પાણીપુરીનો પૉર્ટફોલિઓ – ડૉ. હાર્દિક યાજ્ઞિક 14
ઘણા વખત પછી હાર્દિકભાઈ આજે ઉપસ્થિત થયા છે અને તે પણ પાણીપુરીની વાત સાથે… પાણીપુરીના ઈતિહાસને શોધવાની પળોજણમાં ઉતર્યા વગર તેમણે પાણીપુરીના વૈવિધ્ય, સ્વાદાનુસંગતિ, આકર્ષણ, ફિલસૂફી, જીવનદર્શન, યોગ્યતા, મોહ અને અનન્યતા વિશે પુરી ભરીને લખ્યું છે. જો કે તેમણે આપેલ પાણીપુરીની ફિલસૂફી સાથે મારે ઉમેરવાનું હોય તો કહું કે…. આજકાલ સાત વિવિધ પાણી સાથેની પાણીપૂરી મળે છે, જે વિવિધતામાં એકતાનો સંદેશ આપે છે, સપ્તપદીના સાત વચનો કે સરગમના સાત સુર કે મેઘધનુષ્યના સાત રંગો જેટલી જ એ દરેક પાણીની વિશેષતા છે. કર્મ કરવાની અને ફળની ચિંતા છોડવાની સ્થિતપ્રજ્ઞતા પાણીપુરી ખાઈ રહેલ કોઈ પણ મનુષ્યના ચહેરા પર જાણે બોલ્ડ યુનિકોડમાં લખાયેલ હોય છે, પાણીપુરીને અંતે મંગાતી સૂકી પૂરી કે ચૂરામાં મોક્ષની પ્રાપ્તિ જેવો અનેરો આનંદ રહે છે, એક કે બે પ્લેટ ખવાઈ ગયા પછી વધુ ન ખાવા દ્વારા ઉત્પન્ન થતો આત્મસંયમ, પાણીપુરી એક આખું પુસ્તક છે. પાણીપુરીના સ્વાદ જેવો જ અદ્રુત આ લેખ અક્ષરનાદને પાઠવવા બદલ હાર્દિકભાઈનો આભાર.