સાહિત્ય અને સમાજ – પી. કે. દાવડા 19


સાહિત્ય હંમેશાં સ્થળ અને કાળનાં સ્પંદનો ઝીલે છે. એ સમયના રીતરિવાજ તથા આર્થિક અને સાંસ્કૃતિક બાબતો એમાં વણાઈ જાય છે. સાહિત્યકારોની કાલ્પનિક રચનાઓમાં પણ એ સમયમાં બનતી ધટનાઓની ઝલક મળી રહે છે. આવું થાય છે, કારણ કે સાહિત્યકાર પોતે પણ સમાજનો હિસ્સો છે અને સમાજમાં બનતી ધટનાઓથી એ પોતે અને એનું કુટુંબ પ્રભાવિત થાય છે. આમપણ કોઈપણ વ્યક્તિના વર્તન અને વ્યવહાર પાછળ એના જીવનમાં બનેલી અથવા તેણે જાણેલી ઘટનાઓની અસર થયા સિવાય રહેતી નથી. સાહિત્યકાર પણ આનાથી અછૂતા ન રહી શકે.

સાહિત્યસર્જનનો મૂળ આધાર સાહિત્યકારની કલ્પનાશક્તિ છે. પરંતુ આ કલ્પનાશક્તિ અજાણપણે થયેલા અનુભવો, જોયેલી અને જાણેલી પરિસ્થિતિઓ અને સાહિત્યકારના શિક્ષણના રંગોમાં રંગાઈ જાય છે; એટલે એનાં કલ્પનાનાં પાત્રો પણ એ સમયની પરિસ્થિતિનું બયાન કરે છે. સાહિત્યકારના જીવનના ઘડતરમાં પણ અન્ય વ્યક્તિઓની જેમ એની કૌટુંબિક પરિસ્થિતિ, સગાંસંબંધી, મિત્રમંડળ વગેરેનો અચૂક ફાળો હોય છે. જે અનુભવો વ્યક્તિને જીવન દરમ્યાન થયા હશે, આંતરમનને સ્પર્શે તેવી જે ઘટનાઓને તેણે જોઈ હશે; અને આખરે જે સ્વરૂપે તેને ગ્રહણ કરી હશે, તે જ તેનાં લખાણોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે છતી થશે. કવિ કે લેખક્ની કલ્પના પાછળ પણ વાસ્તવિક જગતની ઘટનાઓ કે અનુભવોની છાપ હોય છે.

સાહિત્ય અને ભાષા એ મનોવિજ્ઞાનનું સંયોજન છે. આ સંયોજન દ્વારા સાહિત્યકાર સમાજવ્યવસ્થા, ભૂતકાળમાં બનેલી અને વર્તમાનમાં બનતી ઘટનાઓનું થોડું મહિમામંડિત બયાન કરે છે. સાહિત્યકારની કલ્પના પણ સમયથી પર નથી. કેટલીકવાર સાહિત્યકાર સમાજનું દર્શન થોડી અલગ રીતે કરાવે છે; ઉદાહરણ તરીકે, સોળમી સદીમાં નરસિંહ મહેતાએ ‘વૈષ્ણવજન કોને કહેવાય’ એની વાત કરી છે. થોડું ઊંડું વિચારો તો વૈષ્ણવજનમાં કયા કયા દુર્ગુણો ન હોવા જોઈએ એ વાત કરીને નરસિંહ મહેતાએ એ સમયમાં પ્રવર્તમાન દુર્ગુણોની યાદી આપી છે. અખાભગત અને ભોજાભગતે તો એ સમયના સમાજની કુરૂઢિઓ અને કુરિવાજોને બેટોક શબ્દોમાં વખોડ્યા છે. અહીં આપણે એમના સાહિત્યના થોડા નમૂના જોઈએ.

“એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સનાન, તુલસી દેખી તોડે પાન,
એ તો અખા ઘણો ઉત્પાત, ઘણા પરમેશ્વર ક્યાંની વાત?”

આ પંક્તિઓમાં અખાભગતે એ સમયે ધરમ કરમમાં કઈ કઈ રીતો પ્રચલિત હતી એનું વર્ણન તો કર્યું જ છે, પણ આપણે હિન્દુઓ કેટલા બધા ભગવાનને પૂજીએ છીએ એ વાતનો પણ ઈશારો કર્યો છે. એના પ્રત્યેક છપ્પામાં એ સમયના સમાજનું દર્શન થાય છે.

એ સમયના બીજા એક ભક્ત કવિ, ભોજા ભગતે પણ કઠોર શબ્દોમાં સમાજ દર્શન કરાવ્યું છે. સાધુસંતોના સ્વાંગમાં ધૂતારાઓ સમાજનો કેવો ગેરલાભ લેતા હતા, એ વાત નીચેની બે પંક્તિઓ ઉપરથી જ સમજાઈ જશે.

“જોઈ લો જગતમાં બાવા રે, ધર્યા ભેખ ધૂતીને ખાવા,
જ્યાં પ્રેમદા ઘણી પાણી ભરે, ત્યાં નિત નિત જાયે નાવા;”

ભક્ત કવિઓનો યુગ પૂરો થયા પછીના સાહિત્યને આપણે દલપત-નર્મદ યુગનું સાહિત્ય કહીએ છીએ. દલપતરામે એ સમયના સમાજનું દર્શન આપણને એમના હળવા કાવ્યો દ્વારા કરાવ્યું છે. “એક શરણાઈવાળો..” કવિતામાં આપણને એ સમયના ધનપતિઓ સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં ધન ન ખર્ચવા કેવા બહાના કાઢતા એ દર્શાવ્યું છે, તો કુથલીખોર લોકોને “ઊંટ કહે આ સભામાં..” કવિતામાં “આપના અઢાર છે..” કહીને ચીમકી આપી છે. એનાથી પણ આગળ વધીને એ સમયના રજવાડાં કેવા હતા એ વાત “પૂરી એક અંધેરી ને ગંડુ રાજા…” કવિતામાં કહી છે.

નર્મદના સમયમાં જ અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુકત કરાવવાની ચળવળનો સળવળાટ તો શરૂ થઈ જ ગયો હતો. એની “સહુ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે..” કવિતામાં આ વાતનો સ્પષ્ટ ઇશારો છે. સમાજમાં પોતાના પ્રદેશ પ્રત્યેનો પ્રેમ દર્શાવવાની વૃતિનું પ્રતિબીંબ એમની “જય જય ગરવી ગુજરાત” કવિતામાં જોવા મળે છે.

દલપત-નર્મદ યુગ પછીનો આસરે અર્ધી સદી જેટલા સમયમાં અનેક સાહિત્યકારો આગળ આવ્યા. પ્રત્યેક સાહિત્યકારે પોતાની એકથી વધારે અમર કૃતિઓ ગુજરાતી સાહિત્યને અર્પણ કરી. વિવેચકોએ આ સમયને ઉમાશંકર-સુન્દરમ યુગ એવું નામ આપ્યું. આ સમય દરમ્યાન સમાજના અનેક ક્ષેત્રોનું પ્રતિબિંબ આ સાહિત્યકારોની રચનાઓમાં દેખાય છે. સ્વતંત્રતાની લડાઈ માટે ફના થઈ જવાની વાતો, સવતંત્રતાની લડતમાં શહીદ થઈ ગયેલા લોકોની પ્રશસ્તિ, ગરીબ-તવંગર વચ્ચેના અસહ્ય ભેદ સામે આંગળી ચીંધતી અને આક્રોશ દર્શાવતી રચનાઓ, સમાજવાદ પ્રત્યે અંગુલીનિર્દેશ, છૂત-અછૂત પ્રત્યેની નારાજગી, આવા અનેક વિષયને આવરી લેતી રચનાઓ આ સમયગાળામાં થઈ. સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ગીત રચનાઓમાં અવિનાશ વ્યાસ જેવા કવિઓએ મોટો ફાળો આપ્યો.

આજના સમયમાં રચાતા સાહિત્યમાં સમાજમાં વધેલી હિંસા, રાજકારણમાં વધેલી ગંદકી, સામાજીક સંબંધોમાં આવી રહેલ બદલાવ અને નવા નવા ઉપકરણોનો આવિષ્કાર, સ્પષ્ટ પણે દેખાય છે. ગુજરાતી ભાષામાં અન્ય ભાષાના શબ્દોનો છૂટથી ઉપયોગ, કોમપ્યુટરની ભાષા અને કોમપ્યુટરના કી-બોર્ડમાં આપેલા કમાન્ડના શબ્દોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ જોવા મળે છે. કૃષ્ણા દવેની પ્રખ્યાત કવિતા “વાંસલડી ડોટ કોમ” આનું એક ઉદાહરણ છે.

અત્યારે જે સમય ચાલી રહ્યો છે એ સમયમાં સમાજ ઉપર સાહિત્યની કેટલી અસર થાય છે એ કહેવું મુશ્કેલ છે, પણ સાહિત્ય ઉપર સમાજ અને પ્રવર્તમાન વાતાવરણની ઘેરી અસર દેખાય છે.

– પી. કે. દાવડા


આપનો પ્રતિભાવ આપો....

19 thoughts on “સાહિત્ય અને સમાજ – પી. કે. દાવડા

  • purvi

    આ લેખ અગાઉ વાંચેલો પણ આજે ફરીથી વાંચ્યો. તે દિવસે જે કાર્ય અધૂરું રહી ગયેલું તે આજે પૂરું કરું છુ. મને આ લેખ બહુ ગમ્યો. સમય સમય અનુસાર બદલાતા વિચારોનું પ્રતિબિંબનું વર્ણન અદ્ભુત રીતે આપે કર્યું છે.

  • Chetan Shah

    I know that literature has effect on society. However, the effect that it had 100 years ago, and now, definitely it has reduced for regional language literature. However, English language has taken over this role.

    The reason could be readers are few. And writers are obviously fewer. And among them, those who could influence the society are very rare.

    But Mr. Davda, please continue publishing your opinions – with references of literature included. We enjoy reading the same. Excuse me for yet not graduating to writing in gujarati.
    – Chetan Shah, Mulund, Mumbai.

  • સુરેશ જાની

    સાહિત્ય એટલે શું? વાર્તા, કવિતા, નાટક, નિબંધ, વિવેચન, હાસ્ય જ? આ સિવાયનાં સર્જનો સાહિત્ય ન કહેવાય?
    ળાને બાજુએ મૂકો તો પણ બીજા ઘણા ક્ષેત્રોનાં સર્જનો હોય છે – જે સાહિત્યની પ્રચલિત વ્યાખ્યાથી બહાર હોય છે.એવાં સર્જનો વિશે શું? શું ગુજરાતી સમાજમાં એને માટે જાગરૂકતાની જરૂર છે?

  • Vinod Patel

    મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. એ સમાજનો એક અભિન્ન હિસ્સો છે. સાંપ્રત સમાજમાં બનતી સારી કે ખોટી ઘટનાઓ ,જીવાતું જીવન અને વાતાવરણની મનુષ્યના ચિત્તમાં જાણે અજાણે છાપ પડતી જ રહે છે. કોઈ પણ લેખક એના ચિત્તમાં સંગ્ર્હાએલી સંવેદનાઓને ભાષાના માધ્યમથી શબ્દોના શણગાર સજાવીને વ્યક્ત કરવાની આવડત ધરાવતો સમાજનો જ એક સભ્ય છે.

    મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવાનો જે સમય હતો એ સાહિત્યમાં ગાંધી યુગ કહેવાયો . આ ગાંધી યુગમાં જે સાહિત્ય રચાયું એમાં આ યુગનો ખુબ જ પ્રભાવ રહ્યો જે એ સમયની નવલકથાઓ અને કાવ્યોમાં આપણને જોવા મળે છે. અગાઉના પંડિત યુગ પછીના સાહિત્યમાં ગાંધી યુગનો મુખ્યત્વે પ્રભાવ જોવા મળે છે.

    એ વખતે ગાંધીજીએ સૌ સાહિત્યકારોને એ શીખ આપી હતી કે એક કોશિયો પણ સમજી શકે તેવું સાહિત્ય લખો.ગાંધીજી જાણતા હતા કે સાહિત્ય માત્ર ભણેલા પંડિતો જ સમજી શકે એ ખરું
    સાહિત્ય નથી પણ સમાજના બહુ શિક્ષિતના હોય એવા વર્ગને પણ સમજાય ,એને શીરાની જેમ ગળે ઉતરી જાય ,એ જ ખરું સાહિત્ય છે.

    આ વિચાર ધારામાંથી પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર , ઉમાશંકર , સુન્દરમ , પીતાંબર પટેલ જેવા લેખકો કવિઓ ગુજરાતી સાહિત્યને મળ્યા જેમણે ગામડાના જન સમાજની ભાષામાં સાહિત્ય
    સર્જીને એને લોકભોગ્ય બનાવ્યું.

    લેખક કે કવી સમાજમાં બનતી ઘટનાઓને સાક્ષી ભાવે નીહાળતો જ હોય છે. સમાજના લોકોના આનંદ, વિયોગ, દર્દ, વેદના અને સંવેદનાઓનો એના ચિત્તમાં જે સંસ્કારો પડે છે એને એના સાહિત્યમાં એની આવડત પ્રમાણે એની શૈલીમાં ચિતાર રજુ કરવાનો પ્રયત્ન કરતો હોય છે. ગલ ગલિયાં કરાવે એવું માત્ર મનોરંજક સાહિત્ય એ સાચું સાહિત્ય નથી પણ જેમાં જીવન ઉત્કર્ષ કરવા માટેનો કોઈ પ્રેરક સંદેશ શબ્દોમાં મઢાયેલો હોયે મારી દ્રષ્ટીએ સાચું સાહિત્ય છે.

  • Sharad Shah

    અહીં અભિપ્રાય આપનાર સરયુબેન પરિખ પોતે એક સારા કવિયત્રી છે. અને લગભગ તમામ કવિઓનો એક અનુભવ હશે જ કે, કેટલાંક કાવ્યો બસ અવતરે છે, ઉતરે છે. ક્યાંથી ખબર નથી. લખ્યા પછી તેમને પોતાને પણ નવાઈ લાગે છે કે અરે! આ મેં લખ્યું છે? જાણે કૉઈ અગમ્ય શક્તિ લખાવી ગઈ હોય તેમ લાગે. એક ભાવ દશામાં આ ઘટના બને છે. એ કવિ ફરીવાર એ કક્ષાનુ કાવ્ય લખી નથી શક્તો. અને લખવા પ્રયત્ન કરવા જાય ત્યારે તે કાવ્યમાં દિવ્યતાનો અનુભવ નથી થતો. કારણ કે કવિ જ વચ્ચે આડે આવી ગયો હોય છે. મને લાગે છે બીજા અભિપ્રાય આપનાર કવિઓ કદાચ મારી વાતનુ સમર્થન કરે. આ ઘટના કેવળ કવિઓ માટે જ સત્ય છે તેવું નથી સંગિતકારો, ચિત્રકારો, શિલ્પકારો અને અન્ય તમામ કલાકારો માટે પણ સત્ય છે.મારી આવી સમજ છે. બાકી અહીં અનેક સાહિત્યકારો અને વિદ્વાનો છે. મારી વાત કદાચ ખોટી પણ લાગે/હોય.
    વાત જરા અટપટી છે એટલે લાંબુ વિવરણ આપ્યું.

  • Sharad Shah

    Just read the following. You may understand, what I said.

    સમરને શ્રી હરિ, મેલ મમતા પરી,
    જોને વિચારીને મુળ તારું;
    તું અલ્યા કોણ ને કોને વળગી રહ્યો,
    વગર સમજે કહે મારું મારું … સમરને
    દેહ તારો નથી જો તું જુગતે કરી,
    રાખતા નવ રહે નિશ્ચે જાયે,
    દેહ સંબધ તજે નવ નવા બહુ થશે,
    પુત્ર કલત્ર પરિવાર વહાવે … સમરને
    ધન તણું ધ્યાન તું અહોનિશ આદરે,
    એ જ તારે અંતરાય મોટી,
    પાસે છે પિયુ અલ્યા કેમ ગયો વિસરી,
    હાથથી બાજી ગઇ થયા રે ખોટી … સમરને
    ભરનિંદ્રા ભર્યો, રુંધી ઘેર્યો ઘણો,
    સંતના શબ્દ સુણી કાં ન જાગે,
    ન જાગતા નરસૈંયો લાજ છે અતિ ઘણી,
    જન્મોજનમ તારી ખાંત ભાંગે … સમરને
    – નરસિંહ મહેતા

  • Sharad Shah

    પ્રિય દાવડાજી;
    પ્રેમ.
    આપણે બધા સામન્ય લોકો અનેક પ્રકારના પ્રભાવ અને અભાવમાં જીવીએ છીએ. સામન્ય કવિઓ પર પણ જે તે સમયના, સ્થળના, સંસ્કારોના, વાંચનના, માતા-પિતા- સગા-સંબંધીઓ કે શિક્ષકોના વિચારોના એમ અનેક રુપે પ્રભાવો પડે અને તે તેમના દ્વારા રચિત સાહિત્યમાં પ્રગટ થાય તે સ્વાભાવિક છે.
    પરંતુ જે ભક્ત કવિઓનો આપે ઉલ્લેખ કર્યો છે. જેમ કે નરસિંહ મહેતા, ભોજા ભગત, કે અખો. આ કવિઓ અને તેમના કાવ્યોમાં પ્રભાવ ઓછો અને સ્વભાવ વધારે હોય. કારણ કે તેઓ સ્વ ભાવમાં જીવતાં હોય છે. તેમના માધ્યમથી પ્રગટેલાં કાવ્યો અવતરણ સ્વરુપે હોય છે.
    મારી સમજ મુજબ અન્ય કવિઓ સાથે તેમની સરખામણી ન થઈ શકે. તેઓ જે વાત આજથી વર્ષો પહેલાં કહી ગયેલ તે આજના સમયમાં પણ ઍટલી જ યુક્ત છે અને આજથી હજારો વર્ષ પછી પણ એટલી જ યુક્ત હશે. કૃષ્ણની ગીતા આજે પાંચ હજાર વર્ષ પછી પણ યુક્ત છે.
    અખો જ્યારે કહે “એક મુરખને એવી ટેવ પત્થર એટલાં પુજે દેવ, નદી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન” તે આજે પણ જોવા મળે જ છે. અને કદાચ સમયે સમયે આપણી મુર્ખતાઓ બદલાય પણ ખરી. પહેલાં ચોપડા પૂજન કરતા અને હવે કમ્પ્યુટર પૂજન કરીએ પણ પૂજા શું છે તે ખબર નથી એટલે ગમે ત્યાં પૂજન કરવાની મુર્ખતા જારી જ રહેવાની. અખાની કે કબીરની કે રહીમની કે નરસિંહ મહેતાની વાત આજે પણ હૃદયને સ્પર્શે છે તે હજારો વર્ષ પછી પણ સ્પર્શવાની. (જોકે એ માટે હૃદયનુ હોવું આવશ્યક છે. બાકી બુધ્ધિનો જે રીતે વિસ્ફોટ થતો જાય છે તે જોતાં તો એમ લાગે છે કે કદાચ પાંચ-દશ પેઢી પછીના બાળકો હૃદય વગર જ જનમશે.)
    મારી વાત બહુ બુધ્ધીથી ન વાંચતા, હૃદયથી વાંચજો તો કદાચ સમજાઈ જશે.
    પ્રભુશ્રીના આશિષ.
    શરદ

  • gopal h parekh

    સાહિત્ય અને સમાજ એક બેીજાના પોૂરક , એકબેીજાના પડઘા એકબેીજા પર પડ્યા વગર રહે જ નહેીઁ, તમારેી ચ્હણાવટ આવકારદાયક ચ્હે.
    ગોપાલ

  • jugalkishor

    શ્રી દાવડાનો ઉપરોક્ત લેખ ગમ્યો. એમના સુચન મુજબ કોમેન્ટરુપે કેટલીક વીગતો વાચકોના લાભાર્થે મુકવા જેવી લાગી છે :

    મધ્યકાલીન ભક્તીયુગ પછીનો અર્વાચીન યુગ દલપતરામની ૧૮૪૫માં પ્રગટ થયેલી “બાપાની પીપર”થી શરુ થયો. આ સમગ્ર અર્વાચીનયુગના તબક્કાઓ આ પ્રમાણે ગણાવાયા છે :

    * સુધારકયુગ કે દલપત–નર્મદયુગ : (આશરે ૧૮૫૦–૧૮૮૫) પ્રમુખ સર્જકો : દલપતરામ, નર્મદાશંકર, નંદશંકર, નવલરામ, દુર્ગારામ, મહીપતરામ નિલકંઠ, મન:સુખરામ, અંબાલાલ સાકરલાલ, ઇચ્છારામ સૂ. દેસાઈ, ભોળાનાથ, હરગોવિંદદાસ, કવિ શિવલાલ, કેશવ હ. ભટ્ટ તથા કેટલાક પારસી કવીઓ

    * પંડીતયુગ કે સાક્ષરયુગ : (આશરે ૧૮૮૫–૧૯૧૫) પ્રમુખ સર્જકો : ગોવર્ધનરામ, બાલાશંકર, મણિલાલ, નરસિંહરાવ, રમણભાઈ નીલકંઠ, કેશબ ધ્રુવ, આનંદશંકર ધ્રુવ, કાન્ત, કલાપી, બ.ક.ઠા., ન્હાનાલાલ, ખબરદાર, બોટાદકર, દોલતરામ વગેરે.

    * ગાંધીયુગ : (૧૯૧૫–૧૯૪૦) પ્રમુખ સર્જકો : સુંદરમ્, ઉમાશંકર, સ્નેહરશ્મિ, મેઘાણી, કાકાસાહેબ, મહાદેવભાઈ અને ખુદ ગાંધીજી.

    * અનુગાંધીયુગ : (૧૯૪૦–૧૯૬૦) પ્રમુખ સર્જકો : રાજેન્નદ્રર શાહ, નિરંજન ભગત તથા બીજા ાનેક બહુ જાણીતા સાહીત્યકારો.

    * આધુનીક યુગ : (૧૯૬૦–૧૯૮૦) પ્રમુખ સર્જકો : આ સમયને સુરેશ જોશીયુગ પણ કહેવાયો છે.

    * ઉત્તર આધુનીકયુગ : (૧૯૮૦–૨૦૦૦) આ યુગના સર્જકોનાં નામો લખવાં જરુરી ખરાં ?

    • P. K. Davda

      બહુ જ ઉપયોગી માહિતી તમે આપી છે. ભવિષ્યમાં આ લેખને વધારે વિસ્તાર પુર્વક લખવામાં ખૂબ જ ઉપયોગી થશે. આપને મારો આ લેખ ગમ્યો એ મારા માટે ઈનામથી ઓછું નથી. તમારો ખૂબ આભાર.

      • jugalkishor

        ઉમાશંકર–સુંદરમ્ એ ગાંધીયુગના અગ્રણી સાહીત્યકારો. તેમના નામનો યુગ ગણાયો નથી.

  • saryu parikh

    શ્રેી પી.કે.દાવડાનો લેખ ‘સાહિત્ય અને સમાજ’ એ વિષય પર સરસ મુદ્દાઓ રજુ કરે છે. માનવ જીવનમાં સાહિત્ય, ગીત, ભજનની અભિન્ન અસર રહેતી હોય છે. નરસિંહ મહેતા અને તેવા અનેક ગહન સૂજવાળા લેખકો હંમેશા માર્ગદર્શન આપતાં રહેશે.
    આ કમ્પ્યુટરના સાધનથી ગુજરાતી ભાષા વધુ સમૃધ્ધ બનશે તેવી શ્રધ્ધા છે. સરયૂ પરીખ

  • Pravin Shastri

    દાવડાજી આપના બધા જ લેખ અબ્યાસપૂર્ણ હોય છે. આપના લેખમાં સાહ્ત્યના કાવ્ય વિભાગમાં સમાજની અસર નરસી મે’તા થી માંડી, અખા અને નર્મદ અને અવિનાશ વ્યાસ ની કૃતિ પર કઈ રીતે પડી તે સમજાવ્યુમ છે. સમાજની અસર કાવ્ય, ગીત-સંગીત પર રહેવાની જ. સાહિત્ય સર્જક તેની આજુબાજુના સાંપ્રત સમાજનું જ પ્રતિબિંબ રજુ કરશે. હું સાહિત્યકાર નથી. સાહિત્ય અંગેની સમજ વિદ્યાપીઠના મોટેરાઓ પાસે મેળવી નથી. સીધો સાદો કાલ્પનિક વાર્તા લખવા વાળો છું. આપે કહ્યું તેમજ મારી આજુબાજુના અમેરિકામાં આવેલા કુટુંબીજનોની વાતો જ વાર્તામાં વણાય છે. એ રીતે તમારું કથન જે પહેલા બે ફકરામાં લખ્યું છે તે સાર્થક થાય છે.
    સાહિત્ય સમાજને ઘડે તેના કરતાં બદલાતો સમય સાહિત્યને બદલે છે. નવું સ્વીકારવાનું કઠે તો ખરું જ પણ બદલાતું જ રહેવાનું. કાવ્યરચના, ગીત રચના, ઢાળ, લય, સંગીત ફ્યુઝન સંગીત અને શબ્દો બધું જ પરિવર્તનશીલ છે. મારી વેણીના ચાર ચાર ફૂલ વાળું ગીત બોબ્ડ હેરવાળી સાસુ સસરાને કાટમાલ ગણતી આજની ગૃહિણી ગાવાની નથી જ. હું મારી વાર્તામાં ગ્રામ્ય કન્યાની વાત નથી લખવાનો પણ ‘ઓપરેશન કૌટિલ્ય’ જેવી બોલ્ડ યુવતીની વાત લખીશ્ . સાહિત્ય પણ જન સમાજની આરસી જ છે.
    આપના લેખો ટૂકા, સચોટ અને અર્થસભર હોય છે એ સર્વવિદિત છે.

  • pragnaju

    મા શ્રી દાવડાજી એ ચિંતનાત્મક વાત કરી કે સાહિત્ય હંમેશાં સ્થળ અને કાળનાં સ્પંદનો ઝીલે છે. એ સમયના રીતરિવાજ તથા આર્થિક અને સાંસ્કૃતિક બાબતો એમાં વણાઈ જાય છે. સાહિત્યકારોની કાલ્પનિક રચનાઓમાં પણ એ સમયમાં બનતી ધટનાઓની ઝલક મળી રહે છે. આવું થાય છે, કારણ કે સાહિત્યકાર પોતે પણ સમાજનો હિસ્સો છે અને સમાજમાં બનતી ધટનાઓથી એ પોતે અને એનું કુટુંબ પ્રભાવિત થાય છે. આમપણ કોઈપણ વ્યક્તિના વર્તન અને વ્યવહાર પાછળ એના જીવનમાં બનેલી અથવા તેણે જાણેલી ઘટનાઓની અસર થયા સિવાય રહેતી નથી. સાહિત્યકાર પણ આનાથી અછૂતા ન રહી શકે.
    ગુજરાતી ભાષા, સાહિત્ય અને સમાજની ઓળખ બની રહેશે એવી ઘણી બાબતો અહીં નિર્દિષ્ઠ થાય છે.મા શ્રી દાવડાજીએ ૧૬મી સદીથી આજ સુધીની ચર્ચા કરી પણ પ્રાચીન સમયથી ગુજરાતી પેઢી એ માત્ર ગુજરાત પુરતી સીમિત નથી, “હડપ્પા” અને “મુંવે- જો- દર્રો ” સભ્યતાના સમયથી જ એક ગુજરાતી “વિશ્વમાનવ” ની ભૂમિકા ભજવતો આવેલ છે નરસિંહ મેહતા ની હુંડી નો ઈશ્વર દ્વારા “જગતસેઠ ” બનીને કરવામાં આવેલ સ્વીકાર એ ગુજરાતી વ્યાપારિક ઉદારમતવાદનું અને સાથે સાથે એક ગુજરાતીની વ્યાપારિક સંસ્થા તરીકેની વૈશ્વિક વ્યવસ્થાનું ઉદાહરણ છે.
    દરેક સમયે સારું જ સાહિત્ય અને આદર્શ સમાજ ન હોઇ શકે એટલે જુદી જુદી રીતે જાગરણ કરવું પડે .તેનું વર્ણન કરતા સાંપ્રત સમયમા સમાજ અને સાહિત્ય અંગે આપનો નીરાશાજનક સૂર છે પણ સાથે આજે લીસ્બન થી માંડી લ્હાસા સુધી , અલાસ્કા થી માંડી અલ્જીરિયા સુધી, કેપ ઓફ ગુડ હોપ થી માંડી કાસ્પિયન સી સુધી, નિપોન થી માંડી નવાબંદર સુધી ગુજરાતી સમાજ ના દર્શન થાય છે. ગુજરાત એ માત્ર પ્રદેશ નહિ પરંતુ એક વૈશ્વિક સાસ્કૃતિક ઓળખ છે .ડાયાસ્પોરા દાવડાજીનો ભાષા પ્રત્યેના લગાવ અને તેને જીવંત રાખવાના પ્રયત્નો, કોઈપણ પ્રસ્થાપિત લેખક કરતા જરાપણ ઉતરતી કક્ષાના નથી .સમાજમા ગુજરાતી કલા ના રસિકોને શુદ્ધ અને સાત્વિક અને સહજ સાહિત્ય નું રસપાન કરાવશે એવી આશા.
    સૂ શ્રી અનિલાબેનની વાત પણ ચિંતન માંગે છે

    • P. K. Davda

      બહેન, તમારો અભિપ્રાય વાંચી મારો આત્મવિશ્વાસ પાછો આવી ગયો. તમારો ખૂબ ખૂબ આભાર.

  • Anila Patel

    એ વાતતો સર્વ વિદિત છે કે સાહિત્ય એ સમાજની આરસી છે, સમાજને મનગમતુ પિરસાય તો એ વધુ લોકભોગ્ય બને. સાથે સાથે માનવસહજ વૃત્તિ પોતાનો આત્મસન્તોષ કે બીજા પોતાને સમજે. આમેય કવિઓ અને લેખકો બહુ….. લા…બુ જોનારા હોય અર્થાત આર્ષદ્રષ્ટા હોય અને તર્ક શક્તિ કૈક વિશેષ હોય એટલે પોતાના અનુભવોને પોતાની બુદ્ધી અને કલ્પનાની પાખો દ્વારા સાહિત્યને વિહાર માટે મૂકે. જે તે સમાજને રજૂ કરતુ સાહિત્ય જે તે સમાજનુ દર્પણ છે. સમય બદલાય એમ સાહિત્ય પણ બદલાય દા.ત. અત્યારે કોઇ ભવાઈ જેવુ સાહિત્ય પ્રચલિત ન હોવાથી નથી લખતુ અને ફિલ્મો પણ અત્યારના સન્દર્ભમાજ બનતી હોય છે.

  • Harnish USA

    દાવડા સાહેબ, સાહિત્ય અને સમાજ– ટેકનોલોજીની સાથે સાથે બદલાય છે. હું માનું છું કે ટેકનોલોજી હમેશાં જુદો સમાહ ઘડે છે. એનો એક દાખલો– પહેલેના લોકો રેડિયો પર ઘડાયા. આપણે ટીવી અને ટેલિફોનથી ઘડાયા. નવો સમાજ કમ્પ્યુટરથી ઘડાશે .અને તે પ્રમાણે સાહિત્ય સર્જાશે.