વાતો અને વાર્તા બહુ ગમ્યાં.

  • anil1082003

    AS PER MY KNOWLEDGE, PRESENT TIME IN INDIA DEKHA DEKHI VADHI GAYI CHE. MARO COUSIN BMW CAR LAVYO 2-3 MAHINA KHUB GAMI NE ANAND MA RAHEVA LAGYO TEN0 MITRA MERCEDEZE LAVYO TO COUSIN N0 ANAND NASH KRYO ANE COUSIN SOK-DUKH MA REHVA LAGYO ANE VICHARVA MADYO KE MARE KAI KARVU PADSHE..NE DUKHI MANAS BANK MA THI LOAN LIDHI ANE MOTO APT. SATHE NAVI BIJI SPORTS CAR LAVYO THODA MAS PACHI LOAN NA HAPTA BHARVAMA DEFAULT THAYO .BANKE BADHU LAI LIDHU. VADHARE DUKHI THAYO. ARJUBENE RIPLIKA VISHE LAKHYU TE SACHU CHE . BIJA KARTA JUDU NE ME PAHELU KARYU. PAHLU KARVA NO AHAM. JUDU KARVANO AHAM. AHAM DUKHI KARI MAN MA KOI KHUNA MA PADI NE DUKH NOTRE CHE. IN SHORT SATISFIED YOUR MIND WITH WHAT YOU HAVE. SATISFACTION IS BEST WEALTH FOR YOUR MIND. DUKH JATU RAHE CHE APOAP.
    SAMZVA JEVO ARZU BEN NO EXCELLENT LEKH.

  • hdjkdave

    આરઝૂએ હૃદયમાં સંઘરેલી, હૃદયસ્પર્શી પારદર્શક વાત કહી. એ મારી, તમારી અને આપણી છે. મન અળવીતરું છે, અવળચંડુ બની જાય તેવું. તે સતત કંઈક ઝંખે છે, આ ઝંખના શા માટે છે તેનો કોઈ ઉત્તર તેની પાસે નથી. માટે જ કહે છે, ‘મન રે…તું કાહે ન ધીર ધરે’. જીવના શિવ સાથેના સંબંધો સરકતા જાય છે અને સેલ સાથે નિર્જીવ થતા જાય છે! બિગ બેંગ ઓન લાઈફ, વેલકમ. સ્વાગત…

    • Arzoo Bhurani

      ખૂબ ખૂબ આભાર ભાઈ! વાત ને વધાવવા માટે અને આટલું સરસ લખવા માટે આભાર!

  • Hiral Vyas

    આપણી જ હકીકત. સુંદર ચિત્રણ. વસ્તુ જ્યારે વ્યક્તિનું સ્થાન લેવા લાગે પછી સ્વાભાવિક જીવન નિર્જિવ લાગવ લાગે.

    અભિનંદન અને પછીના લેખનો ઈંતજાર.