(‘સંસારની સિતાર’માંથી સાભાર)

Sansar Ni Sitar by Dinesh Panchal
આજે આટલાં વર્ષો બાદ સ્મરણ નથી કે અમારી મિત્રમંડળી ક્યાં ગઈ હતી પરંતુ પાછા વળતી વેળા બસ ચાલુ થઈ ગયેલી અને અરવિંદભાઈ દોડતા દોડતા બસમાં ચઢેલા. પત્ની માટે કશુંક ખરીદવામાં પડ્યા હતા. થોડા મિત્રોએ પૂછ્યુંય ખરું – ‘શું ખરીદી લાવ્યા ભાભી માટે…?’ અરવિંદભાઈનો વિશિષ્ટ પત્ની પ્રેમ અમારી મિત્ર મંડળીમાં હંમેશ હસીમજાકનો વિષય બનતો. તે દિવસે પણ મિત્રોએ હસાહસ ચલાવેલી.
અરવિંદભાઈની મજાક થતી તે ખાસ ગમતું નહીં. અમને પ્રશ્ન થતો શું પત્નીને પ્રેમ કરવો એ ગુનો છે? અરવિંદભાઈ ભોળા દિલના માણસ છે. તે નિખાલસપણે પત્ની જોડેના પ્રેમની અંતરંગ વાતો મિત્રોને કહ્યે રાખતા. તે કદાચ તેમની (ટાળવા જેવી) નિખાલસતા હતી. પરંતુ ત્યાંય પ્રશ્ન થતો કે પ્રેમિકા જોડેની ઝીણીઝીણી વાતો માણસ ઉમળકાભેર મિત્રોને કહી શકતો હોય તો પત્ની જોડેની વાતો કેમ નહીં? એક વાર બસમાં અમારી આગળની સીટ પર બે યુવાનો કંઈક આવી જ વાતો કરતા હતા. એકે પૂછ્યુંઃ ‘તે કદી કોઈને પ્રેમ કર્યો છે?’ બીજાએ જવાબ આપ્યો;’ના, મેં તો પત્ની સિવાય કોઈને પ્રેમ કર્યો નથી.’ પેલાએ ખડખડાટ હસીને કહ્યુંઃ ‘અલ્યા, પત્નીના પ્રેમમાં પડી શકાતું હોય તો અમરસિંહ ચૌધરીએ નિશાબહેન ગામેતીને શું કામ તકલીફ આપી હોત? ગાંધીજી સરલાબહેનના પ્રેમમાં શું કામ પડ્યા હોત?’ બાજુમાં બચુભાઈ બેઠા હતા. તેમણે સંભવતઃ અંગત અનુભવના આધારે કહ્યુંઃ ‘સાચ વાત છે. પત્ની હોય તો કૂવા-તળાવમાં પડી શકાય… પણ પ્રેમમાં કદી ન પડી શકાય. અરે! પ્રેમિકામાંથી પત્ની બનેલી સ્ત્રી પણ વખત જતાં દારૂની ખાલી બોટલની જેવી લાગવા માંડે છે!’
આવું કેમ થતું હશે તે અંગે વિદ્રાનો જ પ્રકાશ પાડી શકે. આપણને તો કંઈક એવું સમજાય છે કે પત્નીનો પ્રેમ હાથવગો હોય છે એથી એમાં રોમાંચ રહેતો નથી. દરેક પતિ માટે પત્ની જે સહજ પ્રાપ્યતા હોય છે તે અંગે બચુભાઈનું કહેવું છે – ‘પત્ની એટલે પતિના પોકેટમાંની પાવલી. હાથ નાખ્યો નથી કે હાથમાં આવી નથી. પ્રેમિકા એટલે લોટરીની ટિકિટ! લાગી તો લાગી… નહીં તો ન લાગી…!’ આ વાત સંપૂર્ણ નહીં તો અડધી સાચી જરૂર છે. જે વસ્તુ સહજતાથી પ્રાપ્ત થાય છે તેનું મૂલ્ય થોડું ઓછું રહે છે. એક ગ્લાસ પાણી ઢોળાઈ જાય તેનું આપણને એટલું દુઃખ નતી થતું જેટલું એક ગ્લાસ દૂધ ઢોળાઈ જવાથી થાય છે. સત્ય એ છે કે પ્રેમિકામાંથી પત્ની બનેલી સ્ત્રી પણ કાળક્રમે પોતાના પ્રેમિકા સ્વરૂપને ઝાંખું પડી જતાં રોકી શકતી નથી. તે પૂરી નિષ્ઠાથી પ્રેમિકા બની રહેવાનો પ્રયત્ન કરે તોય તેને ધારેલી સફળતા મળતી નથી. વખત વીતતા તેના પ્રેમ પર ‘અતિ પરિચયાદ અવજ્ઞા’ની છારી બાઝે છે. પ્રેમિકાને આપણા ભારતીય સમાજમાં અમેરિકન સોસાયટી જેવું મહત્ત્વ મળ્યું નથી. આપણા સમાજમાં પ્રેમ સ્ટ્રીકલી પ્રોહિબિટેડ છે એથી મનની છૂપી સાઈકોલોજી અનુસાર પ્રતિબંધિત વાતો તરફ વિશેષ ખેંચાણ રહેતું હોય છે. વસ્તુની સહજ પ્રાપ્તિમાં કશો રોમાંચ રહેતો નથી. પ્રેમિકાના પ્રેમમાં છાનું છપનું કંઈક સમાજવિરોધી થાય છે તે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ વધુ લિજ્જતપૂર્ણ બની રહે છે. ‘આઈ લવ યુ’ પેમિકાને કહેવાથી જે લિજ્જત મળે છે તેવી લિજ્જત પત્નીને કહેવાથી મળતી નથી. ફ્રીઝમાં મૂકેલો લાડુ કોઈ બાળકને માતા દ્રારા મળે તે કરતાં ચોરી કરીને છાની છૂપી રીતે ખાવામાં બાળકને વિશેષ આનંદ મળે છે. લાડુ તે જ હોય છે પણ તેને પ્રાપ્ત કરવાની રીતને કારણે મજા આવે છે. આ કુદરતી છે.
મૂળ સત્ય એ છે કે પુરુષ માટે પત્ની પોતાના ભાણાનો લાડુ છે. તે ગમે તેટલો સ્વાદિષ્ટ હોય તો પણ પુરુષની નજર પારકે ભાણે પિરસાયેલી લાપસી તરફ વધુ રહે છે. લાડુ અને લાપસી વચ્ચે કાજુ અને શીંગદાણા જેટલો તફાવત છે. છતાં પુરુષ કુદરતી રીતે જ એવું કરવા ટેવાયેલો છે. આ વાત ન ગમે તોય એ ઊભરીને સપાટી પર આવેલું સત્ય છે. એક મિત્રે સ્વાનુભવ વર્ણવતા જણાવ્યું, ‘પૂરાં ત્રણ વર્ષ સુધી મારો કેતકી જોડે લવ ચાલ્યો હતો. પછી અમે લગ્નગ્રંથિથી જોડાયાં. આજે મારાં લગ્નને ૧૭ વર્ષ થયાં. કેતકીએ મને પરણ્યા પછી પણ અનેક વાર ‘આઈ લવ યુ’ કહ્યું છે પણ લગ્ન પૂર્વે અમારા પ્રેમ સંવનન દરમિયાન તે એ જ શબ્દો બોલતી તેનાથી ત્યારે મને જે આનંદ થતો તેટલો હવે થતો નથી. મને લાગે છે કે જેને ‘આય લવ યુ’ કહેવાનું કાયદેસર બને છે એ ક્ષણથી જ ‘આય લવ યુ’નો ચાર્મ માર્યો જાય છે. પત્ની તરીકે સામે માધુરી દીક્ષિત હોય તો પણ થોડાં વર્ષો સુધી જ ત માધુરી દીક્ષિત રહી શકે છે, પછી ધીમે ધીમે તેમાંથી માધુરીત્વ મટતું જાય છે અને પત્નીત્વ ઉમેરાતું જાય છે.
આ બધા પેંતરા ફાંટાબાજ કુદરતના છે. જે પ્રેમિકા હોય છે તેણે હદયમાં સ્થાન લીધું હોય છે. પણ કાળક્રમે તે હ્રદયમાંથી રોડ પર આવે છે. અર્થાત મનમાંથી માંહ્યારાંમાં બેસે છે ત્યારે તેના લવ વૉલ્ટેજ અડધોઅડધ ઓછા થઈ જાય છે. ઉર્મિઓનો આવેગ શાંત પડી જાય છે છતાં સામે છેડે બીજું નક્કર સત્ય એ પણ છે કે આપણાં ભારતીય સમાજમાં પતિ-પત્નીઓ વર્ષો સુધી મધુર સહજીવન જીવી જાય છે. ઘણીવાર છાપામાં વાંચવા મળે છે કે પત્નીના મૃત્યુનો વિરહ ન જીરવી શકેલા પતિએ આપઘાત કરી લીધો. ‘ભૂરા આકાશની આશા’નામના પુસ્તકમાં સુરેશ દલાલે એક વૃદ્ધ દંપતીની વાત લખી છે. તેઓ પૂરાં વીસ વર્ષથી એકમેક જોડે બોલતાં નહોતાં. છતાં સાથે રહેતાં હતાં. તેમને બાળકો પણ થયાં હતાં. વિચારો એ બે વચ્ચે એવું કયું તત્વ ટકી રહી હશે જે એમને છુટ્ટાં થવા દેતું નહોતું?
આપણે ત્યાં ચાલુ ભાષામાં એક છીછરો શબ્દ વપરાય છે તે છે ‘લાઈન મારવી.’ સ્ત્રી પુરુષ ‘નજરવિનિમય ક્રીડા’ માટે ચાલુ લોકબોલીમાં આ શબ્દનો ઉપયોગ થાય છે. યુવક મહોત્સવમાં થોડા યુવકો જોડે ગોષ્ઠિ થઈ હતી. તેમાં એક યુવકે આ શબ્દ વાપર્યો હતો પણ તેના વિચારો ચિંતનતુલ્ય હતા. કદાચ તે પરિણીત હતો. તે મિત્રોને કહી રહ્યો હતો – ‘હું માનું છું કે આપણે પત્નીને પ્રેમ કરીએ છીએ ત્યારે પ્રભુની આજ્ઞાને માથે ચડાવીએ છીએ. ઈશ્વરે આપણા ભાગ્યમાં જેનો આજીવન સાથ લખ્યો હોય તેને પ્રેમ કરવો એટલે ઈશ્વરની આજ્ઞા માથે ચડાવવા બરાબર છે!’ એ યુવાને આગળ કહ્યું હતુંઃ ‘ઘણા લોકો પત્ની તરફ નજર કરતા નથી પણ પારકી છોકરીએ પહેરેલા ડ્રેસ કે જીન્સ તરફ તેનું ધ્યાન વધું જાય છે. હું માનું છું કે પારકી પત્નીનો સુંદર શણગાર નિહાળી તેને ઘૂરવાને બદલે પોતાની પત્નીને તેવાં વસ્ત્રો લાવી આપવા જેવું પવિત્ર કામ બીજું એકેય નથી. અર્થાત તમે જે સૌંદર્ય પારકી યુવતીમાં જોઈને મોહિત થાઓ છો તેવું જ સૌંદર્ય પત્નીમાં ઉદભવે એવા પ્રયત્નો કરો. દાંપત્યજીવનમાં એવું વલણ દાખવવા જેવી વફાદારી એકે નથી.’ યિઉવાનની આ વાત સાચી માનવાનું એટલું જ મન થાય એટલું જ વજન એમાં છે. એથી જ હું અરવિંદભાઈના પત્નીપ્રેમની મજાક ઉડાવતો નથી. બલકે અરવિંદભાઈને એક આદર્શ પતિની કક્ષામાં મૂકું છું. પત્નીણે પ્રેમ કરવો એ પાપ નથી, બલકે એક આદર્શ જીવનરીતિ છે.
– દિનેશ પાંચાલ
બહુ જ સરસ, હવે પત્નેી ઓ એ આમા થેી ખાસ સમજવા જેવુ તો ખર હો>
સરસ લેખ
દરેક ને નહિ … પણ અમુક ને લાગુ પડે…..
છતા પુરૂષની માનસિકતા સમજાવતી સરસ વાત..
છતા પત્નિ એ પત્નિ અને પારકી એ પારકી……
વફાદારી થી પર કશુજ નથી…..
” હુ માનુ છુ કે આપણ પત્નીને પ્રેમ કરિએ છીએ………………..”..,
હુ પ્રભુની આજ્ઞા માથે ચઢાવતો નથી………….
મારે પત્ની જ નથી………શુ કરવુ?……….
કેસી…………(એટલાન્ટા…..યુ એસ એ)
સરસ્
દિનેશભાઈ,
બહુ સચોટ વાત કરી. જો બધા પોતાની પત્નીને પ્રેમ કરતા થઈ જાય તો, લગભગ બધા જ સાંસારિક પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય. … અને, પત્નીને પ્રેમ કરવો એ અઘરૂ કે અશક્ય કામ તો નથી જ ને ? તો ચાલો … …. શુભસ્ય શીઘ્રમ …
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
Khub sundar Dineshbhai
Ghar ki murghi dal barabar
This article depicts the root of the human nature. It is enjoyable to read.
Nice one.
આપણા સમાજમાં દરેક પતિ-પત્ની એકબીજાને પ્રેમ કરતા હોય છે. પરંતુ પુરુષ જો મિત્રો માં આ પ્રકારની વાતો કરે તો તે વેવલો ગણાય છે અને સ્ત્રી આ પ્રકારની વાત કરે તો નહીં આપણો સામાજિક ઢાંચો પુરુષ ને આમ કરતાં રોકે છે જાણે કોઈ તેને વહુઘેલો ન કહે. સ્ત્રી આ વાત બખૂબી જાણે છે કદાચ તે પતિના અન્ય સ્ત્રી તરફના આકર્ષણ તરફ આંખ આડા કાન કરે છે. છતા ધીમે ધીમે આ બાબતે પરિવર્તન આવતું જાય છે તે વિચારવા જેવી બાબત છે સરસ વિષય પસંદ કર્યો છે દીનેશભાઈએ ધન્યવાદ