(‘આનંદ ઉપવન’ સામયિકના મે ૨૦૧૬ના માંથી સાભાર)
જગતને જોનારી દ્રષ્ટિ કાં તો પોઝિટિવ હોય અથવા તો નેગેટિવ હોય. બાકી આ દુનિયા તો એક અરીસો છે, જેમાં આપણે સજ્જન હોઈએ તો જગત સત્કર્મમય લાગે અને દુષ્ટ પ્રવૃત્તિઓમાં ડૂબેલા હોઈએ તો આખી દુનિયા દુષ્ટોથી જ નહીં, પણ મહાદુષ્ટોથી ખીચોખીચ ભરાયેલી લાગે! એનો અર્થ એટલો જ કે જેવી તમારી બીજાની સાથેની વર્તણૂંક હશે એવી જ તમારી સાથે બીજાની વર્તણૂક હશે. આપણે આ વાતનો સર્વથા સ્વીકાર કરવાનો દેખાવ કરીએ છીએ, પરંતુ એનું આચરણ કરતા નથી, કારણ કે આપણામાં સત્તાના અભિમાનને કારણે તોછડાઈ આવી ગઈ હોય છે. ધનને કારણે મદ ચડી ગયો હોય છે. જ્ઞાનને કારણે ‘મારા જેવો બીજો જ્ઞાની કોણ?’ એવી બડાશવૃત્તિ ચિત્તને ઘેરી વળી હોય છે.
પરિણામે આપણે જાણે અજાણે અન્ય પ્રતિ અનુચિત વ્યવહાર કરીએ છીએ. ધીરે ધીરે અશિષ્ટ વ્યવહાર એ આદત બની જશે. એટલે જ રાજકારણી ધનવાનો કે શક્તિશાળીઓને અન્ય વ્યક્તિને તુચ્છ લેખીને, એમના તરફ હીન દ્રષ્ટિથી જોવાની આદત પડી જાય છે, પણ તેઓ ભૂલી જાય છે કે બીજાની સાથે તમે જે પ્રકારે વર્તશો તે જ રીતે બીજાઓ પણ તમારી સાથે વર્તશે. સભ્ય અને સૌજન્શશીલ વ્યવહાર જ સર્વત્ર આદર પામતો હોય છે અને તેનો ઘણો ઊંડો પ્રભાવ પડતો હોય છે.
વિશ્વના મહાન ક્રાંતિકારી નેતા અને માર્ક્સવાદી વિચારસરણીના પ્રવર્તક વ્લાદિમિર ઇલિચ ઇલિયાનૉવ લેનિનને ૧૯૧૭ના ઑક્ટોબરમાં થયેલી ક્રાંતિને પરિણામે રશિયાની નવી સરકારનું નેતૃત્વ સોંપવામાં આવ્યું અને રશિયાના વિકાસ માટે એમણે અગત્યનું સૂત્ર ઉચ્ચાર્યું કે, ‘જે શ્રમ કરશે નહીં તેને ખાવા પણ મળશે નહીં.’
આવા સોવિયેટ સંઘના પ્રથમ સમાજવાદી શાસક લેનિન એક રવિવારે વાળ કપાવવા માટે સલૂનમાં ગયા. એમણે જોયું તો સલૂનમાં ઘણી લાંબી લાઈન હતી, ઘણાં લોકો એમનો વારો ક્યારે આવે તેની રાહ જોઈને બેઠા હતા. સોવિયેટ સંઘના આ સર્વસત્તાધીશને જોઈને કેટલાક ઉભા થઈ ગયા અને દુકાનના માલિકે સામે ચાલીને એમનું અભિવાદન કર્યું.
દેશના સર્વોચ્ચ સત્તાધીશ લેનિન તો અત્યંત વ્યસ્ત હોય જ, તેથી અન્ય ગ્રાહકોએ વાળંદને કહ્યું, ‘અમે વાળ પછી કપાવીશું, પહેલા કોમરેડ લેનિનને બેસાડો.’ તેથી લેનિને મક્કમતાથી કહ્યું, ‘ના, હું કતાર નહીં તોડું. મારો વારો આવે ત્યારે હું વાળ કપાવીશ.’
આ સાંભળી બીજા ગ્રાહકોએ કહ્યું, ‘અરે, તમારી તો એક એક પળ કીમતી હોય. દેશની કેટલી મોટી જવાબદારી છે તમારા પર. માટે તમે પહેલા વાળ કપાવી લો.’
મહાન ક્રાંતિકારી, શ્રમજીવીઓના રાહબર અને વ્યવહારકુશળ લોકનેતા લેનિને કહ્યું, ‘જુઓ, આ સમાજમાં કોઈનુંય કામ બીજાથી ચડિયાતું નથી કે બીજાથી ઊતરતું નથી, મજૂર, શિક્ષક, એન્જિનિયર કે ડૉક્ટર – બધા જ દેશને માટે મહત્વનું કામ કરે છે. મારા આ સિદ્ધાંતની વિરુદ્ધમાં હું કઈ રીતે તમારાથી પહેલા વાળ કપાવવા બેસી શકું?’
‘હિતોપદેશ’માં કહ્યું છે,
न कश्चित्कस्यचिन्मित्रं न कश्चित्कस्यचिद्रिषुः
व्यवहारेण मित्राणि जायन्ते रिपवस्तथा
અર્થાત ‘ન તો કોઈ કોઈનો મિત્ર છે અને ન તો કોઈ કોઈનો શત્રુ. વ્યવહારથી જ મિત્ર અને શત્રુ બને છે.’
આથી તમારો વ્યવહાર એવો હોવો જોઈએ કે જેથી સામી વ્યક્તિ શત્રુને બદલે મિત્ર બને. આ સંદર્ભમાં એક આગળની પણ ભૂમિકા છે અને તે ભૂમિકા એ છે કે કદાચ કોઈ તમારો સત્રુ હોય, તો તમે તમારા સદવ્યવહારથી એને મિત્ર બનાવી શકો છો. આવો સદવ્યવહાર કરવા માટે તમારે કોઈ ખર્ચ કરવાનો નથી. જીવનમાં મળતી સૌથી સસ્તી અને પ્રભાવક બાબત સદવ્યવહાર છે અને એ જ ઘણીવાર વ્યક્તિના ભાગ્યનું નિર્માણ કરે છે. આથી તો ઈંગ્લેન્ડના ઓગણીસમી સદીના નામાંકિત ઇતિહાસકાર, નિબંધકાર અને તત્વચિંતક ટૉમસ કાર્લાઈલે કહ્યું છે કે મનુષ્યની મહત્તાનો પરિચય તેના સામાન્ય વ્યક્તિ સાથેના વ્યવહારથી પામી શકાય છે.
ચીનના મહાન ચિંતક, સત્યના ઉપાસક કૉન્ફ્યૂશિયસનું અંગત જીવન નમ્ર, ગૌરવશાળી, વિવેકી અને સ્વસ્થ્ય હતું. વ્યવહારકુશળ અને ન્યાયપ્રિય કૉન્ફ્યૂશિયસ એમ કહેતા કે અપકારનો બદલો અપકારથી ન વાળો, પણ ઉપકારથી વાળો. એવા જ્ઞાની સંત કૉન્ફ્યૂશિયસને ચીનના સમ્રાટે બોલાવીને પૂછ્યું, ‘હે જ્ઞાની પુરુષ, આ પૃથ્વી પર સૌથી મહાન વ્યક્તિ કોણ છે?’
કૉન્ફ્યૂશિયસે હસીને કહ્યું, ‘સમ્રાટ, આપ વિશાળ સામ્રાજ્ય ધરાવો ઓ અને સામર્થ્યવાન છો, માટે મહાન છો.’
સમ્રાટે વળતો પ્રશ્ન કર્યો, ‘મારાથી મહાન કોણ હશે?’
ત્યારે કૉન્ફ્યૂશિયસે કહ્યું, ‘ક્ષમા કરજો સમ્રાટ, હું સત્યનો ઉપાસક છું. ક્યારેય અસત્ય ઉચ્ચારતો નથી અને એ કારણે જ હું તમારાથી મહાન ગણાઉં.’
સમ્રાટે વળી પ્રશ્ન કર્યો, ‘આપણા બંનેથી પણ ચડિયાતી કોઈ મહાન વ્યક્તિ આ જગતમાં હશે ખરી?’
કૉન્ફ્યૂશિયસે કહ્યું ‘હા સમ્રાટ, ચાલો જરા મહેલની બહાર એક લટાર મારી આવીએ.’
સંત અને સમ્રાટ મહેલની બહાર નીકળ્યા. બળબળતી બપોર હતી, ધોમધખતો તાપ હતો અને એવે સમયે એક નાનકડા ગામને પાદરે એક માણસ કોદાળી લઈને એકલો કૂવો ખોદી રહ્યો હતો. કૉન્ફ્યૂશિયસે એ માણસ તરફ આંગળી ચીંધી કહ્યું, ‘સમ્રાટ, કોઈ પણ દેશના સમ્રાટ કે સંત કરતા આ માનવી વધારે મહાન છે, કારણ કે એ કોઈનીય મદદ લીધા વિના બીજાના ભલા માટે કાર્ય કરી રહ્યો છે. એ એકલે હાથે જે કૂવો ખોદશે એનો લાભ આખા ગામને મળશે. સહુની તૃષા તૃપ્ત થશે, આથી બીજાની સેવામાં જીવન વ્યતીત કરનાર માણસ સૌથી મહાન કહેવાય.’
કંપનીનો ‘બૉસ’ પોતાના કર્મચારીઓ સાથે તોછડાઈથી વર્તન કરતો હોય તો ધીરે ધીરે કર્મચારીઓ તેના તરફ ઓછી નિષ્ઠા ધરાવતા થઈ જશે. એના કાર્યોમાં સહાયરૂપ બનવાને બદલે ‘વર્ક ટુ રૂલ’ મુજબ કામ કરશે અને કદાચ એથીય આગળ વધીને એ કામચોરી કરશે. બીજી કંપનીનો માલિક પોતાના કર્મચારીઓ સાથે સદવ્યવહાર કરશે. એના સારા-માઠા પ્રસંગોએ ઊભો રહેશે, તો એના પ્રત્યે એના કર્મચારીઓમાં નિષ્ઠા અને વફાદારી જોવા મળશે.
એક સમયે પ્રોફેશનલ મૅનેજમેન્ટમાં એ વાતનો મહિમા હતો કે માલિકનું કામ હુકમો આપવાનું છે, લક્ષ્યાંક (ટાર્ગેટ) આપવાનું છે. જો એ લક્ષ્યાંક કર્મચારી સિદ્ધ ન કરે તો માલિકે એને ધમકાવી નાખવાના. બીજી મિનિટે નોકરીમાંથી પાણીચું પકડાવી દેવાનું. આજે અમેરિકા છેલ્લામાં છેલ્લા મૅનેજમેન્ટના સિદ્ધાંતો એ સ્વીકારવા લાગ્યા છે કે મૅનેજમેન્ટ અને કર્મચારી વચ્ચે મૈત્રીભર્યા સંબંધો હોવા જોઈએ અને માલિકે પોતાના કર્મચારીઓ સાથે સ્નેહભર્યો વર્તાવ રાખવો જોઈએ. માણસને નોકરીએ રાખો અને ધારો ત્યારે કાઢી મૂકો એ ‘હાયર ઍન્ડ ફાયર’ની વિચારધારામાં પરિવર્તન આવ્યું છે અને માણસને નોકરીએ રાખો અને એની સુષુપ્ત શક્તિઓને બહાર કાઢો, એ વિચારધારાનો સ્વીકાર થવા લાગ્યો છે.
૨૦૧૧ની ૨૪મી ઑગસ્ટે સ્ટીવ જોબ્સનું અવસાન થતાં ટિમ કુક વિશ્વવિખ્યાત એપલ કંપનીનો સ્થાયી સી.ઈ.ઓ. બન્યો. શિસ્ત અને સાદાઈને પસંદ કરનાર કુક વહેલી સવારે સાડા ચાર વાગે ઊઠીને ઈ-મેઈલથી પોતાના સહયોગીઓને વિગતોની જાણ કરે છે. દર રવિવારે સાંજે ફોન કરીને પોતાના સહયોગીઓ સાથે આવતા અઠવાડીયાનો એજન્ડા નક્કી કરે છે. તો વળી રજાના દિવસે સામાન્ય માનવીની માફક બજારમાં જઈને શાકભાજી ખરીદે છે, કોફી પીવે છે અને વર્કશોપમાં જઈને કાર ધોવડાવે છે. ઑફિસમાં ‘બોસ’ તરીકે રહેવું એને સહેજે પસંદ નથી એટલે કર્મચારીઓ સાથે હળીમળીને એ કામ કરે છે.
આ કપરા સમયમાં ટિમ કુકે પોતાની કામગીરી ચાલુ રાખી અને કોઈ ટીકા-ટિપ્પણ પર ધ્યાન આપવાને બદલે એણે પોતાના કામ પર નજર ફેરવી. ટિમ કુક કહે છે, ‘મેં ક્યારેય ટીકાકારો તરફ ધ્યાન આપ્યું નથી. મને જે યોગ્ય લાગ્યું, તે કામ મેં કર્યું છે. બીજાની પરવા કર્યા વિના પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ મારા જીવનનો સિદ્ધાંત છે.’
શા માટે મસ્ત, થનગનતા શક્તિશાળી યુવાને હુંફાળું વર્તન કરવું જોઈએ? આ પ્રશ્નનો બીજો ઉત્તર એ છે કે એ યુવાન પણ વખત જતાં વૃદ્ધ બનવાનો છે અને ત્યારે એને કોઈની હુંફ અને લાગણીની જરૂર રહેશે. ભૂખ્યા પ્રત્યે દયા, નિર્બળ પ્રત્યે સહિષ્ણુતા અને વૃદ્ધ પ્રત્યે અનુકંપા રાખવાનું કારણ એ છે કે ક્યારેક તમારા જીવનમાં ભૂખ્યા રહેવાના દિવસો આવે, ત્યારે પેલી વ્યક્તિ તમારી મદદે આવી શકે. નિર્બળ પ્રત્યે જો અસહિષ્ણુ બન્યા હોઈએ અને તોછડાઈભર્યું વર્તન કર્યું હોય અને પછી ભવિયમાં એ નિર્બળ સબળ બને, તો એ તમારી સાથે એ જ તોછડાઈ અને ધિક્કારથી વર્તશે. રાજા દ્રુપદ અને દ્રોણાચાર્યની કથા આનું જ્વલંત ઉદાહરણ છે. એ જ રીતે કોઈ વયોવૃદ્ધ તરફ અનુકંપા દાખવી હોય, તો સમય આવે ત્યારે એ વૃદ્ધ પણ તમારી મદદે આવશે. તમારી ખબર પૂછશે. વર્તમાન યુગમાં માનવી જ્યારે વધુ ને વધુ એકલવાયો બની રહ્યો છે, સ્વાર્થી અને સંજ્કુચિત થઈ રહ્યો છે અને એને પરિણામે એના જીવનમાંથી હુંફ અને લાગણી ઓછી થઈ રહી છે, આવે સમયે કોઈકને આપેલી હુંહ અને લાગણી એ તમારે માટે ભવિષ્યની મોટી થાપણ બની રહેશે.
કેટલીક વ્યક્તિઓ એમ માનતી હોય છે કે તેમને તેમની આવડત પ્રમાણે કદરદાની મળી નથી કે એમની શક્તિને યોગ્ય રીતે પ્રમાણવામાં આવી નથી. જીવનમાં ઘણું મળવું જોઈતું હતું અને બહુ ઓછું મળ્યું છે એવો વસવસો કરતી હોય છે. મનમાં ઊંડે ઊંડે એમ માનતી હોય છે કે નસીબે મને યારી આપી નહીં. અથવા તો બીજાને જેટલું પ્રાપ્ત થયું એ મને પ્રાપ્ત થયું નહીં. આ સમયે આપણે ભૂલી જઈએ છીએ કે જ્યારે આપણે આપવાનું હતું ત્યારે આપણે કશું જ ન આપ્યું. આપણી પાસે આપવાની ક્ષમતા હતી ત્યારે આપણે આપવાને બદલે બીજાની પાસેથી લેવામાં જ આનંદ માન્યો.
અબ્રાહમ લિંકનનું જીવન જોઈએ ત્યારે ખ્યાલ આવશે કે એ પોસ્ટ માસ્તર હતા ત્યારે પણ એ લોકો સાથે અત્યંત પ્રેમાળ વર્તાવ કરતા હતા. નિરક્ષર લોકોને એમના કાગળ પણ વાંચી સંભળાવતા હતા. એ વકીલ હતા ત્યારે પણ ન્યાયના પક્ષે રહીને સાચી સલાહ આપતા હતા. એ અમેરિકાના પ્રમુખ થયા ત્યારે દુશ્મન દળના સૈનિક સાથે પણ પ્રેમથી વર્તાવ કરતા હતા. ‘જેવું વાવો, તેવું લણો’ એ ઉક્તિ તો પ્રસિદ્ધ એ પરંતુ એમ પણ વિચારવું જોઈએ કે આજે એક વ્યક્તિ પીડિત, દુઃખી, વ્યથિત, વૃદ્ધ છે, આવતી કાલે તમે પણ એમાંના એક હોઈ શકો.
તમને જે કંઈ મળતું હોય છે તે તમારી યોગ્યતા મુજબ જ મળતું હોય છે, પરંતુ એ યોગ્યતાને વિકસાવવા માટેની તક તમે ચૂકી ગયા હો છો અને એને કારણે જ્યારે આપવાના સંયોગો હતા ત્યારે તમે કશું આપી શક્યા નહીં અને અંતે લમણે હાથ દઈને બેસવું પડ્યું. આવિ નકારાત્મક વિચારસરણીથી દૂર રહેવું જોઈએ.
– પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ
શ્રીકુમારપાળભાઈ નો લેખ જીવનપથની યાત્રામાં માર્ગદર્શક બની રહે તેવો ઉત્તમ છે.ખૂબ ખૂબ આભાર સાહેબ.