કલીમ્પોંગ.. (પશ્ચિમ બંગાળનું નાનકડું હિલ સ્ટેશન) – તુમુલ બૂચ 18


पानी पर्यो स र र … छाना बाज्यो ग र र,
मनमा उठ्यो आज मेरो आनन्दको लहर
पानी पर्यो स र र … भिजो कालिम्पोंग शहर,
कालो कालो बादल चढ़ी फर्की आयो आसार …

નેપાળી ભાષાનું આ ગીત ગણગણતી એની નામની અત્યંત બોલકી સ્ત્રી મને ગરમાગરમ ચા નો કપ આપવા આવી. બીજા માળ પરની લી’સ રેસ્ટોરેન્ટમાં બેઠો હું બારીમાંથી બહાર ધીમે ધીમે પસાર થતી સાંજને જોઈ રહ્યો હતો. ઝરમર ઝરમર વરસાદ ચાલુ હતો. નીચે રસ્તા પર એકલદોકલ જીપ પસાર થતી ત્યારે દુર સુધી ફેલાયેલા શાંતિના સરોવરમાં જાણે મૃદુ વમળ ઉઠતા અને ફરી શાંત થઇ જતા. અણધાર્યા આવી ચડેલા વરસાદથી બચવા રસ્તા પરના માણસો દુકાનોની આડશમાં છુપાઈ ગયા હતા.

“ये गाना बारिश में सुनने के लिए अच्छा है” એનીએ કહ્યું.

“મને ખબર છે” એવું સૂચવતું એક સ્મિત આપીને મેં સહેજ માથું નમાવ્યું. આ ગીત જ તો હતું જે મને અહી મારા ઘરથી હજારો કિલોમીટર દુર કલીમ્પોંગ (Kalimpong) નામના નાનકડા હિલ સ્ટેશન સુધી ખેંચી લાવ્યું હતું. મારા પર જાણે એક ધૂન સવાર થઈ હતી…
IMG_1982 (800x533)થયું એવું કે અમે બે મિત્રોએ દાર્જીલિંગ પાસેના પહાડોમાં દસ દિવસ ટ્રેકિંગ કરવાનો પ્લાન બનાવ્યો હતો પણ છેલ્લી ઘડીએ મારા મિત્રને ઓફીસમાંથી નીકળી ન શકાયું. એટલે મેં એકલા જ જવાનું નક્કી કર્યું. ટ્રેકિંગ નો પ્લાન પડતો મુકીને કોઈ હેતુ વગર જ પ્રક્રુતિના ખોળે રઝળપાટ કરવાનું વિચારીને હું ઘરેથી દાર્જીલિંગ જવા નીકળી પડ્યો હતો. કલીમ્પોંગ વિષે મને પહેલવહેલી ખબર “અસાર” નામના આ ગીત મારફતે પડી હતી. શ ને બદલે સ અને ઢ ને બદલે ર બોલતા નેપાળી ભાષીઓ અષાઢ મહિનાને અસાર બોલે છે. અષાઢ મહિનાના વરસાદમાં તરબોળ થતા કલીમ્પોંગ વિશેનું આ ગીત સાંભળતા સાંભળતા હું રસતરબોળ થઇ જતો. કોઈ દિવસ પ્રત્યક્ષ આ જગ્યા જઈને જોવી એવું મનમાં વારંવાર થયા કરતુ. અને સાચે જ વિધિના વહેણ એવા વહ્યા કે એ દિવસે સવારે હું કાલિમ્પોંગ ટેક્સી સ્ટેન્ડ પર ઉતરીને ઉભો હતો. મને આ નવી જગ્યા વિષેની કોઈ જાતની જાણકારી નહોતી કે ન તો મારું કોઈ રહેવાનું બુકિંગ હતું. ફક્ત પેલી ધૂનનો દોરવાયો હું અહી આવી ચડ્યો હતો. ટેક્સીમાંથી ઉતર્યો ત્યારે મેં ધાર્યું હતું કે હોટેલ બુકિંગ માટેના એજન્ટ મને ઘેરી વળશે. પણ અહીંયા તો કોઈને કંઈ પડી જ નહોતી. દાર્જીલિંગ જેવા સ્થળોએ કે જ્યાં ઢગલાબંધ ટુરિસ્ટ આવતા હોય ત્યાં કદાચ આવું થવું સામાન્ય હશે. પરંતુ કાલિમ્પોંગના લોકો તો પોતાની જ પ્રવૃત્તિઓમાં એવા મશગુલ હતા કે કોઈએ મારી નોંધ સુદ્ધાં ન લીધી.

મારો પંદર દિવસનો બધો જ સામાન મારા ખભા પરના દસ કિલોના બેકપેકમા હતો. એ ઉપાડીને ફરવું થોડું અગવડરુપ હતું એટલે હું એક સસ્તી રુમની શોધમાં નીકળ્યો. ટેક્સી સ્ટેન્ડની આજુબાજુની હોટેલ મોંઘી હોય એવી ધારણાથી પ્રેરાઈને થોડે દુર ચાલ્યો. આગળ ચાર રસ્તા પર એક ટ્રાફિક પોલીસ ઊભો હતો. ખુબ હસમુખા અને મિતભાષી એવા આ માણસ સાથે વાતો કરતા મને લાગ્યું કે કદાચ તે આખા દેશનો સૌથી ચિલ્લડ આઉટ પોલીસ હશે. આપણને સામાન્ય રીતે જેવી પોલીસની છાપ હોય એમાં કોઈ રીતે તે બંધ ન બેસે. રહેવા માટેની સસ્તી જગ્યા તેણે મને બતાવી અને છુટા પડતી વખતે અમે એક સેલ્ફી લીધી. જે મેં એમને પછીથી વ્હોટ્સેપ પર મોકલાવી. નવી જગ્યાએ પહોચતા વેત પોલીસ સાથે દોસ્તી થઇ એ વાતે હરખાતો હરખાતો હું એણે બતાવેલી જગ્યાએ પહોચ્યો.

બજારની વચ્ચે એક સાંકડી ગલીમાં એક સાંઈબાબાનું મંદિર હતું. મંદિરની ઉપરના માળે લાઇનબંધ દસેક રુમ હતા અને છેવાડે કોમન ટોઈલેટ બાથરૂમ. ધર્મશાળા જેવી જગ્યાએ રહેવાનો મારો આ પહેલો અનુભવ હતો. પછીથી ખબર પડી કે આખી ધરમશાળામાં હું એકલો જ ઉતારુ હતો. રાતના મને એકલુ ન લાગે એટલા માટે કેટલાક માંકડને પણ મારા ખાટલામાં રહેવા દીધા હતા. રુમની દિવાલોને મારી પહેલા અહીં ઉતરેલા લોકોએ પોતાની શૃંગાર રસની ચિત્રકળા તેમજ પાન પિચકારી કળાથી સુશોભિત કરી હતી. જો કે આટલા સસ્તામાં બીજે ક્યાંય રહેવા ન મળે એટલે મને ખાસ ફરિયાદ નહોતી. ઉપરાંત જો તમે દિવાલ નજરઅંદાજ કરીને બારીની બહાર જુઓ તો ઢોળાવ પર વસેલા નગરનો આલ્હાદક નજારો મન મોહી લે એવો હતો. જો અહીં ખરેખર કોઇ સમસ્યા હતી તો એ કે નવ વાગ્યે મંદિરના દ્વાર બંધ થઈ જતા.

નવ વાગ્યા સુધીમાં પાછા આવી શકાય એ રીતનું પ્લાનિંગ કરીને હું ફરવા નીકળ્યો. ફરતા ફરતા મને લી’સ રેસ્ટોરન્ટની માલિક અને કર્તાહર્તા એની મળી ગઈ. હું મુંબઈથી આવ્યો હતો અને એ પણ સાવ એકલો એ જાણીને તેને ખુબ નવાઈ લાગી. મને તે પોતાની રેસ્ટોરેન્ટમાં લઇ આવી. એ આખી વરસાદી સાંજ હું ત્યાં જ બેઠો રહ્યો. તેણે મને પહેલા ગરમાગરમ ચા અને પછી પ્રેમથી ભોજન પીરસ્યું. સાથે જ કલીમ્પોંગ અને અહીના લોકો વિષે ખુબ બધી માહિતી પણ પીરસી.

કલીમ્પોંગ પહાડોમાં વસેલું એક સુસ્ત છતાં સુરમ્ય નગર છે. દાર્જીલિંગથી સાવ નજીક હોવા છતાં અને કદાચ એટલે જ પ્રવાસીઓમાં ખાસ પ્રચલિત નથી થયું. અહી આવનારા મોટાભાગના પ્રવાસીઓ કલકત્તા અને પશ્ચિમ બંગાળના અન્ય વિસ્તારોમાંથી આવે છે. ક્યારેક એવા રડ્યા ખડ્યા વિદેશીઓ પણ દેખાઈ જાય કે જેમને એકાંતમાં સમય ગાળવો પસંદ હોય. બાકી, દાર્જીલિંગ કે શિમલા જેવા ગિરિમથક ફરી ચુકેલા લોકોને આ જગ્યા સાવ નીરસ લાગે એવું શક્ય છે. ફક્ત અડધા કલાકમાં આખા નગરને પગપાળા જોઈ શકાય. બજારમાં લટાર મારતા એમ લાગે કે આખું ગામ જાણે આળસની અેક અદ્રશ્ય ચાદર ઓઢીને સુઇ ગયું છે. મુંબઈના લોકોને તો આ જોઈને જ શરીરે કીડી જ ચડવા લાગે. મોટાભાગની દુકાનો સાંજે સાડા સાત સુધીમાં બંધ થઇ જાય. ગણીને પાચ – સાત હોટેલો છે એ પણ સાડા આઠે તો મોડામાં મોડી બંધ થઇ જ જાય. ત્યારબાદ તમારી પાસે રૂમમાં ભરાઈ રહેવા સિવાય કોઈ વિકલ્પ જ ન બચે. જોવાલાયક સ્થળ પણ ગણીને ચાર કે પાચ જ છે. તો પછી કોઈ શું કરવાને ખર્ચો કરીને અને મહામુલી રજાઓ બગાડીને આવી જગ્યાએ આવે? મારી પાસે આ સવાલનો કોઈ જવાબ નહોતો પણ પહેલા જ દિવસે મને આ શહેરે સ્વીકારી લીધો હોય એવું હું અનુભવી શકતો હતો.

એની ને ફરી બીજા દિવસે મળવાનું વચન આપી હું મારા રૂમ પર પહોચ્યો ત્યારે મંદિર માં સંધ્યા આરતી થઇ રહી હતી. મારી પેઢીના ઘણા બધા લોકોની જેમ હું પણ ખાસ કઈ આસ્થાળુ નથી. છતાં આ સમયે અન્ય કોઈ કરવાલાયક પ્રવૃત્તિ ન હોવાથી હું આરતીમાં જોડાયો. આરતી પત્યા બાદ મેં પુજારીને કુતુહલવશ પૂછ્યું કે દેશના છેટ બીજા છેડે સાઈબાબાનું મંદિર કઈ રીતે બન્યું. તેમને મંદિરના ઈતિહાસ વિષે ખાસ કઈ જાણકારી નહોતી. તે ફક્ત એટલું બોલ્યા કે “યે સબ તો બાબા કી લીલા હૈ। ઉન્હોને ચાહા તો મંદિર બન ગયા”. તેઓ કોઈ દિવસ કલીમ્પોંગ ની બહાર ફરવા ન જતા. ફક્ત વર્ષમાં એક વાર અચૂક શિરડીનો આંટો મારી આવતા.

ભારતના નાના ગામ અને ગામડાઓમાં રહેતા લોકોને પ્રવાસ કરવાનો મોકો ભાગ્યે જ મળતો હોય છે. એટલે જ આવી ધાર્મિક યાત્રાઓ તેમને માટે દેશ-દુનિયા જોવાનો અવસર છે. તેમની યાત્રા અને આપણા પ્રવાસમાં શું કોઈ ફરક ખરો? એમ વિચારતા હું સુઈ ગયો.

બીજે દિવસે ઉઠીને મેં આ ગામ અને અહીના લોકોને વધુ નજીકથી ઓળખવાનું નક્કી કર્યું. શનિવાર હોઈ આજે હાટ બજાર લાગી હતી જેમાં આજુબાજુના ગામમાંથી માનવ મહેરામણ ઉમટ્યું હતું. બજારમાં આંટો મારતા બંગાળી અને નેપાળી એમ બે દેખીતી રીતે ભિન્ન ચહેરાઓ નજરે પડતા. દર બીજી દુકાન કરિયાણાની અથવા જનરલ સ્ટોર હતી. દરેક દુકાન માં એકસરખો જ સામાન મળે. આટલા બધા લોકોનો ધંધો કઈ રીતે ચાલતો હશે એ એક વિચારવાની વાત હતી. એક જગ્યાએ થોડા લોકો ટોળે વળીને ઉભા દેખાયા. જોયું તો એક સાવ સામાન્ય દેખાતો માણસ સાવ સામાન્ય પ્રકારના જાદુના ખેલ દેખાડતો હતો. ટીવી અને ઈન્ટરનેટ પર આથી અનેકગણા સારા જાદુ જોયા હોઈ મને તો આ જાદુગર બાલીશ લાગી રહ્યો હતો. છતાં ટોળામાં નાના મોટા દરેક લોકો એના પ્રદર્શનથી અંજાઈ ગયા. શહેરોની બહાર લોકોમાં હજુ વિસ્મય પામવાની ક્ષમતા બચી છે એ જોઇને મને આનંદ થયો. રસ્કિન બોન્ડની સાહિત્ય સૃષ્ટિ મારી સામે તરવરી ઉઠી.

11074207_10205680258159116_3632571610651088074_nકલીમ્પોંગ નો આ એક ચહેરો હતો. બીજો ચહેરો જોવા માટે એનીએ આપેલી ટીપ્સ મુજબ હું મુખ્ય ચાર રસ્તે પહોચ્યો. અહી પણ કેટલાક લોકોનું ટોળું જમા થયું હતું. મોટા મોટા સ્પીકર લાગ્યા હતા. તેની આજુબાજુ દસ બાર વરણાગી યુવાન છોકરા છોકરીઓ કઈ ચહલ પહલ કરી રહ્યા હતા. લાંબા, વાંકડિયા, રંગેલા વાળ અને જાતજાતની દાઢી વાળા છોકરાઓ તેમજ બ્રાન્ડેડ કપડામાં ચટીમટી તૈયાર થયેલી છોકરીઓ સંગીતના કાર્યક્રમની તૈયારી કરી રહી હતી. તેમના મિત્રનું ઓપરેશન કરવાનું હતું એ માટે ફાળો ઉઘરાવવા માટે આ કાર્યક્રમ નું આયોજન થયું હતું. છ છોકરાઓનું એક ગ્રુપ આવ્યું અને તેમણે બીટ બોક્સિંગ શરુ કર્યું. એટલે કે દરેક જણ એક એક વાદ્યનો મોઢાથી અવાજ કરીને આપે અને એમાંથીજ આખું સંગીત બને. જાણે કે એક પણ વાદ્ય વગરનું ઓરકેસ્ટ્રા સમજી લ્યો. ત્યારબાદ ટોળામાંથી જ એક એક કરીને લોકો આવીને ગીત ગાઈ રહ્યા. અંતે કાર્યક્રમનું આયોજન કરવા વાળા જુવાનોએ થોડા ગીત ગાયા. કાર્યક્રમના અંત સુધીમાં લોકોએ દિલ ખોલીને ફાળો આપ્યો હતો. પાછળથી મને ખબર પડી કે આ ચાર રસ્તા પર લોકો રોજ કોઈ ને કોઈ સામાજિક મુદ્દાઓ માટે થઈને ગાવા વગાડવા ભેગા થાય છે.

સંગીત કલીમ્પોન્ગની સંસ્કૃતિનો અવિભાજ્ય હિસ્સો છે. લોકોની નસોમાં લોહીની બદલે સંગીતની સુરો વહે છે. બાળક અહી ગળથૂથીમાંથી જ ગીટાર શીખી જાય છે. કેટલીક વિશ્વ પ્રખ્યાત મ્યુઝીક સ્કુલ્સ અહી આવેલી છે. શરૂઆતમાં અસાર નામના જે ગીત વિષે આપણે વાત કરી એ બનાવનારા બીપુલ છેત્રી પાછળ આખું કલીમ્પોંગ પાગલ છે. જેમ અલાહાબાદનો દરેક માણસ અમિતાભને ઓળખવાનો દાવો કરતો ફરે એમ અહીનો દરેક માણસ બીપુલ છેતરીને ઓળખે છે. સંગીતની આવી ઘેલછા જોઇને મને હેમિંગ્વેની સાહિત્ય સૃષ્ટિ યાદ આવી ગઈ.

પહેલે દિવસે મને સ્વીકૃતિ આપી ચૂકેલું શહેર બીજે દિવસે મને સાવ અંગત વ્યક્તિ જેવું લાગવા માંડ્યું. તેની ગલીકુચીઓમાં ફરી લીધા બાદ ત્રીજે દિવસે મેં કલીમ્પોન્ગને અલગ જ દ્રષ્ટિકોણથી જોવાનું વિચાર્યું. ડેલો કરીને કલીમ્પોંગ નું સૌથી ઊંચું સ્થળ છે ત્યાં હું પહોચી ગયો. ત્યાં પેરાગ્લાઈડીઁગ થતું હતું. કોઈ પણ જાતના એડવેન્ચર સ્પોર્ટ્સનો આ મારો પહેલો અનુભવ હતો. મારા ગાઈડ પર વિશ્વાસ મૂકી, એણે આપેલી કીટ બાંધીને અમે બંનેએ ટેકરી પરથી દોટ મુકીને નીચે ઝંપલાવ્યું. ગ્લાઈડરની પાંખોમાં હવા ભરાતા તે તરત અમને ઊંચકીને ઉડવા માંડ્યું. મારો ગાઈડ જરૂર પડ્યે રસ્સી ખેચીને ડાબે જમણે દિશા આપી રહ્યો હતો. મારે તો મરક મરક હસવા સિવાય કઈ કરવાનું જ નહોતું.

11025745_10205680259279144_1969999166484977357_nઉપરથી કલીમ્પોંગ ખુબ રૂપકડું લાગી રહ્યું હતું. ગાઈડ મને આંગળી ચીંધીને બધું બતાવી રહ્યો હતો. ચર્ચ, સ્કુલ, મોનાસ્ટ્રી, જંગલ, જંગલની વચ્ચેથી જતો રસ્તો, રસ્તા પરની કીડી જેવી ગાડીઓ, તીસ્તા નદી વગેરે વગેરે. આખા કલીમ્પોન્ગને મેં એક પક્ષીની નજરે જોઈ લીધું. મને થયું મારા જેવા આળસુ માણસ માટે આ સર્વોત્તમ સ્પોર્ટ્સ છે. ક્યારેક પૈસા ભેગા કરીને હું મારી પોતાની પેરાગ્લાઈડીઁગ કીટ વસાવીશ એવું વિચારવામાં તો અમે લેન્ડીંગ ગ્રાઉન્ડ પર આવી ગયા. દસ મીનીટની મારી ઉડાન પૂરી થઇ અને સાથે જ મારો કલીમ્પોંગ નો પ્રવાસ પણ. ચોક્કસ આ દસ મિનીટ મને ઘણી ઓછી પડી. એમ તો કલીમ્પોંગ માં ત્રણ દિવસ પણ ઘણા ઓછા પડ્યા. પણ શું થાય મારી આગામી મંઝીલ મને બોલાવી રહી હતી. સંતોષની વાત એ હતી કે આ ત્રણ દિવસ મેં ફક્ત ઉપરછલ્લા સાઈટ સીઈંગમાં ન કાઢતા, શહેર ને બરોબર થી ઓળખવામાં કાઢ્યા, કેટલાક મિત્રો બનાવ્યા, સંસ્કૃતિ ને અનુભવી જોઈ, સંગીતની સાથે ઝૂમ્યો, ગગનમાં ઉડ્યો અને થોકબંધ યાદો ભરીને મારા બેક્પેકનું વજન વધારી દીધું. કદાચ મારો આ પ્રવાસ યાત્રા બની ગયો.

હવે તો આજકાલ એક તાજીકિસ્તાનના ગીત પર મારું દિલ આવી ગયું છે. જોઈએ વિધિના વહેણ કઈ તરફ વહે છે.

– તુમુલ બૂચ

મુંબઈના તુમુલભાઈ બૂચનો અક્ષરનાદ પર આ પ્રથમ લેખ છે, અહીં તેઓ પશ્ચિમ બંગાળના કલીમ્પોંગ નામના નાનકડા હિલ સ્ટેશન વિશેની વિગતે સરસ વાત અને તેમની મનમોજી રઝળપાટનો અદકેરો અનુભવ મૂકે છે. અક્ષરનાદને આ સુંદર કૃતિ પાઠવવા બદલ તેમનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

18 thoughts on “કલીમ્પોંગ.. (પશ્ચિમ બંગાળનું નાનકડું હિલ સ્ટેશન) – તુમુલ બૂચ