ચાર તરોતાઝા ગઝલો.. – રાકેશ હાંસલિયા 8


૧. ગઝલ

આમ તો વર્ષાય અવસર થઈ ગઈ
સીમ આખી આયનાઘર થઈ ગઈ

આંગણામાં એમના પગલા પડ્યા
ઝૂંપડી બે વેંત અદ્ધર થઈ ગઈ!

મેં તો એમ જ ચીંધી એના ઘર તરફ
આંગળી મારી તવંગર થઈ ગઈ!

મેલી ઘેલી એક વૃદ્ધાએ જરા
શિશુને તેડ્યું તો એ સુંદર થઈ ગઈ!

નીકળ્યો છે જ્યારથી અહીં હાઈવે
કેટલી કેડીઓ પડતર થઈ ગઈ!

દીકરો મોટો થયાની છે ખુશી,
ખેદ છે કે ટૂંકી ચાદર થઈ ગઈ!

વાદળો એવી રીતે વરસી પડ્યાં
ગારની ભીંતોય ખેતર થઈ ગઈ!

ચોપડીઓ જોઈ એના હાથમાં
લાગણીઓ મારી દફ્તર થઈ ગઈ.

૨.

બારીમાંથી વન ભલે દેખાય છે
એમ ક્યાં આંખોને ઠંડક થાય છે!

જેમ ભીંજે વૃક્ષ પર્વત ને હવા
એ રીતે ક્યાં કોઈથી પલળાય છે.

એટલો મોટો થયો એનો અહમ
કોઈને રસ્તોય ક્યાં પૂછાય છે!

વાત એ સમજાય નહીં કાં મન તને?
જાતરા ચરણો વિના પણ થાય છે.

સાંભળીને આંખ ભીની થઈ ગઈ,
કે હવે એનાથી ક્યાં રોવાય છે!

૩.

સાવ તરબોળ ચાસ થાયે છે
ખેતરોમાં ઉજાસ થાયે છે

એક દરિયો થયો છે ગુમ એની
ઓસને ઘર તપાસ થાયે છે

તારી શેરીમાં આમતેમ ફરું,
તોય લાગે પ્રવાસ થાયે છે.

ફૂલ જેવું તું તો હસી નાખે,
કૈંકના તંગ શ્વાસ થાયે છે.

આપવી ઓહ્ય તો દુવા દેજે
આ મૂડી ક્યાં ખલાસ થાયે છે!

૪.

જે કદી પટકૂળમાં બેઠું હશે
એ જ કાલે ધૂળમાં બેઠું હશે

એ તરફ ખેંચાય છે આજેય મન,
કોઈ તો ગોકુળમાં બેઠું હશે.

સાવ અમથી કૂંપળો ફૂટે નહીં
કો’ક નક્કી મૂળમાં બેઠું હશે

એ જ લાવે જાતને હર વાતમાં,
જે સદા વર્તુળમાં બેઠું હશે.

હોય છે જે મ્હેક રૂપે ફૂલમાં,
એ છુપાઈ શૂળમાં બેઠું હશે.

– રાકેશ હાંસલિયા

રાકેશભાઈની ચાર તરોતાઝા ગઝલો આજે પ્રસ્તુત કરી છે. ઝૂંપડીને બે વેંત અદ્ધર કરતી, ગારની ભીંતોને ખેતર કરતી, ચરણો વિના જાતરા કરતી, ખેતરોમાં ઉજાસ કરતી અને ફૂલની મ્હેકને શૂળમાં શોધતી તેમની કલ્પના ભાવકને રસતરબોળ કરી મૂકે એવી અદ્રુત છે. અક્ષરનાદના વાચકો સાથે આ સુંદર કૃતિઓ વહેંચવા બદલ રાકેશભાઈનો ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “ચાર તરોતાઝા ગઝલો.. – રાકેશ હાંસલિયા

  • Bankimchandra Shah

    ખરેખર રાકેશભાઈ મજા કરાવે છે. ખબર નથી પડતી કે તમે ગઝલ લખો છો કે તમે લખો છો એ ગઝલ હોય છે….હુ ઘણા વખતથી વિચાર કરુ છું કે આટ્લી સહજતાથી કલ્પના કાવ્યમા કેવી રીતે રૂપાંતરીત થતી હશે….

  • અશ્વિન અને મીનાક્ષી ચંદારાણા

    બધું જ સુંદર! બસ એક વિચાર જરા કઠ્યો.
    મેલી ઘેલી એક વૃદ્ધાએ જરા,
    શિશુને તેડ્યું તો એ સુંદર થઈ ગઈ.

    બે વાત છે. એક એ, કે ભલે મેલી-ઘેલી અને વૃદ્ધા, તો પણ એના સૌંદર્યને વખોડવું યોગ્ય નથી લાગતું. અને બીજી વાત તે એ, કે શીશુને તેડવા સાથે સ્ત્રીના સૌંદર્યને જોડવાથી બાળકવિહોણી અનેક સ્ત્રીઓને અપમાનિત થવું પડે છે. કવિએ માત્ર સમાજનો આયનો બનવાની જરૂરિયાતથી ઉપર ઊઠીને સમાજને આયનો ધરતાં પણ થવું પડે.