ત્રણ બાળગીતો – જીતેન્દ્ર પ્રજાપતિ 6


૧. ખિસકોલીબેન

ભણવાને જાય, આજ ભણવાને જાય…
ખિસકોલીબેન આજ ભણવાને જાય.

ધોળા તે રંગના કપડાં સીવડાવ્યા,
કાળા તે રંગની મોજડી લઈ આવ્યા
લાલ-પીળા થેલાની કરી સફાઈ
ખિસકોલીબેન આજ ભણવાને જાય.

પાટી લીધી છે નવી પેન છે લીધી,
પાણીની બોટલ પણ નાનકડી લીધી
લાગતી દરેકને આજે નવાઈ
ખિસકોલીબેન આજ ભણવાને જાય.

લલાટે કુમકુમ ચાંદલો કર્યો છે
હાથ ઉપર બંગડીનો જૂડો પહેર્યો છે,
બાંધી પગમાં ઝાંઝરી સવાઈ
ખિસકોલીબેન આજ ભણવાને જાય.

૨. ઢીંગલી

રૂડી રૂપાળી દેખાય
ઢિંગલી રૂડી રૂપાળી,
રૂપનો જાણે પર્યાય
ઢીંગલી રૂડી રૂપાળી.

નાના-નાના પગ
એના નાના-નાના હાથ છે,
નાનાડા મોઢા ઉપર
નાનકડું નાક છે.
જોયા કરવાનું મન થાય
ઢીંગલી રૂડી રૂપાળી.

રેશમી છે વાળ,
એના ગાલ છે ગુલાબી,
આંખો ભૂરી ભૂરી
એનો ઠાઠ છે નવાબી
હળવે હળવેથી મલકાય
ઢીંગલી રૂડી રૂપાળી.

(મારી દીકરીનું વર્ણન/ એ દ્રારા થયેલી એક શાબ્દિક અભિવ્યક્તિ)

૩. રે લોલ

પંખીએ બાંધ્યો છે હીંચકો રે લોલ..
લીલા ઝાડવાની ડળ્,
ભર્યા સરોવરની પાળ
એક પંખીએ બાંધ્યો છે હીંચકો રે લોલ.

હીંચકા પર ઝૂક્યા એ ફૂલડા રે લોલ
ફૂલ મહેકે છે કાંઈ,
મીઠું મલકે છે કાંઈ
એક પંખીએ બાંધ્યો છે હીંચકો રે લોલ.

હીંચકા પર બેસાડ્યા મોરલા રે લોલ
મોર ટહુકે છે કાંઇ,
મીઠું મલકે છે કાંઈ
એક પંખીએ બાંધ્યો છે હીંચકો રે લોલ.

હીંચકા પર ટાંક્યા છે આભલા રે લોલ
એ તો ચમકે છે કાંઈ,
મીઠું મલકે છે કાંઈ
એક પંખીએ બાંધ્યો છે હીંચકો રે લોલ.

– જિતેન્દ્ર પ્રજાપતિ

કવિમિત્ર જિતેન્દ્ર પ્રજાપતિના ઘરે થોડા દિવસ પહેલા લક્ષ્મીજીનું આગમન થયું છે. એ નાનકડી ઢીંગલીને લઈને કવિહ્રદયમાં જાગેલા સંવેદનો આ બાળગીતોમાં અભિવ્યક્ત થયાં છે. સદાય ગઝલો સાથે વ્યસ્ત રહેતા એક કવિને તેમની દીકરીએ આ ગીતો લખવા પ્રેર્યા છે એ વાત કેટલી આહ્લાદક છે! જિતેન્દ્રભાઈને વધાઈ સાથે આ ત્રણેય ગીતોનું પણ સ્વાગત. અક્ષરનાદને આ ગીત પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “ત્રણ બાળગીતો – જીતેન્દ્ર પ્રજાપતિ