મણિપુરી કવિતાનો ટૂંકો ઇતિહાસ – નાઓરેમ બિદ્યાસાગર, અનુ. વિરાફ કાપડિયા 1


(નિસ્યંદન સામયિક, મણિપુરી કવિતા વિશેષાંક, ફેબ્રુઆરી-એપ્રિલ ૨૦૧૫ માંથી સાભાર. અક્ષરનાદને આ લેખ પ્રસ્તુત કરવા માટે પાઠવવા બદલ શ્રી યોગેશ વૈદ્યનો આભાર.)

મણિપુરી સાહિત્યની શરૂઆત મૌખિક સાહિત્યની પ્રણાલિકાને અનુસરીને થઈ. લેખિત સાહિત્યમાં જુવાળ આવ્યો તે પહેલાં મૌખિક પ્રણાલિકા સૈકાઓથી ધારાપ્રવાહ વહેતી જ હતી. આદિથી અત્યાર સુધીની મણિપુરી કવિતાને ત્રણ વિભાગોમાં વહેંચી શકાય: પ્રારંભિક મણિપુરી કવિતા, મધ્યયુગીન મણિપુરી કવિતા અને આધુનિક મણિપુરી કવિતા. સાહિત્યિક ઇતિહાસકાર ચ. મણિહર સિંહ પોતાના ‘મણિપુરી સાહિત્યનો ઇતિહાસ’ નામના લેખમાં જણાવે છે: “મણિપુરી લિપિમાં લખવાનું કદાચ બારમી સદીના અંતમાં શરૂ થયું હશે, પણ પંદરમી સદીના અંતની પહેલાં તો જરૂર.” પ્રારંભિક મણિપુરી કવિતાની રચના પ્રભુભક્તિ, રાજદરબારના કાર્યક્રમ, શૃંગારી ઘટનાઓ, પરાક્રમી કાર્યો અને પ્રકૃતિપૂજા- એવા એવા વિષયોને લઈને થઈ. મોટા ભાગનાં કાવ્યો લયબદ્ધ હતાં. ક્યારેક કાવ્યો સીમિત અક્ષરોમાં લખાતાં. એ સઘળાં કાવ્યો તારીખ કે રચનાકારનાં નામ વિનાનાં છે. લખાણો જૂની મણિપુરી ભાષામાં થયાં હતાં. વિદેશી અને અપનાવેલા શબ્દો ત્યારે ઉપલબ્ધ નહોતા. એ કાવ્યોમાં બીજી રચનાઓની સાથે આ રચનાઓનો સમાવેશ છે: ઔગરી, ખેમ્ચો, આનોઇરોલ, લૈરેમા પાઓસા, યાકૈબા, હિજાન હિરાઓ, આહોન્ગલોન, પખાઙબા લાઙગ્યેનશેઈ, લાન્ગમૈલોન, નિન્ગથૌરોલ, મેઇ, થારોન, નોઙગ્લાઓ એશેઇ, લેઇચીનલોન, લારોલ, ચિંગોઇરોલ વગેરે. મણિપુરી કવિતાનો પ્રારંભકાળ વાસ્તવમાં સત્તરમી સદી સુધી ચાલે છે, અને મધ્યયુગ સત્તરમીથી અઢારમી સદી સુધી. રાજા ગારીવાનીવાજના સમયમાં હિંદુત્વના પ્રબળ પ્રભાવને કારણે મણિપુરી સાહિત્યમાં નવો ઉન્મેષ આવ્યો. રામાયણ અને મહાભારત મણિપુરીમાં લખાયાં. હિંદુ ધર્મપ્રણાલીનાં ઘણાં પુસ્તકો તે અરસામાં પ્રગટ થયાં, ખાસ તો લક્ષ્મીચરિત અને ભક્તિચરિત. બંગાળી, સંસ્કૃત અને વિદેશી શબ્દોનો મણિપુરી ભાષામાં ઉમેરો થવા લાગ્યો. પ્રકાશિત કૃતિઓમાં રચનાકારનાં નામ અને રચનાની તારીખનો પણ ઉલ્લેખ થવા લાગ્યો.

વીસમી સદી મણિપુરી સાહિત્યના પુનરુજ્જીવનનો સમય ગણાય. અંગ્રેજોએ ૨૭મી એપ્રિલ, ૧૮૯૧ના દિવસે મણિપુર પર કબજો કર્યો તે પછી મણિપુરી સમાજમાં અમુક પરિવર્તનો આવવા લાગ્યાં. પાશ્ચાત્ય શિક્ષણનો મણિપુરી સમાજમાં સ્વીકાર થયો. મણિપુરી નિવાસીઓ (વિશેષત: મીતૈઓ) શિક્ષણ મેળવવા લાગ્યા. શિક્ષિત મીતૈઓએ પોતાનું રચનાત્મક કામ સાહિત્ય, સંસ્કૃતિ અને કળાના ક્ષેત્રમાં અજમાવ્યું. જે મણિપુરી ભાષા બંગાળી અને સંસ્કૃતની અસરોથી ચિરકાળ દબાયેલી હતી તેમાં નવા લેખકોએ નવી જાગૃતિ પેદા કરી. ખ્વાઇરાક્પામ ચાઓબા રચિત ‘શત્ર માચા’ ૧૯૩૨માં પ્રકાશિત થયું. એ પુસ્તકનું વિશિષ્ટ કાવ્ય ‘ઈશ્વરદા’ (રચના તારીખ ડિસેમ્બર ૧૭, ૧૯૧૭) એ મણિપુરીની પ્રથમ આધુનિક કવિતા ગણાય. આધુનિક મણિપુરી કવિતાનો નવો ચીલો આ કાવ્યથી શરૂ થયો. આ પહેલાં પાશ્ચાત્ય આધુનિકતાની સમજણ મણિપુરીમાં મોટે ભાગે નહોતી. એ તબક્કાના કેટલાક કવિઓની યાદી આ પ્રમાણે છે: ખ્વાઇરાક્પામ ચાઓબા, ડૉક્ટર લમાબમ કમાલ, હિજામ અન્ગાઙઘલ, હવાઇબામ નબદ્વીપચંદ્ર, અરમબામ દોરેન્દ્રજિત, ચિન્ગખામ મયુરધ્વજા, હિજામ ઇરાબોત, અશંગબામ મીનાકેતન, રાજકુમાર શીતાલ્જિત, સંજેન્બામ નોદિયા, ખુમાનથેમ ઇબોહલ, ખુમાનથામ ગૌરકીશ્વર અને બીજા કવિઓ. એ યુગમાં જે લેખનશૈલી વ્યક્ત થઈ તે અંગ્રેજી સાહિત્યમાં પ્રવર્તિત અલૌકિક રોમાંચક તત્ત્વની શૈલીને (Romanticism) અનુસાર હતી. દેશાભિમાનની ભાવના, ‘ગૌરીય’ વૈષ્ણવ ધર્મની પ્રીતિ, માનવમૂલ્યોની કદર, મનુષ્ય-પ્રકૃતિ-પ્રભુ એ ત્રણે વચ્ચેની સાપેક્ષતા પરત્વે ચિંતા, એવાં એવાં આત્મલક્ષી અને ઝુરાપાનાં તત્ત્વો ત્યારની કવિતામાં જોવા મળતાં. કવિઓ સુકોમળ ઋજુ શબ્દોની, લય અને છંદની તથા સીમિત અક્ષરોની રચનાઓ કરતા.

ચાઓબા, કમાલ અને અન્ગાઙઘલ કવિઓએ જે ‘રોમાંટિક’ પ્રણાલીનો ચીલો પાડ્યો હતો તે બીજા વિશ્વયુદ્ધ પછી એકદમ બદલાઈ ગયો. પહેલાંની પદ્ધતિને તોફાનની જેમ ધસી આવતી નવી પેઢીએ છિન્નભિન્ન કરી નાખી. કવિતામાં નવાં લક્ષણો દેખાવા લાગ્યાં. પાશ્ચાત્ય આધુનિકતા અને વર્તમાન સંસ્કૃતિની નવી ઝલક મણિપુરી કવિતામાં જણાવા લાગી. “ન્ગાસી“ નામના ૧૯૪૯માં પ્રકાશિત અને કૈશમ કુંજબિહારી દ્વારા સંપાદિત સામયિકમાં પ્રગટ થયેલું એલઙબામ નીલકાંતનું કાવ્ય ‘મણિપુર’ એક વિશિષ્ટ કાવ્ય હતું; એ આધુનિક મણિપુરી કવિતાનો પ્રથમ પાયો કહેવાય. એટલે નીલકાંતને આપણે આધુનિક મણિપુરી કવિતાના જનક તરીકે માનીએ છીએ. આ કાવ્ય યુદ્ધોત્તર છિન્નભિન્ન થયેલા મણિપુરી સમાજનું ચિત્ર ખડું કરે છે, અને બીજા વિશ્વયુદ્ધની અસરો, નીતિભ્રષ્ટ રાજનીતિજ્ઞોનું કુટિલ રાજકારણ, લથડતું જતું અર્થતંત્ર, નૈતિક ધોરણો પ્રત્યે મનુષ્યની અવગણના, તથા આશા-હતાશા વચ્ચેનું અસંતુલન એ પરિસ્થિતિઓનો ચિતાર આપે છે. વળી, લૈશરામ સમરેન્દ્ર એમનાં ‘સીતા’ નામક કાવ્યમાં (સામયિક ‘કવિ તર્પણ’, તંત્રી ખૈદમ પ્રમોદિની, ૧૯૬૦) મણિપુરની સ્ત્રીઓને સતીની ભારતીય પ્રથામાંથી મુક્ત થવાનું નિવેદન કરે છે. આ બે કાવ્યોએ તે યુગના યુવાન કવિઓને પ્રભાવિત કર્યા. તો વળી નીલકાંતના ‘લમ્મઙનાબા’ અને સમરેન્દ્રના ‘કોનુઙ કાઙ તુબાદા’ કાવ્યોએ આધુનિક મણિપુરી કવિતાની સ્થાપનામાં વધુ ફાળો આપ્યો. પછી ૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં આવ્યા નોઙથોમબામ શ્રી બીરેન, રાજકુમાર મધુબીર, થાઙજમ ઈબોપિશાક, યુમ્લેમ્બામ ઇબોમ્ચા જેમણે આધુનિક મણિપુરી કવિતાને વધુ સમૃદ્ધ કરી. એ કવિઓએ પ્રવર્તિત સામાજિક વ્યવસ્થા, ધાર્મિક આચરણ, રાજનૈતિક કારભાર, સંસ્કૃતિ, અને ભ્રષ્ટ નીતિમત્તાનો સખત વિરોધ કર્યો. તેમણે દુ:ખિત સ્વરે વખોડણું કર્યું કે ભગવાન મરી ગયો છે. ગંદાં, નગ્ન રૂપકોનો, ઘૃણિત અને ક્રોધિત લાગણીનો છૂટથી ઉપયોગ કર્યો. આવી જ જાતનાં પ્રતીકોને ચિત્રિત કરતો યુમ્લેમ્બામ ઇબોમ્ચા, થાઙજમ ઈબોપિશાક અને રણજિત ડબલ્યુ. એ કવિઓ રચિત ‘સિન્ગનાબા’ (૧૯૭૪) નામનો એક કાવ્યસંગ્રહ બે ખંડોમાં બહાર પડ્યો. કવિતાના આ ઝોકને અનુસરીને ‘હમદ્રાદા હમલાકપા નોઙલેઇ’ શીર્ષક હેઠળ એક કાવ્યસંગ્રહ ૧૯૭૯માં પ્રકાશિત થયો, જેના કવિઓ હતા રાજકુમાર ભૂબોનસના, મોઈરાઙથેમ બોરકન્યા દેવી, કોન્જેઙબામ હેમચંદ્ર વગેરે. બીજા કવિઓ પણ આ પ્રકારની કવિતા લઈને આગળ આવ્યા જેવા કે સૌગાઇજામ બ્રજેશ્વર, સાગોલસેમ ધબાલ, અબ્દુસ સહીદ ચૌધરી, સનમાચા, યુમ્નામ નયન, હાઓરોઙબામ પરિમલ, ઈલાબન્ત યુમ્નામ, કોનસામ કુલધ્વજા, કોન્થૌજામ કલેન્જાઓ, થોકચોમ બિશ્વનાથ, બી. એસ. રાજકુમાર, આદિ. આ કવિઓએ કવિતાનાં જે લક્ષણો આકાર્યાં તેમાં આપણને જોવા મળે છે આધુનિકતાનો રસાસ્વાદ, વાસ્તવિક અને વસ્તુલક્ષી દૃષ્ટિકોણ તથા પ્રાસ, લય ને અક્ષરોની નકશીમાંથી મુક્તિ.

વીસમી સદીના છેલ્લા દાયકામાં ઉત્તર-આધુનિકતાનો નવો ઝોક આવ્યો. આધુનિક કવિઓની યુરોપ-વર્તી વિચારસરણીનો કેટલાક કવિઓએ વિરોધ કર્યો. નવા સાહિત્યિક મંડળ અશૈલુપ દ્વારા પ્રકાશિત ‘શૈરેઙ’માં (૧૯૯૩) કવિ મેમચૌબીએ આધુનિક કવિઓ પર આક્ષેપ મૂક્યો કે તેઓ “સજાને પાત્ર છે અને પશ્ચિમના નગરજીવનનું તથા ત્યાંના બદ્ધિજીવીઓના ધોરણોનું અનુકરણ કરે છે.” આ કવિઓએ કવિતાપ્રણાલીના વિકેંદ્રીકરણ માટે પ્રયત્ન કર્યો, અને સંસ્થાનિક શાસન બાદની તેમ જ નારીવાદની વિચારસરણીની ઝુંબેશ ઉપાડી. આ કવિઓમાં ગણાય છે અરામ્બમ મેમચૌબી, બિરેન્દ્રજિત નાઓરેમ, લનચેનબા મીતૈ, સરતચંદ થિયામ, દિલીપ મયેઙબમ, લૈરેન્લાકપામ ઇબેમહાલ, રઘુ લૈશાઙથેમ, લોઙજામ કુંજરાની, કોઇજામ શાંતિબાલા તેમ જ અન્ય કવિઓ. જેવી રીતે આધુનિક મણિપુરી કવિઓનો પોતાનો ક્રિયાશીલ દૃષ્ટિકોણ છે તેવી જ રીતે ઉત્તર આધુનિક કવિઓનો પણ નવો ક્રિયાશીલ દૃષ્ટિકોણ છે. આ નવા કવિઓની વિચારસરણીનાં ખાસ તત્ત્વો જીવન ઉપરની શ્રદ્ધા અને આશાવાદની રક્ષા છે, અને એ આધુનિક કવિઓના નકારાત્મક દૃષ્ટિકોણથી સાવ વિપરીત છે. પોતાના મનને સ્વધર્મ, સંસ્કૃતિ અને સ્થાનિક વિશિષ્ટતાઓમાં પરોવીને, પૂર્વેના ઇતિહાસ અને અત્યારના અંધાધૂંધ સમાજમાં સંતુલન સાધીને એમણે નવાં મૂલ્યો શોધવાની કોશિશ કરી છે. આ વાહિયાત લોકશાહીમાં એમણે નવા સ્વતંત્ર રાજ્યનું તૃષાતુર સપનું જોયું છે. પરિણામે, કવયિત્રીઓનાં કાવ્યો નારીવાદને અભિવ્યક્ત કરે છે, અને સ્ત્રીની સામાજિક પ્રતિષ્ઠા સુધારવાનો આગ્રહી સ્વર ઉપાડે છે. પોતાના વિચારોને વ્યક્ત કરવા આ રચનાકારોએ પુરાણકથા, દંતકથા અને લોકકથાનાં સાધનોનો ઉપયોગ કર્યો છે.

જેવા મણિપુરી કવિતામાં નવા કવિઓ આવ્યા કે તરત ઉત્તર આધુનિક કવિઓએ વિદાય લીધી. આ નવા યુવાન કવિઓમાં શામેલ છે આર. જે. મીતૈ, થૌદામ નેત્રજિત, ઈમોજિત નિઙોમ્બા, ડો. ઇરુઙબામ દેવેન, સોબિતા બાચસ્પતિ, રણધીરકુમાર યેન્દ્રેમબામ, સોરોખૈબમ ગામ્ભિની, લમાબામ લીલી, ઓઇનામ ઉષારાની, ક્ષેત્રી રાજેન, નાઓરેમ બિદ્યાસાગર, અબ્દુલ હમીદ, લૌખામ નંદકુમાર અને બીજા કવિઓ. આ કવિઓનાં કાવ્યોમાં નવા શબ્દપ્રયોગો અને નવાં પ્રતીકોનો પરિચય થાય છે, અને ગ્રામ્યજીવનના વિલીનીકરણનું તથા હાલના મણિપુરી સમાજમાંથી સરલતા અને સાદાઈના લયનું આલેખન જોવા મળે છે. તેઓ જીવનના વૈશ્વિક ઉદ્દેશ તરફ ઢળે છે. આ કવિઓની નિષ્ઠા માનવીના ભગ્ન અને બાહરી મૂલ્યોની મર્યાદા વચ્ચે શાંત અને સ્વસ્થ અસ્તિત્વની શોધમાં કાર્યરત છે. તેમના લખાણમાં સુંદર અને નવીન કલાકૃતિનાં દર્શન થાય છે. હજી આ નવા જૂથની કવિતાનું વર્ગીકરણ થઈ શકે એમ નથી. આ પેઢી પછી આવે છે આન્ગોમ સરિતા, પશુરામ થિઙનામ, લૈશરામ લેનીન, વાઙથોઇ ખુમાન, રાજકુમાર કેનેબો, ક્ષેત્રીમયમ મનોજકુમાર, ટોઙબ્રામ અમરજિત વગેરે. એમની કૃતિઓ આજની મણિપુરી કવિતામાં બદલાતા સમાજનું નવું દર્શન, નવો રસાસ્વાદ ઉમેરે છે.

બિલિપત્ર

મણિપુર,
લોકો તને માતા કહે છે
મને પણ કૃપયા તને માતા કહેવા દે.
પણ હું તારા માટે મરી નહીં શકું …

જો કોઈએ મરવાનું જ હોય તો એમને મરવા દે.
જેમણે તારા સ્રોતોને ચૂસીને સૂકા કરી નાખ્યા છે,
અને સાત સાત પેઢીઓ સુધી છેતરીને, ચોરીને,
ધાક ધમકી આપીને અને સંપત્તિ એકઠી કરીને.
એમને તારા માટે મરવા દે હું શા માટે મરું ?

– થાઙજમ ઈબોપિશાક સિંહ


આપનો પ્રતિભાવ આપો....

One thought on “મણિપુરી કવિતાનો ટૂંકો ઇતિહાસ – નાઓરેમ બિદ્યાસાગર, અનુ. વિરાફ કાપડિયા

  • Bankimchandra Shah

    આ કાવ્યની સુન્દરતા માણવા ત્રણ ચાર વખત વાચવુ પડે. આજના સંદર્ભ્ મા કેટલુ સ્ત્ય છે…..