મને માત્ર
અવાજ સંભળાય છે
તે પણ આત્માનો
મને આપ દેખાતા કેમ નથી
ઓળખાણ તો આપો મહાશય
અવાજ તો પરિચિત છે
(મારો અવાજ જ મારો પરિચય છે)
કહો તો ખરા
બાજુની સોસાયટીમાં રહો છો ?
હું મૂંઝાઉં છું
મને કંઈ સમજાતુ નથી
(હું ગાંધી છું)
સમજ્યા
આપની કરિયાણાની દુકાન હશે
(કરિયાણાની નહિ, જન કલ્યાણની હતી)
નામ તો સાંભળ્યું છે
(હા…! ભણવામાં કે ભાષણમાં આવ્યું હશે)
બિલકુલ
બાકી સલમાનખાન જ વધારે પરિચિત
(એ કોણ ભઈલા?)
બિગબોસવાળા
બિગબોસ વિષે તમે કંઈ જાણો છો ?
ના
(તમે મોહનદાસ કરમચંદ ગાંધી વિષે જાણો છો?)
(હસવાનું નહિ બકા..!)
(હું જ એ છું, ભારતનો બિગબોસ…!)
જુઠું નહિ બોલવાનું વડીલ
જૂઠ બોલે કૌઆ કાટે
(ખબર છે)
શું નામ કહ્યું આપે ?
(ગાંધી)
એ તો આપની અટક હશે ને?
હું તો નામ પૂછું છું
(ખબર છે, પણ મને બધાં ગાંધીજી તરીકે ઓળખે)
મોહનદાસ કરમચંદ ગાંધી
ઝવેરી લાગો છો
(કેમ)
અમારે ત્યાં
હમણાં ઝવેરીના નામ આવા જ હોય એટલે !
સોનાના ભાવ ડામાડોળ થાય છે નહિ ?
(એટલે…?)
આપ રસ્તા ઉપર તો
નથી આવી ગયા ને
ડોન્ટ વરી
આ ભારત છે
અહી શિખરે જવા માટે
પહેલા શૂન્ય બનવું પડે
આપની મજાક નથી કરતો
આપ પ્રગટ થાઓ
આપનું પણ ભવિષ્ય ઉજળું બનશે
કારણ
ચા વેચનારો અહીં પ્રધાનમંત્રી છે
ઝાડુના નિશાનવાળો અહી સી એમ છે.
કેજરીવાલ
(હું તો ભારતનો રાષ્ટ્ર પિતા છું)
થોભો થોભો
શું બોલ્યા આપ ?
તમે મોહનદાસ કરમચંદ ગાંધી છો ?
પાક્કું છે ને
મારી શું ઉડાવો છો વડોલ
એ તો ક્યારના ‘હે રામ!‘ બોલી ગયાં
અમને આઝાદી એમણે જ અપાવેલી
આપ એ જ છો એની ખાતરી શું
(આવું પૂછવાનું વત્સ…?)
પૂછવું પડે સર
ચાઈનાવાળા હવે બધું જ ડુપ્લીકેટ બનાવે છે
એક એની ચીનની દીવાલ ઓરીજીનલ છે
એટલે ટકી છે
મને શંકા જાય છે સર
આપ અમારા ભાગ્ય વિધાતા પણ નથી
અને અમારા મહાત્મા ગાંધી પણ નથી
નક્કી આ
મને ચાઈનાની કોઈ ચાલ લાગે છે.
તમે સત્યને જાણો છો?
(હું સત્ય જ બોલું છું)
(સત્ય અને અહિંસા તો મારો પરમ ધર્મ છે.)
આવું તો અહીંયા બધા જ કહે છે
પઅઅઅણ
ચૂંટણી અને આપની જન્મજયંતી આવે ત્યારે
પછી
સવારે વાત થાય
બપોરે ચક્રવાત થાય
અને સાંજે
ઝંઝાવાત થાય
ભૂલમાં પણ
સત્ય બોલવા જઈએ તો
વન-વેમા ઘૂસી ગયા હોય
એવું લાગે
જરા ફોડ પાડીને કહો ને
તમે કયા ગાંધી છો
લેટેસ્ટ કે ઓલ્ડેસ્ટ
(હે રામ…!)
શું થયું બાપૂ…?
પાછી ગોળી વાગી…?
ના
(મને મારા જ નથી ઓળખતા)
નિરાશ ન થાવ
અમે ઓળખી શકતા નથી કે
તમે કયા ગાંધી છો
ઓલ્ડેસ્ટ કે લેટેસ્ટ
અહી તો ગાંધીની એક પેઢી ચાલે છે
રાજીવ ગાંધી – સંજય ગાંધી – રાહુલ ગાંધી
અને
ગાંધીના નામે પેઢી ચાલે તે તો અલગ
(બઅઅસ કર)
હવે તું અટકી જા
(હું તો ઓરીજનલ ગાંધી છું. પોરબંદરવાળા..!)
બાપૂ…! તમે જીવો છો…?
(જીવતો નથી, મારો જીવ તમારામાં ખૂંપેલો છે)
વંદન બાપૂ. આપને કોટી કોટી વંદન
આપની શું સેવા કરું બાપૂ..?
આ પણ એક યોગ છે ને બાપૂ…?
મને આપની જન્મ જયંતીએ જ આપના દર્શન થયાં
નિરાકાર તો નિરાકાર
બીજી ઓક્ટોબરના દિવસે દર્શન થાય એ જ ધન્યતા
(તારે મારી સેવા જ કરવી છે ને!)
હા, બાપૂ !
(તો મને હવે બાપૂ કહેવાનું રહેવા દે..!)
કેમ
(લોકો મને કથાકાર કે દોરાધાગાવાળો બાપૂ માનશે)
( હું જાણું છું કે
તું મારા પુતળાને
સુતરની આંટી પહેરાવવા નીકળ્યો છે.
તું જો મારો પ્રિય આત્મજ હોય તો
મારા પુતળાને
સુતરની આંટી પહેરાવવાની જરૂર નથી.
બસ
એ આંટી હવે તું જ પહેરી લે
મારે તારામાં મહાત્મા ગાંધી જોવો છે.
બની જા ઓરીજનલ ગાંધી !
બોલ
ભારતમાતાકી
જય..!)
– રમેશ ચાંપાનેરી ‘રસમંજન’
ગાંધીજીની જન્મજયંતિના આજના દિવસે ગાંધીજી આપણી વચ્ચે કઈ રીતે પ્રસ્તુત છે? તેમનું નામ અને ચહેરો તો અનેક રીતે આપણા રોજબરોજના વપરાશમાં આવે જ છે, પણ ગાંધીના વિચારોને ખરેખર આગળ ધપાવનાર અને વિશ્વને એ વિચારોના બળે સાચી દિશા દર્શાવનાર કોણ? રમેશભાઈની આ સરસ રચના ગાંધીજી અને એક સામાન્ય વ્યક્તિ વચ્ચેનો સચોટ સંવાદ દર્શાવે છે. અક્ષરનાદને આ રચના પાઠવવા બદલ રમેશભાઈનો આભાર અને તેમની કલમને શુભેચ્છાઓ.
સચોટ અને સુંદર આલેખન. રમેશભાઈને અભિનંદન. … આજની પેઢી પૂ. ગાંધીજી પાસે તે સાચે જ ગાંધીજી છે તે બાબતનું ” આઈડન્ટીન્ટી કાર્ડ ” માગે તો પણ નવાઈ લાગે તેમ નથી, એટલા આપણે ગાંધીથી વિમુખ થઈ ગયા છીએ.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
વાહ સરસ અલેખન્….
અગ્નિને ઉધઇન લાગેે, રમેેેશભાઇ.
પ્ર્રરસંંગ અનૂરૂપ.
વાહ
Marvelous narration!
સુંદર રચના ….
રમેશભાઈ આપને ખુબ-ખુબ ધન્યવાદ…
ગઈકાલે મારી શાળામાં ગુજરાત વિદ્યાપીઠના તાલીમાર્થીઓ આવ્યા હતાં સાથે એમના માર્ગદર્શક અધ્યાપક પણ હતાં. એમની સાથે સરસ મજાની ગોષ્ઠી થઈ…મજા આવી…પરંતુ જ્યારે મૈ તેમને વિદ્યાપીઠમાં ગાંધીવિચાર અને ગાંધીજીના આદર્શ કેટલાં પ્રસ્તુત છે તેના વિષે કેટલાક પ્રશ્નો કર્યાં ત્યારે તે ઉદાસ થઇ ગયા..મને એમનો ચહેરો જોઈ જવાબ મળી ગયો…જે દેશને ગાંધી જેવા મહાપુરુષ મળ્યા હોય તે દેશ અને તેની પ્રજા માત્ર પશ્ચિમના ગુણગાન ગાવામાં ડૂબેલી હોય તેનાથી વધારે બીજું શું દુઃખદાયક હોઈ શકે.તે છતાં એક અમર આશા સાથે રાષ્ટ્રને ઉન્નતિ તરફ લઇ જવાના પ્રયત્નો અને સ્વપ્નોને જીવંત રાખીએ.