આંખો – ડૉ. હેમાલી સંઘવી 14


થોડા સમય પહેલા બનેલી એક સત્યઘટના યાદ આવે છે. એક નવું પુસ્તક માર્કેટમાં આવ્યું એના વિષે સમાચાર હતા. એમ તો ઘણાં પુસ્તકો છપાઇને આવતા હોય તો એમાં શું મોટી વાત? પણ આ પુસ્તક વિષે ખાસ વાત એ હ્તી કે આ પુસ્તક્ના લેખકે એને પેનથી કે કોમ્પ્યુટર પર લખ્યું નહોતું. એણે હોસ્પિટલના બૅડ પરથી બે લાખ આંખના પલકારાથી આ પુસ્તકો બીજા પાસે લખાવ્યું હતું. કારણ કે એના શરીરમાં ફક્ત આંખો જ કામ કરી રહી છે. હા, આંખો, મારી, તમારી, આપણા બધાની આંખો, જે હોય છે આપણી પણ જુએ છે હંમેશા બીજાને. આંખો જે ક્યારે બોલતી નથી પણ લોચો એટલો મોટો છે કે ક્યારેય ચૂપ રહેતી નથી.

આંખોના કેમેરામાં બધું જ કૅપ્ચર થઈ જાય છે. પ્રેમ, ક્રોધ, ઈર્ષ્યા, આશા, ઉત્સાહ, ઉદાસી, ખુશી, દુઃખ you name it and you have it. આંખો છે બ્લેક એન્ડ વ્હાઈટ, અને છતાં ય દુનિયાના બધાં રંગોને પોતાનામાં સમાવી લે છે. તો યે નજર નજરમાં ફરક હોય છે. એટલે જ તો કહેવાય છે ક્મળો હોય એને બધું પીળું દેખાય.

આ મસ્ત મસ્ત નૈનનો જાદુ એટલો જબરદસ્ત છે કે ખબર ન પડે એમ આંખોને આંખોમાં ઈશારો થઈ જાય છે. ને દિલનું ચૈન હરામ થઈ જાય છે. અંખિયોના વારથી તો ભલભલાયે બચી શકતા નથી અને થઇ જાય છે બીમાર. કોઇ બની જાય છે તારી આંખનો અફીણી અને કોઇક કંજ્કટીવાઇટીસનો પૅશન્ટ.

અરે આ આંખોના કારણે તો મહાભારત રચાઇ જાય છે. જયારે દુર્યોધનની આંખો જમીન અને પાણીનો ફરક સમજી શક્તી નથી ત્યારે એને જોઇને દ્રોપદીએ બોલેલું વાક્ય ‘આંધળાના દીકરા તો આંધળા જ હોય’ મહાભારત રચવામાં નિમિત્ત બની જાય છે. તો આપણી પાસે બીજા અંતિમનું ઉદાહરણ પણ છે. આંખો બંધ કરી ધ્યાન ધરી રહેલા મહાવીર સ્વામીના કાનમાં જયારે ગોવાળિયો ખીલા ઠોકે છે ત્યારે તેઓ સમતા ધારણ કરે છે. અને તેમની ધ્યાનમાં બીડાયેલી આંખો મોક્ષનું સાધન બની જાય છે.

આ જ આંખો ટી.વી. ચેનલો માટે ક્માણીનું સાધન હોય છે. કોઈ દુર્ધટના હોય, ક્રિકેટ મેચ કે ફેશન શૉ બધી ટી.વી. ચેનલો આંખો દેખી લાઈવ અહેવાલ દેખાડવા માટે મંડી પડી છે. આપણી આંખોને ય આવું જોવાની ચટપટી હોય છે. બધું સમજવા છતાંય.. કે જો દિખતા હૈ વો હોતા નહિ ઓર જો હોતા હૈ વો દિખતા નહિ.

અરે આ આંખો કેટકેટલા સપના દેખાડે છે! આંખો નાનકડી પણ રહે છે એમાં મોટા સપનાઓ…કેવી ગજબ જેવી વાત છે જે આંખોમાં ઉંઘ છે એ જ આંખોમાં સપના હોય છે. અને એક વખત સપના સાચા કરવાનો નશો ચડે છે તો આંખોમાંથી ઉંઘ ગાયબ થઈ જાય છે. પછી એ ધીરુભાઈ અંબાણીનું રિલાયન્સ ઈન્ડ્સ્ટ્રીઝનું સપનુ હોય કે બિલ ગેટ્સનું માઈક્રોસોફટનું સામ્રાજ્ય બનાવવાનું સપનું.

અને સપનું જ્યારે તૂટી જાય ત્યારે આંખોમાં આંસુ આવી જાય છે. આપણી આ આંખો એવી ફેક્ટરી છે જેમા હંમેશા આંખો for all occasions available હોય છે. ખુશીનો પ્રસંગ હોય તો આંખો ભીની થઇ જાય અને દુઃખમાં તો આ જ આંસુ આપણો સહારો બની જાય છે. પણ આ આંખોની જાળમાં ફ્સાવા જેવું નથી.

આપણા આ નયન એક નબંરના દગાબાજ છે. આપણી જ આંખો આપણા બધા રાઝ ખોલી નાખે છે. પછી એ પહેલી નજરનો પ્રેમ હોય કે કોઇના પર આવેલો વ્હેમ હોય. આંખો તો છે ચુગલીખોર નંબર વન… જો કે એ વાતનો ઇન્કાર ન થઇ શકે કે આજના જમાનામાં આંખો જ છે સચ્ચાઇની બ્રાન્ડ એમ્બેસેડર. જેટલા વધારે જુઠાણા મોઢાથી બોલાય છે એનાથી વધારે સચ્ચાઇ આંખોમાં હોય છે.

આપણને બે આંખો આગળ મળી છે પાછળ મળી નથી એનો મતલબ જ છે કે મૂડ મૂડ કે ન દેખ, હંમેશા આગળ જોવું. તો વધારે શું કહું?

Keep watching..

– ડૉ. હેમાલી સંઘવી


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “આંખો – ડૉ. હેમાલી સંઘવી

  • Meera Joshi

    સુંદર લેખ, હજુ થોડો લાંબો હોય તો !
    પરંતુ આજના સમયની હાડમારી એ છે કે આપણે આંખોથી એટલું કેપ્ચર નથી કરતા જેટલું નિર્જીવ કેમેરામાં કેપ્ચર કરીએ છીએ!

    જગદીશ કરંગીયાના મુક્તકો પણ ગમ્યા..

  • Umakant V.Mehta

    આંખો વિના અધારૂં મારે આંખો વિણ અધારૂં” સુંદર લેખ, વાંચી ‘નેત્ર દાન ‘ કરો.
    ઉમાકાન્ત વિ.મહેતા.(ન્યુ જર્સી)

  • જગદીશ કરંગીયા ‘સમય’

    સુંદર લેખ
    ~~~
    આંખોને લગતા ત્રણ મુક્તક

    ૧) કેમ કરી છુપાવશો?

    ખુદને ખુદથી કેમ કરી છુપાવશો?
    ચાંદને ચાંદનીથી કેમ કરી છુપાવશો?
    છોને લાખ બાંધો બુકાની ચહેરો છુપાવવા,
    કિંતુ આંખોને આંખોથી કેમ કરી છુપાવશો?

    ~

    ૨) નેણ

    કોઈ તીર ચલાવીને પ્રહાર કરે છે,
    કોઈ તેગ હુલાવીને પ્રહાર કરે છે;
    તીર-તેગ સૌ જૂના થયા ‘જગદીશ’,
    એ તો નેણ હલાવીને પ્રહાર કરે છે.

    ~

    ૩) ઘાયલ

    પહેલા નેણ નચાવીને ઘાયલ કર્યા,
    પછી આંખ મીંચાવીને ઘાયલ કર્યા;
    હજુ રૂઝ આવી, ન આવી, ત્યાં તો
    ચુંબનગોળી ચલાવીને ઘાયલ કર્યા.

    ~ જગદીશ કરંગીયા ‘સમય’

    છેલ્લા બે મુક્તકો તાજેતરમાં બનેલી એક રમતિયાળ પ્રસંગને સમર્પિત.
    સમજદાર કો ઈશારા કાફી ….