આજની પેઢી દીવાલોમાં ખીંટીઓ લગાવતી નથી. આજનું ફરજંદ જો તલવાર લઈને ખીંટીની કત્લેઆમ કરવા નીકળે તો કહેવાનું કે ‘ડોન્ટ ડુ લાઈક ધીસ!’ ખીંટી તો વડવાઓનું સ્થાપત્ય છે. પણ એના કપાળમાં કાંદા ફોડું, ખીંટી તો ઠીક, દાદા-દાદી પણ ખૂણામાં પડ્યા હોય, ને ખીંટા પણ ક્યાંયના ક્યાં અટવાતાં હોય. પૂછીએ તો કહે, ‘ઘરનું ડેકોરમ પણ જોવાનું ને..‘ એ ડેકોરમમાં દાદા-દાદીના ફોટા સ્વાહા થઇ ગયા, તો ખીંટી કયા ખેતરની મૂળી? જો કે ઘણાં ઘરમાં વડવાઓ રામાયણ અને મહાભારતના ધર્મગ્રંથની જેમ પૂજાય છે. બાકી પહેલાં તો દાદા-દાદીના ફોટા હતા, તો એની પાછળ ચકલા-ચકલી પણ માળો બાંધતાં, આજે તો ચકલીએ પણ આવાસ માટે સરકારને અરજી કરવી પડે એ હાલત છે મામૂ! દીકરાઓ દાદા દાદીને શોધે કે ન શોધે, પણ પેલાં ચકલાઓ ડ્રોઈંગરૂમમાં દાદા-દાદીના ફોટાને શોધે છે.. પણ તેમને જડતા નથી. વળી ચકલા પણ એવાં કે સલમાનખાનના ફોટા પાછળ હેતથી માળા નથી બાંધતાં…
જેમ તાજમહાલ જોઈને શાહજહાં યાદ આવે, એમ દીવાલે દીવાલે ખીંટીઓ જોઈને વડવાઓ યાદ આવે. તાજમહાલમાં મુમતાઝ ભંડારાયેલી હોય, ને ખીંટીઓમાં વડવાઓની ભાવના ભંડારાયેલી હોય. એક એક ખીટી ને જોઈએ તો એમ જ લાગે કે એ ખીંટી નથી પણ દાદાનું સ્થાપત્ય છે. જેણે પરસેવો પાડીને ઘર બાનાવ્યું હોય એને જ સમજાય કે ખીંટીની કિંમત શું છે! એક એક ખીંટી સી.સી.ટીવી કેમેરા જેવી લાગે. ભલે જીવંત નથી, પણ પેઢીની કંઈ કેટલી ઘટનાઓની એ દ્રષ્ટા છે. અણગમતી ઘટનાથી નિરાશ થઈને કોઈ ખીંટીએ આપઘાત કર્યો નથી. કદાચ ખીંટીની હકાલપટ્ટી આપણે કરી હશે, બાકી કોઈ દીવાલ ખીંટી વગર વિધવા નહી થઈ હોય. ગરીબ ઘરની વહુ ગમે તે સ્થિતિમાં મોજીલી રહે એમ અખંડ સૌભાગ્યવતી રહીને દીવાલ સાથે ચોંટેલી જ હોય.
એમાં અમુક ખીંટીઓ તો એવી ‘એન્ટીક‘ પીસ જેવી લાગે કે જાણે મુઘલ બાદશાહનો સમયકાળ ન સાચવતી હોય! દીવાલો ઉપર લાગેલી ઢગલાબંધ ખીંટીઓ જોઈને તો એવું જ લાગે કે જાણે દાદાએ દાદીને ‘બર્થ ડે‘ ની મોંઘી ગીફટ આપવાને બદલે દીવાલ ઉપર ખીંટી લગાવી આપી હશે! કેવી લાઈનસર ખીંટીઓ લાગી હોય છે.. ‘બર્થ ડે‘ ની ગીફ્ટ આપવાની પ્રથા કદાચ ત્યારથી પણ ચાલી આવી હોય. આ તો આપણું અનુમાન, બાકી માત્ર પ્રકાર જ બદલાયા છે. હવે ખીંટીની જગ્યાએ દાગીના આવ્યાં એટલું જ. છતાં આપણે તો ગૌરવ જ લેવાનું કે આપણા વડવાઓ પણ રિવાજ સમજતા. આપણને તો અભિમાન ઉભરે મામૂ…. હું તો કહું છું કે જનમ-મરણ કે લગનની તીથીઓ નોંધી હોય તો એ દીવસે ખીંટી-પૂજનના કાર્યક્રમ રાખી વડવાઓને વંદના કરવી જોઈએ. જો ઘરવાળા સંમત થાય તો…
ખીંટી સાથે ‘સેલ્ફી‘ લઈને ઉકલી ગયેલાં દાદા-દાદીને સ્મરવાનો રીવાજ આપણે ત્યાં નથી. બીજી ‘સેલ્ફી‘ઓ લેવામાં નવરા પણ પડવા જોઈએ ને! બાકી ખીંટી સાથે સેલ્ફી લઈને ફેસબુક ઉપર પોસ્ટ કરી લખવું જોઈએ કે, ‘મરણ કરતાં સ્મરણ મહાન છે…‘ કારણ ખીંટી એ દાદાની સ્મૃતિ છે. એને ગળે વળગીને બચીઓ પણ ભરી શકાય. જે દાદાએ રહેવાનું ઠેકાણું આપ્યું એ દાદા ગર્લફ્રેન્ડ કરતાં પણ મહાન હતા… પણ કહેવાય છે ને કે આ બધું કહેવા કોના ઓટલે જઈને રડીએ? સારૂ લગાડવા નથી કહેતો, બાકી સંબંધો ને સંભારણાઓ તો આજે વાસ્તવમાં બાફેલા અથાણાં જેવાં થઇ ગયાં. મોઢું સુધારવાનું મન થાય, ત્યારે જ કાઢવાના. શું કહો છો મામૂ…?
ખબર નહિં કેમ, મારા ભેજામાં પણ આજે ખુંટીઓ આવી ગઈ. ચૂંટણી ટાણે પાર્ટીઓને ગાંધી યાદ આવે એમ દીવાલ ઉપરની ખુંટીઓ જોઈને આજે મને વડવાઓ યાદ આવી ગયાં. કેવી કેવી સંવેદનાઓ, ઘટનાઓ ને કાબેલિયત આ ખુંટી પાછળ ધબરાયેલી હશે? શુરવીરોના પાળિયા જોતાં જેની શહીદીને સલામ કરવાનું મન થાય, એમ ખુંટીઓ જોઈને વડવાઓની સમજ શક્તિને સલામ કરવાનું મન થાય. જે તે ગામના પાળિયા જેમ ગામના ઇતિહાસ હોય, એમ દીવાલો ઉપર લાગેલી ખુંટી ને ગોખલા પણ એક જીવંત ઇતિહાસ છે. ખુંટીઓ એટલે ગાભાઓ સાચવવાનું ‘ઓપન સેઈફ ડીપોઝીટ વોલ્ટ‘ ને ગોખલાઓ એટલે બીડી – બાકસ – તાળું – ચાવી – દોરડા – દવાના બાટલા- પેન્સીલના ટુકડા વગેરે સાચવવાનું સેઈફ લોકર… ભલે એ લોકો બોલતાં ન હોય, પણ મૂક દ્રષ્ટા બનીને આપણને જીવંત અનુભૂતિ કરાવે. આવી હતી વડવાઓની ગૃહ વ્યવસ્થા…
આજે તો વડવા અને વડવાઓના ફોટા જ નિરાધાર બનીને ઢગલે પડ્યા હોય ત્યાં ખુંટીઓનું આત્મ દર્શન કોણ કરે? ખુંટીઓ હવે નષ્ટ થવા માંડી. જેમના ઘરમાં ખુંટીઓ હજી જીવે છે, એમની દીવાલોમાં હજી દાદાઓની ગુંજ છે. દીવાલો ઉપર અડીંગો જમાવીને ચોંટેલી ખુંટીઓ જોઈએ ત્યારે તો એમ જ લાગે કે પેઢીના રંગઢંગ ભલે બદલાયા, પણ ખુંટીઓ હજી એના કામણ ખોયા નથી. અખંડ સૌભાગ્યવતી રહીને કેવી સોહામણી લાગે યાર..?
જે લોકો સંપનું મહાત્મ્ય શોધવા ફાંફા મારે છે, એમણે એકવાર ખીંટીનું પરોપકારી દર્શન કરવું જોઈએ. કોઈપણ જાતના ભેદભાવ વગર, જે કોઈ આવે તે ખુંટીને સમર્પિત કરી જાય, છતાં ખુંટી ઉંહકારો ન ભરે. સંપથી જીવવાનું સાક્ષાત નિદર્શન એટલે ખીંટી..! ખીંટી કદાચ ભારથી લચી પડે તો શહીદી વહોરી લે, પણ સ્વીકાર ભાવનાનો ત્યાગ ન કરે. જે લોકો મગજમાં કોઈ ખુંટ મારીને બેઠાં છે, એ લોકોએ ખીંટી પાસેથી આ શીખવા જેવું છે…!
રામ જાણે ખુંટીની આ પરંપરા કયા સમ્રાટના સમયકાળથી ચાલી આવે છે ? પણ ખુંટી એટલે દીવાલની શોભા, પરિવારની જાહોજલાલી. આમ તો ખીંટી એટલે મુળ હવેલી ઘરાનાની. પણ સમયની થપાટ પડતી ગઈ, ને સામાન્ય ઘરોમાં પણ પ્રભુતામાં પગલા પાડતી ગઈ. બાકી રામાયણ કે મહાભારત માં ક્યાંય ખુંટી-કાંડ આવ્યો? ક્યાંય એવું લખાયું કે, શ્રી રામે રાવણને મ્હાત કરીને ઝુંપડીમાં આવ્યા પછી એમનો ખેસ ખુંટીએ ભેરવ્યો. ને મહાભારતમાં પણ કોઈ ઉલ્લેખ છે કે દુર્યોધને એનું પીતાંબર કાઢીને ખીંટી ઉપર લટકાવ્યું ને પછી યુધ્ધની રણનીતિ માટે મનોમંથન કરવા લાગ્યો!
ખૂંટો હોય કે ખુંટ હોય. ખુંટ હોય કે ખુંટી હોય. બધાં એક જ મા-બાપના ફરજંદ. માત્ર પૂર્વ જનમના ફળની માફક બધાના કામધંધા જ અલગ. પણ એકબીજાના ધંધામાં કોઈ માથું ન મારે. ખૂંટો ઘરની બહાર, ને ખુંટી ઘરની અંદર. ખુંટની વાત કરીએ તો, લાગતું વળગતું હોય કે ન હોય, કોઈના પણ મામલામાં જેને ‘ખુંટ‘ મારવાની ઉપડે, એ ઘરની બહાર. એવાંને ઘરમાં રાખે કોણ?
મોગલ સમ્રાટો જેમ તલવાર-ભાલા મૂકતા ગયાં, એમ પેઢી દર પેઢીના દાદાઓ તલવાર ભાલાને બદલે, ઘરમાં આવી ખીંટી મૂકતા ગયા. આજે પણ એમણે લગાવેલી ખુંટીઓ ઋષિમંત બનીને દીવાલ પર ચોંટેલી છે. નેતાઓ ભલે પાટલી બદલે, પણ ખુંટીએ ક્યારેય એની દીવાલ બદલી નથી મામૂ….!
– રમેશ ચાંપાનેરી
જિજ્ઞેશ ભાઈની ક્ષમાયાચના સાથે –
વિચારતા કરી દી તેવું , ‘ખીંટી’ પર એક અવલોકન …..
https://gadyasoor.wordpress.com/2008/04/30/peg/
મજાની સાથે જૂની યાદો તાજી થઈ ગઈ.
હવે તો ઈ -ખીંટી ગોતો , ભાઈલા !