ઢોંસાભોજન અને વ્યક્તિત્વદર્શન – સ્વાતિ મેઢ 5


ટેલિવિઝનમાં રસોઈજ્ઞાનવિતરણના રોચક કાર્યક્રમો રોજેરોજ રજુ થાય છે. એમાં મોટે ભાગે તો વિવિધ વાનગીઓ બનાવવાની રીતો વિશેના માહિતીસભર દ્રશ્યશ્રાવ્ય નિદર્શનો હોય છે. પણ ઘણી વાર એ રસોઈ નિષ્ણાતોને(વાનગી બનાવવામાં વખત ઓછો લાગવાનો હોય ત્યારે) આહારશાસ્ત્રનું જ્ઞાન આપવાનું  મન થઇ જાય અથવા રસોઈ શીખનારી બહેન પોતાનું અને દર્શકોનું જ્ઞાન વધારવા માગતી હોય ત્યારે પોષણની દ્રષ્ટિએ વિવિધ વાનગીઓનું કેટલું અને કેવું મહત્વ છે એ વિષે પણ માહિતી આપે છે. આવા કાર્યક્રમો રસોઈ શોખીન મહિલાઓ અને વયોનિવૃત્ત  ભાઈઓ  ઉત્સાહથી જોતા હોય છે. હું રસોઈઉત્સુક મહિલા નથી છતાં એક વાર મેં આવો એક કાર્યક્રમ ‘નિહાળ્યો.’ એમાં મેં એક રસોઈનિષ્ણાત મહિલાને માહિતી આપતાં સાંભળ્યાં. તેઓ કહેતાં હતાં કે ‘હંમેશા સમતોલ આહાર લેવો જોઈએ. આવા આહારમાં ઢોંસા પણ આવે. ઢોંસા સંપૂર્ણ ભોજન છે.કારણ કે તેમાં શરીરને  આવશ્યક બધા જ પોષક દ્રવ્યો મળે છે. દક્ષિણ ભારતમાં (એ બહેન બોલેલાં સાઉથમાં) આ એક ઘેરેઘેર  બનતી પ્રચલિત વાનગી છે.પણ હવે બિનદક્ષિણભારતીય પ્રદેશોમાં પણ આ ઘેરેઘેર બનતી  એક નોવેલ્ટી બની છે. આજે આપણે ફલાણાફલાણા પ્રકારના ઢોંસા બનાવતાં શીખીશું.’

કોઈ વાનગી ઘેરેઘેર બનતી હોય તે સારું જ છે. ઘેર બનાવેલું ભોજન શુદ્ધ,સાત્વિક,સ્વચ્છ હોય છે,સસ્તું પણ પડે. પરંતુ કોઈવાર રાંધનારને કંટાળો આવે, કોઈવાર બહારનું ખાવાનો શોખ થાય તો બહાર કરવાના ભોજન તરીકે પણ ઢોંસા અતિપ્રચલિત અને અતિલોકપ્રિય વાનગી છે. બહારના ભોજનની શોખીન એવી હું આ વાત બરાબર જાણું છું. હોટેલોના રસોઇઘરોમાંથી બહાર આવતી પ્લેટોમાં દર બે મિનિટે ઢોંસા ભરેલી પ્લેટો બહાર આવતી હોય છે. મેં પોતે એ જોયું છે.

આથી જ હું હવે ઢોંસાભોજન વિશેનું તમારું જ્ઞાન વધારવા માગું છું. ઢોંસા અનેક પ્રકારના હોય છે. આ પૈકી મસાલાઢોંસા સંતુલિત ભોજન છે. સાથે ખવાતો  સંભાર એની પોષકતા વધારે છે. આ ઉપરાંત, મસાલા ઢોંસા ખાવાની તમારી રીત પરથી તમારા વ્યક્તિત્વ વિષે તમાર્રી મનોવૃત્તિઓ  પર પણ પ્રકાશ પડે છે.

‘હોતું હશે? ગપ્પા ન ઠોક’, મારા જ્ઞાન વિષે શંકા કરનારી મારી મિત્ર જીજ્ઞાએ કહ્યું.

મેં એને સમજાવ્યું.કે જેમ આહારશાસ્ત્રીઓ ઢોંસાને  પૂર્ણ સંતુલિત આહાર કહે છે તે જ રીતે  મનોવિજ્ઞાનીઓ કહે છે કે વ્યક્તિની ઢોંસા જમવાની રીત એના વ્યક્તિત્વ પર પ્રકાશ પાડે છે. જીજ્ઞાએ પૂછ્યું, ‘એવું કઈ રીતે?’ મને એ ગમ્યું. કારણકે હું માનું છું કે,મનમાં પ્રશ્નો ઉદભવવા એ બૌદ્ધિક જાગૃતિની નિશાની છે. મનમાં જાગતા પ્રશ્નો પૂછવા એ નૈતિક હિંમતની નિશાની છે. આથી જ મારી બૌદ્ધિક અને નૈતિક જાગૃતિ અને હિંમત ધરાવતી મિત્ર જીજ્ઞાએ મને પ્રશ્ન પૂછ્યો કે, ‘ઢોંસાભોજનની રીત વ્યક્તિત્વનું પ્રતિબિંબ કઈ રીતે પાડે છે?’

હું આ પ્રશ્નનો જવાબ આપીશ. તમને જીજ્ઞાસા હોય તો આગળ વાંચો.

દાખલા તરીકે તમે હોટેલમાં જમવા ગયા છો અને પેટ ભરાઈ જાય તેવું ખાવા ઈચ્છો છો તેથી ઢોંસો મંગાવો છો.તમારી પાસે ઢોંસો આવે છે. અડદની દાળ અને ચોખાને પલાળીને,પછી વાટીને બનાવેલા ખીરામાંથી પાતળો પૂડો બનાવીને,એમાં બટાકા અને કાંદાનું શાક ભરીને એનું સરસ મજાનું પરબીડિયું વાળીને એને ઢોંસારૂપે તમને પીરસવામાં આવે છે. સાથે વાટકીમાં સંભાર છે.બીજી નાની વાટકીમાં ચટણી છે. આવો મસાલાઢોંસો તમારી સ્વાદેન્દ્રિયને લલચાવી રહ્યો છે. તમારું મન એ લાલચને વશ થવા ઉત્સુક છે. પણ થોભો, તમે એ ઢોંસો વત્તા સંભાર વત્તા ચટણી કેવી રીતે ખાઓ છો?

તમે જો ઢોંસાની આસપાસનો ભાગ પહેલાં ખાવાનું શરુ કરીને ધીમે ધીમે  ઢોંસાના મધ્ય ભાગ તરફ જતા હો તો તમે ધૈર્યવાન સ્વભાવના છો. એટલે કે સારી, મહત્વની મુખ્ય વસ્તુ પ્રાપ્ત કરવા માટે, એનો આનંદ મેળવવા માટે તમે ધીમે ધીમે વિચારપૂર્વક આગળ વધનારા છો. કારણ કે  તમે જાણો છો કે ઢોંસામાં મહત્વનો ભાગ એના મધ્યમાં રહેલું બટાકાકાંદાનું શાક છે. પણ રહી જાઓ, દર વખતે ધીરજના ફળ મીઠા લાગે જ એવું ન હોય.

કેમ? તો કે તમે ઢોંસાનો મહત્વનો મધ્ય ભાગ ખાવા સુધી પહોંચો ત્યાં સુધીમાં તમારી ક્ષુધા શમી ગઈ હોય છે. (ઢોંસા હંમેશા કદમાં મોટા હોય છે.) આટલો મોટો ઢોંસો ખાતાં ખાતાં તો પેટ ભરાઈ જાય. જો કે તમે ખર્ચેલા પૈસાનું વળતર મેળવવા ઢોંસો તો પૂરો ખાવાના પણ ક્ષુધાતૃપ્તિનો આંનદ તો તમે પેલો પાતળો ફિક્કો ભાગ ખાઈને જ મેળવી લીધો છે. મુખ્ય અને ખરો સ્વાદિષ્ટ ભાગ ખાતી વખતે તમે ઢોંસો ખાવાનો ખરો આંનદ મેળવી શકતા નથી. ઠીક છે,પૈસા વસૂલ કરો અને હરખ્યા કરો. તમારી ધીરજના ‘સદગુણ’ને લઈને,બીજું શું?

કેટલાક લોકો ઢોંસો વચ્ચોવચથી ખાવાનું શરુ કરે છે. આવા લોકોનો સ્વભાવ કેવો કહેવાય? ઉતાવળો. આ લોકો ત્વરિત સંતુષ્ટિમાં માનનારા હોય છે. સારો સારો ભાગ(ઢોંસાનો) પહેલા ઝાપટી જવો. બાકીનું પૂરું થાય તો ઠીક, ન થાય તો ય ઠીક. આપણું શું જવાનું? ઢોંસાના પૈસા તો મસાલામાં જ વસૂલ થઇ ગયાને? આવા લોકો વહેવારકુશળ કહેવાય. કઈ વાતમાં લાભ ક્યાં છે તેનું ડહાપણ ધરાવતા ચતુર લોકો.

કેટલાક લોકો એવા હોય છે કે ઢોંસો ખાય કોઈ પણ રીતે. મરજી થાય તો વચ્ચેથી ખાય, મરજી થાય તો એક છેડેથી શરુ કરીને વચ્ચેની તરફ જાય અને ત્યાંથી આગળ વધીને બીજે છેડે પહોંચે. પણ ખાઈ જાય આખ્ખો ઢોંસો. એમાં નાખેલાં મીઠા લીમડાનાં પાન અને  શાક અને મરચાંના ટુકડા પણ. સંભાર ચટણીઓની વાટકીઓ પણ ખાલી કરી નાખે એનું તળિયું દેખાય તેવી. વધારાના સંભારનું વાસણ પણ તળિયાઝાટક ખાલી કરી નાખે. આવા લોકો કેવા કહેવાય? ખૂબ ડાહ્યા. આ લોકો સમજતા હોય છે કે જીવનમાં જે સમયે જે કંઇ સારું મળે એનો પૂરો ઉપભોગ કરી લેવો. કાલ કોણે દીઠી છે? કાલે કદાચ મસાલાઢોંસાને બદલે સાદો ઢોંસો મળે, ને પરમ દિવસે એ ય ન મળે તો? ‘કોઈ દિન ગાડી કોઈ દિન ઘોડા કોઈ દિન પાંવસે ચલના જી’ મીરાંબાઈ અમસ્તું કહી ગયા છે? સમજુને સાન,  વધારે શું કહેવું?

કેટલાક લોકો સ્વભાવે વ્યવસ્થિત હોય છે. એ લોકો મસાલા ઢોંસો એવી રીતે ખાય છે કે મસાલો અને ઢોંસો બંને એક સાથે ખવાય અને એકસાથે  પૂરા થાય.ચટણી સંભાર સહિત.આપણા જેવું નહીં કે મોટી મજાની પ્લેટમાં ઢોંસો પીરસાય અને એ કઈ બાજુથી ખાવો અને કઈ બાજુથી નહીં એ વિચાર કરવામાં સંભાર ઠંડો પડી જાય. આવી રીતે પધ્ધતિસર આખી વાનગીને એક સાથે પતાવનારનું વ્યક્તિત્વ સુસંકલિત,સંતુલિત હોય છે. આવા લોકો બોરિંગ ના કહેવાય? ખાવાની વાતમાં આટલા બધા સિસ્ટમેટીક શું થવાનું? અને એ લોકો તો આ રીતે ખાવામાં એવા તલ્લીન થઇ જાય કે આખ્ખો ઢોંસો પતાવી ન દે ત્યાં સુધી ઊંચું પણ ન જુએ!

કેટલાક લોકો ‘પહેલે આપ’વાળા હોય છે પ્લેટ ટેબલ પર આવે કે તરત સાથે જમનારને કહે, ‘લો,શરુ કરો.’ ઢોંસો આવ્યો હોય એમને માટે અને ઓફર બીજાને કરે. તક બીજાને આપે. આવા ત્યાગભાવનાવાળા ઉદાર હ્રદયના સજ્જનો સન્નારીઓ ‘શેર’ કરવામાં માનતા હોય છે. ઇસ હાથ દે ઉસ હાથ લે. કારણ? એમને ખબર હોય છે કે પોતે આપશે એટલે સામેવાળું વહેવારમાં ય વિવેક તો કરવાનું. અને એની પાસે ભાજીપાઉં હોય તો જલસા. એમને પાઉંના બે ટુકડા અને ચારપાંચ ચમચા ભાજી લેવાનો હક મળે અને એ લઇ પણ લે. માટે આવા લોકોથી ચેતતા રહેવું. એક્સ્ટ્રા સંભાર ચટણી મફતમાં મળે છે. એક્સ્ટ્રા પાઉંના પૈસા આપવા પડે છે!

આનાથી ઉલટા પ્રકાર લોકો ય હોય છે.પોતાની પ્લેટમાંથી ઢોંસો શું ચટણી ય કોઈને લેવા ન દે. વિવેક પણ ન કરે. આમ તો આવા લોકો સ્વાર્થી કહેવાય, ટૂંકા જીવના કહેવાય ,પણ જોજો …ભવિષ્યમાં ધનવાન બનવાના આ લોકો.

થાળીમાં ઢોંસો પીરસાઈને આવે. સાથે ચટણી સંભારની વાટકીઓ હોય. કેટલાક લોકો ટેબલ પર ઢોંસો આવે કે તરત જ એને આખો ખોલી નાખે ને તપાસે કે એમાં શું શું  છે. એટલું જ નહીં એમાંના ખાદ્યપદાર્થો વિષે વિવેચન પણ કરે. આવા લોકોને શું કહેવાય? પંચાતિયા? કે જિજ્ઞાસુ? નક્કી કરો તમે.

બહુ થયું હવે રહેવા દો. આપણે આપણો ઢોંસો ખાવો બીજા જેમ ખાતા હોય તેમ ખાવા દેવો. એમાં મનોવૃતિઓ અને વ્યક્તિત્વવિશ્લેષણ ને એવું બધું શું? કોઈ ખાતું હોય ને આપણે જોઈએ અને પછી એને વિષે વાતો કરીએ  એને બેડ મેનર્સ કહેવાય સમજ્યા?

ખરી વાત,ખરી વાત.

પણ મસાલા ઢોંસાની ચટણી સંભાર સહિત વાટકીઓ ટેબલ પર આવે પરબીડિયું  વાળેલા ઢોંસાનું હજી ય નાનું પરબીડિયું વાળીને એના પર કાંટાથી હુમલો કરે એને શું કહેવું? થાળીમાં પીરસાઈને આવેલા ઢોંસાને ખોલીને એમાંથી મીઠા લીમડાનાં પાન,આખા મરચાં,કાંદાના ટુકડા,કોથમીરની પાંદડીઓ બધું વીણી,વીણીને કાઢી નાખનારને શું કહેવું? ચોખલિયો કે ચીકણો માણસ કે પોતાને શું જોઈએ છે અને શું નહીં એ સમજનાર બુદ્ધિશાળી,સમજદાર માણસ? ઢોંસાની અંદર શું છે એ જાણ્યા વિના મોમાં મૂકી દે અને પછી મોં બગાડે એવા અવિચારી માણસ કરતાં એને પહેલેથી જ પૂરો તપાસીને ખાનાર  માણસ ડાહ્યો નહીં? તમે એને દોઢડાહ્યો કહો છો? ઓ કે,  તો એમ રાખો!

ઢોંસાનું પરબીડિયું વાળીને એને સેન્ડવિચની જેમ ખાવા જાય એ વ્યક્તિ પ્રયોગશીલ કહેવાય. વાનગી ભારતીય, ખાવાની રીત વિદેશી. બર્ગરસેન્ડવિચની જેમ. પણ ઢોંસો વજનદાર હોય,મોં સુધી પહોંચતાં પહોંચતાં તો પરબીડિયું ખૂલી જાય,વાંકું વળીને પડી જાય,વેરાઈ જાય.પછી? પછી કંઇ નહીં. પ્રયોગ નિષ્ફળ જાય! પરિણામનું વર્ણન હું નહીં કરું. તમે પ્રયોગ કરી જોજો. ઘરમાં એકલા ઢોંસો જમતા હો ત્યારે.

કેટલીક ફેશનેબલ હોટેલોમાં છરી કાંટા ચમચા પહેલેથી મૂકી જ રાખ્યા હોય છે. ભોજન પીરસાય તે પહેલાં વેઈટર આવીને પ્લેટો,કાંટા, ચમચા વગેરે ગોઠવી જાય. નેપકીન પણ મૂકી જાય. આ બધું ગોઠવ્યું હોય એટલે એનો ઉપયોગ તો કરવો જ જોઈએ. નહીં તો વેઈટરની મહેનત નકામી જાય .વળી પૈસા પણ વસૂલ કરવાના હોય (આવી હોટલો આ બધી સગવડોનો ખર્ચ પણ ઢોંસાના ભાવમાં વસૂલ કરી લે છે). આવી શુભભાવનાથી કેટલાક લોકો ઢોંસો ખાવામાં એ છરીકાંટાનો ઉપયોગ કરે છે. છરીથી ઢોંસો કાપવા જાય. છરી હોય બુઠ્ઠી. છરી અડકે ને ઢોંસો બબડે,  ‘હે મૂર્ખ, ભારતીય વાનગી હાથથી ખાવા માટે હોય છે. તું એને છરી અડકાડીને અપવિત્ર કરી રહ્યો છે? ઊભો રહે તને શિક્ષા કરું.’ છરી વડે ઢોંસો કપાય નહીં પણ ઉછળે. સાથે પ્લેટ પણ ઉછળે,ચટણીસંભારની વાટકીઓ પણ ઉછળે. ઉછળે નહીં તો ગબડે. ઢોંસામાં કંઇ ખાવાપણું ન રહે. નાની સરખી હોનારત સર્જાઈ જાય, ટેબલ પર અને આસપાસ. આધુનિક રીતભાત અપનાવવી એ કંઇ ગુનો છે? પણ ઢોંસા જેવી જુનવાણી વાનગી… રસોઈનિષ્ણાતો છરીથી (જમવાની છરીથી)  કપાય અને ખવાય એવા ઢોંસા બનાવતા કેમ નથી શીખવતા? આમ તો જાતજાતની વિદેશી વાનગીઓને ભારતીય રીતે બનાવતા ‘શીખવાડે’ છે. તો ઢોંસાની નવી સ્ટાઇલ નહીં?

કેટલાક લોકો ખાવાની કોઈ પણ ચીજમાં ભરપૂર ટામેટાકેચપ નાખે જ.  આ કેચપપ્રેમીઓ મસાલાઢોંસાનું પડીકું વાળે, એના પર કેચપ રેડે. ટેબલ પર ન હોય તો મગાવે ને રેડે,એના પર રેડે ચટણી,એના પર સંભાર અને…

મોં કેમ બગાડો છો? મસાલા ઢોંસો આ રીતે પણ ખવાય. આવા લોકો વૈરાગી જીવો કહેવાય. ભોજનના પદાર્થમાં સ્વાદનું શું મહત્વ? દક્ષિણ ભારતીય વાનગી થઇ એટલે એમાં કેચપ ન નખાય? સ્વાદ મેચ ન થાય? કોણે કહ્યું? આવા પ્રયોગો  થકી જ તો વાનગી હરીફાઈઓ ચાલે છે. નવી નવી વાનગીઓ શોધાય છે. અને રસોઈ દર્શન કાર્યક્રમો ચાલે છે ૨૪ x x૭ x ૫૨ x ૩૬૫.

ત્યાં જીજ્ઞાએ કહ્યું. ‘બસ,બસ સમજી ગઈ. હવે તમે મને એ કહો કે તમે કઈ રીતે ઢોંસો ખાઓ છો?’

‘હું? હું તો ઢોંસો કદી ખાતી જ નથી. હું તો ઇડલી જ ખાઉં છું. સાદી, સરળ વાનગી. ઝટ ટેબલ પર આવે ને ઝટપટ ખવાઈ જાય. ને સમય વધે એમાં આવાં નિરીક્ષણો કરીને મનરંજન કરવાનું. અને  એમાં મસાલો મેળવીને આપ સૌને સાદર મિત્રો!

‘પણ તમે તો કહેતા’તા કે મનોવિજ્ઞાનીઓએ આ વાતો કરી છે?’

હીહીહી! એ તો આજકાલ ફેશન છે ને એટલે.

– સ્વાતિ મેઢ

સરનામું: ૧૦/૧૧૫,પરીશ્રમ એપાર્ટમેન્ટસ, વિમાનગર પાસે, સેટેલાઇટ રોડ, અમદાવાદ,૩૮૦૦૦૧૫. ટેલિફોન નંબર ૨૬૭૪૫૮૩૬, મોબાઇલ નંબર ૯૭૨૪૪૪૨૫૮૬. Email: swatejam@yahoo.co.in


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “ઢોંસાભોજન અને વ્યક્તિત્વદર્શન – સ્વાતિ મેઢ