દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૦) – નીલમ દોશી 9


પ્રકરણ ૧૦ – અણધાર્યું પ્લાનીંગ.. શિમલા…

“ના ઉઘાડે છોગ નહીતર આમ અજવાળુ ફરે,
કોઇએ કયારેક છાની જયોત પ્રગટાવી હશે….”

Dost Mane Maaf Karish ne

‘અનિ, એક મિનિટ તો શાંતિ રાખ.. ખોલું છું.’ ઉપરાઉપરી બેલનો અવાજ સંભળાતા ઇતિ અભાનપણે ઉભી થઇ.. અને નિન્દ્રામાં ચાલતા માણસની જેમ દરવાજા સુધી પહોંચીને દરવાજો ખોલ્યો. અનિકેતની આ આદત કયારેય નહીં જાય. ભારે અથરો… ધડાધડ બેલ માર્યા જ કરે, એક મિનિટ તેનાથી રાહ ન જોઇ શકાય. પોતે કેટલીવાર આ માટે તેની પર ગુસ્સે થઇ છે. પણ તેને અસર થાય તો ને?

દરવાજો ખોલતા ઇતિ જોઇ રહી. અનિકેત આજે બદલાઇ ગયેલ કેમ લાગે છે?

‘એય ઇતિરાણી, કયાં છો? આમ બાઘાની માફક જોઇ શું રહી છે? હવે મને અંદર આવવા દેવાનો છે કે નહીં?’ શબ્દો તો કાને અથડાયા.. પણ હજુ તેનો અર્થ કયાં સમજાતો હતો? આ બધું શું છે? અનિકેત વળી તેને ઇતિરાણી કહેતો કયારથી થઇ ગયો? અને અનિકેત બહાર ક્યાં ગયો હતો? હમણાં સુધી તો તે અહીં જ.. પોતાની સાથે જ તો હતો.. અને આમ સાવ બદલાઈ ગયેલ કેમ લાગે છે?

દરવાજા પાસે ઉભી ઉભી ઇતિ વિચારી રહી. ત્યાં… ‘અરે, ઇતિ હું છું.. અરૂપ.. તારો અરૂપ.. કોઈ ભૂતબૂત નથી. તું તો જાણે કોઇ અજાણી વ્યક્તિને જોતી હોય તેમ જુએ છે. કોઇ સપનું નથી જોયું ને? અને હવે મને અંદર આવવા દેવાનો છે કે પછી મારે બહાર જ તપ કરવાનું છે?’ અરૂપના અવાજે ઇતિ વર્તમાનની ક્ષણોમાં ઝબકી ઉઠી. તેણે આંખો ચોળી.

આ.. આ તો અરૂપ હતો, અનિકેત નહીં. તો પછી અનિ.. અનિકેત ક્યાં? ઇતિની બહાવરી આંખો ચકળવકળ ચારે તરફ ઘૂમી વળી. ત્યાં આસપાસ કોઇ દેખાયું નહીં.

એટલે અત્યાર સુધી શું તે અતીતની ગલીઓમાં ઘૂમતી હતી? આ થોડા કલાકમાં તેણે આટલા વરસો ફરી એકવાર જીવી લીધા હતા? આ ક્ષણ સુધી અનિકેત પોતાની અંદર આટલી હદે….? અને પોતાને જાણ સુધ્ધાં નહોતી?

અનિકેત…. એક વિસરાઇ ગયેલું નામ… એક વીતી ગયેલી વાત માની આટલા વરસો પોતાની જાતને છેતરી રહી હતી? કે પછી પોતે જ અંધકારમાં અટવાયેલ હતી?

‘ઇતિરાણી, ક્યાં.. કઈ દુનિયામાં ખોવાઇ ગયા છો?’ અરૂપે તેને ખભ્ભો પકડી હચમચાવી નાખી. ‘શું છે ઇતિ? ઇતિ થોડી દૂર ખસી. અરૂપ અંદર આવ્યો. ઇતિ કશો જવાબ આપે તે પહેલા જ….

‘ઇતિ, ચાલ જલદી તૈયારી કર.. ઘણું કામ છે.’

મૌન ઇતિએ પ્રશ્નાર્થભરી નજરે અરૂપ સામે જોયું.

’અરે, બાબા, તું તો હું જાણે કોઇ અજનબી હોઉં એમ મારી સામે જુએ છે. એની વે..ઇતિ, આપણે કાલે સવારે શિમલા જઇએ છીએ.. જો આ પ્લેનની બે ટિકિટ.. બધુ બૂકીંગ પણ થઇ ગયું છે. ઓ.કે? ખુશ? આમ પણ ઘણાં સમયથી આપણે કયાંય જઇ શકયા નથી ને. ચાલ, જલદી સામાન પેક કર.. અને હા, બહુ ભૂખ લાગી છે. જલદી કંઇક સરસ ખાવાનું ફટાફટ… અને પછી તૈયારી. કાલે સવારે પાંચ વાગ્યાની ફલાઇટ છે.’

અરૂપ એકી શ્વાસે જાણે અહેવાલ આપતો હોય તેમ બોલી ગયો. અને ઇતિને સફાળા ભાન આવ્યું. ‘ના, અરૂપ, કાલે તો મારે…’ ઇતિ વાકય પૂરું કરે તે પહેલા જ.. ‘શું છે કાલે? અરે, કાલની વાત કાલે.. અત્યારે તો પેટમાં ગલૂડિયા બોલે છે. પહેલા પેટપૂજાનો પ્રબંધ થવો જોઇએ હોં.’

‘અરૂપ, આજે મમ્મીનો ફોન આવેલ….’

‘સારુ સારુ.. ચાલ, વાત થઇ ગઈ ને? હવે જરા જલદી..પ્લીઝ..’

’ના, એમ નહીં, ત્યાં અનિકેત આવ્યો છે.. વરસો પછી એના કોઇ સમાચાર મળ્યા છે. મેં તને અનિકેતની વાત તો કરી હતી ને? તે આવેલ છે અને મને મમ્મીએ બોલાવેલ છે. મને લાગે છે…..’ એકીશ્વાસે ઇતિ બોલી ઉઠી.

પરંતુ તે વાત પૂરી કરે તે પહેલાં અરૂપ વચ્ચે જ ઉતાવળથી બોલ્યો, ‘અનિકેત.. કોણ અનિકેત? ઓહ.. યસ.. યસ યાદ આવ્યું. પેલો તમારો પડોશી હતો તે? એની વે.. શિમલાથી આવીને નિરાંતે જઇ આવજે બસ? અત્યારે હવે તેની લપ કાઢીને પ્લીઝ… મને બોર નહીં કરતી.. આમ પણ આજે હું સખત થાકયો છું. કાલે સવારે વહેલું જવાનું છે.. હજુ તો પેકીંગ પણ બધું બાકી છે.’

‘પણ અરૂપ આમ અચાનક શિમલાનો પ્રોગ્રામ? આપણે તો એવી કોઇ વાત પણ કયાં થઇ હતી?’

’અરે, એ જ તો સરપ્રાઇઝ છે ને? કેટલી મહેનતે માંડમાંડ ટિકિટ મેળવી ખબર છે? હવે આડીઅવળી વાતો કરીને ફરવાનો બધો મુડ ન બગાડતી.’

’પણ અરૂપ, મારે પહેલા અનિકેત પાસે જવું છે. મમ્મી કશુંક કહેતી હતી.. પણ ફોન કપાઈ ગયો. અને જોને ફરીથી લાગતો પણ નથી. તારા મોબાઇલમાંથી કરી જોને. કોઇ પ્રોબ્લેમ તો નથી ને? મને ચિંતા થાય છે.’

‘ઓકે.. ઓકે.. હું વાત કરી લઉં છું. ત્યાં સુધીમાં તું જમવાની તૈયારી કર. મોડું થાય છે.‘ ઉપર ચડતા ચડતા અરૂપે કહ્યું. ઇતિ પરાણે રસોડામાં પહોંચી પણ મન તો…

અરૂપે લાખ વાર કહેવા છતાં ઇતિએ રસોઇ કરવા માટે મહારાજ રાખ્યો નહોતો. પછી પોતે આખો દિવસ શું કરે? અને તારાબહેન તો આખો દિવસ ઘરમાં મદદ કરવા માટે હતા જ. પરંતુ બે દિવસ માટે તે બહારગામ ગયા હતા. તે હોત તો આજે તે જ રસોઇ બનાવી નાખત. આ ક્ષણે તેને રસોઇ કરવાની જરાયે ઇચ્છા નહોતી થતી. પણ કોઇ ઉપાય નહોતો. તેણે પરાણે રસોઇ શરૂ કરી. પણ જીવ તો અનિકેતમાં જ અટવાયેલો રહ્યો.

‘કોઈ પ્રોબ્લેમ તો નહીં હોય ને? આટલા વરસે અનિકેત ક્યાંથી.. ક્યારે આવ્યો? આટલા વરસ ક્યાં હતો? એકલો આવ્યો હશે કે તેની ગોરી પત્ની પણ સાથે હશે..?’

અનિકેતે લગ્ન કરી લીધા હશે અને કોઇ કારણસર કહી શક્યો નથી તેથી જ આટલા વરસો પોતાનો અત્તોપત્તો લાગવા નથી દીધો એમ માનતી ઇતિએ અનિકેતને કરવા અનેક ફરિયાદો વિચારી લીધી.

‘અનિકેતનો તો તે બરાબર વારો કાઢશે. સમજે છે શું તેના મનમાં? અરે, તેની પત્નીને પણ તે તો હક્કથી કહેશે કે અનિકેતને આટલા વરસો કયાં છૂપાવી રાખ્યો હતો? અનિકેતની દરેક વાત.. દરેક વસ્તુ કે દરેક વ્યક્તિ ઉપર પોતાનો પણ હક્ક તો ખરો જ ને? એ મનભરીને અનિકેત સાથે લડશે.. ઝગડશે.. અનિકેત તેને મનાવશે.. અને પછી જ પોતે તેની બધી વાતો સાંભળશે. વાત છે અનિ મળે એટલી વાર. આટલા વરસે હવે ઇતિ યાદ આવી?’

ઇતિનું મન રોષથી.. અભિમાનથી છલકી રહ્યું. જાણે ગર્વભંગ થયેલી એક માનૂની..! તેના રોમરોમમાં એક અધીરતા જાગી હતી. શાક બળવાની વાસ પણ તેને કયાં આવી? તે તો ફરી એકવાર તે દિવસોમાં પહોંચી ચૂકી હતી.

પોતે ત્યારે હજુ રસોઇ બનાવતા શીખતી હતી. અનિકેતની બહેન ઇશા અમેરિકાથી આવી હતી. અને તે દિવસે સાંજે અનિકેતના આખા કુટુંબને જમવાનું કહ્યું હતું. ઇતિ મમ્મીને કીચનમાં મદદ કરાવતી હતી. તે રસોડામાં પરોઠા વણતી હતી અને અનિકેત આવ્યો હતો. ઇતિને પરોઠા બનાવતી તેણે જોઇ.

‘આંટી, આજે મને જમવામાંથી બાકાત રાખજો હોં. હું તો બહાર જમીને જ આવીશ.’ ગંભીરતાથી અનિકેત બોલ્યો.

‘કેમ?’

અનિકેત આમ કેમ કહે છે તે નીતાબહેનને સમજાયું નહીં.. ‘ક્યાંય બહાર જવાનું છે?‘

‘આંટી, જવાનું તો નથી પણ લાગે છે કે આજે જવું પડશે.’

‘બેટા, કંઇક સમજાય તેમ સરખું બોલને.. આમ ગોળગોળ શું બોલે છે?’

‘ના, ના, આંટી.. ખાસ કશું નહીં. આ તો ઇતિને રસોડામાં જોઇને મને થયું કે મારે આજે અહીં જમવાનો અખતરો કરવો કે નહીં? કે પછી બહાર જમી લેવું વધારે સારું રહેશે એ વિચારતો હતો. આમ તો અખતરો કરી લઉં. પણ આંટી, આ તો હમણાં પાછી કોલેજમાં પરીક્ષાઓ પણ આવે છે ને તેથી માંદા પડવું પોસાય તેમ નથી.’

કોઇ ગંભીર વાત કરતો હોય તેમ અનિકેતે કહ્યું. અને ઇતિ ચિલ્લાઇ… ‘અનિ…’ નીતાબહેન હવે સમજ્યા અને ખડખડાટ હસી પડયા. જોકે મોઢેથી તો એમ જ બોલ્યા, ‘એય અનિ, મારી દીકરીની મસ્તી નહીં હોં. એ સરસ રસોઇ બનાવે છે. એકવાર ખાઇશ તો આંગળા ચાટતો રહી જઇશ. શું સમજ્યો?’

‘ના મમ્મી, એને તો બહાર જ જમવા જવા દે.. કોઇ જરૂર નથી તેને અહીં જમવાની.’ ઇતિ કૃત્રિમ ગુસ્સાથી બોલી ઉઠી.

‘ઓહ, તને ખરાબ લાગી ગયું. સોરી ઇતિ, ઓકે ચાલ, હું પણ અહીં જ જમીશ. તને ખરાબ લાગે તે મને ન ગમે. એના કરતાં માંદા પડવાનું હું વધું પસંદ કરું. એકાદ બે ડાયજીન કે એવું કશું લઇ લઇશ. બસ? એમાં શું મોટી વાત છે?’ નીતાબહેન હસતાં હસતાં બંનેની વાતો સાંભળી રહ્યા. નાનપણથી ઘરના બધા ઇતિ, અનિકેતની મસ્તી જોતાં જ આવ્યા હતાં.
અનિકેત ગેસની નજીક આવીને ઇતિની મમ્મી પાસે ઉભો રહી ગયો અને હસવા લાગ્યો. ‘આંટી, બચાવી લેજો હોં.’

‘એમ કંઇ મમ્મી પાસે ઘૂસી જવાથી તું બચી નહીં જાય હોં.’

‘મને ખબર જ છે. તારાથી બચવું કંઇ સહેલું નથી.’ અનિકેત મોટેથી હસી રહ્યો.

‘અનિ, આમાં હસવા જેવું શું છે?’

‘ના ના, કશું નહીં. હું તો જોતો હતો કે તારા હાથમાં આ વેલણ કેવું વિચિત્ર લાગે છે? જોવું છે અરીસામાં?’

‘હું કંઇ પહેલીવાર રસોઇ નથી કરતી.. શું સમજ્યો?’

‘અરે બાપ રે.. એટલે આની પહેલાં પણ તેં કોઇ ઉપર અખતરો કરી લીધો છે એમ? એ અખતરાનો ભોગ કોણ બન્યું હતું? અરે હા.. યાદ આવ્યું.. તે દિવસે આંટી પેટમાં દુ:ખવાની ફરિયાદ કરતાં હતા… યસ.. તે દિવસે જ તેં એ ભવ્ય અખતરો કર્યો હશે.. બરાબરને? આંટી સાચી વાતને? તે દિવસે તમે પેટમાં દુ:ખવાની વાત કરતા હતાં ને?’

‘તમારા બેના ઝઘડામાં મને સંડોવવાની જરૂર નથી.’

હવે અનિકેત જોરથી હસી પડયો. ‘જો ઇતિ, આંટી પણ તારાથી કેવા ગભરાય છે બિચારા! સાચી વાત કહી શકતા નથી.’

‘તમે બંને તમારો ઝઘડો પૂરો કરી લો ત્યાં સુધીમાં હું તારે ઘેરથી બધાને બોલાવી લાવું.’ કહી નીતાબહેન હસતાં હસતાં કીચનની બહાર ગયા. ઇતિએ હાથમાં પકડેલું વેલણ અનિકેત તરફ ઉગામ્યું.

‘અરે વાહ..! તું તો ઝાંસીની રાણી જેવી લાગે છે. હું કલ્પના કરુ છું કે રાણી લક્ષ્મીબાઇના હાથમાં તલવારને બદલે આમ વેલણ હોય તો કેવું લાગે?’

‘અનિ.. હવે સાચ્ચે જ તું મારા હાથનો માર ખાઇશ હોં.’

‘એક મિનિટ, મને વિચાર કરી લેવા દે.. કે તારા હાથના આ આડાવળા નકશા ખાવા કે પછી માર ખાવો બેમાંથી શું વધારે સારું પડશે?’

‘હા.. હા.. તું તારે બહાર જ જમી લેજે. જોઉં છું કેટલા દિવસ બહાર જમે છે?’

‘કેટલા દિવસો એટલે? જાણે કેમ મારે હમેશા તારા હાથનું જ ખાવાનું હોય?’

‘તો કોના હાથનું ખાવાનું છે?’ અચાનક ઇતિ મૌન… અનિકેત મૌન. વાત કયાંથી કયાં આવી ગઇ હતી? મોઢામાંથી આ કેવા શબ્દો નીકળી ગયા હતા? અનિકેત રોજ થોડો તેના હાથનું ખાવાનો છે? ઇતિ આગળ વિચારી ન શકી.

‘અનિ, શું વિચારે છે?’

‘અરે હું તો વિચારતો હતો કે આ તારી રોટલીનો નકશો કયા દેશનો છે તે સમજાતું નથી.’અનિકેતે વાત ઉડાડતાં કહ્યું.

‘આમ પણ હમણાં કોઇ અખતરાનો ખતરો લેવો પોસાય તેમ નથી. તને પણ ખબર છે કે હમણાં પરીક્ષાઓ આવે છે તેથી માંદા પડવું પણ ચાલે તેમ નથી. નહીતર વળી હિમત કરી નાખત.’

‘અનિ’ ગુસ્સે થઇને ઇતિ હાથમાં વેલણ પકડી અનિકેત તરફ દોડી. અનિકેત આગળ અને હાથમાં વેલણ પકડી ઇતિ તેની પાછળ… આજે તો તે અનિકેતને નહીં જ છોડે.. હમણાં તે બહુ ચગ્યો છે. ઇતિ હાથમાં વેલણ ઉગામી રહી.

ત્યાં અરૂપ નીચે આવ્યો, ‘અરે, ઇતિ કયાં ખોવાઇ ગઇ છો? અને આમ હાથમાં વેલણ ઉગામી શું કરી રહી છે? કોઇને મારવાના મૂડમાં તો નથી ને? અને આ શાક તો જો બળી ગયું કે શું?’

ઇતિએ એકાદ ક્ષણ શાક સામે અને હાથમાં રહેલ વેલણ સામે જોયું…. પોતે ક્યાં હતી? ઇતિની આંખમાં વર્તમાનની ક્ષણો ઉતરી આવી. તેણે જલદી ગેસ બંધ કર્યો. અને અરૂપે ઘેર ફોન કર્યો કે નહીં તે જાણવા માટે હજુ તેને પૂછે તે પહેલા જ તેની આંખનો પ્રશ્ન વાંચી અરૂપે કહ્યું.

’આજે મોબાઇલમાં પણ નેટવર્ક બીઝી જ આવે છે. તેથી વાત થઇ શકી નથી. કશો વાંધો નહીં. પછી ફરીથી પ્રયત્ન કરીશું. ચાલ, હવે થાળી પીરસ..’ શું બોલવું તે ઇતિને સમજાતું નહોતું.

‘અરે, આટલી અગત્યની વાત છે ને અરૂપ પણ ખરો છે.. આટલા વરસો બાદ અનિકેતનો કોઇ મેસેજ આવ્યો છે. અને અરૂપ કશું સમજતો કેમ નથી? વાત પણ નિરાંતે સાંભળતો નથી. પણ હજુ આગળ વિચારે કે બોલે તે પહેલા અરૂપે પ્રેમથી તેનો હાથ પકડી તેને પોતાની સાથે જમવા બેસાડી દીધી. ઇતિના મનમાં દોરડાના પરિઘમાં ફરતી પેલી બકરીની યાદ ફરી એકવાર..

‘ઇતિ, તું ચિંતા ન કર.. આમ પણ અત્યારે ખૂબ મોડું થઇ ગયું છે. આટલી રાત્રે કોઇને ઉઠાડવા યોગ્ય ન ગણાય. કાલે સવારે રસ્તામાંથી વાત કરી લઇશું. માત્ર પંદર દિવસનો જ તો સવાલ છે ને? આવીને તું તારે નિરાંતે અનિકેતને મળવા જજે. હું પણ આવીશ તારી સાથે તારા અનિકેતને મળવા… બસ? ચાલ, હવે જલદી કર..કેટલું કામ છે..!’ ઇતિ શું બોલે?

યંત્રવત જમાયું… સામાન પેક થયો… કામ તો બધું થયું. ક્યારે? કેમ? સમજાયું નહીં.

આજે પહેલીવાર અરૂપે ઇતિને સામાન પેક કરાવવામાં મદદ કરાવી હતી. તે સતત એક કે બીજી વાત કરતો રહ્યો. ઇતિ સમજ્યા વિના સાંભળી રહી. શબ્દો તો કાને પડતાં હતાં. પરંતુ અર્થ ખોવાઇ ગયાં હતાં.

બહાર આકાશમાં વાદળો ઘેરાયાં હતાં. નાનકડું બાળક તોફાન કરી લે પછી કોઇના ડરથી સલામતી માટે માતાના પાલવની પાછળ છુપાઇ જાય તેમ ચન્દ્ર વાદળોના આંચળમાં છૂપાઇ ગયો હતો. ઇતિ આખી રાત ચન્દ્ર અને વાદળોની સંતાકૂકડી જોતી રહી. આંખમાં ઉંઘનું એકે તણખલું આવવાનું નામ નહોતું લેતું. મન ક્યાંય દૂર દૂર કોઇ જાણીતાં છતાં અજાણ્યા પ્રદેશની સફરે… બંધન તનને હોઇ શકે. મનને તો સ્થળ કાળના બંધનો સુધ્ધાં કદી કયાં નડી શકયા છે? આજે વરસો પછી પહેલીવાર ઇતિ આટલી હદે અસ્વસ્થ બની હતી. અરૂપની દરેક વાત પૂરી શ્રધ્ધાથી, સહજતાથી સ્વીકારી લેતી ઇતિ આજે કશું કેમ સ્વીકારી શકતી નહોતી?

આ કયો અજંપો પ્રાણને ઘેરી વળ્યો હતો? આ કઇ છટપટાહટ અંતરમાં જાગી હતી? દીવાલ પરની ઘડિયાળ ટીક ટીક અવાજ વડે રાત્રિની નીરવતાનો ભંગ કરતી રહી.

અને બીજે દિવસે સવારે સિમલા જવા માટે પ્લેનમાં બેસતી વખતે અચાનક અરૂપને યાદ આવ્યું. પોતે મોબાઇલ સાથે લેતા તો ભૂલી ગયો હતો..!


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૦) – નીલમ દોશી