અમારો ગિરનારનો પ્રવાસ – પ્રફુલ્લ સુથાર 2
ગિરનાર વિશે અલકમલકની વાતો સાંભળી હતી ત્યારથી જવાની ઈચ્છા ઉગ્ર બની હતી. નાનો હતો ત્યારે એકવાર ગિરનાર પર્વત ચઢ્યો હતો. એ પછી ક્યારેય એવો સંગાથ નહોતો મળ્યો એટલે જવાનું જ રહી ગયું. ગિરનાર પર્વત જોવા કરતા ચઢવાની ખુબ ઈચ્છા હતી. અને આજે મારો પ્રિય સંગાથ મારી સાથે હતો. એટલે મનથી નક્કી કરીને બપોરે અમદાવાદથી જુનાગઢ જવા નીકળી પડ્યા. બીજા દિવસે સવારે વહેલા ગિરનાર પર્વત ચઢવાનું હતું એટલે વચ્ચે આવતાં જોવાલાયક સ્થળો જોવાનું માંડીવાળીને અમે સીધા પ્રેરણાધામ સાંજે ૭:૧૫ વાગે પહોચ્યા. એડવાન્સમાં ફોન ઉપર રૂમ બુક કરાવી લીધી હતી.