જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૨) 10


હવે દર રવિવારે અક્ષરનાદ પર પ્રસ્તુત થાય છે બાર મિત્રો દ્વારા લખાયેલી, “કથાકડી” નામની વિક્રમસર્જક વાર્તા લખનાર “શબ્દાવકાશ” ગ્રુપની એક સહિયારી લઘુનવલ, ‘જીવન અંંતરંગ’. આજે પ્રસ્તુત છે આ લઘુનવલનો સરલા સુતરીયાએ લખેલો બીજો ભાગ..

“એમને તો ઊભા થવા ઘોડી જોઇશે ને” એમ સંભળાયું અને હોલમાં સન્નાટો છવાઈ ગયો! સીમા અને સરિતાબેન આશંકિત નજરે નિલય સામે જોઈ રહ્યા. હમણાં નિલય ગુસ્સે થઈ જશે તો ! એ વિચારે બંને મા દીકરી ચિંતિત હતાં. અનુષાના પક્ષના જે લોકો નજદીક હતા એ બધાના ચહેરા પર પણ મુંઝવણ ફરી વળી હતી.

અનુષાની બહેન એ છોકરાને બહાર લઈ જઈ ફુગ્ગો અપાવી ‘આવું ન બોલાય હો બેટા’ એમ સમજાવતી હતી પણ એ બાળકના મનમાં કોઈને ઊભા થવા માટે ઘોડીની જરૂરત હોય છતાં આવું કેમ ન બોલાય એ સમજાતું નહોતું. એક મિનિટ જ વીતી હતી પરંતુ કેટલોય સમય વીતી  ગયો હોય એવું બધાને લાગ્યું હતું ત્યારે નિલય હસીને બોલેલો, “હું તો જામી પડેલો છુ. હવે ઊઠે એ બીજા.” નિલયને હસતો જોઈ હોલમાં પણ હાસ્ય ફરી વળ્યું. સરિતાબેન અને સીમાને હાશકારો થયો. આ બધાથી અજાણ વિવેકભાઈ મહેમાનો સાથે ગપ્પા ગોષ્ટીનો આનંદ લઈ રહ્યા હતા.

સરિતાબેન, સીમા અને વિવેકભાઈ જાણતાં હતાં કે નિલયે આ સગાઈ માટે હા પાડી એ નર્યું ને નર્યું સમાધાન જ હતું. એટલે જ ‘ઘોડીવાળો’ પ્રસંગ બન્યો ત્યારે સરિતાબેન રીતસર ડરી જ ગયા હતાં કે ક્યાંક આ વાતથી નિલય સગાઈનો ઈન્કાર ન કરી દે, પણ નિલયની સમજદારીએ વાત વાળી લીધેલી.

દિવસમાં કંઇ કેટલીયે વખત નિલયના નામની માળા જપતા સરિતાબેન માટે નિલય જ જીવવાનું માધ્યમ હતો. નિલયનો એમના જીવનમાં એ સમયે પ્રવેશ થયો હતો જ્યારે એ મનથી સાવ ભાંગી પડવાની અણી પર હતાં. પોતાના કરતાં દસ વરસ મોટાં પતિ સાથે એમણે અનુકૂલન તો સાધી લીધું હતું પણ બંને વચ્ચેનો રસ, રુચી અને આવડતમાં રહેલો અનેક ગણો તફાવત એમને અસ્વસ્થ બનાવતો. સરિતાબેન હતા મળતાવડાં, પ્રેમાળ, લાગણીથી ભર્યાં ભર્યાં. જયારે ઓછાબોલા, અતડાં અને લાગણીને વેવલાવેડાં ગણતાં વિવેકભાઈ પાસે એ હારી જવાની અણી પર હતાં ત્યારે જ એમને ગર્ભમાં પોતાનો અંશ હોવાની અનુભૂતિએ આનંદમાં તરબોળ કરી દીધેલા. સમજણ અને સમાધાનની ચારણીમાં અણગમો અને લાગણીનો ઝુરાપો ચાળી નાખી એ મસ્ત રહેવા લાગ્યાં હતાં. દીકરાના જન્મ પછી સરિતાબેન એના ઉછેરમાં જ રચ્યા પચ્યા રહેવા લાગ્યાં હતાં.

એમના જીવનનું કેન્દ્ર નિલય જ હતો અને નિલયને પણ મા વગર એક ઘડીએ ન ચાલતું. માતા પુત્ર  એકબીજાના પૂરક હતા એમ કહી શકાય એ હદે એમની વચ્ચે અતૂટ લાગણીનું બંધન હતું. પાંચ વરસની ઉમરે નિલયને તાવ આવેલો અને હસતો રમતો નિલય પોલીયોની ઝપટમાં આવી ગયેલો. ખૂબ બધી દવા, માલીશ વગેરે કંઈ કામ નહોતું આવ્યું. આખરે નિલયના જીવન સાથે ઘોડી જડાઈ ગઈ અને સરિતાબેનના મનમાં અપરાધભાવ. સરિતાબેન પોતાને જ કોસ્યા કરતાં કે, “સમયસર પોલીયોના ટીપાં પાઈ દીધા હોત તો મારો નિલય આવો ન થઈ જાત.”

ત્યારથી સરિતાબેનનું એક જ ધ્યેય હતું, નિલયની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખવું. ક્યારેય પણ નિલયે માને બોલાવવી પડી ન હતી. નિલય વિચારે એના પહેલા સરિતાબેન એની પાસે હાજર થઈ જતાં. એમણે પોતાનો તમામ સમય દીકરા માટે સમર્પિત કરી દીધેલો. નિલય પણ દરેક વાત માટે મા પર આધાર રાખતો થઈ ગયેલો. પપ્પા હતા પણ પોતાની દુનિયામાં વ્યસ્ત. સમજણો થયો ત્યારથી નિલયે જોયેલું કે પપ્પા મમ્મી સાથે સ્વાભાવિકપણે નહોતા વર્તતા. મમ્મીની આવડતથી લઘુતાગ્રંથી અનુભવતા પપ્પા મમ્મીની સાથે બહાર જવાનુંય ટાળતાં. મમ્મીની હસતી આંખોની પાછળ ડોકાતો વિષાદ એ અનુભવી શકતો હતો. પણ સરિતાબેને ક્યારેય આ વિષાદને પ્રત્યક્ષ થવા દીધો ન હતો. હવે તો મમ્મીની સાથે દીકરી સીમા પણ હતી.

બેય ભાઈ બહેનના હેતને જોઈ સરિતાબેન પોતાનો ખાલિપો વિસરી જતાં.આજે પોતાના દીકરા પર એમને ગર્વ થઈ આવ્યો હતો. એક નિષ્ફળ પ્રેમ સંબંધની ચીરી નાખતી લાગણીને વળોટી નિલયે બીજે જોડાવાની સમજદારી દાખવી હતી અને નાદાન બાળકની ચુભે એવી વાતનો ‘હું તો જામી પડ્યો છું, હવે ઉઠે એ બીજા.’ કહી છેદ ઉડાડી દીધો હતો.

સગાઈની વિધી રંગે ચંગે પૂરી થઈ હતી. હસી, મજાક ને મસ્તીની છોળો વચ્ચે ભોજન લેવાયું હતું ને સમય થતાં એક પછી એક બધા વિદાય લઈ ગયા હતા.

‘ડોકટર અનુરાધા….’ નિલયના મનમાં એક ટીશ ઊઠી.પીડાનો ઉભરાતો રંગ એના મનને તડપાવી ગયો પણ એણે માથું ધુણાવી આવા વિચારો ખંખેરી નાખ્યા. “મારી મા…. બસ મારી માને ખાતર હું ગમે તેવા ઝંઝાવાતો સહન કરી જઈશ. મા હસતી રહેવી જોઈયે એજ મારી તમન્ના છે.બચપણથી મારો બોજ વેંઢારતી માને હવે આરામ આપવો છે. એની ખુશીને ખાતર હું આ લગ્ન તો શું મારો જીવ પણ આપી દઈ શકું” એવું વિચારતાં નિલયની નજર ફોટા પર પડી જેમાં અનુષા એની સામે મીઠી નજરે સ્મિત કરતી હતી.

– સરલા સુતરિયા, 401, Daffodils Flats, Purushottam Nagar Soc., B/h Ganga Jamna Soc., Subhanpura, Vadodara 23
Email – sarlasutaria@gmail.com

(ક્રમશઃ)


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૨)