રાજા – મહારાજાઓ રાજ મહેલો બંધાવે, હાથી ઘોડા પાળે, જર ઝવેરાત એકઠું કરે, પણ હસ્તપ્રતો સંઘરે ખરા? સંસ્કૃત હસ્તપ્રતો ભેગી કરવાનો શોખ બહુ ઓછા રાજવીઓને હતો. તેમાનાં એક તે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. પોતાના રાજ્યમાં અનેક મૂલ્યવાન હસ્તપ્રતો ઠેર ઠેર વેરાયેલી પડી છે એ વાત જાણી. આવી હસ્તપ્રતો ભેગી કરવાનો અને તેમને છપાવીને પ્રગટ કરવાનો નિર્ણય તેમણે કર્યો ૧૮૯૩માં. આ માટે તેમણે ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝની શરૂઆત કરી.
દિવાન મણિભાઈ જશભાઈને કામ સોંપ્યું યોગ્ય સંપાદક શોધવાનું, અને મણિભાઈએ પસંદગી કરી ગુજરાતી અને સંસ્કૃતના જાણીતા વિદ્રાન મણિલાલ નભુભાઈ દ્રિવેદીની. તેમનું મુખ્ય કામ સંસ્કૃત ગ્રંથોનો ગુજરાતી અનુવાદ કરવાનું હતું. અનંતકૃષ્ણ શાસ્ત્રીને આખા દેશમાંથી હસ્તપ્રતો શોધીને એકઠી કરવાનું કામ સોપ્યું. તેમણે લગભગ એક હજાર હસ્તપ્રતો ભેગી કરી. એ હજાર હસ્તપ્રતોના સંગ્રહમાંથી વખત જતાં બની વડોદરાની ઓરિયેન્ટલ ઈન્સ્ટિટ્યૂટ. આ કામ કાંઈ સહેલું તો નહોતું જ, એટલે ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝનું પહેલું પુસ્તક પ્રગટ થઇ શક્યું છેક ૧૯૧૬માં. રાહશેખરના સંસ્કૂત ગ્રંથ ‘કાવ્યમીમાંસા’નું સંપાદન કર્યું હતું ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલે. હસ્તપ્રતોનું મૂલ્ય સયાજીરાવ બરાબર સમજતા હતા એટલે તેમની જાળવણી કરવા માટે ૧૯૨૩માં તેમણે સ્ટીલના બે ફાયર પ્રૂફ કબાટ ભેટ આપ્યા. હસ્તપ્રતો તેમાં મૂકાઈ અને વડોદરાની સેન્ટ્રલ લાઈબ્રેરીમાં ખસેડાઈ. ૧૯૨૭ના સ્પ્ટેમ્બરની પહેલી તારીખે હસ્તપ્રતોના સંગ્રહને લાઈબ્રેરીથી અલગ કરી ઓરિયેન્ટલ ઈન્સ્ટિટ્યૂટ નામની અલગ સંસ્થા શરૂ થઈ. તેને માટે સયાજીરાવે ખાસ ફાયરપ્રૂફ મકાન મકાન એ જમાનામાં બંધાવ્યું. વડોદરા રાજ્યના શિક્ષણ ખાતામાં કામ કરતી ભાષાંતર શાખાને ૧૯૩૧માં આ ઈન્સ્ટિટ્યૂટમાં ભેળવી દેવામાં આવી.
શ્રી સયાજી માળા હેઠળ ગુજરાતી, મરાઠી અને હિન્દીમાં ૬૦૦ કરતાં વધુ પુસ્તકો પ્રગટ થયા છે. સંસ્કૃત અને પ્રાકૃતના ઉચ્ચ અભ્યાસ માટેની વ્યવસ્થા પણ ઈન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવી ૧૯૩૩માં ઓલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સનું સાતમું અધિવેશન વડોદરામાં ભરાયું ત્યારે સયાજીરાવે જે શબ્દો કહ્યા હતા તે આપણી દરેક યુનિવર્સિટીના સંશોધન વિભાગમાં કોતરાવી રાખવા જેવા છે. તેમણે કહ્યું હતું; ‘તમારા વિદ્યાર્થીઓ પી.એચ.ડી. થવા માટે જે મહાનિબંધો લખે તેના મહત્વનો આધાર તેમના કદ, સંખ્યા કે વિષય નાવીન્ય પર નહિ, પણ તેમાં તેમણે બતાવેલ પરિપક્વ તોલન બુદ્ધિ, જાગરૂક સમીક્ષાવૃત્તિ, અને વૈજ્ઞાનિક પદ્ધતિ પર રહેશે.’
આઝાદી પછી ૧૯૪૯માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની સ્થાપના કરવામાં આવી ત્યારે ઓરિયેન્ટલ ઈન્સ્ટિટ્યૂટ તેનો એક મહત્વનો ભાગ બની રહ્યો. પહેલાં વાઈસ ચાન્સેલર ડો. હંસા મહેતાએ ૧૯૫૧ના માર્ચની ૧૨મી તારીખે આ ઈન્સ્ટિટ્યૂટમાં ‘રામાયણ વિભાગ’ નું ઉદઘાટન કર્યું. વાલ્મીકિ રામાયણની ‘ક્રિટીકલ એડિશન’ તૈયાર કરી પ્રગટ કરવાના અત્યંત મહત્વના કામની શરૂઆત થઈ. ૧૯૭૫ સુધીમાં સાત ખંડોમાં આ આવૃત્તિ પ્રગટ થઈ. આ સંસ્થા દ્રારા જર્નલ ઓફ ધ ઓરિયેન્ટલ ઈન્સ્ટિટ્યૂટ પણ પ્રગટ કરવામાં આવે છે. આવાં સંશોધનમૂલક સામાયિકોની એક મુશ્કેલી એ હોય છે કે તેમનો ફેલાવો મર્યાદિત હોય છે. પણ જર્નલ યુનિવર્સિટીની વેબસાઈટ પરથી મફતમાં ડાઉનલોડ કરી શકાય છે. અલબત્ત, છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ સંસ્થાનું તેજ થોડું ઝંખવાયું હોવાનું કેટલાક જાણકારોનું કહેવું છે.
– દીપક મહેતા
http://www.msubaroda.ac.in/faculty.php?action=home&fac_id=17
ઉપર જણાવેલ લીંક પરથી pdf ડાઉનલોડ થઇ શકશે.
Please share download link. Can be useful for Wikipedia reference!