આજનો લેખ આપણા સૌને સમાન રીતે સ્પર્શે છે. ભારતમાં ઈન્ટરનેટની સ્વતંત્રતા કે વપરાશકારોની મરજી પર બંધન નાખવાના અને તેને ભોગે ફોન કંપનીઓ અને કેટલીક વિશિષ્ટ કંપનીઓને લાભ આપવાના પ્રયાસ રૂપ પ્રયત્નો અને તેની શરૂઆત છેલ્લા થોડાક દિવસમાં જોવા મળી છે.
થોડાક મહીના પહેલા ઇન્ટરનેટ.ઓર્ગ નામે ફેસબુક અને રિલાયન્સની જુગલબંધી જોવા મળી હતી, જે મુજબ એક ખાસ ટેલીફોન કે મોબાઈલ ડેટા ઓપરેટરની સાથે કેટલીક વેબસાઈટ્સ ઈન્ટરનેટ વપરાશ માટે કરાર કરે છે. જેમ કે ઉપરોક્ત વ્યવસ્થા અંતર્ગત તમને ફેસબુક, એનડીટીવી, ઓએલએક્સ, આજતક વગેરે નિઃશુલ્ક – ડેટા પેક સબસ્ક્રાઈબ કર્યા કે અલગથી ઈન્ટરનેટ માટેનો ચાર્જ ભર્યા વગર રિલાયન્સ મોબાઈલ સેવા દ્વારા ઉપયોગ કરી શકો.
તેની સામે સ્પર્ધા કરવા હવે એરટેલ દ્વારા શરૂ કરાયેલ એરટેલ ઝીરો પ્લેટફોર્મ ફક્ત એ જ એપ્લિકેશન્સ તમને નિઃશુલ્ક ઉપયોગ કરવા દેશે જેમની સાથે તેમણે ભાગીદારી કરી છે. તેની આ યોજનાને તેના પાર્ટનર ફ્લિપકાર્ટ દ્વારા સથવારો મળ્યો છે. આનો અર્થ એ કે જો તમારી પાસે એરટેલનું કનેક્શન હોય તો તેની પાર્ટનર એપ્સ જેમ કે ફ્લિપકાર્ટ નિઃશુલ્ક – ઈન્ટરનેટના અલગ ડેટા પેક વગર વાપરી શકો. પણ આ દેખીતો ફાયદો મોટા નુકસાનની શરૂઆત છે.
એક ટેલીફોન ઓપરેટર દ્વારા જેની સાથે ભાગીદારી કરી છે એ એપ્લિકેશન સિવાયની એપ્લિકેશન વપરાશમાં લેવા તમારે અલગથી પૈસા ચૂકવવા પડશે. મતલબ કે એરટેલ પર ફેસબુક કે ફેસબુક મેસેન્જર વાપરવા અલગથી પેકેજ હોય એવી શક્યતા અસ્થાને નથી. તો રિલાયન્સ પર ફ્લિપકાર્ટ વાપરવા અલગ પેકેજ હોઈ શકે છે. ધારો કે વોટ્સએપ દ્વારા રિલાયન્સ સાથે ભાગીદારી નથી કરાઈ, પણ હાઈક દ્વારા કરાઈ છે. તમે વોટ્સએપ વાપરવા માંગો છો તો કાં તો તમારે એ ઓપરેટર સાથે જોડાવું જોઈશે જે વોટ્સએપ નિઃશુલ્ક વાપરવા આપે છે અથવા તમારે વોટ્સએપ વાપરવા અલગથી ચાર્જ ચૂકવવો પડશે. હવે તેમાં વળી વોટ્સએપ નિઃશુલ્ક કોલિંગ માટે અલગથી પૈસા ભરવા પડી શકે. એ જ રીતે તમારે યૂટ્યૂબ પર વિડીયો જોવા, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ કે અન્ય કોઈ પણ સોશિયલ નેટવર્કિંગ, અરે કોઈ પણ વેબસાઈટ જેનું તમારા ઈન્ટરનેટ ડેટા પ્રોવાઈડર સાથે જોડાણ નથી, જોવા અલગથી પૈસા ચૂકવવા પડશે. જેમની સાથે ટેલીકોમ કંપનીઓનું જોડાણ હશે એવી વેબસાઈટ્સના વપરાશનો વપરાશકારનો ડેટા માટેનો ખર્ચ જે તે વેબસાઈટ ભરશે આમ ઈન્ટરનેટ તમારા માટે નિઃશુલ્ક થઈ જશે, પણ એ ફક્ત ભાગીદારો પૂરતું જ હશે.
વળી આનો અર્થ એ પણ થાય કે જો ટ્વિટર કોઈ અબક મોબાઈલ કંપની સાથે જોડાય અને તેનું કનેક્શન વાપરીને તમે તેની વિરુદ્ધમાં લખો તો એ તમારા ટ્વિટ્સ રોકી શકે, તેને ફાયદો થાય એ જ પ્રસારીત થવા દે. તમે ફેસબુક પર ફેસબુક કે રિલાયન્સ વિશે અણગમતી કોમેન્ટ કરો તો રિલાયન્સ એ રોકી શકે એવી શક્યતા પણ અસ્થાને નથી.
નાના ઉદ્યોગકારો જેઓ નાનકડી વેબસાઈટ્સથી પોતાનો વિચાર અમલમાં મૂકી ઈન્ટરનેટના સમુદ્રમાં ઝંપલાવે છે તેમને આગળ વધવા કોઈ જ રસ્તો નહિં મળે. ગૂગલ હોય કે ફેસબુક, ટ્વિટર હોય કે યૂટ્યૂબ, દરેકની શરૂઆત સામાન્યથી જ થઈ હતી, પણ નવા સંજોગોમાં આવી શરૂઆત ખૂબ મુશ્કેલ થઈ રહેશે.
એક વાત એમ પણ છે કે કંપનીઓ ઈન્ટરનેટના ભાગ કરશે, ઝડપી અને ધીમું – તેમનું જેમની સાથે જોડાણ છે તેના માટે ઝડપી અને અન્યો માટે ધીમું, ઈન્ટરનેટની આવી ફાસ્ટ અને સ્લો લેનથી વપરાશકારો આપમેળે અમુક જ વેબસાઈટ્સ વાપરતા થઈ જાય એ પણ સંભવ છે. અને સૌથી મોટો ગેરફાયદો નવા સાહસો અને વિચારોને થશે જેમને શરૂઆતમાં જ એરટેલ કે રિલાયન્સ જેવી કંપનીઓને તેમના વપરાશકારો માટેનો ડેટા ચાર્જ ભરવો અસંભવ હશે… કારણ કે જેઓનું તેમની સાથે જોડાણ હશે તેમને ઝડપી સ્પીડ મળશે, જે જોડાણ નહીં કરી શકે તેમની સ્પીડ સદાય ધીમી જ રહેશે. દા. ત. ફ્લિપકાર્ટ એરટેલ સાથે જોડાણ કરશે તો તેનો વ્યાપાર વધારવા એરટેલ પર તેની સ્પીડ ઝડપી હશે, પણ જો અબકને પોતાનો વ્યાપાર ઇન્ટરનેટથી વધારવો હશે તો તેની વેબસાઈટ ધીમી રહેશે, લોકો ઝડપી વપરાશને લીધે ફ્લિપકાર્ટ તરફ ખેંચાય એટલે અબક આપોઆપ સમેટાઈ જશે. આમ ઈન્ટરનેટ ફક્ત થોડીક એપ્લિકેશન્સ કે વેબસાઈટ્સમાં સંકોચાઈને રહી જશે, તેની સ્વતંત્રતા અને આપણો અધિકાર બંને જોખમમાં આવી જશે. ઈન્ટરનેટ ન્યૂટ્રલ નહીં રહે, અને એરટેલ કે રિલાયન્સ જેવા સર્વિસ પ્રોવાઈડર્સ યૂટ્યૂબ, વોટ્સએપ કોલિંગ, સ્કાઈપ, વાઈબર, લાઈન વગેરે માટે તમારે અલગ અલગ પેકેજીસ લેવા પડશે અને એનો ચાર્જ આ ટેલીકોમ ઓપરેટર્સ ધારે એમ ઉઘરાવી શક્શે.
આ વિશે વધારે માહિતી માટે નીચેના બે વિડીયો જોઈ જશો…
આ વિશેનો નિર્ણય ભારતમાં ટેલીકોમ રેગ્યુલેટરી ઑથોરીટી ઑફ ઈન્ડિયા TRAI કરે છે. (આ વિશે વધુ વાંચો http://www.netneutrality.in) ૨૪ એપ્રિલ ૨૦૧૫ પહેલા આપણે – ભારતીય વપરાશકારોએ તેમને ઈ-મેલ દ્વારા ઈન્ટરનેટની નિષ્પક્ષતા માટેની જરૂરતો વિશે તેમણે પૂછ્યા છે એ પ્રશ્નોના જવાબો સાથે વિગતે કહેવાનું રહે છે. તો આ માટે આપને http://www.savetheinternet.in પર જઈને TRAIને અહીં તૈયાર કરેલો ઈ-મેલ કે તેમાં તમારે કરવા હોય એ ફેરફાર સાથે મોકલવાનો રહે છે. બધી જ વિગતો ત્યાં ઉપલબ્ધ છે અને આ કાર્ય એક બે જ મિનિટ લેશે, પણ એ ભારતમાં ઈન્ટરનેટની સ્વતંત્રતા પર તરાપ મારવા તત્પર આવા ઉદ્યોગગૃહોને રોકવાનો આપણો સહીયારો પ્રયત્ન હશે.
આશા છે આ વાતનો વધુ પ્રસાર કરી શક્ય એટલા વધુ લોકો ઈ-મેલ TRAIને મોકલે. જો યોગ્ય લાગે તો આ વિશે તમારા મિત્રોને પણ જણાવશો.
Kharekhar vichar mango le tevi vaat chhe. Please, take it seriously.
A timely article.. Jignesh bhai
Please circulate.. .Publish this in social media ( FB , Watsapp ETC)
વાહ વાહ ખૂબ સરસ ..