બાર લઘુકાવ્યો – રાકેશ હાંસલિયા 13


૧. ઘર

લાકડામાંથી
આપણું
એક ઘર બનાવવા
આપણે
કેટલાં પંખીઓને
કરીએ છીએ
બે-ઘર?

૨. નવા સંબંધો

અચાનક
ભાંગી ગયેલા
હાથના
ખબર અંતર પૂછવામાં
સંધાઈ ગયા
કેટલાય
નવા સંબંધો!

૩. વોર્નિઁગ

હવાઓ
ઝાડ નિકટ આવીને
ગંભીરતાથી કહ્યું
કાલે હું
વાવાઝોડાનું રૂપ
ધારણ કરીને
અહીંથી પસાર થવાની છું,
તમારે
સલામત જગ્યાએ જવું હોય તો
ચાલ્યા જજો,
પછી કહેતા નહીં કે…!

૪.

ગુણના બોજથી
ઝૂકી જતો એ માણસ
એટલા જ વજનના
પોતાના બાળકોને
કેવાં
ફૂલની જેમ
ઊંચકી લે છે!

૫.

ક્યારની
એક વાદળી
વૈશાખી બપોરે
ધગધગતી તાવડી જેવા આકાશમાં
ઉઘાડાપગે
આમતેમ ભટકે છે
જાણે
પરબનું સરનામું
શોધતી ન હોય!

૬.

અમારી
સોસાયટીનો ચોકીદાર
સજાગ અને વફાદાર
હોવા છતાં;
છાશવારે
કોઈને કોઈના
શરીરના તાળા તૂટે છે
ને
પ્રાણ ચોરાઈ જાય છે!

૭.

એક ઘનઘોર રાતે
ધુમ્મસની ચાદર ઓઢીને
પ્રગાઢ ઊંઘમાં સૂતેલો
વૃદ્ધ પહાડ
ભયથી ધ્રૂજતો ધ્રૂજતો
સફાળો જાગી ઊઠ્યો.
ભયાનક સ્વપ્નમાં
બુલડોઝર
ટ્રક, ટ્રેક્ટર અને
માણસોને તળેટી તરફ
ધસી રહેલા જોઈને!

૮. ખેડૂતનો યક્ષપ્રશ્ન

આ વર્ષે
ઝરણાંઓ
સાત સૂરોમાં
ગાશે નહીં ગીત
તો;
કેમ વળાવી શકાશે
ધામધૂમથી,
જુવાન થયેલી
એકની એક દીકરીને?

૯.

‘મા’
ને
મગ્ન થઈ
કપડાં ધોતી જોઉં છું
ત્યારે
મનની મલિનતાઓ પણ
ધોવાઈ જાય છે!

૧૦. પાનખર

વનરાઈને
વસ્ત્રો બદલતાં
લાગતો
સમયગાળો!

૧૧.

ધૂળમાં
ચકલીને
નહાતી જોઈને
મારી આંખો
થઈ ગઈ
મેઘધનુષી!

૧૨.

જ્યારથી
સરકારની
નોટિસ આવી છે
ત્યારથી,
કંઈ સમજાતું નથી,
ઘર કપાતમાં ગયું છે
કે હ્રદય?

– રાકેશ હાંસલિયા

રાકેશભાઈએ આ લઘુકાવ્યો મોકલ્યા ત્યારનો તેમને મમળાવ્યા કરતો હતો, આજે એ આપ સૌની સાથે વહેંચ્યા છે. બાર લઘુકાવ્યો, અને દરેકની એક અલગ વાત, દરેકમાં અનોખો સ્પાર્ક.. આ કાવ્યતત્વ ધરાવતું માઈક્રોફિક્શન છે.. જો ગઝલો રાજાશાહી હોય, જેના શિસ્ત અને નિયમોને અનુસરવા જ પડે, તો આ પ્રકારના લઘુકાવ્યો લોકશાહી જેવા છે. અહીં જવાબદારી વધી જાય છે, કારણ સ્વતંત્રતા પણ વધારે છે. અભિવ્યક્તિની આ અનોખી રીતને આટલી સચોટ રીતે અજમાવી શક્યા એ બદલ રાકેશભાઈને શુભકામનાઓ અને અક્ષરનાદને આ કાવ્યો પાઠવવા બદલ તેમનો આભાર.

બિલિપત્ર

Network error occurred:
unable to
Toast bread
Runtime error:
coffee gone away
Error loading your day
c/logoff/goback.2-bed
– Micropoetry Society


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “બાર લઘુકાવ્યો – રાકેશ હાંસલિયા