કમળપૂજા (વાર્તા) – હિમાંશી શેલત 4


હથોડાએ પોતાનું કામ પાકું કર્યું. પરસુને લોહી રેડાય એ ગમતું નથી, એટલે લાંબા વિચારને અંતે હથોડા પર પસંદગી ઢળી. બાવડામાં તાકાત નહીં, એટલે છ મહિના એને મજબૂત કરવા પાછળ આપેલા. બદરુ અખાડા જેવું ચલાવતો ત્યાંયે પરસુ આટાં મારી આવેલો. હાથવાળીને ગોટલા જોઈ પછી એ હરખાતો થયો. હથોડો નવો લીધેલો. પકડીને ફેરવવાની ટેવ પાડેલી. કામ પાકે પાયે થવું જોઈએ.

પહેલે ફટકે જ ઓરત ભોંયે પડી તેથી જરાય નવાઈ લાગી. આટલું સહેલું? દુર્બળ શરીર, પાંચ છ છોકરાને જનમ આપવામાં ખતમ થઈ ગયેલું. ન પ્રતિકાર, ન ચીસ. માટીનું હોય એમ ભોંયે ફસકાઈ પડ્યું એ. જે કરવા ધારેલું એ તો થઈ ગયું. હવે?

આટલેથી ચાલ, ભાગી જઈએ. નાના વાસુનો ડરથી ચગદાઈ ગયેલો અવાજ જરાક બહાર આવ્યો. ક્યાં જવાનું એ નક્કી કરેલું. લગભગ ગોખી કાઢેલું. બાવાજીની ઓરડીએ જઈ ક્યારના તે તરફ જ હતા એમ દેખાડવાનું, બાવાજી સાથે વાતચીત કરીને પછી સીધા બસને અડ્ડે. અજાણી જગ્યાની એકાદ બસ પકડી લેવાની, જે મળે તે. દૂર નીકળી જવાનું. બાવાજીને છોડ, બસ પકડી લઈએ. કદમ કાકો ગમે તે ઘડીએ આવી લાગે તેવો છે. રમણ તો વળી વાસુથી વધારે ડરપોક છે. પરસુ, આવડી મોટી ઘટનાને અંજામ દેનાર પરસુયે, સહેજ હચમચી ગયો. થયું કે વાસુ અને રમણની બીક બરાબર છે. ભાગવું જરૂરી છે.

ઝડપથી ભાગવામાં વાસુના રાંટા પગ અને રમણનો રઘવાટ નડ્યા. લગભગ ખેંચીને બેયને દોડાવવા પડ્યા આલ્યા, કઈ બાજુ દોડો? રસ્તે આવા સવાલો ભટકાયા તેમાં બેચાર વખત ગડથોલું ખાધું, પણ છેવટે બસનું ઠેકાણું આવી ગયું. પરસુએ ગજવામાં પડેલા પૈસા પર હાથ અડાડી જોયો. રાજસ્થાન તરફ જતી બસ હાંફતી હતી, દોડતાં પહેલાં જ. છ પગ ફટાફટ ઉપર ચડી ગયા, એક જ શરીર પર ચોંટાડ્યા હોય એવી રીતે. દૂરના ગલ્લા પર એક બે ખાખી, દંડા ફેરવતા, પાન મસાલો ચગળતા, રૂઆબથી થૂંકતા હતા. હજી તો કોઈને ક્યાં કશી ખબર જ હતી તે એમનાથી ગભરાવું પડે? પરસુ ચાહી કરીને એ તરફ આંટો મારી આવ્યો, બિસ્કિટનું પેકેટ ખરીદ્યું. આમતેમ જોતો પાછો બસમાં દાખલ થયો. એટલી ક્ષણો દરમિયાન વાસુ રમણ અદ્ધરશ્વાસ અને બહાવરા. ગંદા રૂમાલથી બોચી ઘસીને પરસુએ એ જ રૂમાલ વાસુને આપ્યો. ત્રણેયની સંતાતી નજરને બસમાં ફરવાની છૂટ હતી. મં ઢાંકીને બેઠેલી એક બાઈનું છોકરું એને પજવતું હતું. બાઈ એના તરફ હાથ ઉગામતી હતી, છતાં એકેય વાર એણે છોકરાને માર્યું નહીં.

ડ્રાઈવર બેઠો. હાશ… બસ આંચકા સાથે એના અડ્ડામાંથી બહાર નીકળી. વતન છોડીને કોઈ અજાણી અને બેરહેમ દુનિયામાં જવાનું હતું તોયે આંખો કોરી જ રહી. અંદર નર્યું રણ ફેલાયેલું, પછી ભીનાશ આવે ક્યાંથી? પરસુએ બંધ આંખો વચ્ચે આખા દ્રશ્યના ટુકડાઓ એકઠા કર્યાં. ઓરત લોટ મસળતી હતી. પરસુ પાછળથી આવ્યો. હથેળીના પરસેવાના કારણે હથોડો મજબૂતઈથી પકડાતો નહોતો. પરસુએ ચડ્ડી પર ઘસ્યા. વાસુ – રમણ બારણે હતા. કોઈ દેખાય તો એમણે ખાંસી ખાઈને પરસુને ચેતવવાનો. પોચકા વાસુએ અમથી જ ખાંસી ખાઈ લીધેલી, બીકમાં ને બીકમાં. પહેલે જ ફટકે ઓરત ઊંધી પડી, કથરોટ પર. મોં ફેરવીને પાછળ જોવાનો વખત જ ન મળ્યો જ નહીં. પતી ગઈ હશે? શંકા લાગી એટલે જ બીજો ફટકો. સાવ બોદો અવાજ. ભોંયે ચગદાયેલા હોઠમાંથી આછી ચીસ સાથે થરથરતા બોલ નીકળ્યા હોય એમ પરસુના કાનને લાગ્યું. માત્ર કાનને જ. મરી ગઈ… એ પરસિયા રે….પરસ…

* * * *

એકાદ વરસ પરની સાંજ. છ આંખો મોં ઢાંકીને બેઠેલી ઓરતને વીંધી રહી. કહેવાય તો જનેતા. એના પગની ધૂળ માથે ચડાવવાની હોય. પણ મોં કાળું કરીને બેઠી એનું શું? છ આંખો, ધગધગતા સળિયા જેવી, ઓરતને ડામ દેતી હતી. આંખની સત્તા અને તાકાત હોય તો બાઈને ક્યારનીયે રાખની ઢગલી બનાવી દીધી હોત. ઊડી જાત હવા ભેળી, ન નામ, ન નિશાન. કોઈને જવાબ દેવાનું અઘરું કામ કરવું ન પડત. આઈ કુઠે ગેલી, માહિત આહે?

અબે, તુમ્હારી મા કિધર ગઈ હૈ, પતાબતા હૈ કુછ? રાત કો ઘર પે થી, યા બાહર?

અલ્યોં, મોં ક્યાં ભટકે સે તે ભાનબાન છે? આખા ગામના મરદને ગાંડા કરી મેલવાની સે!

કોઈના મોં બંધ થાય નહીં. જવાબ દેવાય નહીં તમારે શી પંચાત છે? જાઓને જહન્નમમાં, પરસુ મનમાં દુનિયા આખીને બરાબરની ભાંડ્યા કરે છે. પછી થાય કે મા ઈજ્જતથી રહેતી હોત તો આ બધું સંભાળવું ન પડે. ફાટેલી ચડ્ડીના ગજવામાં હાથ નાખી, ભોંય પર થુંકવાથી આગલ કશું કરી શકતો નહીં. ભણવા મૂકેલા ત્રણેયને એટલે ઓરડીમાંથી નિયમિત નીકળી જવાનું. પછી નિશાળે જ જવું એવો કોઈ નિયમ તો હતો નહીં. ત્રણેયને લખી વાળેલા. બાપ હતો ત્યારેય લગભગ આવું જ હતું. કોઈક વાર ઘાંટો પાડવા જેટલો કે મા-બેનની ગાળ આપવા જેટલો મિજાજ એની પાસે હતો ખરો, પણ અત્યારે તો એયે બંધ. સરકારી મહેમાન બનીને પથ્થરીયા મહેલમાં આરામ ફરમાવતો હતો. ચોરીચપાટી, મારફાડ, દંગાફસાદ, દારૂજુગાર, મારામારી, ધમકી- એને નામે અપરાધ એટલા કે ડીલે બણબણતી માખ, જ્યાં હાથ નાખો ત્યાં મળી આવે. ઓરતને ભાગે કંઈ કામકાજ નહીં. પરણ્યાને કુલ વરસ અગિયાર, એમાં દર બીજે વરસે એક બચ્ચું, એવું જબરદસ્ત પ્લાનિંગ. એ મુજબ પાંચ આવ્યાં, ત્રણ બચ્ચા. બે છોકરી હતી, તે વહેલી મરીને સુખી થઈ. પુરુષાર્થી ક્રમ ઘરમાં જ હોત તો આ ક્રમ અખંડ ચાલત, પણ એ તો હવે પથ્થરિયા મહેલમાં જીવે, એટલે બધું ખોટકાયું. અચાનક અટકી ગયું.

ચૂલો સળગાવી શકાયો ત્યાં લગી ઓરતે બારણું કે બારી ઉઘાડીને બહાર જોયું નહીં. પછી લાકડાં, કેરોસીન, અનાજ, તેલ અને ધીરજ ખૂટી ગયાં. ત્રણ છોકરાનું નવું લોહી ને વધતું શરીર. ત્રણેય ભસમખાઉ. લાવ, લાવ કર્યા કરે. આંખો પીછો કરતી રહે. પેટ નથી ભરી શકતી તો પેદા કેમ કર્યા, એમ જીભ હલાવ્યા વિના જ પૂછે. ઓરત લાચાર થઈને જોયા કરે, ઢસરડા કરે, તોયે પેટના ખાડા ઊંચા આવે નહીં. તળિયું જ દેખાયા કરે. શું કરવું એની ગમ પડે નહીં, કંઈ આવડે નહીં, પથ્થરીયા મહેલમાં વસતા આદમીને મૂંઝવણ દેખાડવા જાય પણ એ તો રાજા કહેવાય. રૈયતના ઉકેલ એની પાસે હોય નહીં. દાંત ખોતરતો ઓરત સામે જોયા કરે. ન લેવા, કે ન દેવા. ઓરતને પેલી બધી રાત યાદ આવી જાય જ્યારે….

ભારે પગલે એ પોતાની દુનિયામાં પાછી. બાપા કેમ છે? કંઈ કીધું? એમની રકમ કોઈ કનેથી કાઢવાની હોય કે એવું કંઈક…

પરસુ મોટો એટલે જવાબદારી દેખાડે. ઓરત બોલે નહીં, ચિંતાએ એની જીભ ચાવી ખાધી હોય.

ત્યાં ભોંય ફાડીને નીકળ્યો હોય એમ કદમ આવી ગયો સાથે. ઓરત એને જોઈ પીગળી ગઈ. રોજના જેવી જ સવાર અને નળ પર રોજ જેવી જ લાઈન. ડોલ, દેગડા, પીંપડાં, કેરબા, તપેલાંની. વારો આવ્યો ત્યારે ઓરત ડોલ લેવા વાંકી વળી. આજુબાજુમાંથી કોઈકે મોંની ગંદકી બાઈ પર ઠાલવી. બહુ ખરાબ ન કહેવાય, કે ખોટું લગાડવા જેવુંયે નહીં. અમારા એરિયાની રંડી જેવું કશુંક બોલાયું. બાઈ તો જાણે સાંભળતી ન હોય એમ ચાલી જતી હતી, ત્યાં કદમ ધડ દઈને આવી પડ્યો, ભોંયમાંથી કે આભમાંથી? ગાલી કોને આપે છે સાલા? સામ્ભે આવીને બોલ, ઓરતને પરેશાન કરવામાં સું લેવા જવાનું છે? કદમ એટલે છ ફૂટ, કાળી ભમ્મર દાઢી, લોખંડના ગઠ્ઠા જેવા હાથપગ અને તીખી તમ તમાટ નજર. પેલો બોલનારો મોં સંતાડવાની પેરવીમાં ભીડમાં ભરાયો.

ભાગે છ કાં બીકણ બાયલી! કદમ એમ છોડે નહીં. અલ્યા, તને ગાળ આપીને બૈરું બનાવે છે આવો આ! બોલનારને પોરસ ચડાવવા નવરાઓ મથ્યા, પણ પેલો તો જાતનું પડીકું વાળીને છટકી જ ગયો. ઓરતની આભારવશ ભીની નજર પળ, અડધી પળ, કદમ પર ઠરી. બસ, ઘટનામાં આટલું, ઢાળ મળે ત્યાં પાણી ઢળે.

કદમ લારી પર આચરકૂચર ખાય તેને ઠેકાણે ઓરતે પોતાને ઘેર એને જમાડવાની શરૂઆત કરી. કદમ પૈસા આપે એટલે ચૂલો નિયમિત સળગવા લાગ્યો. રમણ પરસુને પૂછે કે આ રાખ્ખસ આટલે આવીને ડોઝરું કેમ ભરે છે… પરસુ ઓરતને પૂછે.

આટલે ખાય ને ખરચ આપે તો નભી જાય. તું બી ભણી કાઢ આઠ-દસ ચોપડી. પછી કામધંધે લાગી જાય તો…

પરસુ અડધી પડધી ડોક હલાવે. કદમકાકો દૂરનો સગો છે? ઓરત ના પાડે. બાપનો દોસ્તાર? ઓરત માથું હલાવે, નકારમાં. તારા ગામનો કોઈ? ના. બાપાને ખબર છે? એને કે’વાની જરૂર નથી. એ ક્યા દલ્લાને દાટીને ગયેલો છે તે એને બધું કે’વું પડે? મફતના રોટલા ખાય છે તે ભલે ખાતો.

પરસુ વાસુ રમણને સમજાવે. કદમકાકો માને ખર્ચી આપે છે. માને પૈસા મળે તેમાંથી ઘર ચાલે. એને ધંધો કે’વાય? વાસુને પણ સવાલ થાય છે. ધંધો તો ખરો, કેમ? પરસુને બધી ખબર છે. બલિયોમામો એમ કે’કે તારી મા ધંધો કરે છે. વાસુ ડોબો છે. ગલીને નાકે બની ઠનીને એક છોકરી ઊભેલી તો સૂરજે એમ કહેલું કે સામે જોવાનું નહીં. ઝટપગ ઉપાડવાના, એ તો ધંધો કરે છે. એ વળી કેવોક ધંધો?

કદમકાકો ચોક્કસ ટઈમ પર જમવા આવે છે. જમ્યા પછી પણ કોઈક વાર બેઠો રહે છે. મા હસી હસીને વાતચીત કરે છે. ક્યારેક સારી સાડી પહેરે છે તો વાર-તહેવારે ખીર કે શીરોય બનાવે છે. કદમકાકા કેટલા આપે છે? પરસુ મરદ છે ઘરનો. બાપા નથી એટલે ધ્યાન રાખવાનું છે બધું. જાણકારી હોવી જોઈએ. ફરજ બજાવવી પડે. તારે જાણવાનું કંઈ કામ? તું તારે ભણને. પછી કમાણીની વાત. વાતને ટાળે છે ભાઈ. બારીક નજરે પરસુ ઘરના તાલ જુએ છે.

મા કદમકાકાને સાચવે છે. આદમીની જાતથી જે ન થાય તે ઓરત ચપટીમાં કરી દેખાડે. કદમકાકાનું ફટેલું શર્ટ સંધાય જાય છે. એનું માથું ફાટે ત્યારે આદું-તુલસીના ઉકાળા સામે ગોઠવાઈ જાય છે. પેટ બગડે તો છાશ ભાતથી થાળી ભરાય છે. કદમકાકો બીડી છોડવાનું કરે છે. હજી સુધી ફાવ્યો નથી, પણ કોશિશ ચાલું છે. કાય્યમ આટલે જ પડી રહેવાનો છે આ કદમકાકો? બાપા આવી જાય પછી પણ? વાસુ-રમણ અંદર અંદા ગુસપુસ ચલાવે છે. પૂછ તો ખરો તું મોટો છે. તને કેય. પરસુ ચાલાકી દેખાડી જાણવા મથે છે. બાપા કે’વારે છુટવાના? ખબર નથી, મોં ફેરવી ઓરત જવાબ આપે છે. તને નહીં તો બીજા કોને ખબર? પરસુ મુદ્દાને ચોંટેલો રહે છે. જાતે જઈને પૂછી આવ, માલી આવ તારા બાપને.

પરસુ ચોપડીમાં મોં નાખી સતી અપાલાનો પાઠ વાંચે છે. સાહેબે કહેલી અને જરાતરા સાંભળેલી સતીઓની વાત યાદ કરે છે. દ્રોપદી, સીતા અને દમયંતીનિ વિગતો અહલ્યા, અનસૂયામાં ભેળસેળ થતી રહે છે. કદમકાકાને ના પાડી દે ને! ઓરત લાલ આંખે જુએ છે. કેમ? તને નડે છે? ખાવા જોઈએ છે કે નથી જોઈતું? રોકડા આપે છે મહિને. પરસુ પગના અંગૂઠાથી મંકોડો ચગદી નાંખે છે. અમને નથી ગમતો. અમને તણેયને. તો આધા રે’વાનું. એ જાય પછી આવ્વાનું.

આ ઓરતતો દુશ્મન છે. ખાલી કહેવાની જ મા છે. દગડુની ચાલમાં રાતે રામાયણ જોવા પહોંચેલા ત્રણેય ભાઈઓ. વાસુ ઊંધી ગયેલો, રમણ બગાસાં ખાતો હતો, પરસુએ અગ્નિપરીક્ષા બરાબર જોઈ. ચાલની ડોશીએ રડવા બેઠી. એમને જ અગ્નિપરીક્ષા આપવાની હોય એમ. ભડભડ આગમાં સીતામૈયા, પછી આકાશમાંથી ફૂલો પડે. એ તો સતી, એમને કંઈ ન થાય.

પછી એ જ રાતે કડાકાભડાકા સાથે તૂટી પડ્યો. છાપરીને ઊભી ચીરી નાખતી વીજળી પરસુની આંખમાં ભોંકાઈ ગઈ. પતરાના ઝીણા અમસ્તા છેદમાંથી પાણી ટપકતું થયું, સીધું પરસુના કપાળે પથારી ખસેડવાનો કંટાળો આવતો હતો તોય છેવટે ખસેડવી પડી. પતરા પર ધમાધમ નગારાં ટિપાતાં હતાં. લાગલી જ નજર માની પથારી તરફ ગઈ. મા દેખાઈ નહીં. આવામાં કાં ગઈ એવી એ? ઊભો થયો બારણું ઠાલું જ વાસેલું. ધમધમાટ પડતો હતો. ધોળુંધબ અંધારું હતું સામે. કોઈ દેખાઈ નહીં એવું ઘટ્ટ.

મળસકે મા આવી. વરસાદ બંધ થઈ ગયેલો. આવી તેવી જ પથારીમાં લાંબી થઈ ગઈ. પરસુની આંખમાં કરવતની ધાર ફરી ગઈ.

* * * *

લે પરસિયા ચા પી લે.

કાન તૂટેલા કપમાં ચા ગળાઈ. કદમકાકાનો કપ નવો. મોટો, ટબલર જેવો. લાત મારીને ચા ઢોળી કાઢવાનું દિલ થયું. બળતી આંખે ચા લઈ પરસુ બહાર નીકળી ગયો. હજી તો કપ મોંને અડે તે પહેલાં હાલકડોલક કદમકાકો સામે. કેમ રે પરસુ! ચા થેઈ ગઈ? તારી કોડા જેવી આંખે જુએ છે કે ચા થેઈ ગઈ છે, ને પાછો કાલો થાય છે, લબાડ!

વાસુને કદમકાકો બિસ્કિટ આપે છે. ખા, ખા, જો, અંદર ગુલાબી ક્રીમ છે. વાસુ લાલચમાં હસી પડે છે. ભિખારી ક્યાંનો! છે જ ખાઉધરો. ભૂખલાને એક ઝાપટ લગાવવી જોઈએ. થપ્પડ નથી મરાતી એની દાઝમાં પરસુ બારણાને મુક્કો ઠોકી દે છે. મુડદાલ બારણું હચમચી ઊઠે છે. કેમ લ્યા, બો તકાત દેખાડે છે! કદમકાકો ખીખી હસતો, સુડુડુડુ અવાજ જોડે ચા પીતો, બોલે છે. પછી કે’ છે કે ભણવાનું, હુંસિયાર થવાનું માને સચવવાની. કામ કરવાનું. પરસુને થાય છે કે ગળું દાબી દેવું જોઈએ કદમડાનું. વાંક માનો છે કે આવાને ઘરમાં ઘાલે છે. એ મઝાનું હશે છે ને પૂછે છેકે બીજી ચા પીવી છે, આદું નાખીને બનાવું? સાલ્લી ઓરત જાતની તે..

ગણેશચોથ નજીક છે. દગડુની ચાલમાં મંડપ નંખાયો છે. પરશુ જરા ખુશ છે. આ દસ દહાડા એને મનગમતા છે. રોજેરોજ ગળ્યું. મસ્ત ગીતો વાગે, પાનાં રમવાનાં. રાત બધી જાગવાનું. કોઈ પૂછે નહીં. દાંટ પડે નહીં. ચૌદશને દહાડે ગાંડા થઈને નાચવાનું, ટાંટિયા ખરી પડે ત્યાં લગી. જલસા, ચિક્કાર જલસા.

ઘરમાં લાડુ બનવાના છે. જરૂરી સામાન આવી ગયો છે. લોટ, ઘી, ગોળ અને ખસખસ, ચારોળી. માને લાડુ બનાવતાં આવડે છે? વાસુને નવાઈ છે. એણે હજી લગી ઘરમાં લાડુ બનતો દીઠો નથી. પૈસા જોઈએ લાડુ બનાવવા. તમારા બાપે આપ્યા નથી કોઈ દહાડો. આ તો કદમકાકાએ કીધું કે ચોથ પર છોકરાવ માટે લાડુ બનાવ એટલે…

ફરી પાછો કદમકાકો. પરસુ તપી ગયો. નથી ખાવા લાડુ એ હરામીના. લોટા અને ઘીની સુગંધથી બધું મધમધે છે. વાસુ અને રમણ કહે છે કે લાડુ તો ખાવા પડે. પરસાદ કે’વાય. બાપા ગણપતિને ખરાબ લાગે. પરસુની જીભ સળવળ સળવળ થાય છે, છતાં હોઠ ભીડીને એ બેઠો છે. મા જ નક્કામી છે, કેવી લળીલળીને દાબડો ભરે છે કદમકાકા માટે! પછી ભજિયાંયે બનાવવાની એ, વંતરી જેવી… બાપાની ગેરહાજરીમાં જશન મનાવે એ આ ઓરત, ઘરને ગંધવી માર્યું કદમડાને પેસાડીને… છોકરાને જોવાને બદલે આખો દહાડો કદમ કદમ કદમ….

પોતે ઘરનો મરદ છે. ધારે તે કરી શકે. આબરૂને સાચવવાનું કામ પણ. બોલતી અંધ કરી દે દુનિયાની. લો, કરી દેખાડ્યું. આ ફેંસલો છે મારો, જોઈ લો. મરદનો ફેંસલો.

* * * *

વાસુ – રમણને બારણે રાખેલા છે. કોઇ આવતું દેખાય ત્યારે ખોટી ખોટી ખાંસી ખાવાની. બીકણ વાસુએ ખાંસી ખાધી ત્યારે પરસુના હાથ જરા થથરી ગયેલા. કોઈ નહોતું. બપોરે બધું આવું જ હોય, મસાણ જેવું સૂમસામ. પૂરી તાકાતથી હથોડો ઓરતને માથે ઝીંકાયો. પહેલે જ ફટકે તફડી પડી મોંભેર. પછી ચગદાયેલા હોઠમાંથી સરી પડ્યું એક નામ, પરસિયા… ઓ પરસિયા રે…

* * * *

ઓળખીતાં ઝાડપાન, રસ્તા, માણસ પાછળ રહી ગયાં ત્યારેય બસના ખડખડ હેલારામાં અને કાચા રસ્તાની ગોટંગોટ ધૂળમાં ઠેબાં ખાતી એક ઓરત હાથ ઊંચો કરીને બૂમો મારતી હતી એમ પરસુને દેખાયું. એના ખુલ્લા મોંમાથી સતત ચીસો નીકળતી હતી, જે કાને પડતી નહોતી, તોયે પરસુને સંભળાતી રહી. પરસુ… પરસિયા રે… ઓ પર….

– હિમાંશી શેલત

(‘નવનીત સમર્પણ’, નવેમ્બર ૨૦૦૬ના અંકમાંથી સાભાર)


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “કમળપૂજા (વાર્તા) – હિમાંશી શેલત

  • Sanjay Pandya

    છેલ્લા બે દાયકાના ઉત્તમ વાર્તાલેખિકા…માનવ સંવેદનાઓને એમની કલમ દરેક વાર્તામાં નોખી રીતે આલેખે છે .

  • નિમિષા દલાલ

    ખૂબ ખૂબ આભાર જિજ્ઞેશભાઈ.. મારે અભ્યાસ માટે હિમાંશીબહેનની વાર્તાઓ વાંચવી હતી તેમાં સહાય રૂપ બનેલી આ વાર્તા અક્ષરનાદ પર મૂકવા બદલ…