ઋણાનુબંધન – મનિષ રાજ્યગુરુ 12


(‘નવચેતન’ સામયિક માર્ચ-૨૦૧૫ના અંકમાંથી સાભાર)

બપોરના થાક્યોપાક્યો માંડ આડો પડ્યો હતો. ઉનાળાનો સૂર્ય દિવસે ને દિવસે વધુ આકરો બનતો જતો હતો. લૂ અનરાધાર વરસતી હતી. પડખાં ફેરવતો હતો ત્યાં જ લતાનો આદેશ છૂટ્યો :
‘ઍક્ટિવા બંધ છે. સુરેશ, તમે મને જી.પી.એસ.સી.ના ક્લાસ સુધી વિકાસવર્તુળ મૂકી જાવ ને.’ ઘરધણીનો આદેશ એટલે સુરેશ માટે ના પાડવાનો સવાલ જ નહિ.

બાઈકની કિક મારી મને-કમને નીકળી જવું પડ્યું. તડકામાં લતાએ બુકાનીની જેમ દુપટ્ટો મોં પર બાંધેલો ને પોતે તો ઉઘાડા-છોગે. લતાના મનમાં તો ઉચ્ચશિક્ષણના અરમાન હતા. લતા રસ્તામાં નોલેજ – પરીક્ષાની નવી નવી વાતો કરતી હતી. સુરેશના મન પર તો ઊંઘ જ સવાર હતી. ક્યારે ગામનું તળાવ ને વિકાસ-વર્તુળ આવી ગયું તેની ખબર જ ન પડી. ને લતાએ લહેકો કર્યો :
‘સાંજે લેવા આવી જજો.’

‘હા…’ લતાનું સાંભળ્યું ન સાંભળ્યું કરી સુરેશે ગાડી જવા દીધી.

ગાડી બે ડગલાં ગઈ ત્યાં જ થોડી હોહા થતી જોઈ. સુરેશે ગાડી થોભાવી. લતા તો ઝડપભેર ક્લાસમાં જતી રહી હતી. સુરેશ ગાડી પાર્ક કરે ત્યાં તો મોટું ટોળું થઈ ગયું.

એક રિક્ષા ચાલુ હતી. રિક્ષાચાલકે મોં પર રૂમાલ બાંધેલો હતો. રિક્ષાની આસપાસ પંદર – સોળ વર્ષની સાવ લઘરવઘર છોકરીને રિક્ષા તરફ ખેંચીને માર મારવામાં આવી રહ્યો હતો. એક યુવતી જેના મોં ઉપર થપેડો – એક મેકઅપ કરેલો તે તો આ લઘરવઘર છોકરીને ઉદ્દેશીને કહી રહી હતી : ‘છાની માની આ રિક્ષામાં બેસી જા નહિતર આ લોકો તને નહિ છોડે.’

‘નહિ… નહિ…’ પોકારતી છોકરીએ પોતાનું બધું બળ અજમાવી તેને તથા તેની સાથે આવેલ આધેડ સ્ત્રીનેય પાડી દીધી. આધેડ સ્ત્રીના મોઢામાંથી ખાધેલા પાનના રગેડા હોઠ બહાર નીકળી આવ્યા.

સુરેશ તો જોતો રહી ગયો.

આખું ટોળું સોએક માણસોનું હશે. આબાલવૃદ્ધ બધાં માત્ર જોઈ રહ્યાં હતાં. કોઈ તેને બચાવવા આગળ આવતું ન હતું. હું પણ ટોળાની સાથે ટોળું થઈ બસ એમ જ ઊભો હતો.

બળજબરી ચાલુ જ હતી. ત્રણચાર સ્ત્રી ને એકાદ પુરુષની સામે લઘરવઘર છોકરી લાચાર હતી. તેની હાર નિશ્ચિત હતી.

‘રાંડ ! હરામજાદી, મફતમાં ખાવું સે, મફતમાં નથી આણી’ તોછાડાઈ સાથે જોરદાર ધક્કો મારી આધેડ સ્ત્રીએ લઘરવઘર છોકરીને રિક્ષામાં બેસાડી જ દીધી.

સુરેશ વિચારતો જ રહ્યો…

હું તો શિક્ષકજીવ… પરંતુ ટોળામાંથી કોઈ આગળ ન આવ્યું. ભારતની અબળાને બચાવવા કોઈએ હિંમત ન કરી.

દુષ્કર્મ બાબતે મોટા મોટા બણગા ફૂંકતા નેતાઓ બધા ચૂપ. તેના મનમાં એક યુદ્ધ ચાલી રહ્યું હતું.

બાઈક ઘરે ન પહોંચી.

અધૂરી ઊંઘ પૂરી કરવાને બદલે વિચારે ચડેલા મને તેને ખુલ્લા મેદાન તરફ ધકેલી દીધો. આ ખુલ્લા મેદાન જેવું વેરાન જીવન બનાવી દેશે એ લોકો પેલી લઘરવઘર છોકરીનું.
ઘરે જઈ ટી.વી. ઑન કર્યું.

ગમતા સાધુનું પ્રવચન આજે ક્ષુલ્લક લાગ્યું. દંભ લાગ્યો. આમતેમ આંટા માર્યા. મન ક્યાંક લાગતું ન હતું. દ્રશ્ય નજર સમક્ષથી જતું ન હતું.

ભાવનગરમાં સાંજ થવા આવી હતી.

સૂર્યદેવ હોલવાવાની તૈયારીમાં હતા.

થોડી ઠંડક પ્રસરવાની તૈયારી થઈ ગઈ હતી, પરંતુ સુરેશના મનની આગ શમતી ન હતી.

લતાને લેવા જવાનો સમય થઈ ગયો હતો. પહોંચ્યો ત્યારે લતા બહાર જ વેઈટ કરતી હતી. બંને ઝડપભેર ઘર તરફ જવા નીકળ્યાં. હમણાં જ બનેલી ઘટનાનું સ્થળ તેની નજર સામે હતું. થોડી રિક્ષાના ખડકલા હતા. નગર પહેલાંની જેમ જ ધબકતું હતું.

રસ્તામાં બનેલી ઘટનાની વાત કરી.

‘આવું બધું બન્યા જ કરે, કેટલો જીવ બાળીશું બીજા માટે ?’ લતાની સંવેદનાવિહીન વાતથી સુરેશનું મૌન ઘર સુધી ચાલ્યું. ઘર આવતાં જ રૂટીન લાઈફમાં બધું જ ગોઠવાઈ ગયું. આ ઘટનાની સુરેશ પર થોડા દિવસ અસર રહી. સમયને જતાં ક્યાં વાર લાગે છે. ધીરે ધીરે સુરેશ નિવૃત્ત થવાના આરે આવી પહોંચ્યો ને લતા પણ.

પંદર વર્ષનો ગાળો વહી ગયો.

સુરેશ રૂટીન ચેક-અપ માટે ‘રામમંત્ર’ હોસ્પિટલના વેઈટિંગ રૂમમાં બેઠો હતો. ત્યાં એક સિત્તેરેક વર્ષના દાદાએ પ્રવેશ કર્યો. ઓળખવામાં સુરેશે જરાય ભૂલ ન કરી.

‘રઘુદાદા, તમે ?’ ‘હા, જોને ભાઈ, આ મારી દીકરી કાલે મને ચક્કર જેવું લાગ્યું ને બધા રિપૉર્ટ કરાવવા મને લઈ આવી.’ જેના ટેકે ટેકે ચાલતા હતા તે ચાલીસેક વર્ષની સ્ત્રીને ઉદ્દેશીને રઘુદાદાએ કહ્યું.

‘પણ, તમે તો રામદાસ આશ્રમમાં રોજ મળો છો. પણ તમે કહેતા હો છો આપણે આગળપાછળ કોઈ નથી. આપણે તો ફક્કડ રામ.’

‘લાંબી વાત છે. ક્યારેક વાત…’ રઘુદાદાએ ટૂંકમાં પતાવ્યું. સુરેશે વિદાય લીધી.

પણ રઘુદાદા સાથે આવેલી ‘સ્ત્રી’નો ચહેરો જાણે અત્યંત પરિચિત હોય તેમ સુરેશને લાગ્યું. સુરેશ મનોમન બબડ્યા કર્યો. ‘મેં એ સ્ત્રીને ક્યાંક જોઈ છે.’

ડોરબેલ વાગી. બારણું ખૂલ્યું.

‘પૂજા બેટા, કોણ છે ?’ રઘુદાદાએ સોફામાં બેઠા બેઠા છાપું વાંચતા જ કહ્યું.

‘સવારવાળા અંકલ.’ ‘સુરેશ, આવ… આવ…’

‘કેમ અચાનક…’

‘રઘુદાદા, મને તમારી પેલી લાંબી વાતમાં રસ છે. એટલે જ આવ્યો છું.’ પૂજા ચા બનાવવા ગઈ ત્યારે સુરેશે હળવેકથી કહ્યું.

‘બહુ ઉતાવળો, ભાઈ.’

‘લે તને વાત કરું.’

‘પંદર-સત્તર વર્ષ પહેલાની વાત હશે. આ પૂજાને તળાવ પાસે બે-ત્રણ બૈરાં ધંધો કરાવવા મજબૂર કરતા હતા.’

‘ફલાણી તારીખ ને ફલાણો વાર, વિકાસવર્તુળ ?’ સુરેશ એકીશ્વાસે બોલી ગયો.

‘ને પછી બળજબરીથી રિક્ષામાં બેસાડી તેને ઉઠાવી ગયા. એમ જ ને ? પછી શું થયું ?’ સુરેશને ફિલ્મની પટ્ટીની જેમ ઘટના રીવાઈન્ડ થઈ.

‘તને કેમ ખબર?’

‘હું ટોળામાં જ હતો. જ્યારે મેં પૂજાને જોઈ ત્યારથી એમ થતું હતું મેં ક્યાંક તમારી દીકરીને જોઈ છે.’

‘એમ, તો તો તને રસ પડશે. પછી થોડી વારે મેં બાજુવાળી રિક્ષાવાળાને પૂછ્યું, તેની વાત સાંભળીને મને આંચકો લાગ્યો. પૂજાનો બાપ તેને સાત હજારમાં વેચીને ચાલ્યો ગયો હતો ને આ લોકો ધંધો કરાવવા મજબૂર કરતા હતા.

બસ, હું ઘેર જઈ સાત હજાર લઈ આવ્યો. પૂજાને ઘેર લઈ આવ્યો. પત્ની બનાવવા. પણ પૂજા મારી દીકરી હતી. મેં તેને સાચવી. આમ તો તેણે મને સાચવ્યો. મારા ટૂંકા લગ્નજીવન ને નિઃસંતાન જીવનમાં પૂજાએ નવા રંગો પૂર્યા. છેલ્લાં પંદર વર્ષમાં મને જીવન જીવતો કર્યો.’

‘દાદા, યુવાન દીકરીનાં લગ્ન માટે વિચાર્યું ?’ સુરેશે વાત કરી. બધું સાંભળી રહેલી પૂજા પ્રવેશી ને બોલી.

‘સુરેશભાઈ, પંદર વર્ષમાં દાદાએ મને પંદરસો વાર કહ્યું હશે ને પંદર માગાં લઈને પણ આવ્યા હશે. પણ ‘પોતાનાં’ને મૂકીને ‘પારકાં’ને વહાલાં કરતાં મારો જીવ નથી ચાલતો.’

‘પણ આમ કેટલાં વર્ષો ?’ સુરેશ બોલ્યો.

‘પપ્પાના “ઋણાનુબંધન” આજીવન તો નહિ જ છૂટે મારાથી.’

આટલું બોલતા તો પૂજાની ને દાદાની આંખમાંથી દરિયો પસાર થઈ ગયો.

– મનિષ રાજ્યગુરુ


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “ઋણાનુબંધન – મનિષ રાજ્યગુરુ