પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો..(૩) – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૮)
આગળ આપણે જોયું કે પથિકની અયોગ્ય વર્તણુંકનાં ઘણાં કારણો હોય શકે અને દરેક કારણને વિગતે જોવાનાં આપણાં નિર્ણય સ્વરૂપે આજે પથિકનાં કિસ્સાના ત્રીજા ભાગની ચર્ચા કરીશું. આપણો ત્રીજો મુદ્દો હતો પથિકને ADHD અથવા HYPER બાળક કહી શકાય? જવાબ નક્કી કરતા પહેલાં જાણવું જરુરી છે કે બાળકને ADHD અથવા HYPER ક્યારે કહી શકાય? અથવા ADHD એટલે શું? ADHD એટલે Attention Deficit Hyperactivity Disorder. નામ જ સુચવે છે કે આ એક Disorder છે, મગજનાં કોમ્પ્યુટરમાં ઊભી થતી એક અવ્યવસ્થા જેના કારણે બાળક કોઈપણ કામમાં લાંબો સમય ધ્યાન કેન્દ્રીત કરી શકતું નથી. બાળક અવિરત ઉર્જાનો સ્ત્રોત છે અને આ ઉર્જા વાપરવી એ બાળકની જરૂરિયાત છે આથી ભલે એકાગ્રતાની ખામીનાં કારણે આમ કોઈ કાર્ય પુરું કરી ન શકતું હોવા છતાં બાળક સતત કોઈને કોઈ પ્રવૃત્તિમાં પરોવાયેલું રહેવા માંગે છે અને મોટાભાગે બીનઉપયોગી અને નકારાત્મક પ્રવૃત્તિ કરતું રહે છે. બાળકને ADHD છે એવું તારણ કાઢતાં પહેલાં કેટલાંક ભયસ્થાનો તપાસી લઈએ.