Daily Archives: August 11, 2018


કામણગારી કચોરીઓ – રૂચિર શાહ 2

ગુજરાતીઓમાં શિયાળાનું અલગ પ્રકારનું આકર્ષણ જોવા મળશે. શિયાળામાં ઘરનાં શાકભાજીનું બજેટ કદાચ બમણું થઈ જતું હોય છે અને કેમ ન થાય? પેલી તાજી બાંધેલી નાની નાની ક્વાંટ – છોટાઉદેપુરની થોડી વધારે કડવી મેથીની ઝૂડીઓ, મરવા પડેલા માણસના મોઢામાં મૂકો ને પ્રાણ પૂરે એવા એ રિંગણાં, વાલોળ, સૂરતી પાપડી, લાલચોળ ગાજર અને પાંચ પાંચ દાણા ભરેલી તુવેર. મુંહ માંગી રકમ દે દેંગે!! શિયાળાની શરૂઆતમાં શાકભાજી મોંઘા હોય છે એટલે જમવામાં આંબામોર હળદર અને થોડું સલાડ ખાઈ ને લુત્ફ ઉઠાવીએ છીએ. એ તો ઠીક તુવેર ૬૦ રૂપિયે કિલો હોય તો પણ અઠવાડિયામાં એકાદ વાર તુવેર – રીંગણાંનું શાક પણ થઈ જાય. પણ ક્યારે તુવેર જરા ૪૦ રૂપિયે કિલો થાય અને ક્યારે જેના માટે આટલી બધી કસરત કરીએ છીએ એ કચોરીઓ ઘરે બને એની રાહ જોવાય છે.