બેજુબાન! (ટૂંકી વાર્તા) – સમીરા પત્રાવાલા 13


ઊઊંઊંઊ….. મોમ! મને કોઈ અંદર કબ્રસ્તાનમાંનથી જવા દેતું… મોમ! તારા બધા સગા જાય છે તો મને કેમ નથી લઈ જાતાં… હું તો તારું બેબી છું ને? ઉફ્ફ્ફ! આ પટ્ટો મને મારી જ નાંખશે. કોઈ તો રોકો આ લોકોને… મને કેમ મારા ઘરથી દૂર લઈ જાય છે. ઊઊંઊંઊં….

તને ક્યાં શોધું મોમ! મારી તો જિંદગી જ બદલાઈ જાશે મોમ! જિંદગી? આના વિશે તું બહુ વાતો કરતી.. જ્યારે દરિયા અને ઢળતા સૂરજ ને જોતી તો બસ જિંદગી ની ફિલોસોફી જ જાડવા માંડતી… હું અને ડેડ બહુ કંટાળતા એ વાતોથી… મને તો સમજાતું જ નહીં શું હતું જે તું ડેડને કહેતી? જિંદગી હસતા બાળકનો ખિલખિલાટ છે.. જિંદગી ગોડની બનાવેલી અજાયબી છે. ગોડ… ગોડ? એ શું હોય મોમ ? પણ મારે તને પુછવું કેમ હું તો એક પાળેલું પ્રાણી ! બેજુબાન! બસ મને પ્રેમ આવે તો તારી સાથે ગમ્મત કરું, તને ચાટું, કિસ કરું અને મને ગુસ્સો આવે તો ભસું તારી સાથે મન મૂકીને રમવું, પેટ ભરીને જમવું, તારા અને ડેડની વચ્ચે આવીને લાંબા થઈને સૂઈ જાવું, તારા બનાવેલા ચિકન રાઈસ લપલપ કરીને ખાવા, તું મારી સાથે વાતો કરતી રહે અને હું ડેડ કરતાં પણ વધારે તને વ્હાલો લાગું. તું જેને જિંદગી કહેતી એ મારે માટે તો આ જ હતી!

કેવી હતી એ દુનિયા ? ઊઊઊં… એક અંધારી ગલીમાં મને જનમ આપીને મારી મા તો થોડા દિવસોમાં મરી ગયેલી. ભાઈઓ પણ એક પછી એક ગાયબ થતા ગયા. મને હજી પણ યાદ છે મોમ! એક ચમક્તી કાર સટાક થી ઉભી રહી ગયેલી! આવી કાર તો પહેલી વાર જોઈ હતી મેં! ફૂલોથી શણગારેલી અને ખૂબ મહેકતી! એમાંથી એક સફેદ ગાઉન માં “બ્યટિફૂલ રોઝ” જેવી તું ઉતરી હતી મોમ. હા એ જ રોઝ જેની માવજત તું ગાર્ડનની લોનમાં મને રમાડતાં રમડતાં કરતી. મને પણ એ રોઝ બહુ ગમતું. તું ઘરથી બહાર જાય તો હું એને જ જોયા કરતો. તારા જેવું જ લાગતું મને! તું બિલકુલ એના જેવી જ બ્યુટિફૂલ છો. ઊઊંઊં ”ઓહ માય ગોડ વ્હોટ અ ક્યુટ બેબી!” ઉતરતાં જ તું બોલી હતી. એ દિવસે તો હું બચ્યો જ ન હોત જો તે મને પેલા ગલીનાં કૂતરાઓથી બચાવ્યો ન હોત! મને ત્યારે ખબર પડી કે બેબી એટલે ખુબ વ્હાલું અને તારા હાથ માં તો બિલકુલ એ જ હુંફ હતી જે મને મારી માનાં આંચળને વળગીને મળતી!! કદાચ એટલે જ તે મને તારી “મોમ” કેહવાનું શીખવાડ્યું હતું. અને ડેડ તો મને સાથે લઈ જવાની જ ના પાડતા હતા ને? મને ત્યારે ના સમજાયું, ખબર ન્હોતી ને કે એ તારો વેડિંગ ડે હતો? તે મને પીટરની વેડિંગમાં જ્યારે એની વાઈફથી મેળવ્યો ત્યાં તે ખબર પડી કે વેડિંગ ડે માં એવું ગાઉન પહેરે. મેં તો તારું વ્હાઈટ ગાઉન ગંદું કર્યુ હતું. આઈ એમ સોરી મોમ! જો મે પેટે બેસીને બે હાથ જોડી માફી માંગી! તે કેટલી ટ્ર્રીટ આપી હતી આ શીખવવા! પણ એ જ ગાઉન માં તું આજે પણ છે. કેમ?

ઓ માય બ્રુની….. માય બેબી એવું કે’તી તો મને ખૂબ સારું લાગતું…. એમ લાગતું કે ખુલ્લા આકાશ અને ઘુઘવતાં દરિયા પાસે આપણે બંન્ને દોડીને ઠંડા પવનને માણતા હોય! ડેડને તો મારાથી કેટલી ચીડ હતી ને? હું તારી પાસે હોઉં તો તારાથી દૂર ભાગે અને મને વોક પર ના લઈ જાય. મને ખાવા પણ ના આપતાં. પછી કેવા એક દિવસ મને પોતાને “ડેડ” કહેવા સમજાવતાં હતાં? તું સેડ હતીને મોમ? મેં સાભળ્ય હતું ”વી કાન્ટ હેવ બેબી” ડેડ એટલે મને “બેબી” માનતાં ને મોમ? હું તો તારું જ બેબી હતું ને? મને તો તારા વગર ઉંઘ પણ નથી આવતી. મને તો હવે તારી બોલેલી બધી જ વાત સમજાતી હતી. અને ડેડ તને ગુસ્સો કરતાં તો હું કેવો એનાં ઉપર ગુસ્સો કરતો? એ કેવાં હસતાં ને? પણ મારો પહેલો બર્થ ડે મનાવવા કેવાં ગાંડા થયાં હતાં ને? એ ચિકન રાઈસ કેક? આહ! મારા તો મોં માં પાણી આવે છે. અને ત્યારે જ તો પાર્ટી માં પહેલીવાર ડોલીને જોઈ હતી. હું તો જોતો જ રહી ગયો હતો. ગ્રાનપા તો શું કહેતા હતાં કે કૂતરાંનાં વળી બર્થ ડે હોય? એના અલગથી ટોયસ અને કપડાં પણ હોય વળી? મને થયું હતું કે જોરથી એને બટકું ભરી જાઉં ને કહું હું તો મારી મોમનું બેબી છું. અને મારી ગિફ્ટ પણ યાદ છે મને.. કેટલો સરસ બેડ હતો એ! પણ મને તારા વગર ઉંઘ જ ક્યાં આવતી? ક્યારેક સૂતો તો પણ ધમપછાડા કરી તારી પાસે આવી જતો.

ઊંઊંઊંઊં… તું જ્યારે ડેડ સાથે છેલ્લી વાર જતી હતી.. ત્યારે હું ભસી ભસીને તને ના પાડતો હતો. તારા “ગોડ” હતા કદાચ આવ્યાં હતા પણ દેખાતાં ન હતા! મને ગમતું નહોતુ. મારે તને રોકવી હતી એ વાત તું કેમ ના સમજી શકી? પણ “ડોન્ટ ક્રાય બેબી! વી વીલ કમ સૂન” એવું કહીં મને ચોંટી પડી. આહ! અને તારી એ છેલ્લી હગ! કેટલી ચાટી હતી મેં તને! ન તું આવી મોમ.. કે ન ડેડ! કાર પણ નથી દેખાતી તારી…

મોમ! મને પટ્ટો નથી ગમતો આ. ઊંઊંઊંઊં.. એને કહો હું નાઈસ છું.. મને ક્યાં લઈ જાય છે આ લોકો? આ બીએમસી શું છે જેની વાત થાય છે? આ લોકો મને સારી જગ્યાએ નથી લઈ જાતા એવું લાગે છે.. ત્યાં સારું ખાવા મળશે? અને તું? પણ તને તો મોટા કોફિનમાં લઈ ગયાં. ગ્રાનપા પણ આમ કોફિનમાં ગયાં પછી ન દેખાયા. તું મને ન લઈ ગઈ સાથે? શું છે ત્યાં? મને તું કેવી પેટ શોપ લઈ જાતી! નવડાવવા અને મારા માટે જાત જાતનું ખાવાનું.. ટ્રીટ,. ટોયસ,. ટી શર્ટ અને જેકેટ લાવતી. મને ત્યારે સમજાતું કે હું “સ્ટ્રૅ” ડોગ છું. ત્યાં આવતા બાકી બધા મારાથી કેટલા સુંદર હતાં? એમનાં મોમ ડેડ મને જોઈને અલગ વર્તન કરતાં જાણે હું બીજી દુનિયાનો છું. ઊંઊંઊંઊં.. પણ મને તારા અને ડેડ જેવું કોઈ વ્હાલ ન્હોતું કરતું.

તે બીએમસી એટલે શું ના સમજાવ્યું. તું ઈશારો કરત તો પણ સમજી જાત! મોમ! તને કેટલી ખબર પડતી મારા મનની વાતોની અને મને તું ગુડ બોય કેહતી તો હું તને ચાટીને નવડાવી દેત ….ઉફ્ફ્ફ! યાદ છે ને કે મને બાજુની પોમેરિયન ડોલી ગમતી તો તું મને એની સાથે રમવા દેતી. અને પછી આન્ટી જોઈ જાતા અને મને સ્ટ્રે કહી ઝઘડ્યા હતા તો તું કેવી લડી હતી અને એને મનાવી લીધા હતા! પીટર પણ કેહતો હતો કે સારી બ્રીડનો હોત તો આપણે રાખત. આ તો સ્ટ્રે છે. શું હું સારોનથી? મેં બધું જ શીખ્યુ તારી પાસેથી.. શેક હેન્ડ કરતા. ખાતા પીતા, ન્હાતા, પી-પોટી કરતા.. હગ કરતા, થેન્ક્યુ અને સોરી કહેતા.

શું હશે બીએમસી? કોઈ માણસ છે.. અહીં નાં લોકો તો મને પટ્ટામાં રાખે છે …સારા હશે? કોઈ જગ્યા હશે? આપણા ઘર જેવી હોય તો મને કોઈ વ્હાલ કેમ નથી કરતું? ડેડનાં વિસ્કી જેવું તો નહીં હોય ને? મને એમનું વિસ્કી તો સમજાતું જ નહીં. સ્મેલ કરું તો વાસ આવતી. ગ્રાનપા કહેતાં સેડ હોય તો પીવાય અને ડેડ એને ખુશ થાય ત્યારે “સેલીબ્રેશન” કહેતાં. તને નહોતું ગમતું ને? તું ગઈ ત્યારે પણ તમે સેલિબ્રેશન માં જ ગયાં હતાં.. તો શું?

ત્યાં જ જોરથી બ્રેક લાગે છે. અને બ્રુનોનાં વિચારો સળિયાં પાછળ પૂરેલાં ઢગલાં બંધ કૂતરાંઓનાં અવાજમાં ઓગળી જાય છે અને ચેહરા પર છવાય છે કંઈ કેટલાં ડર ભરેલાં પ્રશ્નાર્થ!!

– સમીરા પત્રાવાલા


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “બેજુબાન! (ટૂંકી વાર્તા) – સમીરા પત્રાવાલા