‘જાણ’ હોવા છતાં ‘જાણભેદુ’, સંસ્કારીતામાં છીંડુ.. – કંદર્પ પટેલ 10
બે દિવસ પહેલા હું જયારે અમદાવાદથી ‘ગુજરાત ક્વીન’ના જનરલ ડબ્બામાં પરત ફરી રહ્યો હતો ત્યારે ઘણી વાતો ‘જાણ’માં હોવા છતાં બુદ્ધિ અને મન તેને ‘જાણભેદુ’ બનાવી ‘જાણ’બહાર કરીને ‘ઇન્ફિરિઅરીટી કોમ્પ્લેક્સ’ (લઘુતા ગ્રંથિ)થી પીડાઈને સદાયને માટે વ્યથિત રહે છે, એ બાબત પર ખુબ સારી એવી ચર્ચા થઇ. હા, જનરલ ચર્ચા જ (કારણ, ડબ્બો પણ જનરલ જ હતો ને..!). પરંતુ, ‘કોમન સેન્સ ઇસ નોટ ધેટ મચ કોમન.’ આવી જ વાતો પરથી પરદો ખુલ્યો. મારી સાથે ૩ મોટી ઉંમરના ભાઈઓ હતા, અને પોતપોતાની જગ્યાએ ખુબ સંતોષપૂર્વક રહીને જીવતા હતા. એક ‘ગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડ’ (જી.ઈ.બી.)માં ૨૪ વર્ષથી નોકરી કરતા ભાઈ હતા. બીજા એક મલ્ટીનેશનલ કંપનીમાં લગભગ ૧૮ વર્ષથી જોબ કરતા એન્જિનેઅર હતા. અને ત્રીજા, એકદમ તેજસ્વી ચહેરો, એકદમ પ્રતિભાયુક્ત, સ્પષ્ટવક્તા અને અનુભવનો ખજાનો, ઈંગ્લીશ અને ગુજરાતી બંને ભાષા પર અભૂતપૂર્વ પ્રભુત્વ, જે માત્ર ૩ ચોપડી ભણેલા હતા.