(સત્યકથા પર આધારિત)
“બેટા યશ, આ ડીસેમ્બરમાં હું અને દાદી દેશમાં જઈએ છીએ. તારે હવે ક્રિસમસનું વેકેશન પડશે, તું પણ અમારી સાથે ઇન્ડિયા ચાલ. ઘણું નવું જોવાનું, જાણવાનું મળશે, મજા આવશે.”
“પણ દાદા, તમે મારી મમ્મી ડેડીને પૂછ્યું ?” યશે શંકા બતાવી.
“હા બેટા, અમારી હા છે, સાથે સ્કુલની બુક લેતો જજે. ફરવાનું અને સાથે અભ્યાસ પણ કરવાનો.” આમ કહી પલ્લવી અને સંજયે યશને ઇન્ડિયા જવાની રજા આપી દીધી.
અમેરિકાના ન્યુ જર્સી શહેરની રવિવારની એક ખુશનુમા સવારે આખું કુટુંબ કિચનના ટેબલ ઉપર રજાના મૂડમાં ચા-નાસ્તાની મોજ માણી રહ્યું હતું ત્યારે ઉપરનો સંવાદ થયો. આખુ કુટુંબ એટલે ૬૫ વર્ષના નિવૃત નરેશભાઈ જોશી, એમનાં પત્ની જયવંતીબેન, નરેશભાઈનાં દીકરી પલ્લવી, દીકરા જેવો જ જમાઈ સંજય અને દાદા-દાદીનો ચહીતો દોસ્ત જેવો દસમા ધોરણમાં અભ્યાસ કરતો દોહિત્ર યશ.
યશ જન્મથી જ ભારત અને અમેરિકાની એમ બે દેશની સંસ્કૃતિના સંસ્કારો વચ્ચે ઉછરીને મોટો થયો છે. એના જન્મથી જ એ નરેશભાઈ અને જયવંતીબેન સાથે ઉછર્યો છે. ભારત વિશેની ઘણી વાતો એણે દાદા પાસેથી જાણી છે.
અમેરિકામાં કાયમી વસવાટ માટે આવ્યા એ પહેલાં નરેશભાઈ જોશી અમદાવાદની એક જાતીતી કેમિકલ કંપનીમાં ૩૦ વર્ષની વફાદારીભરી સેવાઓ આપી જનરલ મેનેજર તરીકે ૬૦ વર્ષની ઉંમરે નિવૃત થયા હતા. સમાજમાં અને મિત્ર વર્તુળમાં એમના મળતાવડા સ્વભાવથી જોશી સાહેબ તરીકે દામ સાથે સારું નામ પણ કમાયા હતા.
અમદાવાદની એક સોસાયટીમાં એમની કમાણીમાંથી બાંધેલ બંગલામાં રહી એમણે એમનાં બે બાળકો દીકરી પલ્લવી અને દીકરા જયંતને ઉછેરી એમને સારું શિક્ષણ આપ્યું હતું. કાળક્રમે નરેશભાઈ અને જયવંતીબેનએ એમની વ્હાલી દીકરી પલ્લવીને એના સારા ભવિષ્ય માટે કપાતા દિલે વધુ અભ્યાસ માટે અમેરિકા વિદાય કરી હતી. અમેરિકામાં પલ્લવીને એક સીટીઝન સુશિક્ષિત ભારતીય યુવક સાથે પરિચય થયો હતો જે પછી ઇન્ડીયામાં આવી લગ્નમાં પરિણમ્યો હતો. નરેશભાઈનો દીકરો જયંત પણ ભારતમાં સોફ્ટવેર એન્જીનીયરનો અભ્યાસ પૂરો કરી બેંગ્લોરની એક સોફ્ટવેર કમ્પનીમાં મેનેજરના પદ સુધી પહોંચ્યો હતો અને એની પત્ની સાથે ત્યાં સુખી હતો.
શરૂઆતના સંઘર્ષમય જીવન પછી છેવટે એમનાં બન્ને સતાનો એમની સુંદર કારકિર્દી બનાવી લગ્ન કરી સુખી થયેલાં જોઇને એમની વૃદ્ધાવસ્થામાં નરેશભાઈ અને એમનાં પત્ની જયવતીબેનનું અંતર મન ખુશીથી છલકાતું હતું.
આજથી ૧૨ વર્ષ પહેલાં નિવૃત્તિ પછી દીકરીએ પ્રેમથી નરેશભાઈ અને જયવંતીબેનને માટે ગ્રીન કાર્ડની વ્યવસ્થા કરી અમેરિકા તેડાવતાં તેઓ કાયમી વસવાટનો નિર્ણય કરીને દીકરીને ત્યાં ન્યૂજર્સી આવી ગયાં હતાં. અહીં દોહિત્ર યશ સાથે રમવામાં અને વાચન, લેખન, મિત્રમિલન અને પ્રવૃતિઓમાં સાહિત્ય રસિક નરેશભાઈનો સમય આનંદથી પસાર થઇ જતો હતો. આંતરે વરસે વતનની યાદ આવે ત્યારે પતિ-પત્ની અમદાવામાં એમના મકાનમાં રહી આવતાં અને ફેફસામાં વતનની હવા ભરી તાજાં માજા થઇ પરત અમેરિકા આવી જતાં.
આ ડીસેમ્બરમાં તેઓ યશને સાથે લઈને જવાનાં હતાં એટલે મનથી ખુબ ખુશ હતાં. યશ પણ દાદા-દાદી સાથે ઇન્ડિયા જવાનું મળશે એથી ખુશ હતો. સવારનો ચા–નાસ્તો પતાવી સોફા ઉપર બેસી અમદાવાદના સંબંધીઓ અને મિત્રોને યાદ કરી કોના માટે શું ભેટ લઇ જવી વિગેરે વાતો કરતાં બન્ને સોફા ઉપર બેઠાં હતાં ત્યારે નરેશભાઈને કૈક યાદ આવ્યું હોય એમ એમનાં પત્નીને કહ્યું, “તને યાદ છે, જ્યારે યશનો જન્મ થયો ત્યારે પલ્લવીની ડીલીવરી વખતે તું એકલી ન્યુ જર્સી આવી હતી. મારી જોબને લીધે મારે અમદાવાદમાં એકલા રોકાઈ જવું પડ્યું હતું.”
“હા, કેમ નહી, એ વખતે પલ્લવી અને સંજયની નવી નવી જોબ હતી. દીકરીની ડીલીવરી અને યશના ઉછેર માટે મારી હાજરી એમને માટે એક આશીર્વાદ રૂપ બની હતી.”
“એ વખતે અમદાવાદમાં જોબને લીધે હું એકલો રહેતો અને ટીફીન મંગાવીને જમતો. તારી હાજરી અમદાવાદમાં પણ જરૂરી હતી. આવા સંજોગોમાં બધાંએ ખૂબ વિચારીને યશના જીવનને સ્પર્શતો એક મોટો નિર્ણય લીધો હતો કે ત્રણ મહિનાના યશને લઈને તારે અમદાવાદ આવવું જેથી પલ્લવી અને સંજયની નવી જોબમાં કોઈ અડચણ ન આવે. અમેરિકામાં જોબનો કોઈ પણ ભરોસો નહીં. જ્યારે યશને એમનો પ્રેમ આપવાનો હતો ત્યારે જ એમના ફૂલ જેવા નાજુક બાળને એમનાથી વિખૂટો પાડતાં દીકરી અને જમાઈનો જીવ કપાયો તો બહુ હતો પરંતુ એમને હૃદયથી ઊંડી ધરપત હતી કે આપણે યશને પ્રેમથી ઉછેરીશું. એનાં મમ્મી -ડેડીની કોઈ ખોટ સાલવા નહી દઈએ.”
જયવંતીબેન ખુશ થતાં બોલ્યાં, “હા, આપણે દીકરીના હિતમાં ખુશીથી એક મોટી જવાબદારી સ્વીકારી હતી. પ્રભુ કૃપાએ એ જવાબદારીને આપણે સફળતાથી નિભાવી શક્યા હતાં. યશને પોણા બે વર્ષનો મોટો કરીને આપણે બન્ને એને અમેરિકા લઇ આવ્યાં હતા. જ્યારે અમેરિકા જઈને મોટા થયેલા યશને એમનાં સાચાં મા-બાપના હાથમાં આપણે એને સોંપ્યો હતો ત્યારે ખુશખુશાલ તંદુરસ્ત બાળક યશને નજરે જોઇને અને હૃદય સરસો ચોંપીને પલ્લવી અને સંજય કેટલાં ખુશ થઇ ગયાં હતાં.!”
નરેશભાઈ કહે, “ત્યાર પછી પણ યશ આપણી અને દીકરી-જમાઈની દેખરેખ નીચે મોટો થતો ગયો. એ ચાર વર્ષનો હતો ત્યારે દીકરા જયંતના લગ્ન વખતે એ ફરી અમદાવાદ આવ્યો હતો.”
જયવંતીબેનને કૈક યાદ આવ્યું હોય એમ કહે, “તમને યાદ છે, ચાર વર્ષના યશને લઈને આપણે બન્ને જયંતના લગ્ન પ્રસંગે વાયા શિકાગો અમદાવાદ જવા ન્યુ જર્સીથી પ્લેનમાં નીકળેલાં પલ્લવી અને સંજય પછીથી આવવાના હતા. શિકાગો એરપોર્ટ ઉપર ઈમિગ્રેશન ઓફીસના ઓફિસરે યશનો પાસપોર્ટ જોઇને કહ્યું કે પાસપોર્ટ એક્સ્પાયર થઇ ગયો છે. આપણે મોટી ચિંતામાં પડી ગયાં હતાં. પલ્લવી – સંજય સાથે ફોનમાં વાત કરી ખટપટ કરી યશને ખુબ સમજાવીને એર લાઈનની એસ્કોર્ટ સર્વિસની મદદથી ફક્ત ચાર વર્ષના યશને ન્યુવાર્ક જતા પ્લેનમાં સમજાવીને એકલો બેસાડી દીધો હતો. આપણે બે માંડ માંડ અમદાવાદની એર ઇન્ડિયાની ફ્લાઈટ પકડી શક્યાં હતાં.”
નરેશભાઈ ખુશ થતાં બોલ્યા, “જયવંતી, એ વખતે ચાર વર્ષના યશની અદા અને નિર્ભયતા જોઇને એના અમેરિકન સ્પીરીટ ઉપર હું ઓવારી ગયો હતો. અમેરિકન કલ્ચરની એ જ તો છે બલિહારી. આજે તો યશ અમેરિકા અને ભારતના સંયુક્ત કલ્ચરમાં ઉછરેલો પંદર વર્ષનો એક ચબરાક ટીન એજર થયો છે. કેટલો બધો સમજણો થઇ ગયો છે નહીં?”
અને યશના દાદા-દાદી જે દિવસની આતુરતાથી રાહ જોતા હતા એ દિવસ આવી ગયો. દીકરી પલ્લવી અને સંજયની ન્યુયોર્ક એરપોર્ટ ઉપરથી ભાવભીની વિદાય લઈને નરેશભાઈ, જયવંતીબેન અને યશ અમેરિકાના બીજા છેડે હજારો માઈલના અંતરે આવેલા વતન અમદાવાદ તરફ જવા માટે એર ઇન્ડીયાના પ્લેનમાં ગોઠવાઈ ગયાં. કલાકોની થાક ભરી મુસાફરી હતી છતાં અમદાવાદના એરપોર્ટ ઉપર પ્લેન લેન્ડ થતાં જ બધો થાક ભૂલાઈ ગયો અને પોતાના ઘરે આવી પહોંચવાના ઉત્સાહમાં એ પરિવર્તિત થઈ ગયો. અમદાવાદમાં એમના બંધ ઘરને ખોલીને સામાન ગોઠવી દીધો. બે દિવસ તો બદલાયેલા વાતાવરણ અને ટાઈમ ઝોનમાં જેટ લેગનો થાક ઉતારી સેટ થવામાં ગયા. નરેશભાઈના આગમનના સમાચારથી એમના સ્નેહીજનો અને મિત્રો ખુબ ખુશ હતાં. યશ એમના માટે નવો ન હતો કારણ કે એ અહી જ પોણા બે વર્ષનો મોટો થયો હતો. પંદર વર્ષના ‘પલ્લવીના ભાણીયા’ ઉપર સૌના વ્હાલની વર્ષા થઈ રહી. ન્યુ જર્સીના સ્ટોરોમાં ફરી ફરીને નરેશભાઈએ યાદ કરી કરીને લાવેલી ભેટની ચીજો બધાંને આપતાં લેનાર અને આપનાર બન્ને ખુશ થયાં.
થોડા દિવસોમાં જ યશ આ નવા માહોલમાં સેટ થઇ ગયો. જ્યારે નરેશભાઈના મિત્રોને ત્યાં જમવા જવાનું થાય ત્યારે પણ યશને જે ભરપૂર પ્રેમભર્યો આવકાર મળે, મનગમતી વાનગી ખવડાવે અને બાદશાહી સ્વાગત કરે, એમના સ્કુટર પાછળ બેસાડી ફરવા લઇ જાય, એ જોઇને યશ વિચારે ચડે કે ‘મેં કોઈને પહેલાં જોયાં નથી, ઓળખતો પણ નથી પરંતુ હું પલ્લવીનો દીકરો છું એટલું જાણીને જ પલ્લવી ઉપરનું એમનું બધું વહાલ મારી પર વરસાવે છે. એટલું જ નહી હેતથી ભેટે અને કહે છે. તું બરાબર પલ્લવી ઉપર જ ગયો છે.’ આ બધું નજરે નિહાળીને યશ તો આભો જ થઇ ગયો. ઘરના માણસોને બાદ કરતાં આટલાં પ્રેમાળ માણસો અમેરિકામાં એણે કદી જોયાં ન હતાં.
દાદા નરેશભાઈ દ્વારા એમના બડી યશને એના વેકેશનના સમયમાં ઇન્ડિયા વિશેનું શિક્ષણ કાર્ય અમદાવાદથી જ શરું થઇ ગયું. અમેરિકામાં યશ હંમેશાં કારમાં જ બધે ફરેલો પણ નરેશભાઈએ અમદાવાદની ઓળખાણ જેવી રીક્ષા ભાડે કરી યશને એમાં બેસાડી અમદાવાદનાં બધાં જાણીતાં સ્થળોની સેર કરાવી. અમદાવાદનો ઈતિહાસ સમજાવ્યો. માણેકચોકની ભેલ-પૂરી અને પાણી પૂરી પણ બીતાં બીતાં ચખાડી. રોડ ઉપર ગીચ ટ્રાફિકમાંથી હોર્ન વગાડતી રસ્તો કાઢતી રીક્ષાની મુસાફરીથી એ કોઈ નવા જ પ્રકારની અનુભૂતિનો અહેસાસ કરી રહ્યો. એને ગુલીવર ટ્રાવેલ્સની વાર્તા યાદ આવી ગઈ.
ત્યારબાદ નરેશભાઈ અને જયવતીબેન યશને લઈને એમના પ્લાન પ્રમાણે આબુ તથા ઉત્તર ભારતનાં મુખ્ય શહેરો – રાજધાની દિલ્હી, આગ્રાનો તાજ મહાલ, હરદ્વાર, વારાણસી વિગેરે સ્થળો બતાવ્યાં અને દરેકની વિગતે માહિતી આપી. નરેશભાઈનો દીકરો જયંત જ્યાં જોબ કરતો હતો ત્યાં બેંગ્લોરમાં એક અઠવાડિયું રોકાઈને દક્ષીણ ભારતનાં જાણીતાં સ્થળોની મુલાકાત પણ લીધી. બેંગ્લોર એટલે ભારતના તેમજ વિશ્વના ઈનફૉર્મૅશન ટૅકનૉલૉજી ઉદ્યોગનું જાણીતું હબ. જેમ અમેરિકામાં કેલીફોર્નીયાનું સીલીકોનવેલી એવું જ ભારતનું બેંગ્લોર. યશને આ શહેરમાં ખુબ રસ પડ્યો. પાંડીચેરીમાં જઈને મહર્ષિ અરવિંદ આશ્રમનાં પણ દર્શન કર્યા અને યશને કરાવ્યાં. આ બધાં સ્થળો જોઇને ભારતના શહેરો, એના માણસો, એમની બોલી, ધર્મ, દેખાવ વિગેરે વિવિધતાઓ જોઈ યશને નવાઈ લાગી અને આ દેશ વિષે એના ચિત્તમાં એક સ્પષ્ટ ચિત્ર અંકાઈ ગયું! એને મનમાં થયું કે એના કલ્પનાના ભારત કરતાં એના અનુભવનું ભારત કઈક જુદું જ છે.
આમ યશને બધે ફેરવતાં અમેરીકા પાછા જવાની તારીખ ક્યારે નજીક આવી ગઈ એની ખબર પણ ન પડી અને નિર્ધારિત તારીખે નરેશભાઈ, જયવંતીબેન અને યશ અમદાવાદથી માતૃભૂમીની વિદાય લઈને કર્મભૂમિ અમેરિકા તરફ જવા માટે વિહાર કરી રહ્યાં.
પ્લેનમાં લાંબી મુસાફરી દરમ્યાન યશ એની ભારત યાત્રા વિષે દાદા-દાદી સાથે વાતો કરતાં ધરાતો ન હતો. નરેશભાઈએ પૂછ્યું, ‘બોલ બેટા, તને ભારત કેવું લાગ્યું, ગમ્યું?’
ધાણી ફૂટે એમ યશએ બોલવાનું શરુ કર્યું, ‘દાદા, ઇન્ડિયા આવીને મેં જે કંઈ જોયું અને અનુભવ્યું એ પછી મને લાગ્યું છે કે આ દેશ ઘણી રીતે અનોખો છે. એની પાસે એની આગવી સંસ્કૃતિ અને ૫૦૦૦ પ્લસ વર્ષનો ઈતિહાસ છે. ફક્ત ૨૪૦ વર્ષનો જ ઈતિહાસ ધરાવતું અમેરિકા ઘણા દેશોમાંથી આવેલા વસાહતીઓનો બનેલો દેશ હોઈ ઘણા દેશોની સંસ્કૃતિઓનું ત્યાં સંમિશ્રણ છે. ભારતમાં ભલે અમેરિકા જેવી આધુનિક સગવડોનો અભાવ હશે, ગરીબી હશે પણ એનો હેરીટેજ – વિરાસત અદભૂત છે. માણસોમાં પ્રેમ છે, મળતાવડાપણું છે. ઘણું બધું સારું છે તો કેટલુક ન ગમે એવું પણ છે. મને એ ખબર નથી પડતી કે અમેરિકામાં રહેતા કેટલાક ભારતીયો એમના મૂળ દેશને નફરતની દ્રષ્ટીએ કેમ જોતા હશે. દાદા, મારા માટે તો ક્રિસમસ વેકેશનમાં કરેલી ભારતયાત્રા એક શિક્ષણયાત્રા બની ગઈ! એ માટે થેંકયુ દાદા.”
યશના આવા શબ્દો સાંભળી નરેશભાઈ ખુશ થઇ ગયા અને કહે, “હા બેટા, અમેરિકાની સરખામણીમાં ભારતમાં હજુ તો ઘણા સુધારા કરવાના છે અને એ થશે, થઇ રહ્યા છે. અમેરિકામાં પણ બધું જ સારું છે એવું નથી. એટલે બે દેશમાં જે કંઈ સારું હોય એ અપનાવી લઈને ચાલવું એ જ બધી વાતનો સાર છે. તું હંમેશાં એ યાદ રાખજે કે તું બે દેશની સંસ્કૃતિનો વારસ છે.”
યશ કહે, “કદાચ હું અવારનવાર ભારત આવી ન શકું તો પણ મારા મનમાં ભારત હંમેશાં જીવતું રહેશે. મારી આ ભારતયાત્રા પછી હું માત્ર કહેવાનો જ નહિ પણ એક સાચો “ઇન્ડીયન અમેરિકન” બનીને અમેરિકા પાછો ફરી રહ્યો છું!”
– વિનોદ પટેલ (સાન ડીયેગો, યુ.એસ.એ.)
Boring story , if they said that India is good country then why they are living in USA even his son lives in India , they are retire they should be stay in India
nice
બહુજ સુંદર વાર્તા……….
બહુ જ પ્રેરણાદાયી સત્યકથા. આભાર.
ખુબ સરસ
વિનોદભાઈની વાત કહો કે વાર્તા…હમેશા હૃદય સ્પર્શી જ હોય છે.
વાર્તા ગમી.
“ચમન”
ભારત મહાન છે એ સત્ય વાત છે…
True to all
कहते हैं हमको प्यार से ये इंडियावाले !!. વાર્તા ઘણી ગમી. દરેક ભારતીયને લાગુ પડે છે. આપણી સંસ્કૃતિ હજારો વર્ષ સુધી જીવન રહેશે. ગર્વથી કહી શકીએ, હું ભારતીય છું. ‘જય ભારત’.
સરળ વાત …જે સત્યકથાના સ્વરુપે જ રહે છે …વાર્તા નથી બની શકતી !!
Realistic fact.
“apni hi mitti pe chalne ka saleeqa seekho
Sang -e -mar mar par chaloge to phisal jaoge.”
વસ્ત્વિક્તા,,,ni સ્રર સ્ રજુઆત
બહુ જ પ્રેરણાદાયી સત્યકથા.