રવિનું ઓળખપત્ર – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૧) 11
ઝંખનાબેન ખૂબ વ્યાકુળ હતાં. મારા ક્લીનીકનાં વેઈટીંગ રુમમાં દસ મિનિટનું વેઈટીંગ પણ તેમને અકળાવતું હતુ. ઝંખનાબેન એમના ૮ વર્ષનાં દિકરા રવિ માટે ખૂબ ચિતિંત હતા. રવિનું વર્તન એમને સમજમાં નહોતુ આવતુ. છેલ્લા ૨-૩ મહિનાથી રવિ સ્કૂલમાં, ટ્યુશનમાં અને ઘરની બહાર સોસાયટીમાં બિલકુલ શાંત બેસી રહેતો. ક્લાસમાં પૂછે એના જવાબ ન આપતો, ઈતર પ્રવૃત્તિઓથી તદ્દન દૂર રહેતો, રીસેસમાં એકલો જ ટીફિન ખાતો, સ્કૂલના ગ્રાઉન્ડ પર પણ બીજા બાળકો સાથે રમતો નહી. ઘરની બહાર સોસાયટીમાં પણ રવિની ઉંમરના ૮-૧૦ બાળકો હોવા છતાં રવિ કોઈ સાથે રમતો નહીં અને એકલો જ બેસી રહેતો. સગા-સબંધીઓને ત્યાં કે બહારગામ લગ્નપ્રસંગે જતાં ત્યાં પણ રવિ બધાથી અતડો રહેતો. જ્યારે ઘરમાં આનાથી તદ્દન વિરુધ્ધ વર્તન કરતો.